સ્પેનમાં પૂર : મૃત્યુઆંક વધીને 158 થયો, લાપતા લોકોની શોધખોળ જારી

સ્પેનમાં ભયાનક પૂર

ઇમેજ સ્રોત, Getty Images

યુરોપના દેશ સ્પેનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી 158 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે, કારણ કે હજી પણ ઘણા લોકો ગુમ છે.

પૂરને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા બાબતે આ આંકડો 1973માં આવેલા પૂર કરતાં પણ મોટો છે. એ સમયે 150 લોકો મૃત્યુ પામ્યા હતા. પૂરની આ સ્થિતિને કારણે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શોક ગુરુવારથી શનિવાર સુધી રહેશે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

સ્પેનના દક્ષિણ-પૂર્વના કેટલાક વિસ્તારોમાં એક વર્ષ દરમિયાન જેટલો વરસાદ પડે છે, તેટલો વરસાદ એક જ રાતમાં પડી જવાને કારણે આ પૂર આવ્યું છે અને પરિસ્થિતિ વણસી ગઈ છે.

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજે પૂર બાદ પોતાના ટીવી સંદેશમાં કહ્યું છે કે, જે લોકો હજી પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે, તેમના માટે આખું સ્પેન દુખી છે.

સ્પેન સરકારના એક મંત્રી એંજલ વિક્ટર ટોરેસનું કહેવું છે કે આ પૂરને કારણે કેટલા લોકો ગુમ થયા છે, તે વિશે સરકાર કોઈ અધિકૃત આંકડો આપી શકે તેમ નથી.

સ્કૂલો, બગીચા, અને અન્ય જાહેર કાર્યક્રમો બંધ

સ્પેનમાં પૂરની ભયાનક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સ્પેનના ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ઑપરેશનલ કૉર્ડિનેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પૂરને કારણે અત્યાર સુધીમાં 95 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

આ પૂરને કારણે સ્પેનના વૅલેન્સિયા શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અહીંના નેતા કાર્લોસ મજોનનું કહેવું છે, “મૃતદેહો મળ્યા છે, પરંતુ તે વિશેની વધુ માહિતી જાહેર કરી શકાય તેમ નથી.”

અધિકારીઓનું કહેવું છે અલ્બાસેટે પ્રાંતના પૂર્વ વિસ્તારમાં છ લોકો ગુમ છે. અહીંની વસતી 1000 કરતાં ઓછી છે. અહીં આખી રાત પૂરગ્રસ્ત લોકોને બચાવી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પૂર સાથે સંકળાયેલા ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં માર્ગો પર વાહનો પાણીમાં ડૂબી ગયાં હોય તેવા દૃશ્યો જોવા મળે છે.

બીબીસી ગુજરાતી

પૂરમાં ફસાયેલા સેંકડો લોકો મદદ માટે રેડિયો અને ટીવી સ્ટેશનોને ફોન કરી રહ્યા છે. કોઈ પોતે પૂરમાં ફસાયેલા છે તો કોઈ પોતાના સ્વજનો માટે મદદ માગી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં તો ઇમર્જન્સી સેવાઓ પણ પહોંચી નથી શકી. સ્થાનિક અધિકારી મિલાગ્રોસ ટોલને સ્પેનના સરકારી ટીવીને જણાવ્યું કે ગુમ થયેલા લોકોને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્પેનના હવામાન વિભાગ સાથે સંકળાયેલી એજન્સીએ જણાવ્યું છે કે વૅલેન્સિયા શહેરમાં રેડ ઍલર્ટ લાગૂ કરવામાં આવી છે. આંદાલુસિયા શહેરમાં બીજી સૌથી મોટી ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

વૅલેન્સિયા સિટી હૉલ જણાવે છે કે બુધવાર સુધી તમામ સ્કૂલો બંધ છે અને રમતગમત સાથે જોડાયેલાં તમામ કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે. તમામ બગીચા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

આખો વિસ્તાર મિનિટોમાં જ ડૂબી ગયો

સ્પેનમાં પૂર

ઇમેજ સ્રોત, Getty Images

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું કે તેઓ ગુમ થયેલા લોકો અને પૂરથી થયેલી તારાજી બાબતના અહેવાલો જોઈ રહ્યા છે. તેમણે આપેલા એક ટીવી સંદેશમાં જણાવ્યું છે કે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન પામેલી માળખાકીય વ્યવસ્થાઓને પુનઃ સ્થાપિત કરવાનો વાયદો કરે છે.

સાંચેજે એ લોકોને અપીલ કરી છે કે વહીવટીતંત્રની સલાહને અનુસરો. આ સાથે જ તેમણે લોકોને બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવા જણાવ્યું છે.

આ પૂરને કારણે વૅલેન્સિયા શહેરમાં વાહનો એકબીજા પર ચઢી ગઈ છે અને રેલવે લાઇનને ભારે નુકસાન થયું છે. અહીં ઘણા રસ્તા સાવ તૂટી ગયા છે અને ઠેકઠેકાણે કચરાના ઢગલા થઈ ગયા છે.

હવામાન વિભાગ શું કહે છે?

વેલેન્સિયા વૅલેન્સિયામાં ભયાનક પૂર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્પેનના વૅલેન્સિયા શહેર નજીક આવેલા હૉર્નો ડિ એલ્સિડોનાં મેયર કૉન્સ્યૂલો ટૉરાજોને કહ્યું છે કે પૂર મામલે લોકોને સૂચના આપવામાં આવી હતી.

તેમણે બીબીસીના ન્યૂઝઅવર કાર્યક્રમમાં જણાવ્યુ છે કે પ્રથમ ચેતવણી પૂર આવ્યાના લગભગ અડધા કલાક પહેલાં સાંભળી હતી, જ્યારે લોકો બચવા માટે ઉપરના માળે પહોંચી ગયા હતા ત્યારે બીજી ચેતવણી આપવામાં આવી હતી.

તેમણે જમાવ્યા અનુસાર, આ શહેર મિનિટોમાં જ પૂરના ઝપાટે ચડી ગયું હતું.

તેમણે કહ્યું, “પાણીનું વહેણ ખૂબ જ ઝડપી હતું. અમે ઇમર્જન્સી સેવાને ફોન કર્યો, જેમણે એવા કેટલાક લોકોના જીવ બચાવ્યા જેઓ ગળા સુધી પાણીમાં ડૂબેલા હતા. આ એક સંપૂણ વિનાશ છે. મને હજી પણ ચિંતા થઈ રહી છે. આ એક ખરેખર મુશ્કેલ રાત હતી.”

તેમનું કહેવું છે કે વિસ્તારમાં હજી પણ પાણી ભરાયેલું છે, પરંતુ અધિકારીઓએ આ દુર્ઘટનાનો સારી રીતે સામનો કર્યો છે.

આ દરમિયાન સ્પેનની રાષ્ટ્રીય હવામાન એજન્સી ‘એઈએમઈટી’એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ત્યાંથી ઝડપી પવનો ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે, તેના કારણે સ્પેનના ઉત્તર પૂર્વમાં આવેલા વિસ્તાર અને પશ્ચિમના એંડેલ્યૂસિયામાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.