You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુદ્ધમાં પગ ગુમાવ્યા પણ હિંમત નહીં, નિવૃત સૈનિકે એવરેસ્ટ સર કરી આપ્યો સાહસનો પરચો
નિવૃત્ત ગોરખા જવાન હરિબુદ્ધ માગરે એક નવો રૅકોર્ડ સર્જ્યો છે.
અફઘાનિસ્તાનમાં બંને પગ ગુમાવ્યા બાદ તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સફળ સાહસ કર્યું છે.
માઉન્ટ એવરેસ્ટ સર કરનારા તેઓ પહેલી એવી વ્યક્તિ છે જેમના બંને પગ નથી.
43 વર્ષીય હરિબુદ્ધ માગર યુનાઇટેડ કિંગ્ડમના કૅન્ટરબરીમાં રહે છે. અન્યોને પ્રેરણા આપવા અને વિકલાંગો પ્રત્યેના લોકોના દૃષ્ટિકોણને બદલવા માટે તેમણે આ પડકારનો સ્વીકાર કર્યો હતો.
તેઓ બ્રિટિશ આર્મીમાં સેવા આપી ચૂક્યા છે.
તેમની ટીમના જણાવ્યા પ્રમાણે ગત શુક્રવારે રાત્રે સાડા આઠે તેમણે એવરેસ્ટ સમિટ પર આરોહણ પૂર્ણ કર્યું છે.
સેટેલાઈટ ફોન દ્વારા તેમણે સંદેશ આપ્યો હતો કે, “મેં વિચાર્યું હતું તેના કરતાં આ ખૂબ અઘરું હતું.”
“કાર્ય ગમે તેટલું દર્દનાક હોય અથવા તો ગમે તેટલો સમય લે, તમારે ઊંચાઇ પર પહોંચવા તમારું કામ ચાલુ રાખવું જોઈએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બધું જ શક્ય છે!
અફઘાનિસ્તાનમાં ફરજ બજાવતી વખતે તેમનો પગ આઈઈડી વિસ્ફોટક પર પડી ગયો હતો. જેના લીધે થયેલા બ્લાસ્ટમાં તેમણે બંને પગ ગુમાવ્યા હતા.
ત્રણ સંતાનના પિતા હરિબુદ્ધ બ્લાસ્ટ બાદ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ સ્કિઇંગ, ગોલ્ફ, સાઇકલિંગ અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓએ તેમનો આત્મવિશ્વાસ વધાર્યો.
નેપાળી પર્વતારોહકો સાથે તેમણે અગિયાર દિવસ પહેલાં એવરેસ્ટની ચઢાઈ શરૂ કરી હતી. ક્રિશ થાપા ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. ક્રિશ થાપા પણ ભૂતપૂર્વ ગોરખા જવાન હતા અને SAS (સ્પેશિયલ ઍર સર્વિસ) માઉન્ટેન ટ્રૂપ લીડર હતા.
માગર કહે છે, “જ્યારે મુશ્કેલીઓ વધી જતી ત્યારે હું મારા પરિવારને અને જે લોકોએ મને મદદ કરી છે તેમને યાદ કરતો હતો. તેના કારણે મને આગળ વધવાની તાકત મળતી હતી.”
“લોકોનો વિકલાંગ અવસ્થા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય અને હું બીજા લોકોને પ્રેરણા આપી શકું એ જ મારું લક્ષ્ય હતું.”
“એ અગત્યનું નથી કે તમારાં લક્ષ્યો કેટલાં મોટાં છે અથવા તો તમે ક્યા પ્રકારની વિકલાંગ અવસ્થા સાથે જીવી રહ્યા છો, પરંતુ જો તમારી પાસે મનોબળ હોય તો તમે ધારો તે મેળવી શકો છો.”
આ અઠવાડિયે હરિ માગર બ્રિટન પરત ફરશે.
કેટલું અઘરું હતું આ કાર્ય?
ધ ટેલિગ્રાફના એક અહેવાલ પ્રમાણે માગર માટે આ આરોહણ અતિશય અઘરું હતું. બીજા પર્વતારોહકો અને તેમની ટીમને બરફવર્ષા વચ્ચે જે રસ્તો કાપતાં સાડા ત્રણ કલાક થયા હતા એ જ રસ્તો કાપતાં માગરને 11 કલાક જેટલો સમય લાગ્યો હતો.
આરોહણની આ સિઝન દરમિયાન આઠ લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં મહારાષ્ટ્રના સુઝાન લિઓપ્લોડિના જીસસનો પણ સમાવેશ થાય છે. તેઓ 59 વર્ષના હતા અને પેસમેકર સાથે એવરેસ્ટનું આરોહણ કરનાર એશિયાની પ્રથમ વ્યક્તિ બનવા માંગતા હતા. જોકે, તબિયત ખરાબ થતાં બેઝ કૅમ્પ પર જ તેમનું મૃત્યુ થયું હતું.
માગર જણાવે છે કે તેમને આત્મવિશ્વાસ હતો કે, "જો મારું મૃત્યુ નહીં લખાયેલું હોય તો હું આ દુનિયામાં જ્યાં પણ જઈશ ત્યાંથી પાછો આવીશ."
“એક વખત એવું બન્યું કે મારી ટીમ મને કહી રહી હતી કે અહીં રહેવું સુરક્ષિત નથી અને આપણે તરત જ અહીંથી નીકળી જવું પડશે પરંતુ મેં તેમને કહ્યું કે હું જલદીથી નહીં ચાલી શકું, મારે શ્વાસ લેવો પડશે. આ વાત મને અફઘાનિસ્તાનમાં શીખવા મળી હતી. જેમાં હું 20 લોકોની ટુકડીમાં દસમી વ્યક્તિ હતો. શા માટે પહેલા નવ લોકોને કંઈ ન થયું અને વિસ્ફોટને કારણે મારે જ પગ ગુમાવવા પડ્યા?”
એવરેસ્ટ આરોહણ કરતાં પહેલાં માગરે ટ્રેનિંગ માટે સ્કૉટલૅન્ડના બૅન નેવિસ, યુરોપમાં આવેલા મૉન્ટ બ્લૅંક અને નેપાળના ગોસાઇકુન્ડાનું સફળ આરોહણ કર્યું છે.
જોકે તેમની યાત્રા જરાય સરળ રહી ન હતી. આર્થિક પ્રશ્નો હોવા છતાં તેમણે 2018માં માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, નેપાળ સરકારે જેમના બંને પગ ન હોય અને અંધ હોય તેવા લોકોને આરોહણ કરવા પર ડિસેમ્બર 2017માં પ્રતિબંધ મૂક્યો હતો.
આ કારણે નેપાળના પર્વતોમાં ટ્રેનિંગ લઈ રહેલા માગરને કાઠમંડુ જવું પડ્યું હતું. ત્યાં તેમણે આ નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકોનું સમર્થન કર્યું હતું. જોકે નેપાળની સુપ્રીમ કોર્ટે 2018માં આ પ્રતિબંધ હઠાવી લીધો હતો.
ફરીથી પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે થનગની રહેલા માગરને કોરોના મહામારી નડી અને તેમને ફરી રાહ જોવી પડી.
હરિબુદ્ધ માગરના આરોહણના સાહસને 30થી વધુ સંસ્થાઓ અને 600થી વધુ લોકોએ પીઠબળ પૂરું પાડ્યું હતું. આ આરોહણ દરમિયાન તેમણે એક ચૅરિટી પ્રોગ્રામ અંતર્ગત 8,84,900 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, જે એવરેસ્ટની ઊંચાઈ 8849 મીટરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું હતું.