'હનીમૂન' માટે કાશ્મીર જવું કે મક્કા-મદીના? સસરાએ જમાઈ પર ઍસિડ કેમ ફેંક્યો?

સસરાનો જમાઈ હનિમૂન વિવાદ, જમાઈ ઉપર એસિડ હુમલો, કલ્યાણ, મહારાષ્ટ્ર, કાશ્મીર જવાનું કે મક્કા મદીના

ઇમેજ સ્રોત, Eebad Phalke

    • લેેખક, પ્રિયંકા જગતાપ
    • પદ, બીબીસી મરાઠી માટે

મહારાષ્ટ્રના કલ્યાણમાં રહેતા શખ્સ ઉપર આરોપ છે કે તેમણે પોતાના જમાઈ ઉપર ઍસિડ ફેંક્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે સસરા અને જમાઈ વચ્ચે નિકાહ પછી કાશ્મીર જવું કે મક્કા-મદીના તેના વિશે બોલાચાલી થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સસરાએ ઍસિડ ફેંક્યો હતો.

હુમલાનો ભોગ બનનાર ઇબાદ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, ઇબાદના પરિવારના જણાવ્યા પ્રમાણે બંનેની વચ્ચે અન્ય મુદ્દે પણ વિવાદ હતો.

આ ઘટના પછી સસરા ફરાર છે અને તેમની ઉપર આરોપ છે કે તેઓ જમાઈને હત્યાની ધમકી આપી રહ્યા છે. આરોપીના પુત્રે પણ પોતાના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

હનિમૂનનો વિવાદ શું છે?

સસરાનો જમાઈ હનિમૂન વિવાદ, જમાઈ ઉપર એસિડ હુમલો, કલ્યાણ, મહારાષ્ટ્ર, કાશ્મીર જવાનું કે મક્કા મદીના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગત 23 જુલાઈના રોજ આયેશા તથા ઇબાદ આતિક ફાળકેના નિકાહ થયા હતા. એ પછી પણ આયેશા તેમનાં માતાપિતાને ત્યાં જ રહેતાં હતાં.

નિકાહ પછી દાવત-એ-વલિમા નહોતું થયું, જેના કારણે આયેશાને સાસરે વળાવવામાં નહોતાં આવ્યાં.

પરિવારના જણાવ્યા પ્રમાણે આયેશાનો અભ્યાસ ચાલુ હોવાથી બંને પરિવારોએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો. આયેશાની પરીક્ષાઓ નવેમ્બર મહિનામાં યોજાવાની હતી.

આ ગાળા દરમિયાન ઇબાદ અને તેમનાં પત્ની આયેશા મળતાં. એ પછી વલિમા માટે તા. 25 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી.

ઇબાદ તેમનાં પત્ની આયેશા સાથે કાશ્મીર જવા માગતાં હતાં અને તેના માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ ઇબાદના સસરા ઝકી કોઠાલ આ યોજનાની વિરૂદ્ધ હતા.

તેઓ ઇચ્છતા હતા કે તેમનાં દીકરી-જમાઈ કાશ્મીરને બદલે મક્કા-મદીના જાય અને આશીર્વાદ મેળવે. આ માટે ઝકી કોઠાલે તેમના જમાઈ ઇબાદ ઉપર દબાણ લાવવાનું ચાલુ કર્યું હતું.

ઇબાદ અને આયેશા તેમના નિર્ણય ઉપર મક્કમ રહ્યાં હતાં, પરંતુ આ કારણસર સસરા-જમાઈ વચ્ચે વારંવાર બોલાચાલી થવા લાગી હતી. ઝકી કોઠાલે એક તબક્કે નિકાહને ફોક કરી દેવાની ધમકી પણ આપી હતી. તા. 18 ડિસેમ્બરે સમગ્ર ઘટનાક્રમમાં હિંસક વળાંક આવ્યો હતો.

ઇબાદનો પરિવાર શું કહે છે?

વીડિયો કૅપ્શન, આ રાજ્યમાં મરણપ્રસંગે છોકરીઓ પાસે ડાન્સ કેમ કરાવાય છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દરમિયાન આયેશાના પિતા ઝાકી ખોટાલ અને ઇબાદની વચ્ચે દલીલબાજી ચાલી રહી હતી. ઇબાદ બુધવારે સાંજે આઠેક વાગ્યા આસપાસ તેમના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણસર રસ્તામાં ઊભા રહ્યા હતા. એવા સમયે તેમના સસરા ઝકી ખોટાલ ત્યાં આવ્યા હતા અને ઍસિડથી હુમલો કરી દીધો હતો.

ઝકી ખોટાલ ઉપર આરોપ છે કે તેમણે ઇબાદ સાથે ગાળાગાળી કરી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

ઇબાદનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોમાંથી અમુક તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ કલ્યણની (પશ્ચિમ) એક ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

બીબીસી મરાઠીએ ઇબાદ ફાળકેના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને ઍસિડ હુમલા પાછળ શું કારણ જવાબદાર છે, તે જાણવા પ્રયાસ કર્યો હતો.

ઇબાદના પરિવારજનોનું કહેવું છે કે, "હનિમૂન માટે ક્યાં જવું તેના વિશે વિવાદ તો હતો, ઝકી કોઠાલ ઇચ્છતા હતા કે તેમનાં દીકરી સાસરીમાં ન રહે. તેઓ ઇબાદ ઉપર દબાણ કરી રહ્યા હતા કે તે પરિવારથી અલગ થઈને પત્ની સાથે રહે."

ઝકી કોઠાલની શરત હતી કે ઇબાદ લેખિતમાં આપે કે તે માતા-પિતાથી અલગ રહેશે, તો જ દીકરી આયેશાને વળાવશે. જોકે, આયેશા અને ઇબાદ આ વાત માટે સહમત ન હતાં.

ઇબાદના પરિવારનું કહેવું છે કે એટલે ઝકી કોઠાલ ગુસ્સે હતા અને નિકાહને તોડાવી નાખવાની ધમકી આપી રહ્યા હતા.

ઝકી કોઠાલે આયેશાના નિકાહ ફોક કરાવવા માટે તેમનાં પત્ની ઉપર પણ દબાણ લાવી રહ્યા હતા અને આ માટે તલાકનું શસ્ત્ર ઉગામ્યું હતું.

આયેશા અને તેમનાં માતાએ આ અંગે ઑક્ટોબર મહિનામાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

ફરિયાદથી નાખુશ કોઠાલે તેમનાં પત્ની-પુત્રીને ઘરમાંથી હાંકી કાઢ્યાં હતાં. ઝકી કોઠાલને લાગતું હતું કે આમ કરવાથી નાતાલના દિવસે ઇબાદ અને આયેશાના દાવત-એ-વલિમા નહીં થાય.

જોકે, આયેશા અને તેમનાં માતા પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ આગળ વધવા મક્કમ હતાં. એટલે ઝકીએ તેમને પણ ધમકી આપી હતી. છેવટે આ વિવાદે ઇબાદ ઉપર ઍસિડ ઍટૅકનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

પરિવારજનોનું કહેવું છે કે, ભાગતી વેળાએ ઝકી કોઠાલે તેમના જમાઈ ઇબાદને ધમકી આપી હતી કે, "આ તો ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે."

આરોપીના પુત્ર મોહમ્મદ ઝકી કોઠાલે પણ તેમના પિતા સામે ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસનું શું કહેવું છે?

સસરાનો જમાઈ હનિમૂન વિવાદ, જમાઈ ઉપર એસિડ હુમલો, કલ્યાણ, મહારાષ્ટ્ર, કાશ્મીર જવાનું કે મક્કા મદીના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર પોલીસની ફાઇલ તસવીર

ઍસિડ હુમલા વિશે માહિતી મળતા બઝારપેટ પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

બઝારપેટ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ગૌડે બીબીસી સાથે જણાવ્યું, "હનિમૂનના સ્થળ વિશે વિવાદ ચાલી રહ્યો હતો. ઝકી કોઠાલ ફરાર છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ."

પોલીસે આરોપી સામે ઍસિડ ઍટેક માટે ગુનો દાખલ કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.