'બાંગ્લાદેશ અમને સ્વીકારશે નહીં, અમે અહીં રહીએ તે સરકાર ઇચ્છતી નથી' – ગુજરાતમાંથી દેશનિકાલ કરાયેલા પરિવારની કહાણી

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમને હવે એટલું જ જાણવા મળ્યું છે કે તેઓ હવે બાંગ્લાદેશમાં છે. તેમણે કોઈના ફોન પરથી અમને કહ્યું હતું કે ત્યાં તેમની પાસે જવા માટે કોઈ જગ્યા નથી."

ગુજરાતના સુરત શહેરમાં રહેતાં રેશ્માએ એક સ્થાનિક પત્રકારે ફેસબુક પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં તેમના પતિને જોયા હતા. સુરત પોલીસે 26 એપ્રિલે જે લોકોને અટકાયતમાં લીધા હતા તેમાં રેશમાના પતિ પણ હતા.

રેશ્મા રડતાં રડતાં કહે છે, "મારા પતિને માર મારવામાં આવ્યો હતો. અપમાનિત કરવામાં આવ્યા હતા અને એવું કબૂલ કરાવવામાં આવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશી છે. બાંગ્લાદેશ તેમને સ્વીકારશે નહીં અને તેઓ અહીં રહે એવું ભારત ઇચ્છતું નથી. હવે હું શું કરીશ? મારું જીવન ખતમ થઈ ગયું છે."

રેશ્મા એકલાં નથી. રઝિયા, નાઝિન અને ગુજરાતનાં અન્ય સેંકડો બંગાળીભાષી મહિલાઓનું ભાવિ પણ કદાચ આવું જ છે, જેમને ગુજરાત સરકારે અચાનક 'ગેરકાયદે બાંગ્લાદેશી' જાહેર કર્યા છે.

અમદાવાદની બંગાળી કૉલોનીમાં રહેતાં રઝિયાના કહેવા મુજબ, તેમના પરિવારની પોલીસે 26 એપ્રિલે ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો હતો. ત્યારથી તેઓ પરિવારજનોને મળ્યાં નથી.

રઝિયા કહે છે, "મેં તેમને મળવાના અનેક પ્રયાસો કર્યા. તેમને છોડાવવા માટે મેં મારા પરિવાર અને સગાંનાં રૅશનકાર્ડ્સ તથા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્સ જેવા દસ્તાવેજો પણ પોલીસને આપ્યાં હતાં, પરંતુ અમે પોલીસને મનાવી શક્યા નહીં. હવે એ બધા બાંગ્લાદેશમાં છે."

(બીબીસી પાસે એ દસ્તાવેજોની નકલો છે)

બાંગ્લાદેશ પહોંચ્યા પછી એક સંબંધીએ રઝિયાને ફોન કર્યો હતો.

રઝિયા કહે છે, "તેમણે કોઈના ફોન પરથી મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ બાંગ્લાદેશ પહોંચી ગયા છે, પરંતુ ત્યાં તેઓ કોઈની પાસે જઈ શકે તેમ નથી."

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલની સૌથી મોટી કાર્યવાહી

ગુજરાત સરકારે લગભગ 890 લોકોને ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ હોવાના આરોપસર તાજેતરમાં અટકાયતમાં લીધા હતા. એ પૈકીના 740 લોકોને થોડા દિવસ પછી મુક્ત કરવામાં આવ્યા હતા. દરેક પાસે ઓળખપત્ર, આધાર કાર્ડ હતાં. તેઓ દાયકાઓથી ભારતમાં રહેતા હતા.

દેશનિકાલ કરાયેલા લોકોની ચોક્કસ સંખ્યા વિશેના સવાલના જવાબમાં અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) શરદ સિંઘલે કહ્યું હતું, "ચોક્કસ સંખ્યા ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ દેશનિકાલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના વતન પાછા મોકલી રહ્યા છીએ."

તેમની નાગરિકતાની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે ઘણા લોકોને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા. ગુજરાતનાં સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત પોલીસે તાજેતરમાં સુરતમાંથી 300થી વધુ લોકોને બાંગ્લાદેશ મોકલી આપ્યા હતા. આ લોકોની ઓળખ 'બાંગ્લાદેશી' તરીકે થઈ હતી. તેમને અમદાવાદથી ખાસ વિમાનમાં ત્રિપુરા મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને બાંગ્લાદેશ મોકલી દેવાયા હતા.

બીબીસી બાંગ્લાના અહેવાલ મુજબ, 72 લોકો બાંગ્લાદેશના ખાગરાછારી વિસ્તારમાં પ્રવેશ્યા હોવાની પુષ્ટિ બાંગ્લાદેશના સ્થાનિક અધિકારીઓએ કરી હતી.

આ લોકો માટીરંગા, શાંતિપુર અને પંચારી સરહદેથી પ્રવેશ્યા હોવાની પુષ્ટિ ખાગરાછારીના ઍડિશનલ ડેપ્યુટી કમિશનર નઝમલ આરા સુલતાને બીબીસી બાંગ્લાને આપી હતી.

ખાગરાછારીના સ્થાનિક પત્રકાર સમીર મલ્લિકે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા ઘણા લોકો બંગાળી બોલી શકે છે.

તેમણે કહ્યું હતું, "અટકાયતીઓ પાસેથી ગઈ કાલે જાણવા મળ્યું હતું કે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના સભ્યો તેમને ગુજરાતથી વિમાન દ્વારા ત્રિપુરા લાવ્યા હતા. પછી તેમને એક કલાક ચલાવીને બીએસએફ દ્વારા સરહદ પાર મોકલી આપવામાં આવ્યા હતા."

અટકાયતમાં લેવામાં આવેલા લોકોને હાલમાં બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ની નજર હેઠળ સરહદ પરનાં વિવિધ ઘરોમાં રાખવામાં આવ્યા છે.

આ લોકોનું હવે શું કરવામાં આવશે, એવો સવાલ કરવામાં આવ્યો ત્યારે નઝમુલ આરા સુલ્તાને બીબીસી બાંગ્લાને કહ્યું હતું, "આ મામલે બીજીબી અને વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યાં છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી."

'બંગાળીભાષી મુસ્લિમો'ની અટકાયત શા માટે?

ગુજરાત સરકાર દ્વારા 'બંગાળીભાષી મુસ્લિમો' સામે અચાનક રાજ્યવ્યાપી કાર્યવાહીને પગલે ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

ગુજરાતના એક વરિષ્ઠ વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાતમાં બાંગ્લાભાષી મુસ્લિમો સાથે થતા 'ભેદભાવ અને અમાનવીય વર્તન' સંબંધે ઓછામાં ઓછી ચાર અરજીઓ અત્યાર સુધીમાં દાખલ કરી છે.

તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "આ ચોક્કસ ઘટનામાં અટકાયતમાં લેવામાં આવેલા કુલ પૈકીના લગભગ 90 ટકા લોકો ભારતીય નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. અન્ય લોકો પણ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાબિત થયું નથી. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે પોલીસ તેમને કેવી રીતે હેરાન કરે છે."

આનંદ યાજ્ઞિકના મતાનુસાર, "ભારતીય બંધારણ કાયદા સમક્ષ સમાનતા અને જીવન તથા સ્વાતંત્ર્યના અધિકારની ખાતરી આપે છે. છતાં ઘણા બાંગ્લાભાષી મુસ્લિમો માટે આ અધિકાર વધુને વધુ શરતી લાગે છે."

આનંદ યાજ્ઞિક સાથે હાઉસિંગ ઍન્ડ લૅન્ડ રાઇટ્સ (એચએલઆરએન)નાં ડિરેક્ટર એનાક્ષી ગાંગુલી સંમત થાય છે.

તેઓ કહે છે, "બાંગ્લાભાષી મુસ્લિમોને, તેઓ બાંગ્લાદેશના લોકો જેવી જ ભાષા બોલતા હોવાને કારણે અલગ તારવવામાં આવતા હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. પરિણામે, તેમની પાસે જરૂરી ઓળખપત્રો હોવા છતાં અને તેઓ પેઢીઓથી અહીં રહેતા હોવા છતાં તેમને બાંગ્લાદેશી ગણવામાં આવે છે."

જોકે, ગુજરાત સરકાર કહે છે કે દેશનિકાલ કરાયેલા લોકો રાજ્યમાં 'ગેરકાયદે' રહેતા હતા.

અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશન બાબતે મીડિયા સાથે વાત કરતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું, "આ લોકો પશ્ચિમ બંગાળથી મેળવેલા નકલી દસ્તાવેજોના આધારે અહીં રહેતા હતા. અમદાવાદ આવ્યા પહેલાં તેઓ દેશના અન્ય ભાગોમાં રહેતા હતા. એ વિસ્તારમાં ઘણા ગુનેગારો પણ રહેતા હતા."

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિકે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ રહેતા હોવાની માહિતી મળી હતી. એ વિસ્તાર ગેરકાયદે પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયો હતો. તેમાં ડ્રગ્સનો વેપાર, સગીર છોકરીઓને સાંકળતી વેશ્યાવૃત્તિ અને બીજી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

કેટલાક રસ્તા પર તો કેટલાક ડિટેન્શન સેન્ટરમાં

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં 'અતિક્રમણ વિરોધી અભિયાન' દરમિયાન સરકારે તોડી પાડેલાં સેંકડો ઘરોમાં હાફિઝાબાનોનું ઘર પણ સામેલ હતું.

આંખોમાં આંસુ સાથે હાફિઝાબાનો એટલું જ કહી શક્યાં કે "હું ત્રણ દાયકાથી અહીં રહું છું. મારા પતિ 20 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા ત્યારથી ટકી રહેવા માટે મેં સખત મહેનત કરી હતી. હવે મેં બધું ગુમાવી દીધું છે."

તેઓ હવે અમદાવાદમાં એક દરગાહ પાસે રસ્તા પર રહે છે. હાફિઝા કહે છે, "હું ક્યાંય જઈ શકું તેમ નથી. મારો એકમાત્ર વાંક એ છે કે હું બંગાળી ભાષા બોલું છું. મારી પાસે જે કંઈ બચ્યું છે તેમાંથી એક ઓરડો શોધવાનો પ્રયાસ મેં કર્યો હતો, પરંતુ લોકોએ એક બંગાળી મુસ્લિમ મહિલાને ઘર ભાડે આપવાનો ઇન્કાર કર્યો હતો."

કલામ શેખની હાલત પણ આવી જ છે. તેમના પરિવારના છ સભ્યોને એક ઝાડ નીચે આશરો લેવાની ફરજ પડી છે.

કલામ કહે છે, "લોકો મને કહે છે કે તું બાંગ્લાદેશી છે. અમે તને ઘર ભાડે આપીશું તો પોલીસ અમારી ધરપકડ કરશે. કોઈ અમને ઘર ભાડે આપવા તૈયાર નથી. માત્ર અમદાવાદમાં જ નહીં, અમદાવાદથી દૂરના વિસ્તારોમાં પણ લોકો અમને ભાડવાત તરીકે સ્વીકારવા તૈયાર નથી. હવે શું કરવું તેની મને ખબર નથી."

હાફિઝા અને કમાલ શેરીમાં તથા ઝાડ નીચે રહેવાં મજબૂર છે ત્યારે કેટલાક લોકો અમદાવાદના સરદાર નગર વિસ્તારમાંના એક અટકાયત કેન્દ્રમાં વધુ આકરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં સરદાર નગર અટકાયત કેન્દ્રની વ્યક્તિગત મુલાકાત વખતે બીબીસી ગુજરાતીના આ સંવાદદાતાએ અટકાયત હેઠળના પરિવારોની હાલત જોઈ હતી.

નવનિર્મિત સાંકડી કોટડીઓમાં પરિવારોને રાખવામાં આવ્યા હતા. તેમાં પંખા ન હતા. કેટલાક પરિવારોની કોટડીઓની બહાર એક પંખો હતો. એ પંખો અટકાયતી લોકો નહીં, પરંતુ ગાર્ડ જ ઑપરેટ કરી શકતો હતો.

મહિલાઓ, બાળકો અને અન્ય શંકાસ્પદ પુરુષોને કોટડીઓમાં રાખવામાં આવ્યાં હતાં. તેમણે દિવસના મોટાભાગના સમયમાં કોટડીઓમાં જ રહેવું પડતું હતું.

નવનિર્મિત ડિટેન્શન સેન્ટર અદ્દલ એક 'જેલ' જેવું જ છે. ચારે તરફથી રક્ષિત ઊંચી દિવાલો, એક મોટો દરવાજો, નાની કોટડીઓ અને થોડી ખુલ્લી જગ્યા. અંદર પ્રવેશો ત્યારે રિસેપ્શન એરિયા આવે છે. એ પછી કર્મચારીઓ માટેના શૌચાલય દેખાય છે.

ડાબી બાજુ વળીએ ત્યારે એક પરસાળમાં પ્રવેશી શકાય છે, જ્યાં દરેક બાજુએ લગભગ ચાર કોટડી છે. ગ્રાઉન્ડ ફ્લૉર પર આવી લગભગ આઠ કોટડીઓ છે.

'અમે બંગાળી બોલવાનું બંધ કરી દીધું છે'

કોર્ટના આદેશ છતાં 'લોકોને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્યા હોય અને તેમને ત્રાસ આપવામાં આવતો હોય' તેવા કિસ્સાઓ પણ છે.

કર્મશીલો તથા વકીલોએ આ મુદ્દો ઘણીવાર ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લઈને પાછા મોકલવામાં આવે, પરંતુ બાંગ્લાભાષી મુસ્લિમોના ભોગે એવું ન થવું જોઈએ. ગેરકાયદે ઇમિગ્રન્ટ હોવાના આરોપસર અટકાયતમાં લેવાયેલા પૈકીના કેટલાક બાંગ્લાભાષી મુસ્લિમોએ વિવિધ અદાલતોના દરવાજા પણ ખખડાવ્યા છે.

ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ હોવાના આરોપસર અટકાયતમાં લેવાયેલા આમિર શેખને મુક્ત કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે ફેબ્રુઆરી 2022માં આપ્યો હતો. આ કિસ્સામાં વહીવટી કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘનની નોંધ કોર્ટે લીધી હતી અને આમિરને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

આમિરનાં માતા અને હાઇકોર્ટનાં અરજદાર રશીદા શેખે બીબીસી સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. અલબત, તેમણે એવું જરૂર જણાવ્યું હતું કે 'બંગાળી ઓળખ'ને કારણે તેમણે ઘણીવાર ભેદભાવ અને પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે.

આવો અનુભવ માત્ર રશીદાનો જ નથી. 'ઝૂંપડપટ્ટી પુનર્વસન સંબંધી સકારી આવાસ યોજના' હેઠળ 2010માં જે લોકોને પ્લૉટ ફાળવવામાં આવ્યા હતા તેમાં નઝરુ (નામ બદલ્યું છે)નો પણ સમાવેશ થાય છે.

નઝરુએ કહ્યું હતું, "કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક ન હોય તો તેને સરકારી ઘર કેવી રીતે મળે? અમારા દસ્તાવેજોની અનેક વખત ચકાસણી કરવામાં આવી હતી અને એ પછી અમને ઘર ફાળવવામાં આવ્યું હતું."

તેમ છતાં નઝરુ અને તેમનાં સંતાનોએ રોજિંદા પડકારોનો સામનો કરવો પડે છે. તેમનાં પૌત્ર-પૌત્રીઓ હવે બંગાળી બોલતાં નથી. તેઓ ગુજરાતી બોલતાં શીખી ગયાં છે.

નઝરુએ કહ્યું હતું, "પોલીસકર્મી સામાન્ય રીતે બંગાળી બોલતા હોય એવા લોકોને જ શોધે છે. તેથી નાનાં બાળકો હવે ફક્ત હિન્દી અને ગુજરાતી જ બોલે છે."

બાંગ્લાદેશનો આરોપ

કથિત રીતે 'ગેરકાયદે' બાંગ્લાદેશીઓને ભારત તેમના પ્રદેશમાં પાછા ધકેલતું હોવાનો આક્ષેપ બાંગ્લાદેશે કર્યો છે.

'ઢાકા ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર લેફટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ દાવો કર્યો હતો કે ભારતે કથિત રીતે 'ગેરકાયદે બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશમાં ધકેલવાના પ્રયાસ' કર્યા છે.

તેમના કહેવા મુજબ, ભારતે એ લોકોને બ્રાહ્મણબારિયા બૉર્ડર પર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજીબી અને સ્થાનિક રહેવાસીઓએ તે પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલનું પાલન કરવા અને સરહદ પાર લોકોને ધકેલવાની પ્રવૃત્તિ બંધ કરવા અમે ભારતને વિનંતી કરીએ છીએ."

બાંગ્લાદેશના એક અન્ય અગ્રણી દૈનિક 'ધ ડેઇલી સ્ટારે' પણ આ મુદ્દાને અખબારમાં સ્થાન આપ્યું છે.

અખબારના અહેવાલ મુજબ, આઠમી મેના રોજ ભારતને પાઠવેલા એક પત્રમાં 'બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે લોકોને દેશમાં ધકેલવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતને ચેતવણી આપી હતી કે આવી કાર્યવાહીથી સુરક્ષા સંબંધી જોખમ સર્જાય છે અને પારસ્પરિક સમજણ નબળી પડે છે.'

આ અખબારે એવું પણ લખ્યું છે કે " બીજીબીએ જણાવ્યા અનુસાર બુધવારથી લઈને ગઈકાલ સુધી 8 અલગ-અલગ જિલ્લાઓ ખાતેથી ભારતે કુલ 109 લોકોને બાંગ્લાદેશમાં ધકેલવાનો પ્રયાસ કર્યો છે. આ મહિના દરમિયાન કુલ 500 જેટલા લોકોને ધકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે."

ભારત સરકારે આ મુદ્દે અત્યાર સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

કેટલા 'ગેરકાયદે બાંગ્લાદેશીઓ'નો દેશનિકાલ?

સરકારી ડેટા અનુસાર, 2006થી 2017 દરમિયાન બાંગ્લાદેશથી 60,000થી વધુ 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ'નો દેશનિકાલ કરવાં આવ્યો હતો.

2009માં 10,000થી વધુ લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો, જે આ સમયગાળાની સૌથી મોટી સંખ્યા છે. એ પછી 2010માં 6,290, 2011માં 6,761 અને 2012માં 6,536 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

લોકસભામાં 2025ની 11 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા એક માહિતી કોષ્ટકમાં જણાવ્યા મુજબ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદની લંબાઈ 4,096.70 કિલોમીટરની છે. તે પાંચ રાજ્યોને જોડે છે. પશ્ચિમ બંગાળ સાથે સૌથી લાંબી 2,216.7 કિલોમીટરની સરહદ છે. એ પછીના ક્રમે ત્રિપુરા (856 કિલોમીટર), મેઘાલય (443 કિલોમીટર), મિઝોરમ (318 કિલોમીટર) અને આસામ (263 કિલોમીટર)ની સરહદ આવે છે.

સરકારી રેકૉર્ડ જણાવે છે કે લગભગ 864 કિલોમીટર સરહદે ફૅન્સિંગ કરવાનું બાકી છે. તેમાં 174.514 કિલોમીટરના અસાધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, મુશ્કેલ ભૂપ્રદેશ, માર્શલૅન્ડ્સ, ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારો અને જમીન સંપાદનમાં વિલંબ જેવાં વિવિધ કારણસર બંને દેશો વચ્ચેની સરહદે ફૅન્સિંગ કરવાનું મુશ્કેલ છે. અત્યાર સુધીમાં સરહદના 3,232.218 કિલોમીટર વિસ્તારમાં ફૅન્સિંગ કરવામાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન