You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૂતરાં માણસના 'બેસ્ટ ફ્રેન્ડ્ઝ' કઈ રીતે બન્યાં?
- તાજેતરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંના હુમલાની ઘટનાઓ અચાનક વધારે પ્રમાણમાં સામે આવવા લાગી હતી
- સુરતમાં રખડતાં કૂતરાંના આતંકમાં એક બાળકીના દુ:ખદ મૃત્યુ બાદ આ મામલો સમાચારોમાં વધુ છવાયો
- પરંતુ શું આપ જાણો છો કે કૂતરાં માણસના શ્રેષ્ઠ મિત્ર ક્યારથી બની ગયાં?
- શું આપણે કૂતરાંને પાલતુ બનાવીને કોઈ ભૂલ કરી રહ્યા છીએ?
- શું કૂતરાં માણસ સાથેના સંપર્કના કારણે શિકાર વૃત્તિ પર કાબૂ રાખતા થઈ ગયા છે?
ગુજરાતમાં અને દેશનાં કેટલાંક અન્ય શહેરોમાં બાળકો તથા પુખ્ત વયના લોકોને કૂતરાં કરડવાની ઘટનાઓમાં તાજેતરમાં જોરદાર વધારો થયાના અહેવાલ છે.
સુરતમાં 19 ફેબ્રુઆરીએ બનેલી એક આઘાતજનક ઘટનામાં એક મજૂરની બે વર્ષની બાળકીનું ત્રણ-ચાર કૂતરાંએ ભરેલાં 30-40 બચકાંને કારણે ત્રણ દિવસ બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
દરમિયાન, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી વડા ન્યાયમૂર્તિ એજે દેસાઈએ સોમવારે જણાવ્યું હતું કે રખડતાં કૂતરાંના દૂષણને કારણે ઘણા નાગરિકો માટે રોજ મૉર્નિંગ વૉક પર જવાનું મુશ્કેલ બની ગયું છે.
આ સંદર્ભમાં સવાલ થાય કે આપણે પ્રાગૈતિહાસિક વરુઓને, તેમના સુંદર ગલૂડિયાંને દત્તક લઈને કાબૂમાં લઈ લીધાં છે કે પછી એકમેકને અનુકૂળ વ્યવસ્થાને લીધે કૂતરાં ખુદને જ કાબૂમાં રાખતાં થઈ ગયાં છે?
કૂતરાં સાથેનો આપણો સંબંધ બહુ પુરાણો છે. પુરાતત્ત્વવિદોએ શોધી કાઢ્યું છે કે 14,000 વર્ષ પહેલાં માનવી તેનાં કૂતરાંને પોતાની સાથે જ દફનાવતો હતો.
કૂતરાં માણસે પાળેલું પ્રથમ પ્રાણી હતાં એ વાતના સંખ્યાબંધ પુરાવા હોવા છતાં માણસના કૂતરાં સાથેના સંબંધના મૂળ બાબતે હજુ પણ વ્યાપક ચર્ચા ચાલ્યા કરે છે.
મૂળની કથાઓ
માનવ અને કૂતરાં વચ્ચેના સંબંધની શરૂઆત યુરોપ અથવા એશિયામાં 15,000 અને 40,000 વર્ષ પહેલાં કેવી રીતે થઈ એ વિશે મુખ્યત્વે બે વિરોધાભાસી થિયરી છે.
ક્રૉસ-સ્પીશિઝ થિયરી મુજબ, માનવજાતે તમામ શ્વાનના પૂર્વજો પ્રાગૈતિહાસિક વરુઓને, તેમનાં બચ્ચાંઓને પાળીને આકસ્મિક રીતે અંકુશમાં લીધાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોમેન્સાલિઝમ થિયરી મુજબ, વરુઓ છાંડેલા ખોરાકની શોધમાં માનવ વસાહતોની આસપાસ ભટકતાં હોવાને કારણે જાતે પાલતુ પ્રાણી બની ગયાં હતાં.
ન્યૂયૉર્કની સ્ટોની બ્રૂક યુનિવર્સિટીના ક્રિષ્ના વિરમાહે બીજી થિયરી આપી છે. તેઓ કહે છે કે "પાળેલા અને ઓછા આક્રમક વરુઓ આ સંદર્ભમાં વધુ સફળ થયાં હશે. આ પ્રક્રિયામાંથી માણસોને સમય જતાં કોઈ લાભ થયો ન હતો, પરંતુ તેમણે આ પ્રાણીઓ સાથે કોઈક પ્રકારના સહજીવનનો સંબંધ વિકસાવ્યો હશે. તે આજે જોવા મળતા કૂતરાના સ્વરૂપમાં વિકાસ પામ્યા છે."
ઍન્થ્રોપોલૉજીના નિવૃત્ત પ્રોફેસર અને માનવ-પ્રાણી ઇન્ટરઍક્શન્શના ઇતિહાસના એક વિખ્યાત નિષ્ણાત પેટ શિપમેનના જણાવ્યા મુજબ, અગાઉ જે પ્રજાતિઓ વચ્ચે બહુ ઓછો પારસ્પરિક સંબંધ હતો તેમની વચ્ચે બાદમાં મજબૂત સંબંધ બંધાયો હતો.
પેટ શિપમેન કહે છે કે "આપણે કરેલી તમામ શોધના અને વસ્તુઓ કરવા માટે આપણે જે શોર્ટ કટ્સ અપનાવ્યા તેના સંદર્ભમાં પ્રાણીઓને પાળવા તે એક અસાધારણ ઉદાહરણ છે, પરંતુ વરુઓ પાળવાનું કોઈ દેખીતું કારણ ન હતું. વરુઓ ખતરનાક હતા એટલું જ નહીં, તેઓ સંસાધનો માટે માણસો સામે સંઘર્ષ પણ કરતા હતા."
તેમના કહેવા મુજબ, સંબંધના પારસ્પરિક લાભ માણસ અને વરુઓને આખરે સમજાયા હતા. મનુષ્યો માટે વરુઓ દુશ્મનો સામે ઉપયોગી રક્ષકો તેમજ શિકારમાં ભાગીદાર હતા.
પુરાતત્ત્વશાસ્ત્ર દર્શાવે છે તેમ, વરુઓ, કૂતરા માનવ પરિવારના સભ્ય બની ગયા હતા. પ્રાગૈતિહાસિક ગુફા ચિત્રોમાં તેમને પાળતુ પ્રાણી તરીકે ચિત્રિત કરવામાં આવ્યાં હતાં.
પેટ શિપમેને તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'અવર ઓલ્ડેસ્ટ કમ્પેનિયન'માં એવું પણ જણાવ્યું છે કે માનવજાતના સૌથી નજીકના જાણીતા સંબંધી નિએન્ડથર્લ્સ સામે હોમો સેપિયન્સ વધુ શક્તિશાળી કઈ રીતે પુરવાર થયા હતા તે સમજવાનું એક કારણ કૂતરા સાથેનો સંબંધ પણ છે.
પેટ શિપમેન માને છે કે "ફૂડ ચેઈન પર માનવ-વરુ યુતિનું પ્રભુત્વ હતું."
કોમેન્સલ થિયરીને તાજેતરમાં વધુ પીઠબળ સાંપડ્યું હતું. ગત ડિસેમ્બરના અંતમાં પ્રકાશિત એક અભ્યાસના તારણમાં ફિનલૅન્ડના સંશોધકોએ જણાવ્યું હતું કે શિકારીઓ તેમની પાસે વધેલું માંસ વરુઓને આપી દેતા હતા, કારણ કે માણસ માત્ર પ્રોટીનના આહાર વડે જ જીવી શકતો નથી.
સંશોધકોના જણાવ્યા મુજબ, "શરૂઆતના આ સમયગાળા પછી પ્રારંભિક કક્ષાના શ્વાન આજ્ઞાંકિત બની ગયા હતા. તેમનો ઉપયોગ શિકારમાં સાથીદાર, ભારવાહકો અને રક્ષકો એમ અનેક રીતે કરવામાં આવતો હતો."
પાલન પોષણનો વ્યવહાર
પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં હ્યુમન-એનિમલ ઇન્ટરએક્શન એક નિષ્ણાત તરીકે કાર્યરત જેમ્સ સર્પેલ કૂતરા પાળવાના પારસ્પરિક ફાયદા સામે કોઈ સવાલ કરતા નથી, પરંતુ ફ્રન્ટીયર્સ ઈન વેટરનરી સાયન્સ જર્નલમાં ગયા એપ્રિલમાં પ્રકાશિત એક શોધ પત્રમાં જેમ્સ સર્પેલે એવી દલીલ કરી હતી કે વરુઓ આખરે કૂતરા કઈ રીતે બન્યા તેનું બુદ્ધિગમ્ય કારણ ક્રોસ-સ્પીશિઝ એડોપ્શન છે.
તેમના જણાવ્યા મુજબ, હજારો વર્ષો પહેલાં માનવવસ્તી બહુ ઓછી હતી અને લોકો નાના તથા છૂટાંછવાયાં જૂથોમાં રહેતા હતા. કશું ફેંકતા ન હતા.
જેમ્સ સર્પેલ કહે છે કે "આજે પણ આધુનિક આખેટજીવી લોકો કશું ફેંકી દેતા નથી. અન્ય પ્રાણીઓ તેમની પાસે ન આવે એટલા માટે પ્રાણીઓના અવશેષો છૂપાવી દેતા આખેટજીવીઓના ઘણા ઉદાહરણ સાહિત્યમાં જોવા મળે છે."
જેમ્સ સર્પેલ માને છે કે "મોટા માંસાહારી પ્રાણીઓ પોતાની વસાહતોમાં વારંવાર ધસી ન આવે તેવું આપણા પૂર્વજો ઇચ્છતા હતા. દાખલા તરીકે દક્ષિણ આફ્રિકામાં આધુનિક બુશમેન આખેટજીવીઓ સિંહોને ડરાવવા માટે ખાસ પ્રયાસો કરે છે. તેથી ભૂતકાળમાં લોકો, ખતરનાક પ્રાણીઓ તેમની વસાહતોની આસપાસ આંટાફેરા કરતા હોય એવું નિશ્ચિત રીતે જ નહીં ઇચ્છતા હોય."
જોકે, પ્રાણીઓના બચ્ચાંઓને ગમાડવાની બાબતમાં આપણા પૂર્વજો આપણાથી અલગ હોવા બાબતે જેમ્સ સર્પેલ અને ક્રોસ-સ્પીશિઝ એડોપ્શન થિયરીના બીજા પુરસ્કર્તાઓને શંકા છે.
તેઓ એવી દલીલ કરે છે કે પ્રાચીન માનવીઓ વરુનાં બચ્ચાંને પકડી લેતા હતા અને એ બચ્ચાં પુખ્ત થાય પછી જંગલમાં જતાં રહેતાં હતાં.
જોકે, આ રીતે પકડવામાં આવેલાં બચ્ચાંઓને માણસની સંગતમાં ફાવી ગયું હશે અને તેઓ તેમની સાથે રહેવાં લાગ્યાં હશે.
જેમ્સ સર્પેલ દલીલ કરે છે કે "આ અસામાન્ય રીતે નમ્ર અને મૈત્રીપૂર્ણ વરુઓનું બ્રીડિંગ કરવામાં આવે ત્યારે તેમાંથી એક નવા જ પ્રકારનું પ્રાણી જન્મે, જે જંગલી વરુથી અલગ પ્રકારનું હોય, પરંતુ પુરાતન સંદર્ભમાં આવું યોજનાને બદલે અકસ્માતે થયું હતું."
યોગ્ય સમયે યોગ્ય પ્રાણી?
કૂતરાને પાળવાનું બહુ લાંબા સમય પહેલાં શરૂ થયું હતું અને તે કઈ રીતે શરૂ થયું હતું તેના ચોક્કસ પુરાવા પણ આપણને એક દિવસે મળશે. ત્યાં સુધી તે રહસ્યમાં ઘેરાયેલું રહેશે, પરંતુ એડોપ્શન અને સ્કેવેન્જિંગ બન્ને કૅમ્પના નિષ્ણાતો એક વાતે સહમત જણાય છે કે વરુ સિવાયનું કોઈ પણ પ્રાણી આપણો "સૌથી પુરાણો દોસ્ત" હોઈ શકે નહીં.
પેટ શિપમેન કહે છે કે "વરુ સાથેનો માણસનો સંબંધ શિકારી સાથી તરીકેનો હતો. તે સમયે માનવી અને વરુની જરૂરિયાત લગભગ એકસરખી હતી. પ્રારંભિક માનવ ઇતિહાસમાં લોકો પ્રાણી પાળતા હતા, કારણ કે તેઓ તેમનું માંસ ખાતા હતા અથવા તો તેમનો ઉપયોગ વસ્તુઓના વહન માટે કરતા હતા."
વરુઓ અને માનવો વચ્ચે વાસ્તવમાં ઘણી સમાનતા હોવા બાબતે જેમ્સ સર્પેલ પણ સહમત છે.
તેઓ કહે છે કે "કેટલાક વિજ્ઞાનીઓના કહેવા મુજબ, માણસ તથા વરુ સહજીવન માટે સર્જાયેલાં લાગે છે. તેઓ એક પ્રકારનો આહાર કરતા હતા, તેમનું સામુદાયિક કદ સમાન છે અને બન્નેમાં માતા-પિતા બચ્ચાંઓને સારી રીતે ઉછેરે છે. આપણામાં અને તેમનામાં ઘણી બધી બાબતો સમાન હતી."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો