ગુજરાત : સાસણગીરમાં સફારીની કાળા બજારી કરતી ગૅંગ કેવી રીતે દેશનાં અન્ય અભયારણ્યોની પરમિટ પણ વેચતી?

ઇમેજ સ્રોત, Getty Images/Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગત 14 અને 22 ઑક્ટોબરે ગીર સફારી પરમિટના કથિત કાળા બજાર કરવાના આરોપમાં ગુજરાતની સીઆઇડી ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી અને પાંચ લોકોની ધરપકડ કરી છે.
પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી ત્રણ ગુજરાતના અને બે દિલ્હીના છે.
નોંધનીય છે કે ગત 4 ઑક્ટોબરે ગુજરાતમાં એશિયાટિક સિંહોને તેમના કુદરતી પરિવેશમાં જોવાના લહાવા માટે ખ્યાત એવી ગીર સફારીની પરમિટ બુકિંગમાં ચાલતી ગેરરીતિ અંગે ગુજરાતના વન વિભાગ અને સીઆઇડી સાઇબર ક્રાઇમ પોલીસને કરાયેલી ફરિયાદ બાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
જે બાદ ગુજરાત વન વિભાગે આધિકારિકપણે પોલીસ ફરિયાદ કરતા ગુજરાતની સીઆઇડી ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી હતી.
આ મામલામાં કથિત સાઇબર ગઠિયા નકલી વેબસાઇટ બનાવી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના બીજા સફારી પાર્કની પરમિટનું પણ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા.
હાલમાં પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનેસ)ની કલમ 112 હેઠળ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર કેસમાં પોલીસને કેવી રીતે સફળતા મળી અને આખરે કઈ રીતે આ કથિત કૌભાંડ બહાર આવ્યું એ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
એ પહેલાં જાણી લઈએ કે સમગ્ર મામલો શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
(કોણે) ગીર સફારીમાં સિંહદર્શન અને રજાઓ માણવા આવતા લોકો સાથે છેતરપિંડી ન થાય અને ટિકિટના કાળા બજાર ન થાય એ માટે ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે.
પરંતુ ઘણી વખત ઓનલાઇન ઉપલબ્ધ દેખાતી ટિકિટ મિનિટોમાં બુક થઈ જાય છે.
આ કિસ્સામાં થયું પણ આવું જ કંઈક થયું હતું.
26થી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં નાતાલ વૅકેશન હોય છે. આ સમયગાળાની માટેની તમામ પરમિટ માત્ર 20 મિનિટમાં બુક થઈ ગઈ હતી.
મિનિટોમાં બધી પરમિટ વેચાઈ જતાં કેટલાક લોકોને શંકા થઈ હતી. તેમાં સાસણ ગીર હોટલ ઍસોશિયેશનના પ્રમુખ વીનુભાઈ જીવાણી પણ હતા.
બીબીસી ગુજરાતની સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "નાતાલની વૅકેશનમાં ગીર સફારીની પરમિટ આપવા માટે ઓનલાઇન બુકિંગ વિન્ડો ઓપન કરવામાં આવી હતી. બુકિંગ ઓપન થઈ તેની 20 જ મિનિટમાં તમામ 180 પરમિટ બુક થઈ ગઈ હતી."
"અમને માહિતી મળી કે જ પરમિટની કિંમત આઠસોથી એક હજાર રૂપિયા છે, તેને કાળા બજારમાં 20 હજાર રૂપિયામાં વેચવામાં આવી રહી છે. આના પરથી અમને લાગ્યું કે આ આખાય મામલામાં કંઈક ગરબડ છે. અમે વન વિભાગને અને રાજ્ય સીઆઇડી સાઇબર ક્રાઇમને પત્ર લખીને આ વિશે જાણ કરી હતી."
પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને તપાસ આરંભી હતી, જે બાદ અમદાવાદથી અલ્પેશકુમાર ભાલાણી અને સાસણથી સુલતાન બલોચ અને એજાજ શેખની ધરપકડ કરી છે.
ગાંધીનગર સીઆઇડી સાઇબર ક્રાઇમના એસપી વિકાસ ભેડાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "ગીર સફારીના એક વર્ષના ડેટાની તપાસ કરતાં માલૂમ પડ્યું કે કુલ પરમિટમાંથી 12 હજાર 800 પરમિટ બલ્ક બુકિંગમાં કરવામાં આવ્યું હતું. અમે બલ્ક બુકિંગવળી તમામ પરમિટનું ઍનાલિસિસ કર્યું તો સામે આવ્યું કે કેટલીક ઇમેલ આઇડી અને ફોન નંબરથી વારંવાર બલ્ક બુકિંગ કરવામાં આવ્યું હતું."
તપાસમાં સામે આવ્યું કે આવ્યું કે તમામ ઇમેલ આઇડી અને ફોન નંબર અમદાવાદના એબી ટ્રાવેલર્સના હતા.
પોલીસના જણાવ્યાનુસાર આખા ડેટાનું ઝીણવટભર્યું ઍનાલિસિસ કરતાં તેમાં કેટલાંક આઇપી ઍડ્રેસ દિલ્હીના પણ મળી આવ્યાં હતાં.
"અમે જોયું કે એકજ આઇપી ઍડ્રેસ પરથી અલગ અલગ ઇમેલ આઇડી ઑપરેટ થતી હતી, પરંતુ ફોન નંબર એક જ હતું."
એસપી વિકાસ ભેડા કહે છે કે, "સૌથી પહેલા અમદાવાદના થલતેજ હેબતપુરમાં આવેલા આઇપી ઍડ્રેસનું સરનામું શોધ્યું તો તે એબી ટ્રાવેલ્સવાળા અલ્પેશ ભાલાનીનું હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન અલ્પેશ પાસેથી મહત્ત્વના પુરાવા મળ્યા છે."
આ કથિત 'ગૅંગ' કઈ રીતે કામ કરતી?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
પોલીસના જણાવ્યાનુસાર સાસણગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવડીયા જીપ્સી સફારી બુકિંગ માટે આરોપીઓ પોતાની ખોટી ઓળખ આપી ઍડવાન્સમાં બલ્કમાં સ્લોટ બુકિંગ કરી લેતા હતા. બુકિંગ કર્યા બાદ પરમિટને ઊંચી કિંમતે વેચી નાખતા હતા.
એસપી ભેડા કહે છે કે, "આ લોકો ગીર સફારીની વેબસાઇટ પર બુકિંગ શરૂ થાય એટલે તરત જ અલગ અલગ ઇમેલ આઇડીથી એક સાથે પરમિટ બુક કરાવતા હતા. એક ફોન નંબર પર છ ટિકિટ બુક થાય છે. ટિકિટ બુક કરાવતી વખતે નકલી આઇડી પ્રૂફનો ઉપયોગ કરતા હતા."
"તમામ બુકિંગ થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ટ્રાવેલ એજન્સીના નામે બુકિંગની જાહેરાત કરતા. પ્રવાસીઓને આકર્ષવા માટે આરોપીઓએ એક નકલી વેબસાઇટ પણ બનાવી હતી. પ્રવાસીઓને હોટલ બુકિંગ તથા તમામ લોજિસ્ટિક સુવિધા સાથેનું પૅકેજ ઑફર કરવામાં આવતું હતું. બુકિંગમાં સફારી પરમિટની પાંચથી છ ગણી કિંમત વસૂલવામાં આવતી હતી."
પોલીસ અનુસાર એક વખત ટુરિસ્ટ બુકિંગ મળી જાય એટલે તરત જ બલ્ક બુકિંગમાં કરાવવામાં આવેલી સફારી વિઝિટની નકલી પરમિટ કૅન્સલ કરી દેતા હતા.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં 12 હજારથી વધુ પરમિટ આ રીતે વેચવામાં આવી છે.
સ્ટેટ સાઇબર સેન્ટર ઑફ ઍક્સલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ લોકોએ બલ્ક બુકિંગ માટે આઠ હજારથી વધુ ઇમેલ આઇડીનો ઉપયોગ કર્યો હતો. કેટલાક ઇમેલ આઇડી દિલ્હીના હતા. દિલ્હીથી અમે મૂળ બિહારના બેગુસરાઈના અને હાલ દિલ્હીમાં રહેતા અરવિંદ ઉપાધ્યાય અને અજય ચૌધરીની ધરપકડ કરી છે. બંને પાસેથી 224થી વધુ પીડીએફ ફાઇલ મળી આવી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, આ લોકો માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાનના રણથંભોર, મહારાષ્ટ્રની તાડોબા, નૈનીતાલના જીમ કોર્બેટ, આસામના કાજીરંગા અને મધ્ય પ્રદેશની બાંધવગઢ સફારીમાં પણ ઇમેલ આઇડીથી નકલી દસ્તાવેજો દ્વારા બલ્ક બુકિંગ કરતા હતા.
આ કથિત 'ગૅંગ'નો મુખ્ય સૂત્રધાર કોણ છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
પોલીસના જણાવ્યાનુસાર અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષથી ટ્રાવેલ કંપની ચાલવતા અલ્પેશ ભાલાણી આ સમગ્ર કૌભાંડનો મુખ્ચ સૂત્રધાર છે.
અમદાવાદમાં મનીષ ટ્રાવેલ એજન્સીના માલિક દિનેશ પટેલે એક સમયે અલ્પેશના બિઝનેસ પાર્ટનર હતા.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "મારી અને અલ્પેશની મુલાકાત એક એક ટ્રાવેલ ફેરમાં થઈ હતી. અલ્પેશે કહ્યું હતું કે એબી ટ્રાવેલ્સ નામની કંપની ચલાવે છે. ગીર અને કચ્છમાં સારો પરિચય હોવાનું જણાવી વૅકેશન સિઝનમાં બુકિંગ કરાવવી હોય તો મદદ કરવાની વાત કરી હતી."
"થોડા સમય બાદ અમે જ્યારે એબી ટુર્સ ઍન્ડ ટ્રાવેલનો સંપર્ક કર્યો ત્યારે અમને કહેવામાં આવ્યું કે અહીં અલ્પેશ ભાલાણી નામની કોઈ વ્યક્તિ કામ કરતી નથી. અમને શંકા જતા અમે એની સાથે સંપર્ક રાખ્યો ન હતો."
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલે તેમનો પક્ષ જાણવા માટે અલ્પેશના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પણ સંપર્ક થઈ શક્યો ન હતો.
સાસણથી 35 કિલોમીટર દૂર આવેલા મેંદરડાના સુલતાન બલોચ અને એજાજ શેખના પરિચિત નુરમહમ્મ્દ બલોચ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "સુલતાન પહેલાં ટ્રાવેલના ધંધામાં ટૅક્સી પૂરી પાડવાનું કામ કરતો હતો. ગુજરાતમાંથી કે અન્ય જગ્યાએથી પ્રવાસીઓ આવે તો ટૅક્સી અને રહેવાની-જમવાની સુવિધા કરી આપતો હતો."
"પ્રવાસીઓની સંખ્યા વધતાં તેની આવક પણ વધવા લાગી હતી. જયારે સફારી બંધ હોય ત્યારે તે અમદાવાદ જતો હતો. અમદાવાદ ગયા બાદ તેની રહેણીકરણી બદલાઈ ગઈ હતી. કોઈને કલ્પના ન હતી કે તે આવા ગેરકાયદે ધંધા કરતો હશે."
આ પ્રકારની છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય?
એસપી ભેડા એ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પ્રવાસીઓએ પહેલાં તો સોશિયલ મીડિયાનાં અલગ અલગ માધ્યમો પર આવતી જાહેરાતોની લિંકથી દૂર રહેવું જોઈએ."
"સરકાર ક્યારેય આવી જાહેરાત આપતી નથી. સફારીના સ્થળે પ્રવાસીઓનો ધસારો અટકાવવા માટે જ સરકાર પરમિટ આપતી હોય છે. એટલે સરકારી વેબસાઇટથી જ પરમિટ બુક કરવી જોઈએ. અધિકૃત વેબસાઇટની ચકાસણી કરવી જોઈએ અને બુકિંગ કરતી વખતે તમામ સૂચના વાંચવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












