બાંગ્લાદેશમાં અનામતવિરોધી આંદોલનમાં છનાં મૃત્યુ, વિદ્યાર્થીઓ સરકાર સામે પડ્યા

વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી
    • લેેખક, અકબર હુસૈન, અનબરાસન એથિરાજન
    • પદ, બીબીસી સંવાદદાતા, ઢાકા તથા લંડનથી

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હિંસા થઈ હતી જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે. સરકારી નોકરીઓમાં અનામત સંબંધિત પ્રદર્શનોને કારણે શૈક્ષણિકસંસ્થાઓને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી છે.

વર્ષ 1971માં બાંગ્લાદેશના મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા લડવૈયાનાં બાળકોને સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી તેનો વિરોધ કરી રહ્યા છે.

વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મેળવવા માટે જંગ લડનારાઓને 'વૉર હીરો' કહેવામાં આવે છે, દેશમાં એક તૃતીયાંશ આ લડવૈયાનાં સંતાનો માટે અનામત છે.

વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી રેલીઓ કાઢી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અનામતની વ્યવસ્થા ભેદભાવપૂર્ણ છે અને મૅરિટના આધારે નોકરી આપવી જોઈએ.

બાંગ્લાદેશમાં મહિલાઓ, વંશીય લઘુમતી તથા વિકલાંગોને પણ અનામત મળે છે.

અનામતવિરોધી આગ

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલ
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

ચાલુ અઠવાડિયે બાંગ્લાદેશના પાટનગર ઢાકા સહિત અનેક શહેરોમાં અનામતસમર્થક તથા વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. વિદ્યાર્થીઓ પથ્થરબાજી અને લાકડી-ડંડાથી મારામારી કરી હતી, જેમને વિખેરવા માટે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા તથા રબરની ગોળીઓ પણ ચલાવી હતી.

જેમાં બાંગ્લાદેશના સત્તારૂઢ પક્ષ અવામી લીગની વિદ્યાર્થી પાંખ બાંગ્લાદેશ છાત્ર લીગનો પણ સમાવેશ થાય છે.

બાંગ્લાદેશમાં સારા પગારને કારણે સરકારી નોકરિયાતોને સન્માનજનક રીતે જોવામાં આવે છે. લાખોની સંખ્યામાં રહેલી આ નોકરીઓમાંથી અડધોઅડધ કોઈ ને કોઈ વર્ગ માટે અનામત છે.

ટીકાકારોનું કહેવું છે કે જે લોકો શેખ હસીના સરકારની નજીક છે એવા લોકોને આ અનામતનો લાભ મળે છે. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં શેખ હસીનાએ સતત ચોથી વખત સત્તા ઉપર પુનરાગમન કર્યું હતું.

વર્ષ 2018માં ભારે વિરોધપ્રદર્શનો બાદ શેખ હસીનાની સરકારે અનામતની જોગવાઈને હઠાવી દીધી હતી, પરંતુ જૂન મહિનામાં ઢાકા હાઈકોર્ટે અનામતવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા અધિકારીઓને આદેશ આપ્યા હતા, જેના કારણે ફરી એક વખત વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયા છે.

તમને આ પણ વાંચવું ગમશે

આરોપ-પ્રતિઆરોપ

શેખ હસીનાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેખ હસીના 15 વર્ષથી બાંગ્લાદેશની સત્તા ઉપર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અનામતવિરોધી આંદોલનોના સંયોજકોમાંથી એક અબ્દુલ્લાહ સાલેહી આયુને બીબીસી સાથે વાત કરતા કહ્યું, "આ હિંસા માટે બીએસએલના કાર્યકરો જવાબદાર છે. તેમણે પ્રદર્શનકારીઓની હત્યા કરી છે. પોલીસે સામાન્ય વિદ્યાર્થીઓને બચાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી."

અધિકારીઓના કહેવા પ્રમાણે, તાજેતરની હિંસામાં ચટગાંવમાં ત્રણ તથા ઢાકામાં બે અને રંગપુરમાં એક મૃત્યુ થયાં છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, મૃતકોમાં ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, પરંતુ અધિકારીઓએ સત્તાવાર રીતે તેની પુષ્ટિ નથી કરી.

સરકારે વિપક્ષ ઉપર હિંસા વકરાવાનો આરોપ મૂક્યો છે. બાંગ્લાદેશના કાયદામંત્રી અનિસ-ઉલ હકે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "જમાત-એ-ઇસ્લામી તથા બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી જેવા વિરોધપક્ષોની વિદ્યાર્થી પાંખના કાર્યકરો અનામતવિરોધી આંદોલનકારીઓમાં ભળી ગયા છે અને તેમણે જ હિંસાની શરૂઆત કરી હતી."

વિરોધપ્રદર્શનો બાદ તા. 10મી જુલાઈએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનામતવ્યવસ્થાને હંગામી ધોરણે મોકૂફ કરી દીધી હતી, આમ છતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે જ્યાર સુધી આ વ્યવસ્થાને સંપૂર્ણપણે દૂર કરવામાં નહીં આવે, ત્યાર સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે.

અનિસ-ઉલ હકના કહેવા પ્રમાણે, "તા. સાતમી ઑગસ્ટે આ અંગે અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જ્યાં વિદ્યાર્થીઓને પણ તેમની દલીલો અદાલત સમક્ષ રજૂ કરવાની તક મળશે."

પોલીસે મંગળવારે હિંસક અથડામણો બાદ રાત્રિના સમયે મુખ્ય વિપક્ષ બીએનપીના ઢાકાસ્થિત મુખ્યમથકે દરોડા પાડ્યા હતા.

બીએનપીના વરિષ્ઠ નેતા રુહુલ કબીર રિઝવીએ પોલીસની રેડને ડ્રામા ગણાવી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને વિરોધ સમાપ્ત કરવાનો સંદેશ આપવાના હેતુથી આમ કરવામાં આવ્યું હતું.

વડાં પ્રધાનના નિવેદનથી વિદ્યાર્થીનેતા નારાજ

શેખ મુજીબ-ઉર રહમાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેખ મુજીબ-ઉર રહમાનના નેતૃત્વમાં બાંગ્લાભાષીઓએ પાકિસ્તાનની સેના સામે લડત હાથ ધરી હતી

નારાજ વિદ્યાર્થીઓએ ઢાકા સહિત દેશના મુખ્ય શહેરોના મુખ્ય રસ્તા તથા હાઈ-વેને બંધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમના વિશે વડાં પ્રધાન શેખ હસીનાએ કરેલી ટિપ્પણીને કારણે તેઓ નારાજ છે. શેખ હસીનાએ પ્રદર્શનકારીઓ માટે 'રઝાકાર' શબ્દપ્રયોગ કર્યો હતો.

વર્ષ 1971ના બાંગ્લાદેશના મુક્તિસંગ્રામ દરમિયાન જે લોકોએ પાકિસ્તાની સેનાને ટેકો આપ્યો હતો, તેમના માટે 'રઝાકાર' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. શેખ હસીનાએ આવા લોકો સાથે સરખામણી કરીને તેમનું અપમાન કર્યું છે. વડાં પ્રધાનનાં નિવેદનને કારણે જ બીસીએલના (બાંગ્લાદેશ છાત્ર લીગ) સભ્યોને તેમની ઉપર હુમલો કરવાની તક મળી ગઈ હતી.

ઢાકા યુનિવર્સિટીનાં વિદ્યાર્થી રૂપૈયા શ્રેષ્ઠે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "બાંગ્લાદેશમાં ભયનો માહોલ ઊભો કરીને તેઓ મારો અવાજ દબાવી દેવા માગે છે. જો આજે હું વિરોધ નહીં કરું તો આવતીકાલે તેઓ મને મારી નાખશે. આ કારણસર વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે હું રસ્તા ઉપર ઊતરી છું."

સરકારના મંત્રીઓનું કહેવું છે કે શેખ હસીનાના નિવેદનને વિકૃત કરીને રજૂ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓએ તેમણે વિદ્યાર્થીઓને 'રઝાકાર' નહોતા કહ્યા.

માહિતી અને પ્રસારણ મંત્રી મહોમ્મદ અલી અરાફાતના કહેવા પ્રમાણે, અવામી લીગના વિદ્યાર્થીઓએ હિંસાની શરૂઆત કરી હતી. અનામતવિરોધી વિદ્યાર્થીઓએ ઢાકાની એક યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા, જેના કારણે હિંસા ફાટી નીકળી.

તેમણે બીબીસીને કહ્યું, "જો યુનિવર્સિટી કૅમ્પસમાં હિંસા અને અંધાધૂંધીનો માહોલ રહે તો તેનાથી સરકારને કોઈ લાભ નથી. અમે ઇચ્છીએ છીએ કે શાંતિ જળવાય રહે."

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટૉનિયો ગુટેરેશના પ્રવક્તા સ્ટિફન દુજારિકે બાંગ્લાદેશની સરકારને અપીલ કરી છે કે "હિંસા અને ધમકીઓ સામે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને સુરક્ષા આપવામાં આવે."

બીજી બાજુ, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાર સુધી સરકાર તેમની માગો સ્વીકારી નહીં લે, ત્યારસુધી તેઓ પીછેહઠ નહીં કરે.

બીજી બાજુ, સરકારે ઢાકા, ચટગાંવ સહિત દેશનાં પાંચ મુખ્ય શહેરોમાં બાંગ્લાદેશના અર્ધસૈન્ય બળો અને બૉર્ડર ગાર્ડ્સને તહેનાત કર્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે