ટ્રમ્પે ભારત સહિતના બ્રિક્સ દેશોને ડૉલર માટે કેમ ધમકી આપી, દુનિયામાં ડૉલરનું મહત્ત્વ કેમ છે?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, ઇરાન, ઇજિપ્ત, યુએઈ, ઇથિયોપિયા) દેશોને ડૉલરનો વિકલ્પ તલાશવા સામે ચેતવણી આપી છે.
ટ્રમ્પે ડૉલરનો વિકલ્પ તલાશવાની કોશિશ કરી રહેલા બ્રિક્સ દેશો પર 100 ટકા આયાત કર લગાવવાની ધમકી આપી છે.
બ્રિક્સ દેશોમાં દુનિયાની સૌથી મોટી બે વિકાસશીલ અર્થવ્યવસ્થા એટલે કે ભારત અને ચીન પણ સામેલ છે.
ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં જે વાયદો કર્યો હતો, તેમાં ચીનનાં ઉત્પાદનો પર 60 ટકા સુધીનો ભારે કર લગાવવાની વાત પણ સામેલ હતી. ટ્રમ્પના આ એલાન બાદ દુનિયાની સૌથી મોટી બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટ્રેડ વૉર વધશે તેવી આશંકા પણ જતાવવામાં આવી હતી.
ટ્રમ્પે વીતેલાં વર્ષોમાં અમેરિકન મોટરબાઇક કંપની હાર્લી ડૅવિડસનને મામલે પણ ભારત પર નિશાન સાધી ચૂક્યા છે.
બ્રિક્સના પ્રમુખ સદસ્યોમાં ભારત અને ચીન બંને સામેલ છે. ટ્રમ્પ ભારતના પીએમ મોદીને વારંવાર પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે, પરંતુ વેપારના મામલામાં ટ્રમ્પ ભારતને ભૂતકાળમાં ઘેરી પણ ચૂક્યા છે.
ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના પોતાના હૅન્ડલ પર લખ્યું હતું કે, "ડૉલરથી દૂર જવાની બ્રિક્સ દેશોની કોશિશને હવે અમે મૂકદર્શક બનીને જોતાં રહીએ, એ સમય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. અમને આ દેશો તરફથી પ્રતિબદ્ધતાની જરૂર છે કે ન તો તેઓ કોઈ બ્રિક્સ મુદ્રા બનાવશે કે ન તો તેઓ તાકાતવાન અમેરિકી ડૉલરને બદલે કોઈ અન્ય ચલણનું સમર્થન કરશે.”
“જો તેઓ એવું કરશે તો તેમને 100 ટકા ટૅરિફનો સામનો કરવો પડશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, “જો બ્રિક્સ દેશો આમ કરશે તો તેમણે શાનદાર અમેરિકન અર્થવ્યવસ્થામાં તેમના ઉત્પાદનો વેચવાનું ભૂલી જવું પડશે. તેઓ કોઈ બીજી જગ્યા તલાશી શકે છે. એવી કોઈ શક્યતા નથી કે બ્રિક્સ દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડૉલરનું સ્થાન લઈ શકે. આવું કરનાર કોઈપણ દેશે અમેરિકાને અલવિદા કહી દેવું જોઈએ.”
અહીં ઉલ્લેખનીય છે કે ગત ઑક્ટોબરમાં રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સની બેઠક યોજાઈ હતી અને તે દરમિયાન પણ આ બ્લૉક તરફથી પોતાનું ચલણ બનાવવા અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી.
બ્રિક્સના અલગ ચલણની વાત

ઇમેજ સ્રોત, @realDonaldTrump/x
આ વર્ષે જ બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા રશિયા પાસે હતી અને તેમાં બ્રિક્સ દેશોનાં ચલણને લઇને કોઈ નિર્ણય નહોતો થયો.
રશિયાએ પોતે જ 2022માં બ્રિક્સનું ચલણ રજૂ કરવાનો વિચાર આગળ ધપાવ્યો હતો, જેને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ ટેકો આપ્યો હતો.
બ્રિક્સની કૉમન ચલણ લાવવા અંગેની વાતનો કઝાન બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, પરંતુ આ દેશો વચ્ચે ક્રૉસ બૉર્ડર પૅમેન્ટની નવી સિસ્ટમ બનાવવા પર વાત થઈ હતી, જે પશ્ચિમી પૅમેન્ટ સિસ્ટમ 'સ્વિફ્ટ નેટવર્ક' સાથે મળીને કામ કરશે.
બ્રિક્સ દેશો શક્ય હોય ત્યાં સુધી પોતાની વચ્ચે સ્થાનિક ચલણનો ઉપયોગ કરવા માંગે છે, જેથી કરીને ડૉલર સામે તેમની કરન્સીની વધઘટનું જોખમ ઘટાડી શકાય.
કઝાન કૉન્ફરન્સ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, "દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ રાજકારણથી મુક્ત આર્થિક વિકાસમાં મદદ કરશે."
પુતિને બ્રિક્સ સંમેલનમાં શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કઝાન સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, “વૈશ્વિક નાણાકીય તંત્રમાં ડૉલર એક મુખ્ય ચલણ તરીકે જળવાઈ રહેશે પણ તેનો રાજકીય હેતુ હાંસલ કરવા માટે ઉપયોગ કરવો એ આ ચલણમાં ભરોસાને ઓછો કરે છે અને તેની ક્ષમતાને પણ ઓછી કરે છે.”
તેમણે કહ્યું હતું કે, “આથી જ અમારે બીજો વિકલ્પ શોધવા માટે મજબૂર થવું પડ્યું છે.”
યુક્રેન પર હુમલા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.
બ્રિટન અને યુરોપિયન યુનિયન તેમજ ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને જાપાન સહિતના ઘણા દેશોએ રશિયા પર 16500થી વધુ પ્રતિબંધો લાદ્યા છે.
આ પ્રતિબંધો હેઠળ, રશિયાના લગભગ અડધા વિદેશી મુદ્રાભંડાર ફ્રીઝ થઈ ગયા છે, જે લગભગ 276 અબજ ડૉલરનું મૂલ્ય ધરાવે છે.
આ સિવાય યુરોપિયન યુનિયને રશિયન બૅંકોની લગભગ 70 ટકા સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે અને તેને સ્વિફ્ટ બૅંકિંગ સિસ્ટમમાંથી પણ બહાર કરી દીધું છે.
જો બ્રિક્સ ચલણ આવે તો શું તે ડૉલરની જગ્યા લઈ શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરના દેશો પરસ્પર વેપારમાં ચૂકવણી માટે ડૉલરનો ઉપયોગ કરે છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડૉલરનું વર્ચસ્વ ઘટાડવા માટે બ્રિક્સ ચલણ બનાવવાનું સૂચન કર્યું હતું.
જોકે, 2023 બ્રિક્સ સંમેલનમાં આ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી.
ટ્રિનિટી કૉલેજ ડબલિનના પ્રોફેસર પેડ્રેગ કાર્મોડીએ ગત જાન્યુઆરીમાં બીબીસીને કહ્યું હતું કે, "બ્રિક્સ દેશો માટે એક સામાન્ય ચલણ બનાવવું અવ્યવહારુ રહેશે કારણ કે તેમની અર્થવ્યવસ્થાઓ ખૂબ જ અલગ છે."
જોકે, તેમણે કહ્યું હતું કે એ શક્ય છે કે ભવિષ્યમાં તેઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ચૂકવણી માટે નવું ચલણ બનાવવાનું વિચારી શકે અથવા આંતરરાષ્ટ્રીય વેપાર માટે ક્રિપ્ટોકરન્સી પસંદ કરે.
અત્યારે દુનિયામાં ડૉલરની તાકાત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરના વેપાર વ્યવહારો, આંતરરાષ્ટ્રીય ચૂકવણીઓ, લૉન અને આયાત-નિકાસ એ અમેરિકી ડૉલરમાં જ થાય છે.
વોશિંગ્ટન થિંક ટૅન્ક બ્રુકિંગ્સ અનુસાર, વૈશ્વિક મુદ્રાભંડારના રૂપમાં ડૉલરનો હિસ્સો 59% છે, જ્યારે વિશ્વના કુલ દેવાંમાંથી 64%ની લેણદેણ ડૉલરમાં વ્યવહાર થાય છે.
આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં પણ ડૉલરનો મોટો હિસ્સો છે, તેમાં 58 ટકાનો ભાગ ડૉલર ધરાવે છે.
યુરોની રચના થઈ ત્યારથી, ડૉલરનું પ્રભુત્વ થોડું ઘટ્યું છે પરંતુ તે હજુ પણ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે.
બ્રુકિંગ્સના ડેટા અનુસાર, ડૉલર વિદેશી ચૂકવણીમાં પ્રભુત્વ ધરાવે છે અને તેનો હિસ્સો 88% છે.
જોકે, છેલ્લા અઢી દાયકામાં ડૉલરનું વર્ચસ્વ ઘટ્યું છે.
વૈશ્વિક અનામત તરીકે અમેરિકી ડૉલરનો હિસ્સો 12 ટકા ઘટ્યો છે. વર્ષ 2000માં, વૈશ્વિક અનામતમાં તેનો હિસ્સો 71 ટકા હતો, જે 2024 આવતા સુધીમાં 59 ટકા થઈ ગયો.
બ્રિક્સ સંગઠન શું છે?
બ્રિક્સ વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું એક આર્થિક સંગઠન છે જેમાં શરૂઆતમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન તથા છેલ્લે 2010માં દક્ષિણ આફ્રિકા જોડાયું હતું.
તાજેતરના વર્ષોમાં આ આર્થિક જોડાણમાં ઘણા વિસ્તરણ થયા છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં, ઇજિપ્ત, ઈરાન, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ બ્રિક્સમાં જોડાયા હતા.
ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપના સમૃદ્ધ દેશોની રાજકીય અને આર્થિક શક્તિને પડકારવા માટે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ વિકાસશીલ દેશોને એક કરવાના ઉદ્દેશ્ય સાથે બ્રિક્સની રચના કરવામાં આવી હતી.
સાઉદી અરેબિયાએ પણ આ જૂથમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે અઝરબૈજાન અને તુર્કીએ પણ બ્રિક્સમાં જોડાવા માટે અરજી કરી છે.
લગભગ 30 અન્ય દેશોએ બ્રિક્સમાં જોડાવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે.
બ્રિક્સ દેશોની કુલ વસ્તી લગભગ 3.5 અબજ એટલે કે વિશ્વના 45% છે.
જ્યારે સભ્ય દેશોની કુલ અર્થવ્યવસ્થા 25.5 ટ્રિલિયન ભારતીય રૂપિયા કરતાં પણ વધુ છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાના 28 ટકા છે.
બ્રિક્સ બાબતે વિદેશમંત્રી જયશંકરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમી વિકસિત દેશો બ્રિક્સના વધતા પ્રભાવથી બેચેન છે.
આ વર્ષે 12 સપ્ટેમ્બરે સ્વિટ્ઝર્લૅન્ડના જીનિવામાં ગ્લૉબલ સેન્ટર ફૉર સિક્યોરિટી પોલિસી કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને પણ બ્રિક્સની જરૂરિયાત અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
જવાબમાં, જયશંકરે કહ્યું, "બ્રિક્સ ક્લબની રચના એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેમાં પહેલાંથી અસ્તિત્વમાં રહેલા G-7 દેશોમાંથી કોઈને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી."
તેમણે કહ્યું, “મને સમજાતું નથી કે જ્યારે તમે બ્રિક્સ વિશે વાત કરો છો ત્યારે તમે આટલા અસુરક્ષિત કેમ થઈ જાઓ છો. જો G-20 રચાયું તો શું G-7 બંધ થઈ ગયું? G-20 સાથે G-7નું પણ અસ્તિત્વ છે. તો બ્રિક્સ પણ G-20 સાથે કેમ ન રહી શકે?
તેમણે કહ્યું કે બ્રિક્સની વિશેષતા એ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં હવે મોટા દેશોનો ઉદય થઈ રહ્યો છે.
તાજેતરનાં વર્ષોમાં જ બ્રિક્સે ન્યૂ ડૅવલપમેન્ટ બૅન્કની રચના કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












