ઉન્નાવ રેપ કેસ: કુલદીપસિંહ સેંગરની સજા મોકૂફ થતાં સર્વાઇવરે શું કહ્યું, અત્યાર સુધી શું શું જાણવા મળ્યું?

ઉન્નાવ બળાત્કાર કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને 2019માં આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી.

આજીવન જેલની સજા મળ્યાનાં 6 કરતાં વધારે વર્ષ પછી દિલ્હી હાઇકોર્ટની એક બૅન્ચે મંગળવારે તેમની સજા મોકૂફ કરી દીધી.

જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ અને જસ્ટિસ હરીશ વૈદ્યનાથનની બૅન્ચે પૂર્વ ધારાસભ્યને 15 લાખ રૂપિયાના જાત-મુચરકા અને એટલી જ રકમના ત્રણ જામીનદારો રજૂ કરવાની સૂચના આપી.

સેંગરની સજા મોકૂફ થયાના થોડાક જ કલાકો પછી સર્વાઇવર (પીડિતા), તેમનાં માતા અને મહિલા અધિકાર ઍક્ટિવિસ્ટ યોગિતા ભયાનાએ મંગળવારે ઇન્ડિયા ગેટ પર વિરોધ-પ્રદર્શન કર્યું. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, ઇન્ડિયા ગેટ પરિસરમાં બેઠેલાં પીડિતાએ અરોપ કર્યો કે 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેંગરને જામીન આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે ચુકાદો સાંભળીને તેમને 'ઊંડો આઘાત' લાગ્યો છે.

પીડિતાએ કહ્યું કે તેમની સાથે 'અન્યાય' થયો છે અને ચૂંટણી નજીક હોવાના કારણે સેંગરને જામીન આપ્યા, જેથી તેમનાં પત્ની ચૂંટણી લડી શકે.

તેમણે સવાલ કર્યો કે, 'જો આવા આરોપવાળા વ્યક્તિ બહાર રહેશે, તો તેમની સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત થશે?'

પીડિતાએ એમ કહીને જામીન મોકૂફ કરવાની માગ કરી છે કે સેંગરની મુક્તિ પછી તે 'ડરેલી' છે. તેમણે ન્યાયપાલિકામાં વિશ્વાસ પ્રકટ કરતાં કહ્યું કે આ કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયના દરવાજા પણ ખખડાવશે.

આખો ઘટનાક્રમ શો છે?

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી માત્ર 66 કિલોમીટર દૂર થયેલો આ ગુનો ઉજાગર થવામાં લગભગ 10 મહિના લાગ્યા હતા. ત્યારે સર્વાઇવર (પીડિતા)ના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. પછીથી તેમને જેલમાં મોકલી દેવાયા હતા અને કસ્ટડી દરમિયાન ભેદી પરિસ્થિતિઓમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

બાર ઍન્ડ બૅન્ચના રિપોર્ટ અનુસાર, દિલ્હી હાઇકોર્ટે મંગળવારે આદેશ આપ્યો કે સેંગર, જામીનના સમયગાળા દરમિયાન પીડિતા જ્યાં પણ હોય તેના પાંચ કિલોમીટરના ઘેરાવામાં નહીં આવે અને દિલ્હીમાં જ રહેશે. તેમને દર સોમવારે પોલીસ સમક્ષ રિપોર્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

અદાલતે કહ્યું, "કોઈ પણ શરતનું ઉલ્લંઘન થવાની સ્થિતિમાં જામીન (સજા મોકૂફ) રદ કરી દેવાશે."

સેંગરે ટ્રાયલ કોર્ટના એ ચુકાદાને પડકાર્યો હતો, જેમાં 17 વર્ષીય છોકરી પર બળાત્કાર માટે તેમને દોષિત ઠરાવાયા હતા. ટ્રાયલ કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી અને 25 લાખ રૂપિયાનો આર્થિક દંડ કર્યો હતો.

ઉન્નાવ બળાત્કાર કેસની પીડિતા સગીર હતી. સેંગર પર આરોપ છે કે 2027માં 11થી 20 જૂનની વચ્ચે તેમણે છોકરીનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો.

આરોપ અનુસાર, ત્યાર પછી બળાત્કાર પીડિતાને સતત ધમકી આપવામાં આવી અને પોલીસ અધિકારીઓને ચૂપ રહેવાની ચેતવણી આપવામાં આવી.

આખરે સેંગર વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને ગુનાખોરીની ધમકીના આરોપોની સાથોસાથ પોક્સો ઍક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી. ઇલાહાબાદ કોર્ટના આદેશ પછી તેમની ધરપકડ કરવામાં આવી.

ઑગસ્ટ 2019માં સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસ સાથે સંકળાયેલા ચાર કેસની સુનાવણી દિલ્હી ટ્રાન્સફર કરી દીધી અને સૂચના આપી કે સુનાવણી રોજિંદા ધોરણે થાય અને 45 દિવસમાં પૂરી કરી દેવામાં આવે.

પીડિતા પર ઘણી વાર હુમલા થયા

ડિસેમ્બર 2019માં ટ્રાયલ કોર્ટે બળાત્કાર કેસમાં સેંગરને દોષિત ઠરાવીને આજીવન જેલની સજા સંભળાવી. ટ્રાયલ કોર્ટે એવી સૂચના પણ આપી કે સીબીઆઇ પીડિતા અને તેના પરિવારનાં જીવન અને સ્વતંત્રતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતાં પગલાં ભરે. તેમાં જરૂર પડે તો સુરક્ષિત આવાસ અને ઓળખ બદલવાની વ્યવસ્થા પણ સામેલ હોય.

સેંગરને મહત્તમ સજા આપતાં ટ્રાયલ કોર્ટે ટિપ્પણી કરી હતી કે કોઈ પણ મિટિગેટિંગ સર્કમસ્ટેન્સ નથી. અદાલતે કહેલું કે એક લોકશાહી વ્યવસ્થામાં જાહેર સેવક હોવાના લીધે સેંગરને જનતાનો વિશ્વાસ પ્રાપ્ત હતો, જેને તેમણે તોડ્યો અને એવું કરવા માટે નૈતિક પતનનું એક જ કૃત્ય પૂરતું હતું.

આ દરમિયાન, આ કેસ ત્યારે વિવાદાસ્પદ વળાંકે આવી ગયો, જ્યારે નંબર પ્લેટ વગરની એક ટ્રક એ કારને ટકરાઈ જેમાં પીડિતા મુસાફરી કરી રહ્યાં હતાં. આ ઘટનામાં પીડિતા અને તેમના વકીલ ગંભીર રીતે ઘાયલ થયાં, જ્યારે તેમનાં બે માસીનાં મૃત્યુ થઈ ગયાં.

આ સંબંધમાં સેંગર વિરુદ્ધ એક અલગ કેસ દાખલ કરાયો. ડિસેમ્બર 2021માં દિલ્હીની એક અદાલતે આ કેસમાં સેંગરને એમ કહીને આરોપમુક્ત કરી દીધા કે પ્રથમ દૃષ્ટિએ તેમની વિરુદ્ધ દુર્ઘટનાનું ષડ્‌યંત્ર રચવાના કોઈ પુરાવા નથી.

છેલ્લાં લગભગ નવ વરસોમાં ઉન્નાવ કેસ

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવ અનુભવી રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

4 જૂન 2017: એક સગીર છોકરી નોકરીની માગણી સાથે ઉન્નાવથી તત્કાલીન ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ઘરે ગઈ, જ્યાં તેના પર 'બળાત્કાર' કરવામાં આવ્યો.

11 જૂન – 20 જૂન 2017: પીડિતાનું માખી ગામમાંથી ત્રણ લોકો—શુભમસિંહ, બૃજેશ યાદવ અને અવધ નારાયણ—દ્વારા 'અપહરણ' કરાયું. આરોપ છે કે તેને કેફી પદાર્થ આપીને ઘણા દિવસો સુધી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો.

20 જૂન 2017: પીડિતા અને તેના પિતાએ શુભમસિંહ, બૃજેશ યાદવ અને અવધ નારાયણ વિરુદ્ધ આઇપીસીની કલમો 363, 366, 376 અને 506 હેઠળ એફઆઇઆર દાખલ કરાવી.

22 જૂન 2017: કથિત રીતે મેડિકલ તપાસમાં વિલંબ પછી પીડિતાને તેના સંબંધીઓ સાથે રહેવા માટે દિલ્હી મોકલવામાં આવી.

ઑગસ્ટ 2017: પીડિતા ઉન્નાવ પાછી આવી અને સેંગર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવવાની કોશિશ કરી. આરોપ છે કે પોલીસે ધારાસભ્યનું નામ લેતાં રોકી. એ જ મહિને દાખલ ચાર્જશીટમાં તેમનું નામ સામેલ નહોતું.

ફેબ્રુઆરી 2018: પીડિતાએ સેંગરનું નામ સામેલ કરાવવા માટે અદાલતનાં દ્વાર ખખડાવ્યાં.

3 એપ્રિલ 2018: સેંગરના લોકોએ કથિત રીતે પીડિતાના પિતા પર હુમલો કર્યો અને તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. પરિવારે ચાર લોકો સામે જવાબી ફરિયાદ કરી.

5 એપ્રિલ 2018: સેંગરના લોકોની ફરિયાદના આધારે પીડિતાના પિતાની ધરપકડ કરવામાં આવી. તેમના પર આર્મ્સ ઍક્ટ હેઠળ પણ કેસ દાખલ થયો.

8 એપ્રિલ 2018: પીડિતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આવાસની બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

9 એપ્રિલ 2018: પીડિતાના પિતા પોલીસ કસ્ટડીમાં મૃત મળી આવ્યા. પોલીસે દાવો કર્યો કે જેલમાં તોફાન દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. પોસ્ટમોર્ટમમાં છોલાવું, સોજા અને ઘા સહિતની 14 ઈજાઓ જોવા મળી.

10 એપ્રિલ 2018: ઉત્તર પ્રદેશના ડીજીપીના આદેશથી ક્રાઇમ બ્રાન્ચે ધારાસભ્યના ભાઈ અતુલ સેંગરની ધરપકડ કરી. રેપ કેસ અને કસ્ટડીમાં મૃત્યુની તપાસ માટે વિશેષ તપાસ દલ (એસઆઇટી) રચવામાં આવી. માખી પોલીસ સ્ટેશનના એસએચઓ અશોકકુમારસિંહને સસ્પેન્ડ કરાયા.

11 એપ્રિલ 2018: એસઆઇટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો.

12 એપ્રિલ 2018: કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો. સેંગર વિરુદ્ધ આઇપીસીની કલમો 363, 366, 373 અને પોક્સો ઍક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી.

13 એપ્રિલ 2018: સીબીઆઇએ પૂછપરછ માટે સેંગરને કસ્ટડીમાં લીધા. ઇલાહાબાદ હાઈ કોર્ટે તાત્કાલિક ધરપકડને જરૂરી ગણાવી અને તપાસ પૂરી કરવાની સમયમર્યાદા નક્કી કરી. સેંગરને સાત દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

15 એપ્રિલ 2018: શશિસિંહની ધરપકડ કરવામાં આવી. તેમના પર આરોપ છે કે નોકરીનો વાયદો કરીને તેઓ પીડિતાને સેંગરના ઘરે લઈ ગયાં હતાં.

18 એપ્રિલ 2018: પીડિતા અને તેમનાં માતાએ દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 164 હેઠળ નિવેદન નોંધાવ્યાં. સીબીઆઇએ પીડિતાની ઉંમર 19 વર્ષ દર્શાવી અને પોક્સો હટાવવા અંગે વિચાર કર્યો. પીડિતાના પિતાના રહસ્યમય મૃત્યુના એક મહત્ત્વના સાક્ષી યુનુસ પણ મૃત મળી આવ્યા.

મે 2019: ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજે લોકસભા ચૂંટણી જીત્યા પછી સેંગર સાથે મુલાકાત કરી.

28 જુલાઈ 2019: રાયબરેલી જતાં સમયે પીડિતાની કારને ટ્રકે ટક્કર મારી, જેમાં તેમનાં બે માસીનાં મૃત્યુ થઈ ગયાં તથા પીડિતા અને વકીલ ઘાયલ થયાં.

29 જુલાઈ 2019: માર્ગ અકસ્માત કેસમાં સેંગર અને 9 અન્ય લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઈ.

30 જુલાઈ 2019: પીડિતા દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશને લખાયેલો પત્ર સાર્વજનિક થયો.

31 જુલાઈ 2019: સુપ્રીમ કોર્ટે પત્રની જાતે નોંધ લીધી.

1 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે કેસ સાથે જોડાયેલા 5 કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.

20 ડિસેમ્બર 2019: સેંગરને આજીવન કારાવાસ અને 25 લાખ રૂપિયાના આર્થિક દંડની સજા સંભળાવવામાં આવી.

23 ડિસેમ્બર 2025: દિલ્હી હાઈ કોર્ટેની બૅન્ચે સેંગરની સજા મોકૂફ કરી દીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન