બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ: શું વિરાટ અને રોહિત માટે આ છેલ્લી તક છે?

ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શુક્રવારે ઑસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને રોહિત શર્મા
    • લેેખક, અયાઝ મેમન
    • પદ, ક્રિકેટ સમીક્ષક

ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શુક્રવારે ઑસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થઈ રહી છે. જેમાં ટેસ્ટ ક્રિકેટની બે શ્રેષ્ઠ ગણાતી ટીમો આમને-સામને રમશે.

બંને દેશો વચ્ચેની ટેસ્ટ સિરીઝ કાંટાની ટક્કર હોય છે. ભારતે આ ચારેય સિરીઝ જીતી હતી જેમાં તે બે ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી. પરંતુ હાલમાં ન્યૂઝીલૅન્ડ સામે મળેલી હાર બાદ ભારતના કેટલાક ખેલાડીઓના ભવિષ્ય પર સવાલો થઈ રહ્યા છે.

આ સિરીઝમાં અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા પર નજર રહેશે. જેઓ છેલ્લા દશકથી તમામ ક્રિકેટના ફૉર્મેટમાં ભારતની જીતમાં યોગદાન આપતા રહ્યા છે.

જોકે, આ ખેલાડીઓની વધતી ઉંમર અને હાલના ખરાબ પ્રદર્શનને કારણે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે હવે ક્રિકેટના ટોચના ફૉર્મેટમાં તેઓ કેવું પ્રદર્શન કરશે?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વિરાટ કોહલીનું ખરાબ ફૉર્મ

વિરાટ કોહલીનું ખરાબ ફૉર્મ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી

ભારતીય ટીમ માટે સૌથી વધુ ચિંતા તેના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીનું ખરાબ ફૉર્મ છે. છેલ્લાં પાંચ વર્ષથી ટેસ્ટમાં તેઓ પહેલાંની માફક ફૉર્મમાં નથી. પહેલાં તેઓ સરળતાથી સદી બનાવી લેતા હતા પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે માત્ર બે સદી જ ફટકારી છે જ્યારે કે અગાઉ તેમણે 27 સદી ફટકારી હતી.

તેમની સરેરાશ કે જે પહેલાં 50થી 55 હતી તે હવે 48થી નીચે આવી ગઈ છે. જ્યાં પહેલાં લોકોને લાગતું હતું કે તેઓ સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડશે પરંતુ હવે લોકોને તેમના વિશે સવાલો પેદા થવા લાગ્યા છે.

કોહલીને ઑસ્ટ્રેલિયાનાં મેદાનો માફક આવે છે. તેમણે 2011માં એડિલેડમાં જ પોતાની પહેલી સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયામાં જ રમાયેલી વર્ષ 2014-15ની સિરીઝમાં તેમણે જબરજસ્ત બૅટિંગ કરી હતી અને તેને જ કારણે તેઓ વિશ્વના શ્રેષ્ઠ બૅટ્સમૅનોમાં સામેલ થઈ ગયા હતા.

કોહલીની આક્રમક બૅટિંગ, ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓની સ્ટાઇલથી મળતી આવે છે. જેને કારણે ઑસ્ટ્રેલિયામાં તેમને પ્રશંસકો દ્વારા સન્માન આપવામાં આવે છે. જ્યારે તેમણે ભારતને 70 વર્ષમાં ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ સિરીઝની જીત અપાવી ત્યારે તેઓ ભારતમાં પણ લોકપ્રિય બની ગયા.

વિરાટ કોહલીએ 118 ટેસ્ટમૅચમાં કુલ 9040 રન બનાવ્યા છે અને તેમાં 29 સદી સામેલ છે. તેમની સરેરાશ છે 47.83.

રોહિત શર્મા પણ નિષ્ફળ

રોહિત શર્મા પણ નિષ્ફળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ પણ મોડુ ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જોકે કોહલીની સરખામણીએ તમને ટેસ્ટ ક્રિકેટમાં એટલી સફળતા નથી મળી પરંતુ છતાં વિરોધી ટીમ તેમનું સન્માન કરે છે.

તેમણે તેમની પહેલી બે ટેસ્ટમૅચમાં સદી બનાવી પરંતુ ત્યારબાદ તેમણે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. વર્ષ 2019માં રોહિતને ઓપનિંગ કરવાની તક મળી. બાદમાં ત્રણ વર્ષ માટે તેઓ ટીમના શ્રેષ્ઠ બૅટ્સમૅન બની ગયા.

તેઓ વન-ડે ક્રિકેટમાં પોતાની શ્રેષ્ઠ બૅટિંગ માટે વિખ્યાત છે, જ્યાં ટીમની જરૂર હોય તે પ્રમાણે તેઓ તોફાની ઇનિંગ રમે છે, સાથે તેઓ સારા ટેસ્ટમૅચના બૅટર પણ છે.

રોહિત શર્માની વારંવાર ટીકા એટલા માટે થાય છે કારણકે તેઓ સતત મોટો સ્કોર નથી બનાવી શકતા. જોકે, ઘણા એ વાત સાથે સહમત છે કે જ્યારે તેઓ ફૉર્મમાં હોય છે ત્યારે ભારતની મૅચ જીતવાની સંભાવના વધારે હોય છે.

રોહિત શર્માનું પ્રદર્શન કોહલીની માફક લાંબા સમય માટે ખરાબ નથી. પણ હાલમાં રોહિત બાંગ્લાદેશ અને ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટમૅચમાં સારું પ્રદર્શન ન કરી શક્યા.

પોતાની છેલ્લી દસ ઇનિંગ્સમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીમાંથી કોઈએ પણ 200ના આંકડાને પાર નથી કર્યો. શર્મા અને કોહલીની યોગ્યતા અને ક્લાસ પર કોઈ વિવાદ નથી પરંતુ પરેશાની એ છે કે શું બંને પોતાની રમવાની ઉમંરની મર્યાદાને પાર કરી ચૂક્યા છે?

રોહિત શર્માએ 64 ટેસ્ટમૅચમાં 4270 રન બનાવ્યા અને સાથે 12 સદી ફટકારી. તેમની સરેરાશ છે 42.27.

અશ્વિન અને જાડેજા ચમત્કાર કરશે?

અશ્વિન અને જાડેજા શું ચમત્કાર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અશ્વિન અને જાડેજા

અશ્વિન અને જાડેજા બંને સફળ ઑલરાઉન્ડર છે. અશ્વિને ટેસ્ટમૅચોમાં 500થી વધુ વિકેટો લીધી છે અને ત્રણ હજારથી વધુ રન બનાવ્યા છે.

જાડેજાએ હાલમાં જ 300 વિકેટોના આંકડાને પાર કર્યો છે. તેમનું પ્રદર્શન બતાવે છે કે દુનિયાની કોઈ પણ ટીમ તેમને પોતાની ટીમમાં સમાવેશ કરીને ખુશ જ થશે.

આ બંનેએ સાથે મળીને વિરોધી ટીમને પરાસ્ત કરી છે. જોકે, વિદેશોમાં બંનેનો રેકૉર્ડ સામાન્ય છે.

અશ્વિને ઑસ્ટ્રેલિયામાં 10 ટેસ્ટ રમી છે જેમાં તેમણે 42.15ની સરેરાશથી 39 વિકેટો ઝડપી છે. ત્યાં જાડેજાએ માત્ર ચાર ટેસ્ટ રમી છે જેમાં 21.78ની સરેરાશથી 14 વિકેટો મેળવી છે. જે અશ્વિનના પ્રદર્શન કરતાં સારું છે.

જોકે, અશ્વિન એવા બૉલર છે જે બૉલિંગમાં મિશ્રણ કરી શકે છે. તે અલગ પ્રકારની બૉલિંગ કરે છે અને બૅટરના હોશ ઉડાવી દે છે. વર્ષ 2021માં તેમણે પોતાની બૉલિંગથી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન જેવા દિગ્ગજ ઑસ્ટ્રેલિયન બૅટરોને પરેશાન કર્યા હતા.

બીજી તરફ જાડેજા નિયંત્રિત બૉલર છે. તે રન આપવામાં કંજૂસ છે. ધીમી પિચ પર તે કુશળ સાબિત થઈ શકે છે.

અશ્વિન અને જાડેજા સારા બૉલર ઉપરાંત બૅટ્સમૅન પણ છે. 2021ની યાદગાર સિરીઝમાં અશ્વિને બૅટની મદદથી ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જ્યારે ટૉપ ઑર્ડર પડે છે ત્યારે જાડેજાએ પોતાના ડિફેન્સ અને બૅટિંગથી ઘણી વખત ભારતીય ટીમને મજબૂતી પ્રદાન કરી છે. તેઓ સારા ફિલ્ડર પણ છે. મેદાન પર ટીમ માટે 30-35 રન બચાવી જ લે છે.

અશ્વિન અને જાડેજાને લઈને પણ લોકો પરેશાન છે. કારણકે ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમણે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી.

અશ્વિને 66.33ની સ્ટ્રાઇક રૅટથી નવ વિકેટો ઝડપી જે તેમની સામાન્ય સરેરાશથી વધારે છે. જાડેજાએ 37.93ની સ્ટાઇક રૅટથી 16 વિકેટો ઝડપી જે પણ તેમની સામાન્ય સરેરાશથી વધારે છે.

આ સિરીઝમાં ન્યૂઝીલૅન્ડના સ્પિનરોએ અશ્વિન અને જાડેજાની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાં ભારતે લગાતાર 18 ટેસ્ટ સિરીઝમાં જીત મેળવ્યા બાદ પહેલી વખત ઘરેલુ મેદાન પર પરાજય મેળવ્યો.

જેને કારણે લોકો એ વિચારવા મજબૂર છે કે શું અશ્વિન અને જાડેજા પણ રોહિત અને વિરાટની માફક પોતાનું ફૉર્મ ખોઈ ચૂક્યા છે.

જોકે એકાદ સિરીઝને લઈને આ ખેલાડીઓ સાથે ન્યાય કરવો યોગ્ય નથી. આ ખેલાડીઓ પાસે અનુભવ અને આત્મવિશ્વાસ છે. તેમણે ઘણી વખત ટીમ ઇન્ડિયાને મુશ્કેલ હાલતમાંથી બહાર કાઢી છે.

જો આ ખેલાડીઓ આ સિરીઝમાં સારું પ્રદર્શન કરશે તો તેનાથી ખબર પડશે કે તેઓ હજુ સક્ષમ છે અને ભારત માટે રમવાનું ચાલું રાખી શકે છે. પરંતુ જો તેઓ અહીં સારું પ્રદર્શન નહીં કરે તો ટીમમાં પરિવર્તનની માગ ઉઠશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.