You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અડધું નર, અડધું માદા- એવું પક્ષી જેને જોઈને દુનિયા ચકિત થઈ
- લેેખક, બીબીસી ન્યૂઝ
- પદ, વર્લ્ડ
સામાન્ય રીતે આપણે એવું જાણીએ છે કે પક્ષી નર હોય અથવા માદા. પણ મધ્ય કોલંબિયાના કેલ્ડાસ વિભાગના વિલામારિયામાં કંઈક વિચિત્ર પક્ષી જોવા મળ્યું છે.
પક્ષીપ્રેમી જૉન મુરીલો મનિઝેલ્સ શહેરથી 10 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં ડોન મિગુએલ ડેમોન્ટ્રેટિવ નેચરલ રિઝર્વમાં હતા ત્યારે તેમનું ધ્યાન એક પક્ષી તરફ ગયું, જે પક્ષી જંગલી લીલું હનીઇટર અથવા ક્લોરોફિન્સ સ્પાઇઝા નામે ઓળખાય છે.
એ પક્ષી ખૂબ અનોખું હતું. તેની ડાબી બાજુની પાંખ લીલી હતી જે એ પ્રજાતિની માદાનું વિશેષ અંગ છે અને જમણી બાજુની પાંખ આસમાની રંગની હતી જે નરનો વિશેષ રંગ છે.
મુરીલોએ હાલમાં જ એક શોધ કરી હતી.
“એ ખૂબ જ રોમાંચક હતું." આ શબ્દો બોલતા ન્યૂઝીલૅન્ડની ઓટાગો યુનિવર્સિટીમાંના ઝુઓલૉજી વિભાગના પ્રોફેસર અને ઉત્કાંતિવાદ આનુવંશિકશાસ્ત્રી હામિશ સ્પેનસરે બીબીસીને જણાવ્યું, “એવી શક્યતા છે કે મોટા ભાગના પક્ષીપ્રેમીઓ તેમના સમગ્ર જીવનમાં આવા ઉભયલિંગી પક્ષીને ના જોઈ શકે. પણ મને જૉનની શોધનો લાભ લેવાની તક મળી છે.”
સ્પેનસરે પણ એ પક્ષીને જોયું, કેમ કે તેઓ એ સમયે કોલંબિયામાં રજા ગાળી રહ્યા હતા.
તેઓ કહે છે પક્ષીઓમાં આ ઘટના ખૂબ જ દુર્લભ છે. હકીકતમાં તેમને ન્યૂઝીલૅન્ડમાં ક્યારેય આવું થયું હોય તેવું ધ્યાન પર નથી આવતું.
એક ખૂબ જ દુર્લભ ઘટના
ઉભયલિંગી હોવું એ એક એવી સ્થિતિ છે જેના કારણે કોઈ એક જીવની કોઈ બાજુ નરનાં લક્ષણો દેખાય છે જ્યારે બીજી બાજુ માદાનાં લક્ષણો દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેન્સરે પક્ષીવિજ્ઞાનના ખાસ પ્રકાશન જર્નલ ઑફ ફિલ્ડ ઑર્નિથોલૉજીમાં કોલંબિયામાં એક હનીક્રીપર (ક્લોરોફેન્સ સ્પાઇઝા)માં જોવા મળેલા આ ઉભયલિંગી લક્ષણોની નોંધ કરી છે.
આ અહેવાલ તેમણે મુરીલો સહિતના અનેક પક્ષીવિદો સાથે મળીને લખેલો છે.
માદાઓની પાંખોનો રંગ લીલો હોય છે, તો નર પક્ષીની પાંખોનો રંગ વાદળી કે આસમાની હોય છે. અહીં બંને પાંખોના અલગ રંગ હોવા એ અનોખું છે.
આવી ઘટના મોટી સંખ્યામાં જાનવરોનાં સમૂહોમાં જોવા મળે છે, ખાસ કરીને જે ઉભયલિંગી હોય અને તેની ઓળખ સરળતાથી કરી શકાતી હોય.
જોકે આ શોધ છેલ્લાં 100થી વધુ વર્ષમાં પશુ-પક્ષીઓની પ્રજાતિઓમાં ઉભયલિંગીપણાની નોંધાયેલી બીજી ઘટના છે.
સ્પેનસરે ઓટાગો વિશ્વવિદ્યાલયના એક નિવેદનમાં કહ્યું, "પક્ષીઓમાં લિંગનિર્ધારણ અને તેમના યૌનવ્યવહારની સમજ માટે આ ઉભયલિંગી પક્ષીની શોધ મહત્ત્વપૂર્ણ છે."
આ અનોખું પક્ષી આપણને તેમની દુનિયા વિશે શું જણાવે છે?
સ્પેનસર બીબીસી સાથે વાત કરતા સમજાવે છે, “પક્ષીઓમાં ઉભયલિંગી હોવું એ તેમના શરીરમાં કોઈ હોર્મોનલ પરિવર્તનને કારણે નહીં પણ આસપાસની કોશિકાઓના સંગસૂત્રની સંરચનાને કારણે થાય છે.”
આવી સ્થિતિ પતંગિયાં, ક્રસ્ટેશિયન (સખત આવરણ ધરાવતા જળચર જીવ), કરોળિયા, ગરોળી અને ઉંદરોમાં જોવા મળી છે.
પ્રોફેસર તેમના નિવેદનમાં એક સંકેત આપ્યો- “પક્ષીઓમાં ઉભયલિંગીનું આ લક્ષણ એ બતાવે છે કે અન્ય પ્રાણીઓની જેમ પક્ષીઓના શરીરમાં પણ એક બાજુનું અંગ માદાં લક્ષણો ધરાવતું હોય અને બીજી બાજુનું અંગ નર લક્ષણો ધરાવતું હોય.”
શોધકર્તાઓ આવું કેમ થયું તે સમજાવતા કહે છે કે ઈંડું ઉત્પન્ન કરવા માટે માદામાં કોષિકાઓના વિભાજનમાં રહેલી ખામીને કારણે બે શુક્રાણુ દ્વારા બેવડું ગર્ભાધાન થાય છે અને તેના કારણે આવું થાય છે.
21 મહિનાનું અવલોકન
ડૉન મિગુએલ ડેમોન્સ્ટ્રેટિવ નેચરલ રિઝર્વમાં (જે વન અને ખેતીની જમીન ધરાવતો વિસ્તાર છે) પક્ષીઓને ચણવા માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે.
જ્યાં પક્ષીઓને તાજાં ફળો અને મીઠું પાણી મળી રહે છે. આ સ્થળ પક્ષીઓને જોવા માટે શ્રેષ્ઠ છે.
લેખક તેમના લેખમાં સંકેત આપે છે, “પક્ષીઓને ચણ પૂરું પાડતી આ જગ્યા પર પક્ષીની વિવિધ પ્રજાતિ જેમ કે ટેનેજર્સ, થ્રસસ અને મિશ્ર ટોળાંમાં યુફોનિયસ (વિવિધ પ્રજાતિનાં પક્ષી) જોવાં મળે છે.”
"આ દુર્લભ પક્ષી અહીં ઓછામાં ઓછું 21 મહિના સુધી જોવા મળ્યું હતું અને તેનું વર્તન મોટા ભાગે જંગલી ક્લોરોફેન્સ સ્પાઇઝા (એક પક્ષી) સાથે મળતું આવતું હતું. અહીં પક્ષીઓને ખાવા માટે ફળો રાખવામાં આવતાં હતાં, પણ આ પક્ષી ખાવા માટે જંગલી ક્લોરોફેન્સ સ્પાઇઝા જતાં રહે તેની રાહ જોતું હતું."
આ પક્ષીને "એક ચોક્કસ વિસ્તાર પ્રિય હતો અને તે તેની પ્રજાતિનાં અન્ય પક્ષીઓને ત્યાં આવતા દેતું નહોતું."
જોકે આ બાબતે અને તેના વર્તન અંગે શોધકર્તાઓ પાસે કોઈ સ્પષ્ટીકરણ નથી.
"તે સામાન્ય રીતે તેની પ્રજાતિનાં અન્ય પક્ષીઓથી દૂર રહેતું હતું, અન્ય પક્ષીઓ તેનાથી દૂર રહેતાં. તેથી એવું લાગે છે કે તેને આવાં અન્ય પક્ષીઓ પેદા કરવાની તક મળી ન હોય."
આ પક્ષીનાં કોઈ વારસ હોય કે ના હોય પણ એ તો હકીકત છે કે આ પક્ષી પક્ષીવિશ્વમાં એક અનોખી છાપ છોડી ચૂક્યું છે.