કરોડોનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારામાં રિલાયન્સની કંપનીઓના ડાયરેક્ટરો સહિત કોણ કોણ સામેલ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
ઇલેક્ટોરલ બૉન્ડના સેંકડો ખરીદદારોમાં કંપનીઓની સાથે-સાથે કેટલીક વ્યક્તિઓ પણ સામેલ છે, જેમણે પોતાના ખર્ચે બૉન્ડ ખરીદ્યાં છે.
આ યાદીમાં ભારતના સૌથી અમીર લોકો પણ સામેલ છે. જ્યારે કેટલાંક નામો વિશે સાર્વજનિક રીતે વધારે જાણકારી ઉપલબ્ધ નથી.
કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર આ લોકો વિશે અહીં જાણો.
લક્ષ્મી નિવાસ મિત્તલ

ઇમેજ સ્રોત, PIB
વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સલર મિત્તલના ચૅરમૅન લક્ષ્મી નિવાસ મિત્તલે વર્ષ 2019માં 35 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
આર્સલર મિત્તલ અને જાપાનની નિપ્પૉન સ્ટીલે ડિસેમ્બર 2019માં નાદારી નોંધાવેલ એસ્સાર સ્ટીલ લિમિટેડને ખરીદી અને નવી કંપનીને આર્સલર મિત્તલ નિપ્પૉન સ્ટીલ ઇન્ડિયા નામ આપ્યું.
આ સોદામાં એસ્સાર સ્ટીલનો ગુજરાતનો હજીરા પ્લાન્ટ પણ સામેલ છે. પર્યાવરણમંત્રાલયની પરવાનગી મળ્યા પછી કંપનીએ આ પ્લાન્ટમાં વધારે રોકાણ કરવાની જાહેરાત કરી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મિત્તલે દાવો કર્યો હતો કે હજીરા સ્ટીલ પ્લાન્ટ જ્યારે 2029માં બનીને તૈયાર થશે ત્યારે 2.4 કરોડ સ્ટીલની ઉત્પાદનક્ષમતા સાથે તે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનશે.
રાજસ્થાનમાં જન્મેલા મિત્તલે ઇન્ડોનેશિયામાં 1976માં પોતાની સ્ટીલ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની હાલમાં 15 દેશોમાં સ્ટીલ ઉત્પાદન કરી રહી છે. વર્ષ 2008માં મિત્તલને પદ્મ વિભૂષણ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કે. આર. રાજા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉર્પોરેટ અફેર મંત્રાલયમાં કરેલી નોંધણી પ્રમાણે કે. આર. રાજાનું નામ રાજા કોલુમમ રામાચંદ્રન છે. તેમણે વર્ષ 2023માં 25 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
મંત્રાલયમાં કે. આર. રાજાના ડાયરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર પ્રમાણે તેઓ 21 કંપનીઓમાં ડાયરેક્ટર છે.
જેમાં સાત કંપનીઓ રિલાયન્સ સમૂહની છે, જેમ કે રિલાયન્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ જામનગર ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ, રિલાયન્સ કૉર્પોરેટ સેન્ટર લિમિટેડ, રિલાયન્સ કન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટર લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ હોમ પ્રોડક્ટસ લિમિટેડ અને રિલાયન્સ મીડિયા ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ.
આઠ કંપનીઓનું સરનામું મુંબઈમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું છે, જેમ કે આરબી મીડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, આરબી મીડિયાસૉફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, આરઆરબી મીડિયાસૉફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઍડ્વૅન્ચર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, કલરફુલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, વૉટરમાર્ક ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ, ઇલાક્શી કમર્શિયલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રણથાર્થી કૉમર્શિયલ્સ પ્રાઇવેટ લિમિટેડ.
લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચન્ટ
કૉર્પોરેટ અફેર મંત્રાલયમાં નોંધણી અનુસાર લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચન્ટે પણ વર્ષ 2023માં 25 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં હતાં.
મંત્રાલયમાં આપેલા મર્ચન્ટના ડાયરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર પ્રમાણે તેઓ બે કંપનીઓમાં પાર્ટનર અને 18 કંપનીઓમાં ડાયરેક્ટર છે.
આ 18 કંપનીઓમાંથી આઠ કંપનીઓ એવી છે, જેમાં મર્ચન્ટ અને કે. આર. રાજા બંને ડાયરેક્ટર છે.
આ કંપનીઓનાં નામ કલરફુલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ મીડિયા ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ, આરઆરબી મીડિયાસૉફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઍડ્વૅન્ચર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, આરબી મીડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, આરબી મીડિયાસૉફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, વૉટરમાર્ક ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ અને પ્રણથાર્થી કૉમર્શિયલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.
આ સિવાય મર્ચન્ટ રિલાયન્સની અન્ય ત્રણ કંપનીઓ જેવી કે રિલયાન્સ ગ્લોબલ મૅનેજમૅન્ટ સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ ઇન્ફોસૉલ્યુસન્સ પ્રાઇવેટ લિમિટેડ અને રિલાયન્સ લાઇફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે.
રાહુલ ભાટીયા

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરગ્લોબ ઍન્ટરપ્રાઇઝના ગ્રૂપ મૅનેજિંગ ડાયરેક્ટર રાહુલ ભાટીયા ભારતની સૌથી મોટી ઍરલાઈન ઇન્ડિગોના (ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ) મૅનેજિંગ ડાયરેક્ટર છે.
એપ્રિલ 2021માં રાહુલ ભાટીયાએ 20 કરોડનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં હતાં.
ફેબ્રુઆરી 2021માં રાહુલ ભાટીયાની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ કંપનીએ સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાને (સેબી) 2.1 કરોડ રૂપિયાનો દંડ આપીને કૉર્પોરેટ પ્રશાસનમાં કથિત ગેરરીતિની ફરિયાદનો કાયદાકીય નિકાલ કર્યો હતો.
કંપનીએ તે સમયે ગેરરીતિનો સ્વીકાર કે અસ્વીકાર નહોતો કર્યો.
બ્લૂમબર્ગ બિલિયોનેયર ઇન્ડેક્સ પ્રમાણે રાહુલ ભાટીયા વિશ્વના સૌથી 400 અમીર લોકોમાં 396મા સ્થાને છે.
ઇંદર ઠાકુરદાસ જયસિંઘાણી

ઇમેજ સ્રોત, POLYCAB.COM
ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિકલ વાયર અને કેબલ બનાવનારી કંપની પૉલીકેબ ઇન્ડિયા લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર ઇંદર ટી. જયસિંઘાણીએ વર્ષ 2023માં 14 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં હતાં.
વર્ષ 2022 અને 2023 વચ્ચે જયસિંઘાણીની સંપત્તિ લગભગ બે ગણી વધી ગઈ હતી.
53,298 કરોડ રૂપિયાની નેટ વર્થ સાથે જયસિંઘાણી ફોર્બ્સ ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં વર્ષ 2022માં 60મા નંબરે વધીને વર્ષ 2023માં 32મા નંબરે પહોંચી ગયા.
રાજેશ મન્નાલાલ અગ્રવાલ
અજંતા ફાર્માસ્યુટિકલ્સના જૉઈન્ટ મૅનેજિંગ ડાયરેક્ટર રાજેશ મન્નાલાલ અગ્રવાલે 2022માં સાત કરોડ અને 2023માં છ કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં હતાં.
12 કંપનીઓમાં ડાયરેક્ટર હર્મેશ રાહુલ જોષી અને રાહુલ જગન્નાથ જોશીએ 2022 અને 2023માં પાંચ-પાંચ કરોડ એમ કુલ દસ કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં.
કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયને આપેલી જાણકારી પ્રમાણે આ કંપનીઓ ટૅક્સ કન્સલ્ટન્સી, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપૉર્ટ, આયુર્વેદ, વૉટર સપ્લાયથી લઈને ભવનનિર્માણ જેવાં કામો કરે છે.
દસ કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર લોકોમાં વર્ષ 2020માં રાજુકુમાર શર્મા અને વર્ષ 2019માં સૌરભ ગુપ્તાનું નામ સામેલ છે. સૌરભ ગુપ્તા જયપુરસ્થિત પાંચ કંપનીઓમાં પાર્ટનર અને દસ કંપનીઓમાં ડાયરેક્ટર છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય બાયોકૉન લિમિટેડ અને બાયોકૉન બાયોલૉજિક્સ લિમિટેડનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કિરણ મજૂમદાર શૉએ પણ વર્ષ 2023માં છ કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં હતાં.
કિરણ મજૂમદાર શોએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક સવાલના જવાબમાં આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ હંમેશાં પારદર્શી રહ્યાં છે.












