નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે કે નહીં એ નક્કી આ વખતે ઓબીસી મતદારો કરશે?

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનું સૌથી મોટું ચૂંટણીસૂત્ર ‘અબકી બાર 400 પાર’ છે. જ્યારે કૉંગ્રેસ ‘ઇન્ડિયા’ ગઠબંધનની મદદથી ભાજપને રોકવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ બધા વચ્ચે દેશનાં બંને મહત્ત્વનાં ગઠબંધન ઓબીસીના મતદારોને આકર્ષવાની ભરપૂર કોશિશ કરી રહ્યાં છે.

જાણકારોનું કહેવું છે કે આ ચૂંટણીમાં પણ ઓબીસી મતદારો ‘ગેમ ચેન્જર’ સાબિત થશે.

એક તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વારંવાર જાતિ જનગણના અને ઓબીસીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

તેઓ દાવો કરે છે કે ભારત સરકારમાં 90 સચિવ સ્તરના અધિકારીઓ છે, જેમાં ફક્ત ત્રણ ઓબીસી વર્ગમાંથી આવે છે અને તેઓ માત્ર પાંચ ટકા બજેટને નિયંત્રિત કરે છે.

આના જવાબમાં અમિત શાહ દાવો કરે છે કે, “ભાજપના સાંસદોમાં 29 ટકા એટલે કે 85 સાંસદ અને 29 મંત્રી ઓબીસી કૅટેગરીના છે. 1,358 એમએલએમાંથી 365 ઓબીસી છે, જે 27 ટકા છે. આ બધા ઓબીસીનું રટણ કરનારાઓ કરતાં વધુ છે.”

એટલું જ નહીં, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહેલું કે, “કૉંગ્રેસના અમારા સાથી ખૂબ ચિંતા વ્યક્ત કરે છે કે સરકારમાં ઓબીસી કેટલા છે?, તેની ગણતરી કરે છે. મને આશ્ચર્ય થાય છે કે તેમને સૌથી મોટા ઓબીસી (નરેન્દ્ર મોદી) દેખાતા નથી.”

અન્ય પછાતવર્ગ કેટલો પ્રભાવશાળી છે?

આ વખતની લોકસભા ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદાર ભાગ લેશે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વસ્તીના ધોરણે સૌથી વધુ પ્રભાવ અન્ય પછાતવર્ગનો છે, જેમની સંખ્યા લગભગ 50 ટકા છે.

કેન્દ્રીય ઓબીસીની યાદીમાં એપ્રિલ 2018 સુધીમાં કુલ 2,479 જાતિઓ સામેલ હતી.

આ જાતિઓ અત્યાર સુધી જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી પાર્ટીઓની સમર્થક રહી છે.

ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ, બિહારમાં લાલુપ્રસાદ યાદવ, અને નીતીશકુમારને મુખ્ય મંત્રી બનાવવાથી લઈને નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવા સુધી ઓબીસીની મહત્ત્વની ભૂમિકા રહી છે.

ઓબીસીનો ઉભાર

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેશ આઝાદ થયા પછી એસસી અને એસટીને 15 ટકા અને 7.5 ટકાની અનામત આપવામાં આવી. પરંતુ હજારો એવી જાતિઓ હતી જે ત્યારે પછાત હોવા છતાં પણ ચૂકી જવાઈ હતી.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર પૉલિટિકલ્સ સાયન્સના પ્રોફેસર નરેન્દ્રકુમાર જણાવે છે કે આઝાદીની પહેલાં જ બૅકવર્ડ ક્લાસની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ હતી.

તેઓ કહે છે, “તે સમયે ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતમાં બૅકવર્ડ ક્લાસની મૂવમેન્ટ ઘણી વધારે હતી. ત્યાં રામાસ્વામી નાયકર, મહાત્મા ફુલે, સાહુજી મહારાજની એક લેગેસી હતી, જેના કારણે ઓબીસીના મહિમાની શરૂઆત થઈ.”

તેમણે કહ્યું, “ભારત જ્યારે આઝાદ થયો ત્યારે આભડછેટ એક મોટું ફૅક્ટર હતું, જેના કારણે એસસી–એસટીને અનામત આપીને એડ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ બૅકવર્ડનો જે મુદ્દો હતો, તે નીચે દબાઈ ગયો, કેમ કે, કૉંગ્રેસને તેમાં ખાસ કંઈ રસ નહોતો.”

બિહારના વરિષ્ઠ પત્રકાર નવેન્દુકુમાર જણાવે છે કે 1970ના દાયકામાં બિહાર જેવા રાજ્યમાં સોશિયલિસ્ટ પાર્ટીઓ સાથે જોડાયેલા નેતાઓએ પછાત જાતિઓને રાજકીય હાંસિયામાંથી બહાર લાવીને તેના પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું હતું.

તેઓ કહે છે, “ખાસ કરીને આ કામ કર્પૂરી ઠાકુરે કર્યું. તેમણે મુંગેરીલાલ કમિશન બનાવ્યું અને તેની ભલામણોને લાગુ કરી, ત્યાર બાદ અન્ય પછાતવર્ગ માટેની અનામત લાગુ કરી.”

નવેન્દુ કહે છે કે આ મંડલ કમિશન પહેલાંની વાત છે, ત્યારે કર્પૂરી ઠાકુરે ઓબીસીને લગભગ 20 ટકા અનામત આપી હતી. જોકે, જનસંઘે તેનો વિરોધ કર્યો અને તેમની સરકાર પડી ભાંગી.

મંડલ કમિશન દ્વારા ઓળખ મળી

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન વીપી સિંહે મંડલ કમિશનની ભલામણોને લાગુ કરી, ત્યાર બાદ ઓબીસીને 27 ટકા અનામત મળી

1989માં વિશ્વનાથ પ્રતાપસિંહ વડા પ્રધાન બન્યા અને જ્યારે તેમણે મંડલ કમિશનની ભલામણોને લાગુ કરી, ત્યારે ભારતના રાજકારણમાં મોટો પલટો આવ્યો.

ડિસેમ્બર 1980માં મંડલ પંચે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં ઓબીસીને 27 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી.

ભલામણો લાગુ થયા પછી અનામતના વિરોધમાં ઉગ્ર આંદોલનો થયાં. આગ ચાંપવાની ઘટનાઓ બની અને ઘણા લોકોનાં મૃત્યુ પણ થયાં.

પ્રોફેસર નરેન્દ્રકુમાર જણાવે છે, “આજે જાટ સમાજ ઓબીસી અનામતની માંગણી કરે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે આ જ સમાજ મંડલ કમિશનનો ખુલ્લો વિરોધ કરતો હતો. મને આજે પણ યાદ છે કે હરિયાણાના સોનીપતમાં જાટોએ ઘણી બસો સળગાવી દીધી હતી. તે સમયે જાટ પોતાને ઓબીસી માનવા તૈયાર નહોતા, 2000 પછી તેઓ અનામત માંગવા લાગ્યા.”

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે, “વીપી સિંહ ઘણી વાર કહેતા હતા કે પછાતોને સગવડ નહીં, સત્તામાં ભાગીદારી જોઈએ. મંડલનો લાભ તેઓને તો ન મળ્યો, પરંતુ ત્યાર પછીનાં લગભગ 25 વર્ષ સુધી ઓબીસી નેતાઓએ પોતપોતાના રાજ્યમાં રાજ કર્યું. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ અને કલ્યાણસિંહ, બિહારમાં લાલુપ્રસાદ અને નીતીશકુમાર, મધ્યપ્રદેશમાં ઉમા ભારતી અને શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનમાં અશોક ગેહલોત, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ જેવા નેતાઓ સામેલ છે.”

ઓબીસીની વોટિંગ પૅટર્ન

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઓબીસીની વોટિંગ પૅટર્નને તેનાં વલણો અને ચૂંટણીલક્ષી સર્વેની મદદથી જ સમજી શકાય છે, કેમ કે, ચૂંટણીપંચ એ પ્રકારનો કોઈ ડેટા જાહેર નથી કરતું જેનાથી એ ખબર પડે કે કઈ જાતિની વ્યક્તિએ કયા ઉમેદવારને મત આપ્યો છે.

ચૂંટણીપંચ અનુસાર, 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 18 ટકા મત મળ્યા હતા, જે 2014ની ચૂંટણીમાં વધીને લગભગ 31 ટકા અને 2019માં વધીને લગભગ 37 ટકા થઈ ગયા છે.

જ્યારે કૉંગ્રેસને 2009 લોકસભા ચૂંટણીમાં 28.55 ટકા વોટ મળ્યા હતા, જે 2019માં ઘટીને 19.49 ટકા થઈ ગયા.

રાજકીય વિશ્લેષક સજ્જનકુમાર કહે છે કે ભાજપ જેટલા મોટા બહુમતથી જીતીને આવી રહ્યો છે તે ઓબીસી વગર સંભવ નથી.

તેઓ કહે છે, “છેલ્લા થોડા સમયમાં ભાજપ માટેની લોકોની ધારણા બદલાઈ છે. પહેલાં વાણિયા–બ્રાહ્મણનો પક્ષ કહેવાતો હતો, પરંતુ હવે એવું નથી. તે ઓબીસીને કૅટર કરી રહ્યો છે.”

વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ કહે છે કે ઓબીસી સમુદાય ક્યારેય પણ કૉંગ્રેસનો કોર વોટર નથી રહ્યો. છેલ્લાં દસ વર્ષમાં કૉંગ્રેસના અપર કાસ્ટ વોટ ભાજપમાં શિફ્ટ થયા છે.

લોકનીતિ–સીએસડીએસના સર્વે મુજબ, ઓબીસી વર્ગમાં ‘પ્રભાવશાળી’ અને ‘પછાત’ મનાતી જાતિઓએ ગઈ ચૂંટણીમાં ભાજપને મોટી સંખ્યામાં વોટ આપ્યા છે.

ઓબીસી મતદારોમાં ગાબડું

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

આઝાદ ભારતમાં ઘણા દાયકા સુધી ઓબીસી પોતાની ઓળખ અને સત્તામાં પોતાના હક માટેની લડાઈ લડતા રહ્યા.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. હિમાંશુપ્રસાદ રૉય કહે છે કે જ્યારથી કૉંગ્રેસની સ્થાપના થઈ છે ત્યારથી અન્ય પછાત જાતિઓને તેની સાથે ખાસ કશી લેવાદેવા નથી રહી.

તેઓ કહે છે, “1952 પછીથી ઓબીસી વર્ગ કૉંગ્રેસથી દૂર થવા લાગ્યો. આ વર્ગમાં ખેતીહર જાતિઓ વધારે છે, બીજી બાજુ કૉંગ્રેસ પર એક સમયે જમીનદારોનું વર્ચસ્વ હતું. જે જે રાજ્યોમાં પાર્ટીઓએ જમીનદારી નાબૂદ કરી, ભૂમિ સુધારા કર્યા ત્યારે ઓબીસી પાસે જમીનો આવવા લાગી. એટલે આ જાતિઓ પ્રાદેશિક પાર્ટીઓ સાથે જોડાઈ ગઈ, તેના પછી પશ્ચિમ બંગાળમાં સીપીએમ, કેરળમાં લૅફ્ટ, અને ધીરે ધીરે તામિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, અને બિહારમાંથી કૉંગ્રેસનો સફાયો થવાનો શરૂ થઈ ગયું.”

ઓબીસી ધીરે ધીરે એકજૂથ તો થયા પરંતુ આટલા મોટા વર્ગમાં સત્તા અમુક જાતિઓ પાસે જ હતી. એટલે, ઓબીસી વર્ગમાં પણ અસંતોષની ભાવના જન્મી.

પ્રોફેસર નરેન્દ્રકુમાર કહે છે, “એક સમય હતો જ્યારે ઓબીસીના નામે યુપીમાં મુલાયમસિંહ યાદવ અને બિહારમાં લાલુપ્રસાદ યાદવ પોતાનું પૉલિટિક્સ કરતા હતા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે ઓબીસીની અંદર જ પછાત જાતિઓને એવું લાગ્યું કે અમે પાછળ રહી જઈએ છીએ અને એવામાં ભાજપે આ અસંતોષને ઓળખ્યો અને આ વર્ગમાં પ્રવેશ કર્યો.”

ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં ભાજપને ઓબીસી વર્ગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે યાદવ જેવી પ્રભાવશાળી મનાતી જાતિને છોડીને એવી જાતિઓ પર ધ્યાન આપ્યું જે વધુ ‘પછાત’ હતી.

પ્રોફેસર નરેન્દ્ર કહે છે, “તેનું પરિણામ એ હતું કે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહની વિરુદ્ધમાં ભાજપે ઓબીસીના ચહેરા તરીકે લોધી જાતિમાંથી આવતા કલ્યાણસિંહને ઉતાર્યા અને 1991માં પોતાની સરકાર બનાવી.”

આ ઉપરાંત, 1990માં ભાજપે જ્યારે રામમંદિર માટેનું આંદોલન શરૂ કર્યું ત્યારે પણ મોટા પાયા પર ઓબીસી વર્ગનો સાથ લેવાની કોશિશ કરવામાં આવી.

ઓબીસી વર્ગમાં કઈ જાતિ તરફ વધુ ધ્યાન આપવું અને કઈ જાતિ તરફ ઓછું?

આ એક એવું ચૂંટણીલક્ષી ગણિત છે, જેના પર ભાજપ ઘણા દાયકાથી કામ કરી રહ્યો છે.

જાણકારોનું માનવું છે કે 2023માં કારીગર સમાજ માટે લોન્ચ કરવામાં આવેલી 'પીએમ વિશ્વકર્મા યોજના' પણ ઓબીસીની ખાસ જાતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ આનંદ કહે છે કે પીએમ વિશ્વકર્મા યોજના મોટી ગેમ ચેન્જર છે, જેના માટે 13 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

તેઓ કહે છે, “ઓબીસીમાં લગભગ 50થી 60 ટકા કારીગર સમાજ છે, જે આ યોજનાની મદદથી આર્થિક રીતે મજબૂત બનશે. તેમાં લોકોને ટ્રેનિંગ, ટૂલ કિટ, અને પહેલી વખતમાં 1 લાખ રૂપિયા લોન આપવામાં આવે છે.”

કારીગર સમાજમાં મોટા ભાગે એવી જાતિઓનો સમાવેશ થાય છે, જે ઓબીસી વર્ગમાં ઓછી ‘પ્રભાવશાળી’ અને ‘પછાત’ મનાય છે.

બિહારમાં મોટા ભાગની આવી જાતિઓ અતિપછાતવર્ગમાં આવે છે.

જાતિઆધારિત વસ્તીગણતરીનો સવાલ

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી જાતિગત વસ્તીગણતરીનો મુદ્દો વારંવાર ઉઠાવતા રહ્યા છે

બિહારમાં જાતિઆધારિત સર્વે કર્યા પછી કર્ણાટક, આંધ્રપ્રદેશ, અને બીજાં કેટલાંક રાજ્ય પણ આ દિશામાં આગળ વધી રહ્યાં છે.

સવાલ એ છે કે જ્યારે ઓબીસી વર્ગની ભાગીદારી આટલી વધારે છે, ત્યારે ભાજપ સ્પષ્ટપણે જાતિઆધારિત સર્વેને ચૂંટણીનો મુદ્દો કેમ નથી બનાવતો?

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે રાહુલ ગાંધી જાતિને ઓળખી તો શકે છે પરંતુ તેઓ જાતિનું કાર્ડ રમી નથી શકતા.

તેઓ પ્રશ્ન કરે છે કે જાતિઆધારિત વસ્તીગણતરી કૉંગ્રેસના સમયમાં થઈ હતી, તો કેમ તેના આંકડા જાહેર ન કર્યા? સ્થિતિ એવી છે કે તે આંકડા ઑફ રેકૉર્ડ, મીડિયામાં પણ લીક ન થઈ શક્યા.

પ્રોફેસર હિમાંશુ રૉય કહે છે કે ભલે ભાજપ જાતિઆધારિત વસ્તીગણતરીની વાત ન કરતો હોય, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં તેણે પાર્ટી અને સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા છે અને ઓબીસી ચહેરાઓને ઘણું બધું સ્થાન આપ્યું છે.

ભાજપના ઓબીસી મોરચા અનુસાર, તેઓ દેશના કુલ 858 જિલ્લામાંથી 801માં સક્રિય છે, જ્યાં સમયસમયાંતરે તેઓ ઓબીસી વર્ગને સાંકળવા માટે બેઠકો અને સંમેલન કરે છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીલક્ષી અભિયાન અને રણનીતિ

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઓબીસી રાજકારણની દૃષ્ટિએ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને મહારાષ્ટ્ર જેવાં રાજ્ય કોઈ પણ રાજકીય પક્ષ માટે ઘણાં મહત્ત્વનાં છે.

પરંતુ સૌથી પહેલાં હરિયાણાની વાત. ભાજપે અહીં મનોહરલાલ ખટ્ટરને બદલીને ઓબીસી સમાજમાંથી આવતા નાયબ સૈનીને સીએમ બનાવી દીધા.

56 વર્ષ પછી હરિયાણામાં બીજી વખત કોઈ ઓબીસી મુખ્ય મંત્રી બન્યા છે.

હવે વાત ઉત્તર પ્રદેશની. અહીં લોકસભાની સૌથી વધુ 80 સીટો છે.

ભાજપ 2019માં 62, તેના સહયોગી અપના દલ (સોનેલાલ) બે, બીએસપી 10, સપા પાંચ, અને કૉંગ્રેસ માત્ર એક સીટ પર જ જીત નોંધાવી શકી હતી.

જો મતોની ટકાવારીની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 50.76, બીએસપીને 19.26, સપાને 17.96, અને કૉંગ્રેસને 6.31 ટકા લોકોના મત મળ્યા હતા.

2001માં ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી રાજનાથ સિંહના સમયે હુકુમસિંહ સમિતિ બનાવવામાં આવી હતી, જેણે પોતાના રિપોર્ટમાં ઓબીસીની વસ્તી 50 ટકાથી પણ વધારે જણાવી હતી.

જોકે હુકુમસિંહ કમિટીના આંકડાની વિશ્વસનીયતા પર સવાલ થતા રહ્યા છે. મોટા ભાગના રાજકીય વિશ્લેષકો તેને સાચા નથી માનતા.

સજ્જનકુમાર કહે છે, “ઉત્તર પ્રદેશમાં યાદવોની વસ્તી સાતથી આઠ ટકા છે. 19.40 ટકાનો ડેટા બિલકુલ ખોટો છે. આ કમિટી ઓબીસી રિઝર્વેશનને ઇન્ટર્નલી ક્લાસના આધારે વહેંચવા માગતી હતી, જે ન થઈ શક્યું.”

પત્રકાર હેમંત તિવારી પણ રાજ્યમાં યાદવોની સંખ્યા સાતથી આઠ ટકા હોવાનું અનુમાન કરે છે.

વરિષ્ઠ પત્રકાર બૃજેશ શુક્લાનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં 1985 સુધી ઓબીસી ચૌધરી ચરણસિંહની સાથે હતા, પરંતુ ધીમે ધીમે તેઓ મુલાયમસિંહની સાથે જતા રહ્યા.

તેઓ કહે છે, “યુપીમાં ઓબીસીની નાની નાની જાતિઓ મળીને ખૂબ મોટી થઈ જાય છે. ભાજપે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીને પીએમનો ચહેરા બનાવ્યા ત્યારે ઓબીસીમાંની અતિપછાત જાતિઓ એકજૂથ થઈ ગઈ, જેના દમ પર ભાજપ 73 સીટ જીતી ગઈ.”

આ ઉપરાંત, યાદવો રૂપે ઓબીસીનો એક મોટો ભાગ સમાજવાદી પાર્ટીની પાસે છે.

રાશિદ કિદવઈ કહે છે કે બિનયાદવ ઓબીસીનો સાથ મેળવવા માટે સમાજવાદી પાર્ટીએ ઓમપ્રકાશ રાજભર અને સ્વામીપ્રસાદ મૌર્યનો સાથ મેળવવાનું કામ કર્યું હતું, પરંતુ તેવું થયા પછી પણ ઓબીસીના વોટ શિફ્ટ ન થયા.

બિહારમાં ઓબીસી મતોનો હિસાબ

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

રાજ્યમાં થયેલા જાતિઆધારિત સર્વે અનુસાર, 13 કરોડથી વધુની વસ્તીમાં 63 ટકા પછાત છે.

બિહારના વરિષ્ઠ પત્રકાર નવેન્દુકુમાર કહે છે કે બિહાર ક્યારેય પણ ભાજપનો ગઢ નથી રહ્યું. બિહારમાં ભાજપની ભૂમિકા પછાતો (કર્પૂરી ઠાકુરની સરકાર 1967માં તોડી)ની સરકાર તોડી પાડવામાં રહી છે, ભલે ને પછી તેમણે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન કેમ ન આપ્યો હોય!

તેઓ કહે છે, “બિહારમાં પછાત જાતિઓમાં યાદવોની સંખ્યા સૌથી વધુ છે. તેનો લાભ પણ તેમને મળ્યો છે. યાદવ જાતિના લાલુપ્રસાદ યાદવ લાંબા સમય સુધી મુખ્ય મંત્રી રહ્યા, પરંતુ સત્તાની ભૂખ અત્યંત પછાત જાતિમાં પણ હતી, જે સત્તામાં પોતાની ભાગીદારી માંગી રહી હતી.”

નવેન્દુકુમાર કહે છે, “નીતીશકુમારે ઓબીસી, દલિતો, અને મુસલમાનોમાંથી અત્યંત પછાતને અલગ પાડીને એક વર્ગ તૈયાર કર્યો અને એ તેમની તાકાત બની ગઈ. 2005માં ભાજપનો સાથ લઈને તેમણે બિહારમાં પહેલી વાર પોતાની સરકાર બનાવી.”

તેઓ કહે છે કે રાષ્ટ્રીય જનતા દળ પાસે 70થી 80 ટકા યાદવ વોટ છે. તદુપરાંત કુશવાહા સમાજ માટે તેમની પાસે આલોક મહેતા અને જગદેવપ્રસાદ મહતોના પુત્ર નાગમણિ છે. પરંતુ ભાજપે સમ્રાટ ચૌધરીને નાયબ મુખ્ય મંત્રી બનાવી દીધા છે, એટલે, કુશવાહા વોટ ભાજપ તરફ ઢળતા દેખાય છે.

નવેન્દુ કહે છે કે બિહારના અત્યંત પછાતવર્ગ આરજેડીથી દૂર રહે છે પરંતુ તેજસ્વીમાં તેઓ શક્યતાઓ જોઈ રહ્યા છે. આજકાલ તેઓ સતત પોતાનાં ભાષણોમાં અત્યંત પછાતોનો સાથ લેવાની વાત પણ કરી રહ્યા છે.

તેઓ કહે છે કે દસ વર્ષમાં ભાજપે મૌનભાવથી બિહારમાં અત્યંત પછાત જાતિઓની રાજકીય ચેતનાની જગ્યાએ ધાર્મિક ચેતના જગાડવાનું કામ કર્યું છે અને નીતીશકુમારના અત્યંત પછાતવર્ગમાં ગાબડું પાડ્યું છે.

જોકે, નીતીશકુમારે હવે મહાગઠબંધનનો સાથ છોડીને બિહારમાં ભાજપનો હાથ પકડી લીધો છે.

રાજસ્થાનના ચૂંટણીમેદાનમાં ઓબીસી ક્યાં છે?

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જો રાજસ્થાનની વાત કરીએ તો અહીં લોકસભાની 25 સીટ છે, જેમાં ઓબીસી જાતિઓનો ખાસો મોટો પ્રભાવ છે.

2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપે 58.47 ટકા વોટ સાથે 24 બેઠકો પર જીત મેળવી હતી.

એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ઓબીસીની વસ્તી 45થી 48 ટકા છે.

રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેઠ કહે છે કે સામાન્ય રીતે દરેક વિધાનસભા ચૂંટણીમાં લગભગ 30 જાટ, ચારથી પાંચ યાદવ, સાતથી આઠ ગુર્જર ધારાસભ્યો જીતે છે. અહીં મોટો હિસ્સો જાટ પાસે છે અને તેઓ રાજકારણને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

બારેઠ કહે છે, “જાટોની નારાજગીનું બીજું એક કારણ છે કે આ વખતે ભાજપે બ્રાહ્મણ ચહેરારૂપે ભજનલાલ શર્માને મુખ્ય મંત્રી બનાવ્યા છે, જ્યારે રાજ્યમાં કૉંગ્રેસ સરકારનું નેતૃત્વ માલી જાતિમાંથી આવતા અશોક ગેહલોત કરતા હતા.”

તેઓ કહે છે, “માત્ર જાટ જ નહીં, બલકે કૉંગ્રેસના રાજમાં ગુર્જરોને લાગતું હતું કે સચિન પાઇલટ રૂપે તેઓ નાયબ મુખ્ય મંત્રી સુધી પહોંચ્યા, પરંતુ ભાજપમાં તેમને કશું ન મળ્યું. તેમનાં મન પણ નારાજ છે.”

બારેઠ કહે છે કે ઓબીસી વર્ગની આ નારાજગીને દૂર કરવા માટે ભાજપે અલવરમાંથી ભૂપેન્દ્ર યાદવ અને નાગૌરમાંથી જ્યોતિ મિર્ધાને ટિકિટ આપી છે.

મહારાષ્ટ્રમાં ઓબીસીની લડાઈ

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે વિરોધ પ્રદર્શનો અને ભૂખ હડતાલોનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે

ઓબીસી રાજકારણનો ચરુ રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ ઊકળ્યો છે.

રાજ્યમાં ઘણા દિવસો સુધી ચાલેલાં હિંસક પ્રદર્શનો બાદ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મરાઠાને 10 ટકા અનામત આપનારા બિલને વિધાનસભામાં પસાર કરાવી લીધું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં ઓબીસીની લગભગ 40 ટકા વસ્તી છે અને તેમને 19 ટકા અનામત મળેલી છે.

હકીકતમાં મરાઠા, કુનબી જાતિ અંતર્ગત અનામતની માગણી કરી રહ્યા છે, પરંતુ ઓબીસી સમુદાયનાં સંગઠનો કુનબી સમુદાયમાં મરાઠાનો સમાવેશ કરવાનો વિરોધ કરી રહ્યાં છે.

જાણકારો અનુસાર, રાજ્યમાં અંદાજે 28 ટકા મરાઠા વોટ પરંપરાગત રીતે કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીને મળતા રહ્યા છે.

દક્ષિણ ભારતનું ચૂંટણી સમીકરણ

ઓબીસી મતદારો જાતિગત જનગણના બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ ભારતનાં પાંચ મુખ્ય રાજ્યો—તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળમાં ઓબીસી મતદારો નિર્ણાયક છે.

કૉંગ્રસ પાસે કર્ણાટકમાં સિદ્ધારામૈયા રૂપે ઓબીસી મુખ્ય મંત્રી છે.

જ્યારે આંધ્રપ્રદેશમાં વાયએસ જગનમોહન રેડ્ડીની સરકારે ઓબીસીની જૂથબંધી કરેલી છે.

આ પાંચ રાજ્યોમાંથી 128 લોકસભા સાંસદ ચૂંટવામાં આવે છે.

2019માં આ પાંચ રાજ્યમાં ભાજપે 29, કૉંગ્રેસે 27, અને બાકીની સીટો પર પ્રાદેશિક પક્ષોએ જીત નોંધાવી હતી.

કર્ણાટક અને તેલંગાણાને બાદ કરતાં કોઈ પણ દક્ષિણી રાજ્યમાં ભાજપનું પ્રદર્શન સારું નથી રહ્યું.

કર્ણાટકમાં ભાજપને 28માંથી 25 લોકસભા સીટો મળી હતી અને મતોની ટકાવારી 51.38 રહી, જ્યારે તેલંગાણાની કુલ 17 સીટોમાંથી પાર્ટીને કુલ 19.45 ટકા વોટ સાથે ચાર સીટો જ મળી શકી.

દક્ષિણ ભારતમાં પોતાની કમજોર સ્થિતિને મજબૂત કરવા માટે ભાજપે આ વખતે આંધ્રપ્રદેશમાં બીજી સૌથી મોટી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે ગઠબંધન કર્યું છે.

વરિષ્ઠ પત્રકાર અજય શુક્લા કહે છે, “તેલંગાણામાં ઓબીસીની વસ્તી 50 ટકા કરતાં વધારે છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીના મોટા ઓબીસી નેતાઓએ ટોચના નેતૃત્વ પાસે પોતાના સમાજ માટે 34 સીટોની માગણી કરી હતી, જેમાં પૂર્વ સાંસદ વી હનુમંત રાવ, બોમ્મા મહેશકુમાર ગૌડ, અને પૂનમ પ્રભાકર સામેલ હતાં.”

શુક્લા કહે છે, “ભાજપે ઓબીસી સમાજમાંથી આવતા ડૉ. લક્ષ્મણને રાજ્યમાં પાર્ટી અધ્યક્ષ બનાવ્યા હતા. હાલ તેઓ ભાજપ રાષ્ટ્રીય ઓબીસી મોરચાના અધ્યક્ષ છે. પાર્ટીએ તેમને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલીને એકસાથે બે રાજ્યોને સાધવાની કોશિશ કરી છે.”

વરિષ્ઠ પત્રકાર એમજી રાધાકૃષ્ણન કહે છે કે ભાજપનું ઉત્તર ભારતવાળું સોશિયલ એન્જિનિયરિંગ દક્ષિણ ભારતમાં પરિણામ ન આપી શક્યું.

તેઓ કહે છે, “મૂળભૂત રીતે દક્ષિણ ભારતનું દ્રવિડિયન રાજકારણ ઉત્તર ભારતમાં ચાલી રહેલા હિન્દુત્વ રાજકારણનો વિરોધ કરે છે. તામિલનાડુ જેવા રાજ્યમાં આજે પણ એન્ટિ હિન્દી મૂવમેન્ટ મજબૂત છે.”

કેરળ વિશે રાધાકૃષ્ણન કહે છે, “અહીં ઓબીસીની વસ્તી લગભગ 20 ટકા છે, જે મોટા ભાગે કૉંગ્રેસની સાથે છે. વડા પ્રધાન બન્યા પહેલાં, 2013માં નરેન્દ્ર મોદી ઘણી વાર કેરળ આવ્યા હતા. તેમણે પછાત સમાજના ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો. ભાજપે અહીં 2018 સુધી સમજીવિચારીને ઓબીસીમાં ગાબડું પાડવાની કોશિશ કરી, તે માટે ભારત ધર્મ જન સેવાની સાથે ગઠબંધન પણ કર્યું, પરંતુ ત્યાર પછી કશો ગંભીર પ્રયત્ન કરવામાં ન આવ્યો અને આ રાજ્યમાં, પછાતોને પોતાની તરફ આકર્ષવાની કોશિશો બંધ થઈ ગઈ.”