'એક દેશ, એક ચૂંટણી': સમિતિએ સોંપેલા રિપોર્ટમાં શું ભલામણો છે?

ઇમેજ સ્રોત, ANI
'એક દેશ, એક ચૂંટણી' પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, લગભગ 18 હજાર પાનાંનો આ રિપોર્ટ તમામ પક્ષો સાથે વિગતવાર વાતચીત બાદ 191 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી શક્ય બનાવવા માટે આ સમિતિએ સૂચન કર્યું છે કે, તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ માત્ર આગામી લોકસભા ચૂંટણી સુધી સીમિત રાખવો જોઈએ.
સમિતિએ એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, કર્મચારીઓ અને સુરક્ષા દળોના પૂર્વ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો છે.
જ્યારે સમિતિએ અધ્યક્ષ રામનાથ કોવિંદની સાથે રાષ્ટ્રપતિ મુર્મૂને પોતાનો અહેવાલ સુપરત કર્યો ત્યારે તેના સભ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાળ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામનબી આઝાદ, જાણીતા બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપ, નાણાં વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. કમિશનર એન. કે. સિંઘ અને પૂર્વ સીવીસી સંજય કોઠારી પણ હાજર હતા.
'એક દેશ એક ચૂંટણી' પર વિચાર કરવા માટે ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે આ સમિતિની રચના કરવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે 'માત્ર 15 રાજકીય પક્ષોને બાદ કરતા બાકીના 32 પક્ષોએ ન માત્ર એક સાથે ચૂંટણીને સમર્થન આપ્યું છે, પણ સીમિત સંસાધનોની બચત, સામાજિક સૌહાર્દ અને આર્થિક વિકાસને ગતિ આપવા માટે આ વિકલ્પ અપનાવવાની વકાલત કરી છે.'
રિપોર્ટમાં કહેવાયું કે 'એક દેશ, એક ચૂંટણી'નો વિરોધ કરનારાઓની દલીલ છે કે "આ અપનાવવું એ બંધારણની મૂળ સંરચનાનું ઉલ્લંઘન હશે. આ અલોકતાંત્રિક, સંઘીય માળખાથી વિપરીત, પ્રાદેશિક પક્ષોને અલગઅલગ કરનાર અને રાષ્ટ્રીય પક્ષોનું વર્ચસ્વ વધારનારું હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટ અનુસાર, આનો વિરોધ કરનારનું કહેવું છે કે "આ વ્યવસ્થા રાષ્ટ્રપતિ શાસન તરફ લઈ જશે."
રિપોર્ટમાં સમિતિએ શું કહ્યું? શું ભલામણ કરી છે?

ઇમેજ સ્રોત, PIB
- આઝાદી બાદ પહેલા બે દાયકા સુધી સાથે ચૂંટણી ન કરાવવાની નકારાત્મક અસર અર્થવ્યવસ્થા, રાજકારણ અને સમાજ પર પડી છે. પહેલા દર દસ વર્ષમાં બે ચૂંટણી થતી હતી. હવે દર વર્ષે અનેક ચૂંટણી થાય છે. આથી સરકારે સાથે જ ચૂંટણીનાં ચક્રને લાગુ કરવા માટે કાયદાકીય રૂપથી તંત્ર બનાવવું જોઈએ.
- ચૂંટણી બે તબક્કામાં કરવામાં આવે. પહેલા ચરણમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ માટે ચૂંટણી કરાવવી જોઈએ. બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતની ચૂંટણી.
- પ્રથમ તબક્કાની ચૂંટણી સાથેસાથે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીના સો દિવસની અંદર તેને પૂરી કરી દેવાય.
- તેના માટે એક મતદાતાસૂચિ અને એક મતદાતા ઓળખપત્રની વ્યવસ્થા કરાય. તેના માટે ચૂંટણીપંચની સલાહથી બંધારણમાં જરૂરી સુધારો કરવામાં આવે.
- ત્રિશંકુ ગૃહ, અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં બાકીની પાંચ વર્ષની મુદત માટે નવેસરથી મતદાન થઈ શકે છે.
- પ્રથમ વખત એકસાથે ચૂંટણી માટે તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભાની ચૂંટણીઓ સુધીના સમયગાળા માટે હોઈ શકે છે.
- કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળો માટે આગોતરા આયોજનની ભલામણ કરી છે.
- એકસાથે મતદાનથી મતદારોના પારદર્શિતા, સમાવેશિતા, સરળતા અને વિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે.
- વિકાસની પ્રક્રિયા અને સામાજિક સંકલનને વેગ આપવા માટે એકસાથે મતદાન, લોકશાહી રૂબ્રિકના પાયાને વધુ ઊંડું કરે છે.
વિપક્ષે શું કહ્યું?
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએ)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આના ફાયદા તો છે, પણ નુકસાન પણ છે.
સોશિયલ મીડિયામાં પર તેમણે કહ્યું, "વારેવારે ચૂંટણી થવાથી સરકારોને પણ મુશ્કેલી પડે છે. 'વન નેશન વન ઇલેક્શન' સાથે અનેક બંધારણીય મુદ્દા પણ જોડાયેલા છે. પણ સૌથી ખરાબ બાબત એ હશે કે સરકારને પાંચ વર્ષ સુધી લોકોની નારાજગીની કોઈ ચિંતા નહીં હોય. આ ભારતના સંઘીય માળખાના મોતના સંકેત સમાન હશે. આ ભારતને એક પાર્ટી સિસ્ટમમાં બદલીને રાખી દેશે."














