You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૂતરાંની જાતીય સતામણી કરનાર એ 'શેતાન' જે દુનિયાનો મોટો મગરમચ્છ નિષ્ણાત કહેવાતો
- લેેખક, ટિફની ટર્નબુલ
- પદ, બીબીસી ન્યૂઝ, સિડની
પ્રાણીઓ માટે હંમેશાં પ્રેમ અને સન્માનની વાતો કરનારા 53 વર્ષીય ઍડમ બ્રિટનની છબી એક શાંત અને ભાવુક પ્રકારના માણસ તરીકેની હતી. લોકો દુનિયાના એક પ્રખ્યાત મગરમચ્છ ઍક્સપર્ટ તરીકે ઓળખતા હતા જે તેમને મૂંગાં પ્રાણીઓના હિમાયતી હતા.
પરંતુ હવે તેના વિશે જે વાતો સામે આવી રહી છે તે અનુસાર ઍડમ બ્રિટન પ્રાણીઓના પ્રેમી નહીં પરંતુ દુનિયામાં પ્રાણીઓ પ્રત્યે સૌથી ક્રૂર વ્યવહારો કરનારામાંથી એક છે.
આ જ અઠવાડિયે બ્રિટનના ડઝનબંધ કૂતરાં સાથે જાતીય શોષણ અને તેમને યાતના આપીને ફિલ્મો બનાવવાના આરોપમાં તેમને દસ વર્ષથી વધુની જેલની સજા સંભળાવવામાં આવી છે.
પશુ ક્રૂરતા અને પાશવીપણાના 56 મામલામાં ઍડમ બ્રિટને બાળશોષણને સંબંધિત ચાર સામગ્રીઓનું તેમની પાસે ઍક્સેસ હોવાની વાત પણ સ્વીકારી લીધી છે.
જે ઍડમને હંમેશાં લોકોએ પશુપ્રેમી અને પશુઓના અધિકારની વકીલાત કરતાં જોયા એ જ ઍડમ વિશે આવેલા સમાચારોથી દુનિયાભરમાં તેમના કામને સરાહનારા લોકો અને પ્રશંસકોને આઘાત લાગ્યો છે.
દુનિયાએ ઍડમને સૌથી મોટા મગરમચ્છ સાથે તરતા જોયા હતા.
તેમણે પોતાના પાલતુ મગરમચ્છ સ્મૉગને અનેક ફિલ્મો અને ડૉક્યુમેન્ટરી માટે શૂટ કરવા માટે ઉધાર પર આપ્યો હોય તેવી વાતો પણ સાંભળવા મળતી હતી. એ જ દુનિયા હવે પૂછી રહી છે કે હવે તે ‘મૅકમિન્સ લગૂનનો રાક્ષસ’ કેવી રીતે બની ગયો?
‘મૅકમિન્સ લગૂનનો રાક્ષસ’
‘મૅકમિન્સ લગૂન’ એ ઍડમનું એક વિશાળ ઘર છે જ્યાં પશુઓ સાથે જાતીય શોષણ અને તેમને યાતના આપવાના મામલા નોંધાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍડમ ઑસ્ટ્રેલિયાના ડાર્વિનમાં પોતાના ઘરે સર ડૅવિડ એટનબરોની મહેમાનગતિ પણ કરી ચૂક્યા છે.
બીબીસી સાથે વાતચીતમાં અનેક લોકોએ ઍડમને એક શરમાળ સ્વભાવના પરંતુ એક મિલનસાર માણસ ગણાવ્યા હતા. તો કેટલાક લોકોએ તેમને અભિમાની વ્યક્તિ ગણાવીને આરોપ મૂક્યો હતો કે તેમણે પોતે ક્યારેય ન કર્યું હોય તેવા કામની તેમણે ક્રેડિટ લીધી છે.
પરંતુ એ તમામ લોકો એક વાતે સહમત હતા કે ઍડમ વિશે ગમે તે વિચારીએ પણ તેમને એવી કોઈ વાત યાદ આવતી નથી કે જેવી અત્યારે સમાચારોમાં છવાયેલી છે.
ઍડમના પૂર્વ સહયોગી બ્રૅન્ડન સિડલેઉ આ ઘટનાની સરખામણી અમેરિકન સીરિયલ કિલર ટેડ બંડીના પ્રકરણ સાથે કરતાં કહે છે કે, "હકીકતમાં આ એવી સ્થિતિ છે જ્યાં તમે ક્યારેય આવું બન્યું હશે તેમ વિચારી જ શકતા નથી."
મગરમચ્છો સાથે ઍડમનું પ્રારંભિક આકર્ષણ
1971માં વેસ્ટ યૉર્કશાયરમાં જન્મેલા ઍડમ વિશે કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે ઍડમે બાળપણથી ‘પરપીડન’ જાતીય ઇચ્છાઓને છુપાવીને રાખી હતી અને 13 વર્ષની ઉંમરથી જ ઘોડાઓ સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી.
તેમની યુવાવસ્થા વિશે તેમાં વધુ જાણકારી ઉપલબ્ધ ન હતી.
પોતાના બ્લૉગમાં ઍડમે જણાવ્યું છે કે તેઓ પોતાના જીવનમાં ત્રણ લોકોથી પ્રભાવિત થઈને પશુ વૈજ્ઞાનિક બન્યા.
ઍડમને પ્રભાવિત કરનારા ત્રણ લોકોનાં નામ છે- તેમનાં માતા, તેમના જીવવિજ્ઞાનના શિક્ષક વૅલ રિચર્ડ્સ અને ત્રીજા સર ડૅવિડ એટનબરો.
લીડ્સ યુનિવર્સિટીમાં સાયન્સ ગ્રેજ્યુએટ તરીકે અભ્યાસ કરીને તેમણે 1992માં ગ્રેજ્યુએટની પદવી હાંસલ કરી. ત્યારબાદ ચામાચીડિયાના શિકારના પ્રકારો ઉપર તેમણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાંથી 1996માં ઝૂઓલૉજીમાં પીએચડી પૂર્ણ કર્યું હતું.
પરંતુ બ્રિટનની બહાર મગરમચ્છો પર સંશોધન કરવું એ હંમેશાંથી ઍડમનું સ્વપ્ન હતું. તેના વિશે તેમણે 2008માં જ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
બાળપણથી જ તેઓ મગરમચ્છો પ્રત્યે મોહિત હતા.
ઍન્ટરટેઇનમેન્ટ ન્યૂઝ વેબસાઇટ ડેન ઑફ ગીક સાથે વાતચીતમાં એડમે કહ્યું હતું કે, "જ્યાં સુધી લોકો પોતે પ્રાણીઓને નહીં સમજે ત્યાં સુધી લોકોને પ્રાણીઓના સંરક્ષણ વિશે સમજાવવાનો કોઈ ફાયદો નહીં થાય."
તેના માટે 1990ના દાયકાના મધ્યમાં બ્રિટનના ઉત્તરી ક્ષેત્ર (નૉર્ધન ટેરિટરી) પહોંચ્યા, જ્યાં દુનિયાભરમાં સૌથી વધુ સંખ્યામાં ખારાં પાણીના મગરમચ્છ જોવા મળે છે.
ઍડમ ત્યાં નૉર્ધન ટેરિટરીમાં જ આ ક્ષેત્રના જાણીતા ઍક્સપર્ટ ગ્રાહમ વેબ પાસે પહોંચ્યા જેમનું એક નાનકડું પ્રાણીસંગ્રહાલય અને રિસર્ચ સેન્ટર ‘ક્રોકોડાયલ્સ પાર્ક’ના નામથી હતું.
અહીં ફિલ્માંકન અને અન્ય પરિયોજનાઓ તરફ પ્રયાણ કરવાની સાથે જ ઍડમે અનેક સંશોધનકાર્યોમાં પણ ભાગ લીધો.
અહીં જ તેમણે કરેલાં સંશોધનમાંથી 2005માં કરવામાં આવેલા એક સંશોધને વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી.
ઍડમે કરેલું આ સંશોધન મગરમચ્છના લોહીની શક્તિશાળી ઍન્ટિબાયોટિક શક્તિઓ વિશે હતું.
2006માં ઍડમે ક્રોકોડાઇલ્સ પાર્ક છોડીને પોતાનાં પત્ની સાથે એક નવું મગરમચ્છ પરામર્શ સેન્ટર શરૂ કર્યું.
ત્યારબાદ એડમે ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રિસર્ચર તરીકે પણ યોગદાન આપ્યું.
પહેલાં તો ઍડમને ત્યાં લોકો શરમાળ પરંતુ "ઠીક-ઠાક" માનતા પણ હવે તેને એક સામાજિક રૂપે ‘અલગ વ્યક્તિ’ તરીકે દેખાય છે.
ક્રોકોડાઇલ્સ પાર્ક માટે ફીલ્ડ રિસર્ચના કામનું આયોજન કરનારા જ્હૉન પૉમેરોય કહે છે કે, "તેઓ પોતાનામાં જ મગ્ન રહેતા હતા તેથી કદાચ એટલું પ્રસિદ્ધ નામ ન હતા. પરંતુ તેમના કામમાં તો તેઓ સારા હતા."
ઍડમને આ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્માંકનની કળા શીખવવામાં એક નવી શરૂઆત આપનારા પ્રોફેસર વેબ પોતાને ઍડમના એક માર્ગદર્શક તરીકેની ભૂમિકામાં જોતા હતા પરંતુ તેમને ત્યાં કામ છોડી દીધા પછી ઍડમે તમામ સંબંધો ખતમ કરી દીધા હતા.
હવે પ્રોફેસર વેબનો આરોપ છે કે ઍડમ એક ઘમંડી અને અહંકારી વ્યક્તિ હતા જેણે ક્રોકોડાઇલ્સ પાર્કમાં અન્ય લોકોએ કરેલાં કામોને પણ પોતાના નામે દર્શાવીને ગ્રાહકો પોતાની તરફ ખેંચી લીધા હતા.
બીબીસી સાથે વાત કરતાં પ્રોફેસર વેબ કહે છે, "ત્યાં માત્ર વૈજ્ઞાનિકો જ છે. ઍડમ બ્રિટન ત્યાં સૌને જાણતા હતા અને તેમની પાસે જ્ઞાન પણ ખૂબ છે એ એક અલગ વાત છે. એમ તો લાઇબ્રેરિયન પાસે પણ ખૂબ જ્ઞાન હોય છે. પરંતુ ઍડમ બ્રિટન જેવા લોકો માત્ર સમાચારોમાં જ રહેવા માગતા હતા."
2013માં ઍડમ સાથે મળીને ક્રોકબાઇટ નામની એક ડેટાબેઝ કંપની સ્થાપિત કરનાર સિડેલ્યૂ પણ બીબીસીને કંઈક આવી જ કહાણી બતાવે છે.
સિડેલ્યૂ કહે છે કે ઍડમને આ કામમાં વેબસાઇટના ડોમેઇન માટે પૈસા આપી દીધા બાદ કોઈ અન્ય પ્રકારનું યોગદાન આપવાનું ગમતું ન હતું. પરંતુ તેમને ક્રેડિટ લેવી ખૂબ પસંદ હતી.
ઍડમ અને તેમના પાલતુ મગરમચ્છ એક સ્ટાર જેવું નામ બની ગયા હતા
પરંતુ આગળ વધતાં જ ઇન્ડસ્ટ્રીમાં ઍડમ અને તેમના પાલતુ મગરમચ્છ એક સ્ટાર જેવું નામ બની ગયા.
નૉર્ધન ટેરિટરીમાં પ્રોફેસર વેબનો ક્રોકોડાઇલ્સ પાર્ક છોડ્યા પછી ઍડમે પોતાને મગરમચ્છોના વ્યવહાર અને વર્તનના ઍક્સપર્ટ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. એ જ કડીમાં તેણે આઠ મગરમચ્છોના ઘર ‘મૅકમિન્સ લગૂન્સ’ ને એક વૈશ્વિક ફિલ્માંકન ડૅસ્ટિનેશન બનાવી દીધું.
નામ ન આપવાની શરતે તેમના પૂર્વ મિત્ર અને વાઇલ્ડલાઇફ રિસર્ચર કહે છે, "આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે પોતાની એવી ઓળખ બનાવી લીધી હતી કે જેનો કોઈ જ મુકાબલો ન હતો."
2006માં સર ડેવિડની એક ડૉક્યુમેન્ટરી ‘લાઇફ ઇન કોલ્ડ બ્લડ’ના શૂટિંગ માટે ઍડમે એક મોટા વાડાનું નિર્માણ કર્યું જેમાં મગરમચ્છો સંભોગ કરતાં હોય તેવા દૃશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. તેની ખૂબ ચર્ચાઓ થઈ હતી.
એ વિશે વાત કરતાં ઍડમે ડેઇલી ટેલિગ્રાફને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્માંકન વખતે પોતાના આદર્શ સાથે કામ કરવા મળ્યું એ તેમના માટે એક સ્વપ્ન પૂર્ણ થવા જેટલું હતું.
મગરમચ્છોના વ્યવહારનું ફિલ્માંકન કરવું એ ખૂબ કપરું કામ હોય છે, આથી મૅકમિન્સ લગૂન્સમાં ઍડમને ત્યાં મગરમચ્છોના વ્યવહારને શૂટ કરવા માટે ટીવી ક્રૂની ભીડ થવા લાગી.
2018માં તેઓ એનટી ન્યૂઝ સાથે વાત કરતાં કહે છે કે, "જો તમે ક્યાંય પણ મગરમચ્છનો પાણી નીચેનો શૉટ જોયો હોય તો એ અમારે ત્યાંનો જ હશે."
એ જ રીતે સ્ટીવ બૅકશેલે પોતાની ડૉક્યુમેન્ટરીનું શૂટિંગ કર્યું હતું અને મેન વર્સિસ વાઇલ્ડના બૅર ગ્રિલ્સ પણ અહીં આવી ચૂક્યા છે.
ફિલ્મનિર્માતાઓ પણ ઍડમ બ્રિટનનો સંપર્ક નંબર રાખવા લાગ્યા.
મગરમચ્છ પર તેમની વિશેષજ્ઞતાની માગ વિદેશોમાં પણ વધી ગઈ.
ઍડમે વર્ષ 2011માં ફિલિપાઇન્સમાં પકડાયેલા વિશ્વના સૌથી લાંબા મગરમચ્છની લંબાઈ પણ માપવામાં મદદ કરી હતી.
પછી 2016માં સીબીએસના ટીવી હોસ્ટ ઍન્ડરસન કૂપર સાથે ચેનલના શો ’60 મિનિટ’ના એક એપિસોડ માટે બોત્સવાનામાં જંગલી મગરમચ્છો સાથે ડૂબકી લગાવીને શૂટ કરવામાં મદદ કરી હતી.
બીબીસી સાથે વાત કરતાં ઑસ્ટ્રેલિયન ડાયરેક્ટર અને લેખક ઍન્ડ્ર્યૂ ટ્રાઉકી કહે છે, "પોતાના ફીલ્ડમાં તેઓ એક લીડર હોવાની સાથે સાથે એક સારા માણસ પણ હતા."
ઍડમે શું ગુનો કર્યો?
ઍડમ વિશે કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ પશુઓનો વૈજ્ઞાનિક પોતાના જ પાલતુ પ્રાણીઓનું શોષણ કરતો હતો અને પછી તેને અન્ય કૂતરાંના માલિકોને આપી દેવા માટે તોડજોડ કરતો હતો.
ઍડમ એ ઑસ્ટ્રેલિયન ઑનલાઇન બજાર ગમટ્રી પર એવા લોકોની ખોજ કરતો હતો કે કોઈને કોઈ કારણને લઈને પોતાનું પ્રાણી આપી દેવા માગતા હતા, તેના બદલામાં ઍડમ તેમને સારું ઘર આપવાનો વાયદો કરતો હતો.
કોઈ તેની પાસે પછી પ્રાણી જોવા માટે આવે તો તેને પછી ખોટી કહાણી બતાવતો હતો અથવા તો જૂની તસવીરો બતાવી દેતો હતો.
મોટાભાગના મામલાઓમાં કન્ટેનરની અંદર રેકૉર્ડિંગ માટે વાપરવામાં આવેલાં ઉપકરણોને કારણે અસુવિધા થવાથી અનેક કૂતરાં પહેલાં જ મૃત્યુ પામતાં હતાં.
આ કન્ટેનરને ઍડમ 'ટૉર્ચર રૂમટ કહેતા હતા.
પોતાની ધરપકડ પહેલાંના 18 મહિનામાં તેમણે ઓછામાં ઓછા 42 કૂતરાંઓને ત્રાસ આપ્યો હતો જેમાંથી 39 કૂતરાંઓનાં મૃત્યુ થયાં હતાં.
ટ્રાઉકી કહે છે, "જ્યારથી મેં એડમ વિશે આ બધું સાંભળ્યું છે ત્યારથી હું હચમચી ગયો છું. ઍડમની આના માટે ધરપકડ કરવામાં આવી છે એવું વિચારી પણ શકાતું નથી."
આમ જોવા જઈએ તો આ સમાચારે સમગ્ર વિશ્વના પ્રાણીપ્રેમીઓને હચમચાવી દીધાં હતાં. દુનિયાભરને સેંકડો લોકોએ સોશિયલ મીડિયા પર એકઠા થઈને, કેટલાકે કોર્ટમાં ઉપસ્થિત થઈને એડમને મોતની સજા આપવાની માગ કરી હતી.
જોકે, ઑસ્ટ્રેલિયામાં મોતની સજા 1985માં જ ખતમ કરી દેવામાં આવી હતી.
ઍડમને સજા મળતી જોવા માટે કેટલાક લોકો ડાર્વિન શહેર સુધી આવી પહોંચ્યા હતા અને જ્યારે ઍડમના અપરાધો કોર્ટમાં કહેવામાં આવી રહ્યા હતા ત્યારે લોકો કોર્ટની અંદર રડતાં જોવા મળ્યા હતા .
આ લોકો ઍડમ દ્વારા ઠગવામાં આવેલા પશુપ્રેમીઓનો અવાજ બનવા માગે છે પરંતુ તેમાંથી ઘણા લોકો હજુ પણ આઘાતમાં છે.
કોર્ટમાં ઉપસ્થિત નતાલી કરે કહે છે, "હું તેના વિશે વિચારતી હતી કે એ બુદ્ધિશાળી અને દયાળુ માણસ છે. અને આ બધું સાંભળ્યા પછી હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ઊંઘી શકી નથી."
પરંતુ બધા લોકો કહે છે કે ઍડમ આટલો ક્રૂર અને હિંસક હશે તેના કોઈ સંકેતો તેમને ક્યારેય નથી મળ્યા.
ઍડમના વકીલે તર્ક આપ્યા હતા કે તે એક અજીબ પ્રકારના વિકારથી પીડિત હતો જેના કારણે તેને બાળપણથી જ તીવ્ર અને અસામાન્ય યૌન સંબંધો બાંધવાની ઇચ્છા થતી હતી.
જોકે, પોતાના માફીપત્રમાં ઍડમે ‘પીડા અને યાતના’ની ‘તમામ જવાબદારી’ સ્વીકારી લીધી છે અને પોતાનો ઇલાજ કરાવવાની સાથે જ બધું બરાબર કરવાનો રસ્તો પણ શોધી લેવાની વાત કહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન