સીરિયામાં ફરીથી અચાનક બશર અલ-અસદ વિરુદ્ધ બળવાખોર જૂથોએ કેમ વિદ્રોહ કર્યો?

છેલ્લા કેટલાક દિવસોમાં રશિયાએ સીરિયામાં બશર અલ-અસદના ટેકામાં બળવાખોર જૂથો પર હવાઈ હુમલા કર્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લા કેટલાક દિવસોમાં રશિયાએ સીરિયામાં બશર અલ-અસદના ટેકામાં બળવાખોર જૂથો પર હવાઈ હુમલા કર્યા છે
    • લેેખક, જેરેમી બોવેન
    • પદ, આંતરરાષ્ટ્રીય સંપાદક, બીબીસી ન્યૂઝ

ગયા વર્ષે સાતમી ઑક્ટોબરે હમાસના હુમલા પછી ઇઝરાયલે જે યુદ્ધ શરૂ કર્યું હતું, તે હજુ ખતમ નથી થયું. તેવામાં સીરિયામાં વધુ એક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સીરિયામાં જે કંઈ થઈ રહ્યું છે, તે એ વાતની સાબિતી છે કે મધ્ય-પૂર્વમાં યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું.

2011માં સીરિયામાં એક દાયકાના યુદ્ધ પછી પણ રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું શાસન ટકી રહ્યું, કારણ કે તેઓ આના માટે સજ્જ હતા. તેઓ પોતાના પિતા પાસેથી ઘણી શીખ્યા હતા.

બશર અલ-અસદ પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યા કારણ કે તેમને ઈરાન, રશિયા અને લેબનોનના હિઝબુલ્લાહ જેવા શક્તિશાળી સાથીઓની મદદ મળી હતી.

આ સાથીદારોએ સીરિયામાં બળવાખોર જૂથો વિરુદ્ધ બશર અલ-અસદની મદદ કરી હતી. સીરિયામાં બળવાખોર જૂથ જેહાદી કટ્ટરપંથી ઇસ્લામિક સ્ટેટથી લઈને ઘણાં સશસ્ત્ર જૂથો હતાં, જેમને અમેરિકા અને ખાડીના ધનાઢ્ય શાહી સરકારો તરફથી મદદ મળતી હતી.

હાલમાં ઇઝરાયલ સાથેના તણાવને કારણે ઈરાનની સ્થિતિ નબળી છે. દેખીતી રીતે જ ઇઝરાયલની સાથે અમેરિકા પણ ઊભું છે. ઈરાનના સહયોગી હિઝબુલ્લાહ પણ બશર અલ-અસદને બચાવવા માટે પોતાના લડવૈયા મોકલતા હતા, પરંતુ ઇઝરાયલના હુમલાને કારણે હિઝબુલ્લાએ પણ પોતાની તાકાત ગુમાવી દીધી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં રશિયાએ સીરિયામાં બશર અલ-અસદના ટેકામાં બળવાખોર જૂથો પર હવાઈ હુમલા કર્યા છે, પરંતુ યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયાની સૈન્યક્ષમતા પહેલાં જેવી રહી નથી.

યુદ્ધનો અંત નથી

સીરિયામાં સરકારી સુરક્ષા દળો અને જેહાદીઓ વચ્ચે લડાઈ વખતે એલેપ્પોમાં ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે (30 નવેમ્બર 2024ની તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયામાં સરકારી સુરક્ષા દળો અને જેહાદીઓ વચ્ચે લડાઈ વખતે એલેપ્પોમાં ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે (30 નવેમ્બર 2024ની તસવીર)

સીરિયામાં યુદ્ધનો અંત નથી આવ્યો. સીરિયામાં જે કંઈ થઈ રહ્યું હતું તે મીડિયામાં ચમકતું ન હતું કારણ કે મધ્ય-પૂર્વમાં બીજી ઘણી ઘટનાઓ બની રહી હતી, જે આના પર હાવિ થઈ ગઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક કારણ એ પણ હતું કે સીરિયામાં ત્યાં સુધી પત્રકારોની પહોંચ ન હતી. સીરિયામાં એ જગ્યાઓ પર યુદ્ધ અટકી ગયું હતું, પરંતુ કંઈ પણ સમાપ્ત નહોતું થયું.

બશર અલ-અસદની પાસે 2011 અગાઉ સત્તા પર જે નિયંત્રણ હતું, તેને તેઓ પછી ક્યારેય પ્રાપ્ત કરી શક્યા નથી.

2011 આરબ સ્પ્રિંગનું વર્ષ હતું. સીરિયાની જેલોમાં કેદીઓને હજુ પણ બંધકોની જેમ રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોને બાદ કરીએ તો મોટાં શહેરો પર બશર અલ-અસદનું નિયંત્રણ હજુ પણ છે. આ એ શહેર છે જે સીરિયાની ચારે બાજુ છે અને મુખ્ય હાઈવેથી જોડાયેલું છે.

હવે બળવાખોર જૂથોના જોડાણનું નેતૃત્વ હયાત તહરિર અલ-શામ (એચટીસી) કરે છે. તે તુર્કીની સરહદે આવેલા ઇદલિબ પ્રાંતમાંથી ઊભરી આવ્યું છે.

હવે આ પ્રાંત બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. એક વરિષ્ઠ રાજદ્વારી અધિકારીએ મને જણાવ્યું કે, 27 નવેમ્બર પછી થોડા જ દિવસોમાં સીરિયન સૈનિકોએ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. બે દિવસની લડાઈ પછી બળવાખોર જૂથોએ પોતાના લડવૈયાઓના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને પ્રાચીન શહેર અલેપ્પો પર નિયંત્રણની જાહેરાત કરી છે. 2012થી 2015 દરમિયાન અહીં સીરિયાની સરકારના સૈનિકોની ભારે જમાવટ હતી. તે સમયે આ શહેર બળવાખોર જૂથો અને સરકારી દળો વચ્ચે વચ્ચે વહેંચાઈ ગયું હતું.

સરકારી દળોની પીછેહઠ પછી એવું લાગે છે કે અલેપ્પોમાં શાંતિ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોમાં સશસ્ત્ર બળવાખોરો એક ફાસ્ટ ફૂડ આઉટલેટ પર ફ્રાઈડ ચિકન માટે લાઇનમાં ઊભેલા જોવા મળે છે.

એચટીએસ અલ-કાયદા સાથે સંકળાયેલું છે. જોકે, 2016માં આ જૂથ અલગ થઈ ગયું હતું. 2016માં યુનાઇટેડ નૅશન્સ સુરક્ષા પરિષદ ઉપરાંત અમેરિકા, યુરોપિયન યુનિયન, તુર્કી અને બ્રિટને એચટીએસને એક આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

સીરિયામાં 2011માં સરકાર વિરોધી પ્રદર્શન બાદ ગૃહયુદ્ધ શરૂ થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયામાં 2011માં સરકાર વિરોધી પ્રદર્શન બાદ ગૃહયુદ્ધ શરૂ થયું હતું

જોકે, સીરિયાની સરકાર તમામ બળવાખોર જૂથોને આતંકવાદી જૂથ ગણાવે છે.

એચટીસીના નેતા અબુ મોહમ્મદ અલ-જવલાની લાંબા સમયથી ઇરાક અને સીરિયામાં જેહાદી નેતા તરીકે ઓળખાય છે.

જોકે, તાજેતરના વર્ષોમાં જવલાની જૂથની અપીલ ફેલાય તે માટે તેઓ કટ્ટરપંથી જેહાદી વિચારધારાથી દૂર ગયા છે.

આ જૂથનું નવેસરથી બ્રાન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેના સમર્થકોને આકર્ષી શકાય. આ જૂથ જેહાદી ભાષા અને ઇસ્લામિક સંદર્ભોને ટાળે છે.

બીબીસી મૉનિટરિંગના જેહાદી મીડિયા વિશ્લેષક મીના અલ-લામી કહે છે કે આ જૂથની ભાષા તટસ્થ છે. એચટીએસ ભૂતકાળમાં જેહાદીઓએ જે કર્યું છે, તેનાથી પોતાની જાતને દૂર રાખવાનો પ્રયાસ કરે છે અને સીરિયન સરકાર સામે સંયુક્ત રીતે લડવાની હાકલ કરે છે.

સીરિયાના લોકો કટ્ટરવાદી ધાર્મિક ઘટનાઓથી ત્રાસી ગયા છે.

2011 પછી સીરિયામાં લોકશાહીના ટેકામાં થતા વિરોધ પ્રદર્શનોને બળપૂર્વક દબાવી દેવાયા હતા. ત્યાર પછી જ બળવાખોર જૂથોનું વર્ચસ્વ વધ્યું. આવી સ્થિતિમાં મોટા ભાગના સીરિયન તટસ્થ રહ્યા અથવા અનિચ્છાએ સરકારમાં જોડાયા, કારણ કે તેઓ જેહાદી વિચારધારા ધરાવતા ઇસ્લામિક સ્ટેટથી ડરતા હતા.

ઉત્તર સીરિયામાં રાજકીય વિભાજન વચ્ચે એચટીએસ આક્રમક બન્યું. પૂર્વોત્તર સીરિયાના મોટા ભાગના વિસ્તારો પર સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ (એસડીએફ)નું નિયંત્રણ હતું.

બશર અલ-અસદનું શું થશે?

એલેપ્પોમાં હાલના દિવસોમાં વિદ્રોહીઓ ઘૂસી ગયા છે અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં તેમનો કબજો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એલેપ્પોમાં હાલના દિવસોમાં વિદ્રોહીઓ ઘૂસી ગયા છે અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં તેમનો કબજો છે.

એસડીએફ એ કુર્દોનું એક જૂથ છે અને તેને અમેરિકાનું સમર્થન હતું. અમેરિકાના લગભગ 900 સૈનિકો આ વિસ્તારમાં હતા.

અહીં તુર્કી એક મહત્ત્વનો દેશ છે અને સરહદી વિસ્તાર તેના નિયંત્રણ હેઠળ છે. તુર્કીએ અહીં પોતાના સૈનિકો ગોઠવ્યા છે અને અન્ય જૂથોને પણ મદદ કરે છે. ઇસ્લામિક સ્ટેટના બાકીના લડવૈયાઓ પણ ક્યારેક સીરિયાના રણમાંથી ઓચિંતો હુમલો કરે છે.

સીરિયાથી મળતા અહેવાલો અનુસાર બળવાખોર જૂથોએ મહત્ત્વપૂર્ણ સૈન્ય પુરવઠો કબજે કર્યો છે. બળવાખોર જૂથો હામા તરફ આગળ વધી રહ્યા છે અને તેમનો આગામી લક્ષ્ય દમાસ્કસ છે.

અલબત્ત, બશર અલ-અસદની સરકાર અને તેમના સહયોગીઓ હવાઈ હુમલા કરીને જવાબી કાર્યવાહીની યોજના પર કામ કરી રહ્યા છે.

બળવાખોર જૂથો પાસે ઍરફોર્સ નથી. જોકે, તેઓ ડ્રોન હુમલા કરી શકે છે અને આનો ઉપયોગ કરીને જ સરકારના એક જાસૂસી અધિકારીની હત્યા કરવામાં આવી હતી.

સીરિયામાં ફરીથી યુદ્ધની શરૂઆત દુનિયાને સતર્ક કરે છે.

સીરિયામાં યુએનના રાજદૂત ગિયર પેડરસેને એક નિવેદનમાં કહ્યું કે, "સીરિયામાં જે પણ થઈ રહ્યું છે તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા તેમજ તેના નાગરિકો માટે જોખમી છે." તેમણે કહ્યું કે સીરિયામાં સૈન્ય કાર્યવાહી દ્વારા સમસ્યાઓનું સમાધાન શક્ય નથી."

સીરિયાનું ભવિષ્ય તટસ્થ ચૂંટણીઓ અને નવા બંધારણમાં રહેલું છે. તેનો અર્થ એ થયો કે અસદ અને તેનો પરિવાર વર્ષોથી સીરિયાને જે રીતે મનમરજીથી સંભાળી રહ્યો છે તે બંધ થવો જોઈએ.

સીરિયાના યુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોના મોત થયા છે.

પરંતુ અસદ સત્તા ગુમાવશે એવું કહેવું વહેલું ગણાશે. સીરિયાના લોકો જેહાદીઓની તુલનામાં અસદને સારા વિકલ્પ ગણે છે. આ જ અસદની શક્તિ છે. પરંતુ અસદ વિરોધી જૂથો શક્તિશાળી બને તો સરકાર માથે જોખમ પેદા થઈ શકે છે.

સીરિયા, વિદ્રોહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.