ખોવાયેલી પત્નીને શોધવા પતિએ અજગરનું માથું કાપી નાખ્યું, પેટમાંથી કાઢ્યો મૃતદેહ

ઇંડોનેશિયામાં અજગરે એક 36 વર્ષીય મહિલાને ગળી જતાં તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસ અનુસાર સિરીયતી નામનાં મહિલા બે દિવસ પહેલાં પોતાના બાળક માટે દવા લેવાં ઘરથી નીકળાં હતાં પણ ત્યાર બાદ તેઓ પાછાં ન ફરી શક્યાં.

સાપ માણસને ખાઈ જાય એવી ઘટના ભાગ્યેજ બનતી હોય છે પણ ઇંડોનેશિયામાં એક મહિનામાં આવી આ બીજી ઘટના છે.

સિરીયતીના પતિ ઍડિયાંસાએ ઘરથી 500 મીટરના અંતરે પત્નીનાં ચંપલ અને કપડાં મળ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરી હતી. આ ઘટના ઇંડોનેશિયાના દક્ષિણ સુલાવેસીના સિટેબા ગામમાં બની હતી.

બીબીસી ઇંડોનેશિયન સેવા સાથે વાત કરતા સ્થાનિક મુખ્ય પોલીસ અધિકારીએ કહ્યું કે તેમના પતિએ અજગરને જીવતો શોધી કાઢ્યો અને તેનું માથું કાપી નાખ્યું અને તેનું ફૂલેલું પેટ ફાડી નાખ્યું જેમાં તેમનાં પત્નીના અવશેષો મળ્યા.

જૂન મહિનાની શરૂઆતમાં દક્ષિણ સુલાવેસીના અન્ય જિલ્લામાં જ એક પાંચ મીટર લાંબા અજગરે એક મહિલાને ખાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.

પોલીસે આ ઘટના બાદ લોકોને અજગરના હુમલાની આશંકા વચ્ચે ચાકુ રાખવાની સલાહ આપી છે.

સાઉથ સુલાવેસી એન્વાયરમેન્ટલ ઇન્સ્ટિટ્યુટમાં પર્યાવરણવિદો માને છે કે વનોના નષ્ટ થવા અને પશુઓના આવા હુમલાઓ વચ્ચે સંબંધ છે.

સંસ્થાના ડાયરેક્ટર મુહમદ અલ અમીને બીબીસી ન્યૂઝ ઇંડોનેશિયાને જણાવ્યું કે ખનન માટે વૃક્ષો કાપવાનું કામ આ વિસ્તારમાં વધ્યું છે. આ વિસ્તારમાં વાવણી માટે જંગલો સાફ કરવાનું કામ પણ વધ્યું છે.

તેમણે કહ્યું કે, "પરિણામસ્વરૂપે આ પશુઓને ભોજન મળવામાં મુશ્કેલી થઈ રહ્યો છે, તેઓ રહેણાક વિસ્તારોમાં શિકાર કરવા પહોંચે છે અને મનુષ્યો પર સીધો હુમલો કરે છે."

પોલીસ વડાએ કહ્યું કે રહીશોને આશંકા હતી કે અજગર રસ્તા પર જંગલી ભૂંડની શોધમાં ફરી રહ્યો હતો.

સાપ કેવી રીતે માણસને ખાઈ શકે છે?

ધારીદાર ચામડીવાળા અજગર 10 મીટરથી લાંબા હોય છે અને આ લાંબા શરીરવાળા ધારીદાર અજગર જ ઇંડોનેશિયામાં લોકો પર હુમલા કરે છે અને તેમને મારી નાખે છે.

આ સાપ ઘણા શક્તિશાળી હોય છે. તેઓ ઘાત લગાવીને હુમલો કરે છે અને પછી પોતાના શિકારને ચારે બાજુથી એવી રીતે લપેટી લે છે કે તેનો શ્વાસ રૂંધાવાનું શરૂ થઈ જાય. શિકાર જો નાસી છૂટવાનો પ્રયત્ન કરે તો અજગર તેની પકડ વધુ મજબૂત બનાવી દે છે. એવામાં થોડી મિનિટોમાં જ પીડિતનો શ્વાસ રૂંધાઈ જાય છે અથવા તેનું હૃદય ધબકતું બંધ થઈ જાય છે.

વન્યજીવ નિષ્ણાત મેરી રૂથ લોવ અજગરનો અભ્યાસ કરે છે અને તેમનું કહેવું છે કે મોટા અજગર માણસને આખે આખો ગળી શકે છે.

અજગરનું જડબું લવચીક હોય છે માટે તે પોતાના શિકારને ગળે શકે છે. અજગર પોતાનું મોઢું મોટું ખોલીને પોતાના શિકારને ચારે બાજુથી જકડી લે છે અને તેને પોતાની અંદર ખેંચી લે છે.

જ્યાં માણસને ખાવાની વાત આવે છે તો હાંસડી બાધા બની જાય છે કારણ કે તે સરળતાથી નથી તૂટતી.

અજગર સામાન્ય રીતે ઊંદર અને નાનાં પ્રાણીઓને ખાય છે પણ જ્યારે તે એક નિશ્ચિત આકાર પામે છે ત્યારે તેની ઊંદરમાંથી રુચિમાં ઘટી જાય છે કારણ કે તેમને જરૂરી કૅલરી નથી મળતી.

મૅરી રૂથ લોવ કહે છે કે અજગર જેટલા મોટા થતા જાય છે, તેમનો શિકાર પણ મોટા થતા જાય છે અને તેમાં ભૂંડ, ગાય જેવાં પ્રાણીઓ પણ સામેલ હોય છે.