You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચિન્મય કૃષ્ણદાસનો ઇસ્કૉન અને સનાતની જાગરણ સાથે શું સંબંધ છે?
- લેેખક, મુકીમુલ એહસાન અને સુમેધા પાલ
- પદ, બીબીસી બાંગ્લા અને બીબીસી હિન્દી
બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં જેલમાં મોકલવામાં આવેલા ચિન્મય કૃષ્ણદાસથી ઇસ્કૉન બાંગ્લાદેશે અંતર કરી લીધું છે.
26 નવેમ્બરના રોજ ચિન્મય કૃષ્ણદાસને ચટગાંવના કોતવાલી થાણામાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં કોર્ટમાં રજૂ કરાયા હતા.
જેલમાં મોકલવા બદલ વિરોધ કરતા તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક વકીલનું મૃત્યુ નીપજ્યું છે.
ભારતે પણ ચિન્મયની ધરપકડ બદલ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી રહી છે.
થોડા દિવસ પહેલાં બાંગ્લાદેશ ઇસ્કૉને દાવો કર્યો હતો કે ચિન્મય કૃષ્ણદાસને સંગઠનમાંથી છુટ્ટા કરવામાં આવ્યા છે. જોકે ચિન્મય હજુ પણ શ્રી પુંડરીકધામના પ્રમુખ છે. જ્યારે બીજી બાજુ ઇસ્કૉન ઇન્કે તેમની ધરપકડ બદલ નિંદા પણ કરી છે.
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણદાસનો વિવાદ શું છે?
પાંચ ઑગસ્ટે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછીથી જ આરોપ લગાવાઈ રહ્યા હતા કે ત્યાંના અલ્પસંખ્યકો પર હિંસા વધી રહી છે.
અલ્પસંખ્યકો પર કથિત હુમલાઓની સામે ચિન્મયદાસ કેટલાંક વિરોધપ્રદર્શનોમાં સામેલ થયા હતા.
આ પ્રદર્શનો સનાતની જાગરણ જોત સંગઠનના બૅનર હેઠળ થઈ રહ્યાં હતાં અને તેના પ્રવક્તા ચિન્મય કૃષ્ણદાસ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિવાદ ત્યારે થયો જ્યારે ચિન્મયદાસ સહિત 19 લોકો સામે ચટગાંવ કોતવાલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો.
તેમના પર આરોપ છે કે તેમણે 25 ઑક્ટોબરે ચટગાંવના ન્યૂ માર્કેટ વિસ્તારમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું હતું.
દાસની ધરપકડ પછી તેમના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા, રાજધાની ઢાંકા અને ચટગાંવ સહિત વિભિન્ન શહેરોમાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યાં.
ત્યારબાદ બાંગ્લાદેશનાં કેટલાંક સંગઠનોએ ઇસ્કૉન પર પ્રતિબંધની માગ કરી અને અરજી પણ દાખલ કરવામાં આવી. જોકે, બાંગ્લાદેશની અદાલતે પ્રતિબંધ લગાવવાની મનાઈ ફરમાવી દીધી.
બાંગ્લાદેશ ઇસ્કૉનની કેન્દ્રીય કમિટીના સભ્ય બિમલકુમાર ઘોષે બીબીસી બાંગ્લા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ચિન્મય કૃષ્ણદાસને ઇસ્કૉનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તે સરકાર વિરુદ્ધ જે પણ કરે તે અમારી જવાબદારી નથી."
બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર નાહીદ ઇસ્લામે બીબીસી બાંગ્લાને જણાવ્યું, "ચિન્મય કૃષ્ણદાસ દેશને અસ્થિર કરવાની યોજના માટે તેમના આંદોલનને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા."
આ સંપૂર્ણ ઘટનાક્રમે બાંગ્લાદેશમાં ધાર્મિક અને રાજકીય તણાવ વધારી દીધો છે અને ઇસ્કૉનનો આ નવો વિવાદ વધુ મુશ્કેલ બનતો જાય છે.
ઇસ્કૉન સાથે ચિન્મય કૃષ્ણદાસનો સંબંધ
ચિન્મય કૃષ્ણદાસ ઇસ્કૉન ચટગાંવ પુડરીકધામના અધ્યક્ષ છે. તેમનું સાચું નામ ચંદનકુમાર ધર છે અને અનુયાયીઓ તેમને "ચિન્મયપ્રભુ" કહે છે.
અલ્પસંખ્યકોના અધિકાર માટે હાલમાં જ બનેલા બાંગ્લાદેશ સનાતની જાગરણ જોત સંગઠનના તેઓ પ્રવક્તા છે.
ઇસ્કૉન બાંગ્લાદેશના કેન્દ્રીય અધ્યક્ષ સત્યરંજન બરાઈએ ઇસ્કૉનના વિરોધમાં કામ કરવા બદલ 13 જુલાઈના રોજ એક ચેતવણીપત્ર મોકલ્યો હતો. તેમના પર પાંચ આરોપ લગાવાયા છે.
પછીથી 9 નવેમ્બર, 2024ના રોજ બાંગ્લાદેશે પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરી સંગઠનમાંથી બાકાત કરવાની માહિતી આપી હતી.
બાંગ્લાદેશ ઇસ્કૉનની કેન્દ્રીય કમિટીના સભ્ય બિમલકુમાર ઘોષે બીબીસીને જણાવ્યું હતું કે "ચિન્મય કૃષ્ણદાસને બહાર કરી દેવાાયા હતા, કેમ કે તેમણે ચેતવણીઓ પર ધ્યાન નહોતું આપ્યું. પછી તેમણે સંગઠનના અધ્યક્ષ અને સચિવ પર પણ કેસ કરી દીધો હતો."
કમિટીએ જણાવ્યું હતું કે ચિન્મયદાસ ઇસ્કૉન તરફથી કોઈ પણ નિવેદન નહીં આપી શકે અને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ પણ નહીં કરી શકે.
પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ હજી પુંડરીકધામના અધ્યક્ષ છે, ત્યારે કમિટીએ જણાવ્યું કે "અમે તેમને પદભ્રષ્ટ કરી દીધા છે પણ તેમને ધાર્મિક શિક્ષણ દેવાના અધિકારથી રોકતા નથી."
જોકે, કમિટીએ જણાવ્યું કે નવી પરિસ્થિતિમાં ઇસ્કૉન તરફથી તેમના માટે કોઈ બીજો નિર્ણય પણ આવી શકે છે.
ગુરુવારે ઇસ્કૉન બાંગ્લાદેશના મહાસચિવ ચારુચંદ્રદાસે પણ ચિન્મય અને અન્ય લોકોની હકાલપટ્ટીની માહિતી આપી હતી.
ચારુચંદ્રદાસે જણાવ્યું કે "શ્રી કૃષ્ણ મંદિરના અધ્યક્ષ લીલારાજ ગૌરદાસ, સદસ્ય ગૌરાંગદાસ અને ચટગાંવના પુંડરીકધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણદાસને સંગઠનના અનુશાસનના ઉલ્લંઘન કરવા બદલ સંગઠનાત્મક પદ સહિત બધી જ ગતિવિધિથી અલગ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જે પણ કર્યું તેને અને ઇસ્કૉનને કોઈ લેવા-દેવા નથી."
ચારુચંદ્રદાસે જણાવ્યું કે ગત 13 ઑક્ટોબરે જ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ચિન્મયદાસ હવે કોઈ ઇસ્કૉન બાંગ્લાદેશના પ્રવક્તા નથી, માટે તેમનું નિવેદન સંપૂર્ણ અંગત છે.
પરંતુ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડને લઈને ગ્લોબલ ઇસ્કૉને એક નિવેદન બહાર પાડ્યું અને તેમાં ભારતના હસ્તક્ષેપની પણ માગ કરી છે.
ઇસ્કૉન ઇન્કે "સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાના એકાઉન્ટ પરથી નિવેદન આપ્યું હતું કે તે ઇસ્કૉન બાંગ્લાદેશના પ્રમુખ ચહેરા રહેલા કૃષ્ણદાસ સાથે છે."
નિવેદન અનુસાર, "આવા પાયાવિહોણા આરોપો લગાવવા અપમાનજનક છે કે ઇસ્કૉનનો દુનિયામાં કોઈ પણ આતંકવાદ સાથે કોઈ સંબંધ છે. ઇસ્કૉન ઇન્ક ભારત સરકાર તાત્કાલિક પગલા ભરે તેવી માગ કરે છે કે તે બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરે અને કહે કે અમે એક શાંતિપ્રિય ભક્તિનું આંદોલન છીએ. અમે ઇચ્છીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર તરત ચિન્મય કૃષ્ણદાસને મુક્ત કરે."
સનાતની જાગરણ જોત સાથે સંબંધ
17 કરોડની વસ્તીવાળા મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં લાંબા સમયથી લઘુમતી હિંદુ વસ્તી પર હિંસા અને દમનના આરોપો લાગતા આવ્યા છે.
પરંતુ શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાં બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
5 ઑગસ્ટે શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયાં હતાં.
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સંખ્યા દેશની કુલ વસ્તીની આઠ ટકા જેટલી છે.
છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ સામે સનાતની જાગરણ જોતના બૅનર હેઠળ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં હતાં.
આ પ્રદર્શન અને રેલીઓનું નેતૃત્વ ચિન્મય કૃષ્ણદાસે સંભાળ્યું હતું. આવું જ એક પ્રદર્શન ચટગાંવના રંગપુરમાં આયોજિત થયું હતું. જેમાં ઇસ્કૉનમાંથી બહાર કરાયેલા નેતા ચિન્મય કૃષ્ણદાસ ભાષણ આપતા જોવા મળ્યા હતા.
તેમનાં ભાષણોમાં તેમણે સરકાર પર હિંદુઓ પર અત્યાચારનો આરોપ લગાવતા પ્રહારો કર્યા હતા.
ઇસ્કૉન બાંગ્લાદેશ સેન્ટ્રલ કમિટીના સભ્ય બિમલકુમાર ઘોષે બીબીસી બાંગ્લાને કહ્યું, “ચિન્મય અલગ-અલગ જગ્યાએ જે ભાષણો આપી રહ્યા છે તે તેમનું અંગત નિવેદન છે. ઇસ્કૉન આની જવાબદારી લેતું નથી.”
ઇસ્કૉનમાંથી છુટ્ટા કરવાને લઈને સનાતની જાગરણ જોત સંગઠન દ્વારા કહેવામાં આવ્યું કે "અંગત રાજકારણના કારણે તેમના પર ખોટા આરોપો લગાવીને બહાર કરવામાં આવ્યા છે."
ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ શાખાએ 25 નવેમ્બરે ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ કરી અને બીજા દિવસે તેમને ચટગાંવ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ઇસ્કૉનના સભ્યોએ તેમની મુક્તિની માગણી સાથે કોર્ટ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું.
આ પ્રદર્શનમાં સામેલ ઇસ્કૉનથી જોડાયેલી એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે "આ જવાબદારી અમારા પર મૂકવી એ રાજકારણથી પ્રેરિત નિર્ણય છે, જ્યારે ઇસ્કૉનના લોકો તો અહિંસક પ્રદર્શન કરી રહ્યા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન