You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાંથી પકડાયેલા કથિત બાંગ્લાદેશીઓને 'બળજબરી'થી સીમા પાર ધકેલવાનો બાંગ્લાદેશે ભારત પર લગાવ્યો આરોપ, જાણો શું છે આખો મામલો?
બાંગ્લાદેશે આરોપ લગાવ્યો છે કે ભારતમાં પકડાઈ રહેલા કથિત અવૈધ બાંગ્લાદેશી નાગરિકોને બાંગ્લાદેશની હદમાં ધકેલવામાં આવી રહ્યા છે.
બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ની 25મી બટાલિયનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ જબ્બાર અહમદે ભારત તરફથી કથિત અવૈધ બાંગ્લાદેશી નાગરિકોને બાંગ્લાદેશની સીમામાં 'ધકેલાઈ રહ્યા' હોવાનો દાવો કર્યો હતો.
હવે આ અંગે બાંગ્લાદેશના ગૃહ મામલાના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીનું નિવેદન આવ્યું છે.
ઢાકા ટ્રિબ્યૂન અનુસાર શનિવારે સવારે તેમણે આરોપ લગાવ્યો હતો કે શુક્રવારે ભારત તરફથી બ્રાહ્મણબારિયા સીમા તરફથી લોકોને ધકેલવાની કોશિશ કરાઈ હતી, જેને બૉર્ડર ગાર્ડ અને સ્થાનિક નિવાસીઓની મદદથી નિષ્ફળ બનાવી દેવાઈ છે.
તેમણે કહ્યું, "અમે ભારતીય પક્ષને અનુરોધ કર્યો છે કર્યો છે કે તેઓ આ રીતે પુશ-ઇન કાર્યવાહી ન કરે, બલકે પ્રવર્તનની ઔપચારિક પ્રક્રિયાનું પાલન કરે."
ધ ડેલી સ્ટાર અનુસાર આ જ અઠવાડિયે બાંગ્લાદેશના વિદેશમંત્રાલયે ભારતને એક પત્ર લખીને કહ્યું હતું કે પુશ-ઇનના કોઈ પણ પ્રકારના પ્રયત્નો હાલના દ્વિપક્ષીય ફ્રેમવર્કનું ઉલ્લંઘન છે. વિદેશમંત્રાલય અનુસાર "આનાથી સુરક્ષાને ખતરો તો છે જ, સાથે જ આનાથી નૅગેટિવ પબ્લિક સેન્ટિમેન્ટ બનવાનો પણ ખતરો છે."
બાંગ્લાદેશના આરોપો અંગે ભારત તરફથી કોઈ આધિકારિક પ્રતિક્રિયા નથી આવી, પરંતુ પૂર્વોત્તર ભારતનાં બે રાજ્યોના મુખ્ય મંત્રી, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા અને ત્રિપુરાના માણિક સાહાનાં નિવેદનોથી 'પુશ-બૅક'ની નીતિ લાગુ કરવાના સંકેત મળી રહ્યા છે.
બાંગ્લાદેશના ગૃહ મામલાના સલાહકારે શું કહ્યું?
શનિવારે સતખીરાના શ્યામનગર ઉપજિલ્લામાં સીમા ચોકીનું ઉદ્ઘાટન કર્યા બાદ બાંગ્લાદેશના ગૃહ મામલાના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન તેમણે કહ્યું કે બાંગ્લાદેશ રાજદ્વારી ઉપાયો દ્વારા પોતાની સીમાઓએ પુશ-ઇનની ઘટનાઓને રોકવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, "બાંગ્લાદેશે હંમેશાં આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રોટોકૉલનું પાલન કર્યું છે."
મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું, "અમે તેમને (ભારતને) આ મામલા અંગે કહ્યું છે કે જો કોઈ બાંગ્લાદેશી અવૈધ રીતે ભારતમાં રહી રહ્યો હોય, તો તેને યોગ્ય રીતે બાંગ્લાદેશ પાછો મોકલવો જોઈએ."
તેમણે આગળ કહ્યું, "આવી જ રીતે, જો કોઈ ભારતીય નાગરિક કોઈ પણ વૈધ દસ્તાવેજો વગર બાંગ્લાદેશમાં રહેતો હોવાની ખબર પડે, તો તેને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરીને પાછો મોકલાશે."
તેમણે કહ્યું કે વિદેશ મામલાના સલાહકાર તૌહીદ હુસૈન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રોહિંગ્યા મામલામાં દેશના મુખ્ય સલાહકારના ઉચ્ચ પ્રતિનિધિ ખલિલુર રહમાન ડિપ્લોમેટિક સ્તરે ભારત સાથે સંપર્કમાં છે.
આ પહેલાં બીજીબીની 25મી બટાલિયનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ જબ્બાર અહમદે બીબીસી બાંગ્લાને કહ્યું હતું કે, "તેમણે કેટલાક લોકોને સીમા પાર મોકલવાની યોજના વિશે જાણકારી મળી હતી."
ગત 8 મેના રોજ બીજીબીએ 116 લોકોની ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તેમને બાંગ્લાદેશમાં ખગરાચારી અને ઉત્તરે આવેલા જિલ્લા કુરીગ્રામ પાસે સીમામાં પ્રવેશવા માટે ભારત તરફથી મજબૂર કરવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના ખગરાચારી જિલ્લાના ઍડિશનલ કમિશનર નજમુલ આરા સુલતાનાએ બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે 7 મેના રોજ ત્યાંની મતિરંગા, શાંતિપુર અને પંચહારી સીમાએ ભારતે કુલ 72 લોકોને બાંગ્લાદેશમાં 'પુશ બૅક' કર્યા હતા.
બીજીબીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય સીમા સુરક્ષા બળ (બીએસએફ) બ્રાહ્મણબારિયામાં બિજયનગર સીમાથી લોકોને પાછા મોકલવાની કોશિશ કરી રહ્યું છે.
બીજીબી પ્રમાણે બે દિવસ પહેલાં આ પ્રકારની એક કોશિશને સ્થાનિક લોકોની મદદ વડે નાકામ બનાવી દેવાઈ હતી.
શું ભારત તરફથી અપનાવાઈ રહી છે આ પ્રકારની નીતિ?
બાંગ્લાદેશ દ્વારા લગાવાયેલા આરોપો વચ્ચે સવાલ ઊઠી રહ્યા છે કે શું ભારત તરફથી કોઈ પ્રકારની 'પુશ બૅક' નીતિ અપનાવવામાં આવી રહી છે?
પાછલાં અમુક વર્ષોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અવૈધ બાંગ્લાદેશી નાગરિકોનો મામલો એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.
ભારતના સીમા સુરક્ષા બળ એટલે કે બીએસએફ માનવ તસ્કરીના શિકાર સગીરો અને મહિલાઓને માનવીય આધારે બાંગ્લાદેશ પરત મોકલી દેતું હતું. પરંતુ 'પુશ બૅક' કોઈ આધિકારિક નીતિ નથી રહી.
જોકે, ગત અઠવાડિયે શનિવારે 11 મેના રોજ આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઝઝૂમવા માટે ભારત સરકાર 'પુશ બૅક' વ્યૂહરચના પર કામ કરી રહી છે.
હિમંતા બિસ્વા સરમાના આધિકારિક સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કરાયેલ વીડિયોમાં તેઓ કહે છે કે, "ઘૂસણખોરી એ એક મોટો મુદ્દો છે. અમે નક્કી કર્યું છે કે હવે અમે કાનૂની પ્રક્રિયામાં નહીં પડીએ. પહેલાં વ્યક્તિની ધરપકડ કરીને ભારતીય કાયદાકીય સિસ્ટમમાં લાવવાનું નક્કી કરાયું હતું. તેથી હવે આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરીના સમાચારો સંભળાય છે, કારણ કે સંચાર વધ્યો છે."
તેમણે કહ્યું, "પહેલાં પણ દર વર્ષે ચારથી પાંચ હજાર લોકોની ધરપકડ કરાતી હતી. તેઓ જેલ જતા. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરાતા. હવે અમે નક્કી કર્યું છે કે અમે તેમને અમારા દેશમાં નહીં લાવીએ, બલકે તેમને પુશ કરીશું. તેમને પુશ બૅક કરવા એ એક નવું ચલણ છે, તેથી આંકડો વધુ લાગી રહ્યો છે. પરંતુ પુશ બૅકના કારણે આ સંખ્યા હવે ઘટી જશે."
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આ અઠવાડિયે મંગળવારના રોજ ત્રિપુરાના મુખ્ય મંત્રી માણિક સાહાએ પણ કહ્યું હતું કે, "ગત વર્ષની સરખામણીએ આંતરરાષ્ટ્રીય બૉર્ડરથી ત્રિપુરામાં અવૈધ રીતે ઘૂસતા લોકોની ધરપકડ થયાની ઘટનાઓમાં 36 ટકાનો વધારો નોંધાયો છે."
તેમણે કહ્યું, "અમે ત્રણેય તરફથી બાંગ્લાદેશથી ઘેરાયેલા છીએ, સીમા સુરક્ષાના મામલામાં બીએસએફ પ્રથમ કતારમાં છે, ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સ બીજી કતારમાં અને રાજ્ય પોલીસ ત્રીજી કતારમાં. અગાઉની સરકારોથી અલગ, પોલીસને સ્વતંત્રતા અપાઈ છે અને અમે નિર્ણય કર્યો છે કે અમે તેમના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરીએ. પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવાનું કામ કરી રહી છે."
પહલગામ હુમલા બાદ ભારતનાં ઘણાં રાજ્યોમાં અવૈધ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડની કાર્યવાહીએ ગતિ પકડી છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઓડિશા સહિત ઘણાં રાજ્યોમાં આવા કથિત અવૈધ નાગરિકોની ધરપકડ કરાઈ છે. થોડા દિવસ પહેલાં આ કાર્યવાહી સંબંધિત તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
ગત ત્રણ અઠવાડિયાંમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસે એક હજારથી વધુ કથિત અવૈધ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ થઈ છે.
બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણા અનુસાર, રાજસ્થાનથી પકડાયેલા 148 લોકોના પ્રથમ જૂતને ગત બુધવારે વિશેષ વિમાનથી ત્રિપુરાના અગરતલા ખાતે મોકલવામાં આવ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાનની પોલીસ કહી ચૂકી છે કે જે બાંગ્લાદેશી નાગરિકોની ઓળખની પુષ્ટિ થઈ ગઈ છે, તેમને ડિપૉર્ટ કરી દેવાશે.
ઓડિશા સહિત અન્ય કેટલાંક રાજ્યોમાં પણ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાયાના સમાચાર છે. પોલીસ આ કથિત અવૈધ બાંગ્લાદેશી નાગરિકોને 'ઘૂસણખોર' કહે છે.
'ગુજરાતથી ત્રિપુરા લઈ જવાયા'
બાંગ્લાદેશમાં ખગરાચારીના એડિશનલ કમિશનર નજમુલ આરા સુલતાનાએ બીબીસી બાંગ્લાને પુષ્ટિ કરતાં કહ્યું છે કે બુધવારે સવારે ખગરાચારીમાં મતિરંગા, શાંતિપુરા અને પંચહારી સીમાઓથી કુલ 72 લોકોને બાંગ્લાદેશમાં પાછા 'ધકેલવામાં' આવ્યા.
ખગરાચારીના સ્થાનિક પત્રકાર સમીર મલ્લિકે બીબીસી બાંગ્લાને જણાવ્યું, "કસ્ટડીમાં લેવાયેલા લોકો પાસેથી ખબર પડી કે બીએસએફના જવાન તેમને ગુજરાતમાંથી વિમાન મારફતે ત્રિપુરા લઈ આવ્યા હતા. પછી તેઓ એક કલાક સુધી પગપાળા ચાલ્યા અને બાદમાં તેમને બીએસએફે સીમા પાર મોકલી દીધા."
હાલ બંદીઓને બીજીબીની નિગરાણીમાં સીમા પર જુદી જુદી જગ્યાઓએ રાખવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસે 25 એપ્રિલના રોજ અમદાવાદમાં શોધ અભિયાન ચલાવ્યું હતું. પોલીસ અનુસાર અમદાવાદમાંથી અત્યાર સુધી લગભગ 900 કથિત બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ હતી.
અમદાવાદ સિવાય પોલીસે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ 'અવૈધ રીતે રહી રહેલા વિદેશીઓ'ની ધરપકડ કરી.
દિલ્હીથી ધરપકડ કરીને ટ્રેન મારફતે કોલકાતા મોકલાયા
અંગ્રેજી અખબાર ધ હિંદુના એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં કસ્ટડીમાં લેવાયેલા 'અવૈધ' બાંગ્લાદેશી પ્રવાસીઓને બીએસએફ દ્વારા 'પુશ બૅક' કરાયા એની ખૂબ પહેલાં પાટનગર દિલ્હીથી કસ્ટડીમાં લેવાયેલા 80 મુસાફરોને આધિકારિક રીતે કોલકાતા મોકલાયા હતા.
અખબારના રિપોર્ટમાં કહેવાયું છે કે 23 એપ્રિલના રોજ દિલ્હીમાં ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસે બીએસએફના ઇસ્ટર્નસ કમાન્ડને એક પત્ર લખીને કહ્યું હતું કે 80 લોકોના એક સમૂહને કોલકાતા લવાશે.
આ પત્રમાં કોલકાતા પોલીસ પાસેથી મદદ મગાઈ હતી, કે તેઓ એ કસ્ટડીમાં રહેલા લોકોને ટ્રેનથી પહોંચ્યા બાદ રિસીવ કરે અને તેમને બીએસએફને હૅન્ડઓવર કરી દે.
પાછલા કેટલાક મહિનાથી દિલ્હી પોલીસ અભિયાન ચલાવીને અવૈધ બાંગ્લાદેશી નાગરિકોની ધપકડ કરી રહી છે.
શુક્રવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે તેણે 16 અવૈધ બાંગ્લાદેશી મુસાફરોની ધરપકડ કરી છે.
કાયદાકીય પ્રક્રિયાથી બચવાના પ્રયત્નો
આ સમચારો અંગે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી પોલીસ અને બીએસએફ તરફથી કોઈ આધિકારિક પ્રતિક્રિયા નથી આવી.
જોકે, બીએસએફનું કહેવું છે કે 'પુશ બૅક' શબ્દ તેમના શબ્દકોષમાં નથી. પરંતુ સુરક્ષા બળોનાં કેટલાંક સૂત્રોએ બીબીસી બાંગ્લાને કહ્યું છે કે જે લોકોની હાલમાં જ અવૈધ બાંગ્લાદેશી નાગરિકો સ્વરૂપે ઓળખ કરાઈ છે, તેમને નાના અને મોટા સમૂહોમાં વિભાજિત કરીને 'પાછા મોકલાઈ' (પુશ બૅક) રહ્યા છે.
એ સૂત્રોએ બીબીસી બાંગ્લાને જણાવ્યું કે જો ધરપકડની કાર્યવાહી બતાવાઈ, તો કસ્ટડીમાં લેવાયેલા લોકો વિરુદ્ધ કેસ દાખલ થશે અને પછી તેમને જેલમાં રખાશે.
એ બાદ લાંબી વ્યૂહરચનાત્મક જટિલતાઓમાંથી પસાર થયા બાદ તેમને પાછા બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ખૂબ લાંબી પ્રક્રિયા છે અને તેમાં ઘણાં વર્ષ લાગી શકે છે.
પ્રવાસી શ્રમિકોની મદદ માટે સંસ્થા ચલાવતા આસિફ ફારુકે બીબીસી બાંગ્લાને કહ્યું, "અમે હેલ્પલાઇન શરૂ કરી એને એક મહિનો થઈ ગયો છે, અમને ગુજરાતથી 550 અને રાજસ્થાનથી લગભગ 200 કૉલ આવ્યા છે."
તેમણે કહ્યું, "અત્યાર સુધી અમે ગુજરાતમાં 68 અને રાજસ્થાનમાં 109 ફરિયાદોનું સમાધાન લાવવામાં સફળ રહ્યા છીએ. માત્ર એક મામલામાં અમને ખબર પડી છે કે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાંથી ધરપકડ કરાયેલા એક વ્યક્તિને કોર્ટમાં રજૂ કરાયા અને હવે એ ડિટેન્શન કૅમ્પમાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન