સોનાની ખતરનાક ખાણ: ‘આ કામ જોખમી છે, પરંતુ 15 દિવસમાં 1100 ડૉલર અને સોનું મળે છે’

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નોમસા માસેકો
- પદ, બીબીસી ન્યૂઝ, જોહાનિસબર્ગ
આ કહાણી છે એવી ખતરનાક સોનાની ખાણની જ્યાં ઊતરનારાઓને કાં તો મૃત્યુ મળે છે અથવા 1100 ડૉલરની કમાણી જે તેમના માટે મોટી રકમ હોય છે.
આવવરું જગ્યાએ આવેલી સોનાની ખાણીનું નિયંત્રણ ગુંડાઓની ટોળકી પાસે છે જેમાં લગભગ 600 પુરુષો છે. સોનાની ખાણ જાણે એક નાના શહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે.
અને અહીં કામ કરનારા ખાણિઆઓમાં એક ઍન્ડ્રુમિસો નામનો માણસ પણ છે.
અહીં માર્કેટ્સ અને રેડ લાઇટ એરિયા સહિત બધું છે અને આ બધું દક્ષિણ આફ્રિકામાં સોનાની અવાવરું ખાણની અંદર વિકસ્યું છે.
ઍન્ડ્રુમિસોએ બીબીસીને જણાવ્યું હતું કે એક મોટી ખાણ કંપનીએ નોકરીમાંથી છટણીમાં તેમની નોકરી જતી રહી ત્યાર બાદ તેમણે ભૂગર્ભની એક ગૅંગમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો અને તેઓ 'ઝમા ઝમા' નામે ઓળખાતા ગેરકાયદે ખાણિયા બની ગયા હતા.
તેઓ કિંમતી ધાતુઓ માટે ખોદકામ કરે છે અને કાળા બજારમાં તેને વેચીને નફો કમાવા માટે દર ત્રણ મહિને બહાર આવે છે.
એ નફો તેમની અગાઉની કમાણી કરતાં વધારે હોય છે, પરંતુ તેમાં જોખમ પણ બહુ વધારે છે.

જમીનની નીચે નોખી ‘દુનિયા’

ઇમેજ સ્રોત, Getty Images
પોતાનું અસલી નામ જાહેર ન કરવાની શરતે 52 વર્ષના ઍન્ડ્રુમિસોએ બીબીસીને કહ્યું હતું, "અન્ડરગ્રાઉન્ડ જીવન બહુ નિર્દય છે. ઘણા લોકો જીવતા બહાર આવતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"શાફ્ટના એક લેવલ પર મૃતદેહો અને હાડપિંજર હોય છે. અમે તેને ઝમા-ઝમા કબ્રસ્તાન કહીએ છીએ."
જોકે, ઍન્ડ્રુમિસો જેવા જે લોકો ત્યાં ટકી રહે છે તેમના માટે એ કામ બહુ કસદાર બની શકે છે.
દિવસો સુધી આકરી મહેનત કર્યા પછી ઍન્ડ્રુમિસો રેતીની ગુણીઓ પર સૂઈ જાય છે, જ્યારે તેમનો પરિવાર મેઇન સિટી જોહાનિસબર્ગની એક ટાઉનશિપમાં તેમણે ખરીદેલા મકાનમાં રહે છે.
ઍન્ડ્રુમિસોના જણાવ્યા મુજબ, તેમણે એક બેડરૂમના ઘર માટે રોકડા 1.30 લાખ રેન્ડ (આશરે 7,000 ડૉલર, લગભગ રૂ. છ લાખ) ચૂકવ્યા હતા. એ ઘરને વિસ્તારીને હવે ત્રણ બેડરૂમનું કરવામાં આવ્યું છે.
લગભગ આઠ વર્ષથી ગેરકાયદે ખાણિયા તરીકે કામ કરતા ઍન્ડ્રુમિસો તેમનાં ત્રણ બાળકોને ફી વસૂલતી સ્કૂલ્સમાં મોકલવામાં સફળ થયા છે. તેમનું એક સંતાન હવે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
"મારે મારાં પત્ની અને બાળકોની સંભાળ લેવાની છે અને કમાણીના આ એકમાત્ર માર્ગની મને ખબર છે."
સોનું, સત્તાધીશ અને સંઘર્ષ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એમ કહેતાં ઍન્ડ્રુમિસોએ ઉમેર્યું હતું કે કાયદેસરનું કામ શોધવામાં વર્ષો પસાર કર્યા પછી કારચોર કે લૂંટારુ બનીને ગુનાખોરીના દરમાં વધારો કરવાને બદલે તેમણે ભૂગર્ભમાં કામ કરવાનું પસંદ કર્યું હતું.
તેઓ હાલ જોહાનિસબર્ગની દક્ષિણ-પશ્ચિમે લગભગ 145 કિલોમીટર દૂર વસેલા સ્ટીલફોન્ટેન નામના નાનકડા શહેરમાં આવેલી એક ખાણમાં નોકરી કરે છે.
હાલમાં ખુમ્બુડઝો ઍનત્સાવેની નામના એક પ્રધાને સ્ટીલફોન્ટેન નજીકની ગેરકાયદે ખાણોમાં કામ કરતા હજારો ખાણિયાઓને "ફૂંકી મારવાની" ખાતરી આપી હતી, ત્યારથી આ ગેરકાયદેસર ખાણો ચર્ચામાં આવી હતી.
એ ખાણોમાં ખોરાક અને પાણી ન પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવા સલામતી દળોને આદેશ અપાયા હતા.
ઍનત્સાવેનીએ કહ્યું હતું, "ગુનેગારોને મદદ ન કરવાની હોય. તેમનું દમન કરવાનું હોય."
અદાલતે આપેલા વચગાળાના ચુકાદામાં જણાવ્યું હતું કે ખાણકામ કરતા લોકોને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી શકાશે.
ઍન્ડ્રુમિસો ખાણમાં અલગ શાફ્ટ પર કામ કરે છે અને હાલની મડાગાંઠના એક મહિના પહેલાં તેઓ ખાણની બહાર આવ્યા હતા.
હવે પાછા ફરવું કે નહીં તે નક્કી કરતાં પહેલાં તેઓ પરિસ્થિતિ કેવો આકાર લે છે તેની રાહ જોઈ રહ્યા છે.
હવે નિરંકુશ બની ગયેલા અને માફિયા જેવી ગુંડા ટોળકીઓ દ્વારા ચલાવવામાં આવતા આ ઉદ્યોગ પર તૂટી પડવાના સરકારના નિર્ણયને પગલે મડાગાંઠ સર્જાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ખનિજ સંસાધનો વિશેની સંસદીય સમિતિના અધ્યક્ષ મિકાતેકો મહલૌલેએ કહ્યું હતું, "ગેરકાયદે ખાણકામની બીમારી સામે દેશ ઘણાં વર્ષોથી ઝઝૂમી રહ્યો છે."
"ખાણમાં કામ કરતા લોકોનો સમુદાય બળાત્કાર, લૂંટ અને સરકારી સંપત્તિને નુકસાન જેવી ગુનાહિત પ્રવૃત્તિનો ભોગ બને છે."
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ જણાવ્યું હતું કે ખાણ ક્ષેત્ર ગુનાખોરીની દુનિયા જેવું હતું, પરંતુ પોલીસ ખાણિયાઓની ધરપકડ કરવાને બદલે મડાગાંઠ ઉકેલવા તેમની સાથે વાટાઘાટો કરી રહી હતી.
રામફોસાએ ઉમેર્યું હતું, "કેટલાક ખાણિયાઓ ભારે શસ્ત્રોથી સજ્જ હોવાની માહિતી કાયદાનો અમલ કરાવતા સત્તાવાળાઓ પાસે છે. ગેરકાયદે ખાણિયાઓની ભરતી ગુંડાઓની ટોળકીઓ કરે છે અને એ વાત સૌ કોઈ જાણે છે કે તે વ્યાપક સંગઠિત ક્રાઇમ સિન્ડિકેટનો ભાગ છે."
દક્ષિણ આફ્રિકાના ખાણ ઉદ્યોગમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ઘટાડો થઈ રહ્યો હોવાથી સંખ્યાબંધ કામદારોની છટણી કરવામાં આવી છે.
આ રીતે છૂટા કરાયેલા સ્થાનિક અને લેસોથો જેવા પાડોશી રાજ્યોના નાગરિકોમાં ઍન્ડ્રુમિસોનો પણ સમાવેશ થાય છે. એ પૈકીના ઘણા કામદારો એવી ખાણોમાં કામ કરી રહ્યા છે જે ત્યજી દેવાયેલી છે.
અંધારી ખાણોમાં આશાનું કિરણ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકા સ્થિત બેન્ચમાર્ક ફાઉન્ડેશનના સંશોધક ડેવિડ વાન વિકે આ ઉદ્યોગનો અભ્યાસ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, દેશમાં ત્યજી દેવાયેલી લગભગ 6,000 ખાણો છે.
તેમણે બીબીસી ફૉકસ ઑન આફ્રિકા પોડકાસ્ટમાં કહ્યું હતું, "મોટા પાયે ઔદ્યોગિક ખાણકામ માટે તે નફાકારક નથી, પરંતુ નાના પાયે ખાણકામ માટે નફાકારક જરૂર છે."
ઍન્ડ્રુમિસોના જણાવ્યા મુજબ, "1996માં નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા ત્યાં સુધી તેઓ એક ડ્રીલ ઑપરેટર તરીકે કામ કરતા હતા. તેમની માસિક કમાણી 220 ડૉલરથી (હાલના વિનિમયદર મુજબ લગભગ રૂ. એક લાખ 86 હજાર) ઓછી હતી."
દક્ષિણ આફ્રિકામાં ઊંચા બેરોજગારી દરને કારણે પૂર્ણ સમયની નોકરી શોધવા માટે 20 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી તેમણે ગેરકાયદે ખાણિયા બનવાનું નક્કી કર્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં હજારો ગેરકાયદે ખાણિયાઓ છે, એમ જણાવતાં વૅન વિકે ઉમેર્યું હતું કે દેશના આર્થિક કેન્દ્ર ગૌટેંગ પ્રાંતમાં જ એવા લગભગ 36,000 ખાણિયા છે. આ પ્રાંતમાં 19મી સદીમાં સોનાની શોધ થઈ હતી.
સોનું, શસ્ત્ર અને સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
ગ્લોબલ ઇનિશિયેટિવ અગૅન્સ્ટ ટ્રાન્સનેશનલ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે "ઝમા ઝમા મહિનાઓ સુધી ખાણમાં જ રહે છે અને ખોરાક તથા અન્ય જરૂરિયાતો માટે તેમણે બહારની મદદ પર આધાર રાખવો પડે છે. એ મુશ્કેલ અને જોખમી કામ છે."
અહેવાલમાં જણાવ્યા મુજબ, "ખાણિયાઓની પ્રતિસ્પર્ધી ગૅંગ સામે ખુદના રક્ષણ માટે કેટલાક લોકો પિસ્તોલ, શૉટગન અને સેમી-ઑટોમેટિક શસ્ત્રો પણ રાખે છે."
ઍન્ડ્રુમિસોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની પાસે એક પિસ્તોલ છે, પરંતુ તેઓ તેમની ગૅંગને માસિક "પ્રૉટેક્શન ફી" તરીકે લગભગ આઠ ડૉલર (લગભગ રૂ. 700) ચૂકવે છે.
આ ગૅંગના ભારે શસ્ત્રસજ્જ ગાર્ડ્સ જોખમો સામે રક્ષણ કરે છે. ખાસ કરીને વધુ ઘાતક શસ્ત્રો ધરાવતી લેસોથોની ગૅંગ્સ સામે રક્ષણ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ ગૅંગ ઍન્ડ્રુમિસોનું 24 કલાક રક્ષણ કરે છે. ઍન્ડ્રુમિસોના કહેવા મુજબ, તેઓ રૉક-બ્લાસ્ટિંગ માટે ડાયનામાઇટનો ઉપયોગ કરે છે અને સોનું શોધવા માટે કુહાડી, કોદાળી અને છીણી જેવાં સાધનોનો ઉપયોગ કરે છે.
ખાણ ખોદતાં તેમને જે કંઈ મળી આવે તેનો મોટાભાગનો હિસ્સો તેઓ ગૅંગના લીડરને આપી દે છે, જે તેમને દર બે સપ્તાહે ઓછામાં ઓછા 1,100 ડૉલર (લગભગ રૂ. 93 હજાર) ચૂકવે છે. ઍન્ડ્રુમિસો થોડું સોનું પોતાની પાસે રાખી શકે છે અને તેને બ્લૅક માર્કેટમાં વેચીને વધારાની કમાણી કરી શકે છે.
તેમના કહેવા મુજબ, તેઓ આવી વ્યવસ્થા ધરાવતા નસીબદાર ખાણિયાઓ પૈકીના એક છે.
અન્ય લોકોનું અપહરણ કરવામાં આવે છે અને તેમને ગુલામની માફક કામ કરવા માટે શાફ્ટમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેમને કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી કે સોનું આપવામાં આવતું નથી.
ઍન્ડ્રુમિસોએ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય રીતે સતત ત્રણ મહિના અન્ડરગ્રાઉન્ડ રહે છે અને પરિવાર સાથે સમય પસાર કરવા તેમજ સોનું વેચવા બેથી ચાર સપ્તાહ માટે બહાર આવે છે.
તેમણે કહ્યું હતું, "હું મારા પલંગ પર સૂવાની અને ઘરમાં રાંધેલું ભોજન ખાવાની રાહ જોતો હોઉં છું. તાજી હવામાં શ્વાસ લેવો એ ખરેખર અદ્ભુત અનુભૂતિ છે."
ખોદવાની જગ્યા ગુમાવવાની આશંકાએ ઍન્ડ્રુમિસો ખાણમાંથી વારંવાર બહાર આવતા નથી, પરંતુ ભૂગર્ભમાં ત્રણ મહિનાથી વધારે સમય રહેવું મુશ્કેલ હોય છે.
એકવાર ભૂગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે શું થયું હતું એ કિસ્સો યાદ કરતાં તેમણે કહ્યું હતું, "હું સૂર્યપ્રકાશથી એટલો અંજાઈ ગયો હતો કે મને થયું કે હું આંધળો થઈ ગયો છું."
તેમની ત્વચા એટલી નિસ્તેજ થઈ ગઈ હતી કે તેમનાં પત્ની તેમને મેડિકલ ચૅક-અપ માટે લઈ ગયાં હતાં.
"હું જ્યાં રહેતો હતો તે બાબતે મેં ડૉક્ટરને ઈમાનદારીથી જણાવ્યું હતું. તેમણે કશું કહ્યું નહીં. માત્ર મારી સારવાર કરી અને મને વિટામિન્સ આપ્યાં."
જીવ સટોસટીનો ખેલ

ઇમેજ સ્રોત, Getty Images
ભૂગર્ભમાંથી બહાર આવ્યા પછી પણ ઍન્ડ્રુમિસો આરામ કરતા નથી. ભૂગર્ભમાંથી લાવવામાં આવેલા ઓર-બેરિંગ ખડકોમાં વિસ્ફોટ કરીને તેનો પાવડર બનાવતા અન્ય ગેરકાયદે ખાણિયાઓ સાથે પણ તેઓ કામ કરે છે.
એ પછી પાવડરમાંથી સોનું અલગ તારવવા માટે તેને એક કામચલાઉ પ્લાન્ટમાં મર્ક્યુરી અને સોડિયમ સાઇનાઇડ જેવા ખતરનાક દ્રાવણમાં ધોવામાં આવે છે.
ઍન્ડ્રુમિસોએ જણાવ્યું હતું કે એ પછી તેઓ તેમનો સોનાનો હિસ્સો એક ગ્રામના 55 ડૉલરમાં (લગભગ રૂ. ચાર હજાર 650) વેચે છે, પ્રતિ ગ્રામ 77 ડૉલરની (લગભગ રૂ. છ હજાર 500) સત્તાવાર કિંમત કરતાં ઘણી ઓછી છે.
તેમના જણાવ્યા મુજબ, તેમની પાસે એક રેડીમેઇડ ગ્રાહક હોય છે. તેનો સંપર્ક તેઓ વૉટ્સઍપ મારફત કરે છે.
પીળા સોનાનો કાળોવેપાર

ઇમેજ સ્રોત, Getty Images
ઍન્ડ્રુમિસોએ કહ્યું હતું, "હું તેમને પહેલીવાર મળ્યો ત્યારે મને તેમના પર વિશ્વાસ ન હતો. તેથી મેં તેમને પોલીસ સ્ટેશનના કાર પાર્કિંગમાં મળવા કહ્યું હતું. મને ખબર હતી કે હું ત્યાં સલામત રહીશ."
"હવે અમે કોઈ પણ કાર પાર્કમાં જ મળીએ છીએ. અમારી પાસે વજનકાંટો છે. અમે ઑન ધ સ્પૉટ સોનાનું વજન કરીએ છીએ. હું તેમને સોનું આપું છું અને તેઓ મને રોકડમાં ચૂકવણી કરે છે." ઍન્ડ્રુમિસોને 3,800થી 5,500 ડૉલર (લગભગ રૂ. ત્રણ લાખ 21 હજારથી ચાર લાખ 65 હજાર) સુધીની રોકડ મળે છે.
તેમને દર ત્રણ મહિને આટલા પૈસા મળે છે. તેનો અર્થ એ થાય કે તેમની સરેરાશ વાર્ષિક આવક 15,500થી 22,000 ડૉલરની વચ્ચે છે, (રૂ. 13 લાખથી રૂ. 18 લાખ 60 હજાર) જે તેઓ કાયદેસર ખાણિયા તરીકે નોકરી કરતા હતા ત્યારે મળતા 2,700 ડૉલર (રૂ. બે લાખ 28 હજાર) કરતાં ઘણી વધારે છે.
ગૅંગના લીડર તેના કરતાં પણ વધુ કમાણી કરે છે, પરંતુ તેમને કેટલા પૈસા મળે છે તે ઍન્ડ્રુમિસો જાણતા નથી.
ઍન્ડ્રુમિસો પાસેથી જે વ્યક્તિ સોનું ખરીદે છે તેમના વિશે પણ તેઓ કશું જાણતા નથી. તેમને એટલી જ ખબર છે કે તે માણસ ગેરકાયદે ઉદ્યોગમાંની એક શ્વેત વ્યક્તિ છે. આ ઉદ્યોગમાં વિવિધ જાતિઓ અને વર્ગોના લોકો સામેલ છે.
આ કારણે ગુનાહિત નેટવર્ક પર તૂટી પડવાનું મુશ્કેલ બની જાય છે. વૅન વિક જણાવે છે કે સરકાર ખાણિયાઓને નિશાન બનાવી રહી છે, પરંતુ "જોહાનિસબર્ગ અને કૅપ ટાઉનના ઘટાદાર વૃક્ષોવાળાં ઉપનગરોમાં રહેતા સૂત્રધારોને કશું કરતી નથી."
રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે ગેરકાયદે ખાણકામથી "અમારા અર્થતંત્રને ઍક્સપૉર્ટ ઇનક્મ, રૉયલ્ટીઝ અને ટેક્સીસના સ્વરૂપમાં અબજો રેન્ડનું નુકસાન થઈ રહ્યું છે.
કાર્યરત ન હોય તેવી ખાણોના પુનર્વસન અથવા તેને બંધ કરવાની જવાબદારી ખાણ કંપનીઓ લે તે સુનિશ્ચિત કરવા સરકાર તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખશે."
વૅન વિકે બીબીસી ફોક્સ ઓન આફ્રિકા પોડકાસ્ટને જણાવ્યું હતું કે ઝમા ઝમા પર તૂટી પડશે તો દક્ષિણ આફ્રિકાની આર્થિક કટોકટી વણસશે.
"તેમની કામગીરીને ગુનાહિત ઠેરવવાની નીતિને બદલે તેને વધુ સારી રીતે સંગઠિત કરવાની અને તેના નિયમનની નીતિ હોવી જોઈએ," એમ તેમણે ઉમેર્યું હતું.
પીળું એટલું સોનું નહીં
તેમના જણાવ્યા મુજબ, ભૂગર્ભ માર્કેટમાં ખોરાક ઉપરાંત સિગારેટ, ટૉર્ચ, બૅટરી જેવી મૂળભૂત વસ્તુઓની સાથે ખાણકામનાં સાધનો પણ વેચવામાં આવે છે.
તે સૂચવે છે કે ભૂગર્ભમાં એક સમુદાય અથવા એક નાનું શહેર વિકસ્યું છે. ઍન્ડ્રુમિસોના કહેવા મુજબ, ત્યાં રેડ લાઇટ એરિયા પણ છે. તેમાં સેક્સ વર્કર્સને ગુંડા ટોળકીઓ દ્વારા લાવવામાં આવી છે.
ઍન્ડ્રુમિસોએ જણાવ્યું હતું કે જે ખાણમાં તેઓ કામ કરતા હતા તેમાં અનેક લૅવલ્સ (માળ) હતાં. તેમાં એકમેકની સાથે જોડાયેલી ટનલોની ભૂલભૂલામણી પણ હતી.
તેમણે કહ્યું હતું, "એ હાઈવે જેવી છે. તેમાં અમે જેનો શૌચાલય તરીકે ઉપયોગ કરીએ છીએ તેવા અથવા અમે જેને ઝમા ઝમા કબ્રસ્તાન કહીએ છીએ તેવા વિવિધ સ્થળો અને લેવલના દિશાનિર્દેશ માટે દોરવામાં આવેલાં ચિહ્નો છે."
"તેમાં કેટલાક લોકોની હરીફ ગૅંગના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવે છે, જ્યારે અન્ય લોકો ખડકો પડવાને કારણે કે જંગી પથ્થરો નીચે કચડાઈ જવાને કારણે મૃત્યુ પામે છે. મારા એક મિત્ર પાસેથી સોનું લૂંટીને તેને માથામાં ગોળી મારવામાં આવી હતી. મેં મારો મિત્ર ગુમાવ્યો હતો."
ભૂગર્ભ જીવન જોખમી હોવા છતાં ઍન્ડ્રુમિસો જેવા હજારો લોકો એ જોખમ લેવા તૈયાર છે, કારણ કે તેઓ કહે છે કે જે દેશમાં બેરોજગારીનો દર 30 ટકાથી વધુ હોય ત્યાં ગરીબ તરીકે જીવવા અથવા મરવાનો વિકલ્પ જ હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














