મહિલા ટી-20 વર્લ્ડકપમાં હરમનપ્રીતની ટીમ સપનું સાકાર કરી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે
ગુરુવારથી સંયુક્ત આરબ અમિરાત ખાતે મહિલાઓનો આઈસીસી ટી-20 વર્લ્ડકપ શરૂ થશે. ભારતીય ટીમે અત્યાર સુધી આ ખિતાબ નથી જીત્યો, ત્યારે શું આ વખતે વર્ષોનો ઇંતેજાર ખતમ થશે?
વર્લ્ડકપની ટ્રૉફી જીતવા માટે ભારતે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી દિગ્ગજ ટીમોને હરાવી પડશે.
ગત વર્લ્ડકપ (2023) દરમિયાન સેમિફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો, જેના આઘાતમાંથી ઊગરવા માટે રમશે.
વર્ષ 2020 દરમિયાન ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો અને ટ્રૉફી જીતવાના ઇરાદા સાથે ફરી એક વખત મેદાનમાં ઊતરશે.
હરમનપ્રીતને વિજયનો વિશ્વાસ

ઇમેજ સ્રોત, ANI
ભારતીય ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે કહ્યું હતું, "અમારી ટીમનું સપનું છે કે આ બહુપ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતીએ. અમને વિશ્વાસ છે કે અમારાંમાં એ કરી દેખાડવાની ક્ષમતા છે. અમે વર્ષ 2020માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી ટી-20 વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચ્યાં હતાં. ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં પણ ફાઇનલ સુધી પહોંચવામાં હાથવેંતનું છેટું રહી ગયું હતું. જે દર્શાવે છે કે અમારામાં સૌથી મોટા એવા આ મંચ પર સફળ થવાની ક્ષમતા છે."
હરમનપ્રીતે ઉમેર્યું હતું, "ઑસ્ટ્રેલિયાની ટીમ સારી છે અને એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ અમે તેમને ગમે ત્યારે અને ગમે ત્યાં હરાવવાની ક્ષમતા ધરાવીએ છીએ."
ભારતીય ખેલાડી જેમિમાના કહેવા પ્રમાણે, "અમે સખત મહેનત કરી છે અને તૈયાર છીએ. હવે અમારી યોજનાઓને લાગુ કરવાનો સમય આવી ગયો છે."
ભારત અને ઑસ્ટ્રેલિયા ગ્રૂપ 'એ'માં
ટી-20 વર્લ્ડકપ માટે ભારતને ગ્રૂપ 'એ'માં સ્થાન મળ્યું છે. આ ગ્રૂપમાં ભારત સિવાય ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રૂપ 'બી'માં ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને સ્કૉટલૅન્ડને મૂકવામાં આવ્યા છે.
ટુર્નામેન્ટના ફૉર્મેટ મુજબ ગ્રૂપની ટીમે 'રાઉન્ડ રૉબિન'ના આધારે એકબીજા સામે રમશે. દરેક ગ્રૂપમાં પ્રથમ બે ક્રમે રહેનારી ટીમોને સેમિફાઇનલમાં સ્થાન મળશે.
તા. 17 અને 18 ઑક્ટોબરે સેમિફાઇનલ તથા તા. 20 ઑક્ટોબરે ફાઇનલ મૅચો રમાશે.
ભારતની પહેલી મૅચ ન્યૂઝીલૅન્ડ સામે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતની પહેલી મૅચ ચોથી ઑક્ટોબરે ન્યૂઝીલૅન્ડ સામે છે. ભારત છ ઑક્ટોબરે પાકિસ્તાન, નવ ઑક્ટોબરે શ્રીલંકા અને 13 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સાથે ટકરાશે.
ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ગ્રૂપમાં ઓછામાં ઓછી ત્રણ મૅચો જીતવી પડશે, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ સજ્જડ ટક્કર આપી શકે છે.
ન્યૂઝીલૅન્ડનો ટી-20 વર્લ્ડકપ દરમિયાન પ્રદર્શનનો રેકૉર્ડ પ્રભાવક રહ્યો છે. બંને દેશો વચ્ચે 13 આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચો રમાઈ છે, જેમાંથી ન્યૂઝીલૅન્ડે નવ તથા ભારતે ચાર મૅચો જીતી છે.
ભારતે છેલ્લા કેટલાક સમય દરમિયાન નોંધપાત્ર પ્રગતિ કરી છે. તે ન્યૂઝીલૅન્ડ જ નહીં, પરંતુ કોઈ પણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે.
ભારતને આ ગ્રૂપમાં શ્રીલંકા તરફથી પણ સજ્જડ પડકાર મળી શકે છે.
ભારતનો આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચોમાં શ્રીલંકા સામેનો રેકૉર્ડ ખૂબ જ પ્રભાવક છે. બંને દેશો વચ્ચે 23 મૅચો રમાઈ છે, જેમાંથી ભારતે 18 અને શ્રીલંકાએ પાંચ મૅચો જીતી છે.
ચમારી અટ્ટાપટ્ટુના નેતૃત્વવાળી શ્રીલંકાની ટીમને ભારતીય ટીમ હળવાશથી લઈ શકે એમ નથી, કારણ કે આ વર્ષે જ મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે હાર થઈ હતી.
આથી, શ્રીલંકાને પરાજય આપવા માટે ભારતે ઉત્કૃષ્ટ ક્રિકેટનું પ્રદર્શન કરવું પડશે.
પરંપરાગત રીતે પાકિસ્તાનને ભારતની હરીફ ટીમ માનવામાં આવે છે, પરંતુ આ ટીમ ખાસ પડકાર ઊભો કરી શકે એમ નથી લાગતું.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમનાં કપ્તાન ફાતિમા સનાએ ભારત સામેની મૅચ દરમિયાન આક્રમક અંદાજમાં રમવાનો વાયદો કર્યો છે, એટલે પાકિસ્તાનના પડકારને પણ હળવાશથી લઈ શકાય એમ નથી.
ઑસ્ટ્રેલિયાનો મજબૂત દાવો

આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત 2009માં થઈ હતી. એ પછી આ વિશ્વશ્રેણીમાં ઑસ્ટ્રેલિયાનો દબદબો જળવાઈ રહ્યો છે. આ વખતે પણ તેને તોડવો કોઈ પણ ટીમ માટે સરળ નહીં હોય.
અત્યાર સુધી આઠ વખત આઈસીસી મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ યોજાયો છે, જેમાં છ વખત ઑસ્ટ્રેલિયાની ટીમ ચૅમ્પિયન બની છે. એટલું જ નહીં, ગત ત્રણ વખતથી આ ખિતાબને પોતાની પાસે જાળવી રાખીને સર્વશ્રેષ્ઠ હોવાનું સાબિત કર્યું છે.
ઑસ્ટ્રેલિયા સિવાય ઇંગ્લૅન્ડ (2009) અને વેસ્ટ ઇન્ડીઝ (2016) જ ચૅમ્પિયન બની શક્યાં છે.
મેગ લેનિંગની ખોટ વર્તાશે?

મેગ લેનિંગે ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને સફળ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, જેના કારણે એલિસા હિલીને આ જવાબદારી સોંપવામાં આવી છે.
બૅટરોની લાંબી યાદી અને વેધક બૉલિંગને કારણે ઑસ્ટ્રેલિયા ફરી એક વખત ચૅમ્પિયન બને એવી શક્યતા સૌથી વધુ છે.
જોકે, ભારત અને દક્ષિણ આફ્રિકાએ પણ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે.
ઇંગ્લૅન્ડની ટીમ પહેલેથી જ મજબૂત છે. તે ક્યારેય પણ મૅચની દિશા પલટી શકવા સક્ષમ છે.
સ્પીનરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
યુએઈની પીચ સ્પીનરોને મદદ કરે તેવી છે. રાધા યાદવ, શ્રેયાંકા પાટીલ અને આશા શોભના ભારતની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
જોકે, યુએઈમાં શિયાળો બેસી ગયો છે, એટલે ટીમોની સામે ઝાકળની સમસ્યા ઊભી થઈ શકે છે.
આ પ્રકારની પરિસ્થિતિમાં ફાસ્ટ બૉલરો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
પહેલાં આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પરંતુ જુલાઈ-ઑગસ્ટ મહિના દરમિયાન ત્યાં સરકારવિરોધી પ્રદર્શન ચાલી રહ્યાં હતાં, જેના કારણે આઈસીસીએ છેલ્લી ઘડીએ અન્યત્ર રમતોત્સવને આયોજિત કરવાનો નિર્ણય લીધો હતો. આમ અણિના સમયે યુએઈ યજમાન બન્યું હતું.
આઈસીસી ઇચ્છતું હતું કે ભારત દ્વારા આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપનું યજમાનપદ સ્વીકારવામાં આવે. જોકે, આવતાં વર્ષે મહિલા માટેનો 50 ઓવરનો વર્લ્ડકપ યોજાવાનો છે, જેનું આયોજન પણ ભારતે કરવાનું છે, એટલે ભારતે આ પ્રસ્તાવ નકારી દીધો હતો.
હાલના સમયમાં શ્રીલંકામાં ખૂબ જ વરસાદ પડે છે, એટલે યુએઈમાં તેનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહિલાઓ માટેના આઈસીસી ટી-20 વર્લ્ડકપનું આયોજન પહેલી વખત કોઈ તટસ્થસ્થળે થઈ રહ્યું છે, કારણ કે ભાગ લેનારી ટીમો વિશે અગાઉથી જ નિર્ણય લેવાઈ ગયો હતો. યુએઈની ટીમ મૅચ રમવાની નથી.
પહેલી વાર પુરુષોને સમકક્ષ પુરસ્કારની રકમ

ઇમેજ સ્રોત, Reuters
આઈસીસીએ આ વખતે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પુરુષોની ટુર્નામેન્ટ જેટલી જ પુરસ્કારની રકમ આપવાનો નિર્ણય કર્યો છે.
ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો તે ગત વખત કરતાં 225 ટકા જેટલી વધુ છે.
આ વખતે કુલ્લે 79 લાખ 58 હજાર ડૉલરના ઇનામ આપવામાં આવશે, જેમાં વિજેતા ટીમને 23 લાખ 40 હજાર ડૉલર તથા ઉપવિજેતાને 11 લાખ 70 હજાર ડૉલરની રકમ મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












