You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર વિધાનસભા પરિણામ : ચૂંટણીમાં રેકૉર્ડ મતદાનથી માંડીને તમામ બાબતો જાણો
આ વખતની વિધાનસભા ચૂંટણી વિશેષ રહી છે, કારણ કે વર્ષ 1951માં બિહારમાં આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. આ વખતે બિહારમાં 67.13 ટકા મતદાન થયું હતું.
જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં 9.6 ટકા વધુ છે, પુરુષોની (62.98 %) સરખામણીમાં મહિલાઓનું (71.78 %) મતદાન 8.15 ટકા વધુ રહ્યું હતું.
બિહારમાં કુલ સાત કરોડ 45 લાખ મતદાતા છે, જેમાં ત્રણ કરોડ 93 લાખ પુરુષ અને ત્રણ કરોડ 51 લાખ મહિલા વોટર છે.
બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન બે તબક્કામાં (છઠ્ઠી તથા 11મી નવેમ્બર) મતદાન થયું હતું.
ઍક્ઝિટ પોલમાં એનડીએ અગ્રેસર
બિહાર વિધાનસભામાં 243 બેઠક છે અને બહુમતી માટે 122 બેઠકની જરૂર રહે.
11મી નવેમ્બરના બીજા તબક્કાના મતદાન બાદ ઍક્ઝિટ પોલ્સ આવ્યા હતા, જેના અનુમાનમાં એનડીએ (નૅશનલ ડેમૉક્રેટિક એલાયન્સ) મહાગઠબંધન ઉપર ભારે પડશે. જોકે, રાજ્યની વિધાનસભામાં રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટો પક્ષ બને તેવી શક્યતા છે.
ઍક્સિસ માય ઇન્ડિયા એનડીએ (121-141) તથા મહાગઠબંધન (98-118) બેઠક મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય જન સુરાજ પણ ખાતું ખોલી શકે છે.
ટુડેઝ ચાણક્યના મતે, ભાજપ તથા તેના સહયોગી પક્ષોને 160 બેઠક મળે તેવી શક્યતા છે, જ્યારે રાજદ તથા તેનાં સહયોગી દળોને 77 બેઠક મળી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બુધવારે મહાગઠબંધનના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવે ઍક્ઝિટ પોલનાં તારણોને નકારી દીધા હતા. તેમણે કહ્યું કે આ વખતે 76 લાખ મતદારોએ વધુ વોટ કર્યો છે, જે નીતીશકુમારને હઠાવવા માટે છે, નહીં કે તેમને સત્તા ઉપર જાળવી રાખવા માટે.
તેજસ્વી યાદવે 85થી વધુ રેલી સંબોધિત કરી હતી અને રાજ્યમાં દરેક પરિવારને એક સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં એસઆઇઆર (સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રિવિઝન, વિશેષ સઘન સુધાર) અભિયાન હાથ ધર્યું હતું અને મતદારયાદીમાં સુધારણા કરી હતી.
જેની સામે મહાગઠબંધનના ઘટકદળોએ વિરોધ નોંધાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં, પરંતુ ત્યાંથી કોઈ મોટી રાહત મળી ન હતી.
ચૂંટણી પૂર્વે પહેલી સપ્ટેમ્બરના રોજ બિહારની તમામ મહિલાઓના ખાતામાં રૂ. 10 હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. અમુક કિસ્સામાં તો મહિલાઓને આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ પણ નાણાં મળ્યાં હતાં.
વિપક્ષે આની સામે ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, આયોગનું કહેવું હતું કે આ 'ચાલુ યોજના' છે. સ્ત્રીલક્ષી યોજનાઓને કારણે નીતીશકુમારની મહિલા મતદારોમાં લોકપ્રિયતા તથા આ રકમની અસર ચૂંટણી પરિણામો પર પડશે એવું માનવામાં આવે છે.
કોણ કોની સામે તથા ક્યાં લડાઈ?
આ વખતે બિહારમાં એનડીએ તથા મહાગઠબંધનની બેઠકો વચ્ચે બેઠકોની ફાળવણી અંગે ભારે ખેંચતાણ જોવા મળી હતી. છેક છેલ્લી ઘડીએ એનડીએમાં સીટોની વહેંચણી અંગે સહમતી સધાઈ ગઈ હતી, જોકે, મહાગઠબંધનમાં અમુક બેઠકો ઉપર ફાળવણી અંગે ઉકેલ નહોતો આવ્યો.
ભાજપ તથા જેડીયુને 101 બેઠક મળી હતી. વર્ષ 2005 પછી પહેલી વખત જેડીયુ અને ભાજપે એકસરખી સંખ્યામાં ચૂંટણી લડી. આ સિવાય કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 29, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચા તથા રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝીના હિન્દુસ્તાની અવામ મોરચાને છ-છ બેઠકો ફાળવવામાં આવી છે.
વર્ષ 2020માં વિધાનસભા ચૂંટણી દરમિયાન જેડીયુએ 115 તથા ભાજપે 110 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે માંઝીને સાત બેઠક મળી હતી.
એ સમયે મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી એનડીએના ભાગરૂપ હતી અને તેમને 11 બેઠક ફાળવવામાં આવી હતી.
ગત વખતે લોજપે (આરવી) 135 બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ માત્ર એક જ બેઠક મળી હતી. જોકે, તેણે અનેક બેઠક પર જેડીયુ તથા અન્ય પક્ષોને નુકસાન કર્યું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.
બીજી બાજુ, મહાગઠબંધને બિહારમાં 251 ઉમેદવાર ઉતાર્યા છે. મતલબ કે વિધાનસભાની કુલ બેઠકો કરતાં આઠ વધુ. આ બેઠકો ઉપર મહાગઠબંધનનાં ઘટકદળો વચ્ચે પરસ્પર સહમતિ સધાઈ ન હતી, જેના કારણે તેમણે એકબીજાની સામે ઉમેદવાર ઉતાર્યા.
રાષ્ટ્રીય જનતા દળે 142, કૉંગ્રેસે 60, સીપીઆઇ (એમએલ) 20, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (10), સીપીઆઇ (એમ) ચાર તથા આઇઆઇપીએ બે બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા છે.
પૂર્વ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમક્યૂએમ પણ ચૂંટણીજંગમાં છે. તેઓ કઈ બેઠક ઉપર કયા બઠબંધનના કયા પક્ષનો ખેલ બગાડશે, તેની ઉપર રાજકીય નિષ્ણાતોની નજર રહેશે.
નીતીશકુમારના રાજકીય ભાવિનો ફેંસલો
વર્ષ 1995માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજદના સ્થાપક લાલુ યાદવ તથા નીતીશકુમાર અલગ થઈ ગયા. 1995માં નીતીશકુમારની પાર્ટી માત્ર સાત બેઠક પર રહી ગઈ હતી.
એ પછી વર્ષ 1996માં નીતીશકુમારની સમતા પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. નીતીશ એક સમયે ભાજપને 'કોમવાદી પક્ષ' કહેતા.
વર્ષ 2000ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નીતીશ-ભાજપને 121 બેઠક પર સફળતા મળી અને નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા, પરંતુ બહુમતી પુરવાર ન કરી શકવાને કારણે તેમણે એક અઠવાડિયામાં રાજીનામું આપવું પડ્યું.
વર્ષ 2005માં નીતીશકુમાર પહેલી વખત મુખ્ય મંત્રી બન્યા. વર્ષ 2010માં બિહારની જનતાએ પ્રચંડ જનાદેશ આપ્યો. 243 બેઠકમાંથી એનડીએને 206 બેઠક પર જીત મળી. લાલુ-રામવિલાસનું ગઠબંધન માત્ર 25 બેઠક સુધી મર્યાદિત રહ્યું.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા એટલે, નીતીશકુમાર એનડીએમાંથી નીકળી ગયા. જેડીયુને આપબળે 115 બેઠક મળી હતી, એટલે સરકાર ટકાવી રાખવામાં નીતીશકુમારને કોઈ તકલીફ ન પડી.
જોકે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નીતીશને બે અને ભાજપને 22 બેઠક મળી. નીતીશકુમારને અહેસાસ થઈ ગયો કે તેઓ લાલુ અને ભાજપને એકસાથે ટક્કર નહીં આપી શકે.
એટલે વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે રાજદ સાથે ગઠબંધન કર્યું. નીતીશ મુખ્ય મંત્રી અને તેજસ્વી યાદવ નાયબ મુખ્ય મંત્રી બન્યા. તેઓ 16 મહિના રાજદ સાથે રહ્યા અને 2017 ફરી ભાજપ સાથે જોડાઈ ગયા.
નીતીશકુમાર વર્ષ 2022માં ફરી ભાજપથી અલગ થઈ ગયા અને મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા. જોકે, જાન્યુઆરી-2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપની સાથે આવી ગયા.
ગત 20 વર્ષથી નીતીશકુમાર બિહારના મુખ્ય મંત્રી છે અને તેમના આરોગ્ય અંગે મીડિયામાં ચર્ચા ચાલતી રહે છે. નીતીશ કુમાર જેમની સાથે જાય છે, તે ગઠબંધન સરકાર બનાવે છે.
શુક્રવારે વધુ એક વખત આ વાતની પુષ્ટિ થશે અથવા નવો રાજકીય ઇતિહાસ રચાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન