પૃથ્વી પર સાપ જ ન હોય તો શું થાય

    • લેેખક, નંદિની વેલ્લિચામી
    • પદ, બીબીસી તામિલ

ભારતીય સંસ્કૃતિમાં સાપ એક એવો જીવ છે, જેને સાહિત્ય, કળા, કથા અને આધ્યાત્મ જેવા અનેક ક્ષેત્રોમાં બહુ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતમાં થતી સર્પ પૂજા અનેક સંસ્કૃતિઓ અને વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે.

જોકે, સાપને આટલું મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે એવા લોકો પણ છે, જેઓ સાપ શબ્દ સાંભળતાં જ તેના આકાર, સંરચના, સરકવાની પ્રકૃતિ વગેરે જેવાં અનેક કારણોથી ગભરાઈ જાય છે. સાપ સૌથી વધારે ડરામણું અને ભય સર્જતું પ્રાણી પણ છે.

કેટલાક ઝેરીલા સાપ માણસ માટે હાનિકારક હોઈ શકે છે, પરંતુ સાપ આપણી પરિસ્થિતિ વિજ્ઞાન (ઇકોલૉજી) માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે તે જાણતા ન હોવાને કારણે આપણી પાસે એક જ ઉપાય હોય છે કે સાપ આપણા ઘરમાં પ્રવેશતાંની સાથે જ તેને મારી નાખવાનો.

સીધો હુમલો કરવા અને તેને મારી નાખવા ઉપરાંત, વન્યજીવ પ્રેમીઓ માને છે કે વધતા શહેરીકરણથી વસવાટના વિનાશને લીધે માણસો પરોક્ષ રીતે સાપના 'દુશ્મન' બની ગયા છે.

‘સાપના ઘણા દુશ્મન હોય છે, મનુષ્ય પહેલો શત્રુ છે’

પ્રોફેસર એમ. વી. રાજેન્દ્રને તામિલનાડુ તથા કેરળમાં 1960ના દાયકામાં સાપો વિશે વ્યાપક સંશોધન કર્યું હતું અને ‘નમ નથુ પામ્બુગલ’ નામનું પુસ્તક લખ્યું હતું, જે આજે પણ સાપ વિશેની હેન્ડબૂક ગણાય છે.

ઇકોલૉજી અને જૈવવિવિધતા સંદર્ભે સાપના ફાયદા વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 16 જુલાઈએ વર્લ્ડ સ્નેક ડે ઉજવવામાં આવે છે. સાપ પર્યાવરણ માટે કેમ મહત્ત્વપૂર્ણ છે અને તેના વિના શું થાય, તે આજે જાણો.

ઊર્જા સાંકળને તૂટતી અટકાવવા માટે

સાપ ઉપરાંત તમામ પ્રાણીનું ઊર્જા સાંકળમાં અનિવાર્ય સ્થાન છે. ફૂડ ચેઇનમાં સાપ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને સાપ સર્વભક્ષી હોવાથી ઘણાં પ્રાણી-પક્ષીનો ભોગ લે છે અને અન્ય જીવોને નિયંત્રણમાં રાખે છે. સાપ સંપૂર્ણપણે પ્રોટીન સજીવ હોવાથી અન્ય પ્રજાતિઓનો પણ શિકાર કરે છે.

ડૉ. એ. થનિકાઇવેલે કહ્યું હતું, "સાપ મહત્ત્વપૂર્ણ સજીવ છે, જે ઊર્જા સાંકળમાં એક બિંદુથી બીજા બિંદુ પર ટ્રાન્સપોર્ટ થાય છે. તેથી સાપને ફૂડ ચેઇનમાંથી બાકાત રાખવામાં આવે અન્ય પ્રજાતિઓ માટે ઊર્જાના વિતરણમાં અંતર સર્જાય છે. અન્ય પ્રજાતિઓ માટે તે વિક્ષેપ સર્જે છે."

‘કુદરતી જંતુનાશક’

આ ઉપરાંત સાપ ખેતીની જમીનમાં ‘કુદરતી જંતુનાશક’ તરીકે કામ કરે છે. ખેતીની ઇકો-ફ્રેન્ડલી જમીનમાં ઉંદરડા અને સાપ નુકસાનકારક પ્રજાતિઓના નિયંત્રણનું કામ કરે છે.

ડૉ. થનિકાઇવેલે કહ્યું હતું, "પંખીઓ આહાર માટે રૅટ નેટ્સની અંદર જઈ શકતાં નથી. માત્ર સાપ જ જઈ શકે છે."

કયા સાપ મૃત્યુનું કારણ બને છે?

ડૉ. થનિકાઇવલના જણાવ્યા મુજબ, "માત્ર ભારતમાં જ સાપની 315 પ્રજાતિઓ જોવા મળે છે અને તેમાંથી 141 તામિલનાડુમાં જોવા મળે છે. ભારતમાં સાપની 62 પ્રજાતિઓ ઝેરી છે."

તેમણે કહ્યું હતું, "ભારતમાં ચાર પ્રકારના સાપ માનવ વસાહતોમાં મૃત્યુનું કારણ બને છે. તેમાં ગ્લાસ વાઇપર, ગૂડ સ્નેક તરીકે ઓળખાતા સાપ, કર્લી વાઇપર અને બૅન્ડેડ વાઇપરનો સમાવેશ થાય છે."

સાપ ઘરમાં ઘૂસી જાય તો શું કરવું?

ચેન્નાઈનાં 24 વર્ષીય સ્નાતક વેદપ્રિયા ગણેશન 14 વર્ષનાં હતાં ત્યારથી સાપ બચાવવાનું કામ કરી રહ્યાં છે. તેમનાં કહેવા મુજબ, સાપ ઘરમાં ઘુસી જાય તો પહેલાં ડર અને ચિંતા વગર તેના બહાર જવાની વ્યવસ્થા કરવી જોઈએ.

વેદપ્રિયાએ કહ્યું હતું, "લોકોને જાગૃત કરવા જોઈએ. તેઓ જાગૃત હશે તો જ સાપને નુકસાન નહીં પહોંચાડે કે તેને મારી નહીં નાખે. સાપ ઘરમાં પ્રવેશે તો બારી-બારણા બંધ નહીં કરી દેવાના. સાપને મોકળો છોડી દેશો તો તે આપમેળે ઘરની બહાર નીકળી જશે."

"મકાનમાં બિલ્ડિંગ મટિરિયલ્સ, કચરાના ઢગલા હોય, દીવાલોમાં કાણાં હોય, અંધારાવાળી જગ્યા હોય અને ઝાડીઓ હોય તો ત્યાં સાપ આવવાની શક્યતા રહે છે. તેથી લોકોને આ બાબતે જાગૃત કરવા જોઈએ."

સાપનું જોખમ

ડૉ. થનિકાઇવેલના કહેવા મુજબ, શહેરીકરણનો પ્રભાવ સાપ પર પડી રહ્યો છે.

"પર્વતોમાં જોવા મળતી સાપની કેટલીક પ્રજાતિઓ મેદાની વિસ્તારોમાં જોવા મળતી નથી. સાપની કેટલીક પ્રજાતિઓ તાજું પાણી અને દરિયાનું પાણી ભળતું હોય તેવા નદીના વિસ્તારોમાં જ જોવા મળે છે."

"ગ્રીન સ્નેક અને કોમ્બેરી મૂકન જેવા સાપ માત્ર ગીચ જંગલમાં જ જોવા મળે છે. ચોક્કસ પ્રકારના પરિસરોમાં રહેતા સાપના આવાસનો શહેરીકરણ સહિતના અનેક કારણોસર નાશ થઈ રહ્યો છે. રસ્તાના વિસ્તરણ કાર્યને લીધે, માર્ગ અકસ્માતોને કારણે પણ સાપ મરી રહ્યા છે."

"એક તરફ લોકો દુ:ખી થઈ રહ્યા છે તો બીજી તરફ સાપ દુર્લભ બનતા જાય છે. માણસની નજર સામે સાપ મરી રહ્યા છે. ખેતીમાં રસાયણોનો છંટકાવ થઈ રહ્યો છે, જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે, માનવ વસાહતો વધી રહી છે અને સાપના આવાસોનો નાશ થઈ રહ્યો છે."

પર્યાવરણવિદોનું કહેવું છે કે સરકારે સાપ વિશે ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધરવો જોઈએ અને તેના આધારે માનવ સંઘર્ષથી થતી સાપની હત્યા તથા સર્પદંશથી થતા માણસોના મોતને અટકાવવા જોઈએ.

વિશ્વ નાગલક્ષ્મી લિખિત પુસ્તક ‘આઈ સ્નેક’ જણાવે છે, "કુદરતી જીવનથી વિમુખ થયેલી પેઢીઓ જૈવવિવિધતાના વિનાશ તરફ દોરી ગઈ છે. તેમાં સરિસૃપ જીવોમાં સાપનો સમાવેશ થાય છે."