You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશ ભારત પર કેટલું નિર્ભર, જો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસે તો કોને વધુ નુકસાન થશે?
ભારતમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જો ભારતે બાંગ્લાદેશમાં જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દીધું તો તેની બહુ મોટી અસર થશે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે 2 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં એક નાનકડો વર્ગ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, પણ તેનાથી ભારતનું હિત પ્રભાવિત નહીં થાય.”
દિલીપ ઘોષે કહ્યું હતું કે ભારત એ બાંગ્લાદેશમાં બટેટા, ડુંગળી, દવા, પાણી અને કપાસ જેવી જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દેશે તો બાંગ્લાદેશમાં તેની ઘણી ખરાબ અસર થશે.
ઘોષે એમ પણ કહ્યું હતું કે, “ભારતે બાંગ્લાદેશ સાથે સંબંધો એટલે નથી તોડ્યા કારણ કે બંને દેશોના ઐતિહાસિક સંબંધો રહ્યા છે. જો બાંગ્લાદેશમાં આવી જ રીતે અત્યાચાર શરૂ રહેશે તો અંતે બાંગ્લાદેશની સ્થિરતા અને સમગ્ર અર્થતંત્રને પણ નુકસાન પહોંચશે.”
બાંગ્લાદેશની જેવી ભૌગોલિક સ્થિતિ છે એ જોતાં તેના ભારત સાથેના સંબંધો અતિશય મહત્ત્વના બની જાય છે.
બાંગ્લાદેશને ‘ઇન્ડિયા લૉક્ડ’ દેશ કહેવામાં આવે છે. બાંગ્લાદેશની 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4367 કિમી લાંબી સરહદ છે અને બાંગ્લાદેશની કુલ આંતરરાષ્ટ્રીય સરહદનો આ 94 ટકા ભાગ છે.
આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશ સુરક્ષા અને વેપારના મામલામાં ભારત પર નિર્ભર છે. બીજી તરફ બાંગ્લાદેશના કારણે ભારતને પૂર્વોત્તરનાં રાજ્યોમાં સસ્તો અને સુલભપણે સંપર્ક સાધવામાં મદદ મળે છે. ભારતના અન્ય ભાગને પૂર્વોત્તરનાં રાજ્યો સાથે જોડવામાં બાંગ્લાદેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
બાંગ્લાદેશ ભારત પર કેટલી હદે આધારિત?
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પાણીની વહેંચણી, સરહદપાર વેપાર અને શરણાર્થીઓના મુદ્દા મહત્ત્વના રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોડાયેલી ભૌગોલિક સ્થિતિને કારણે આ મુદ્દા બંને દેશો માટે મહત્ત્વના છે. બાંગ્લાદેશ એ ચોખા, ઘઉં, ડુંગળી, લસણ, ખાંડ, કપાસ, અનાજ, શુદ્ધ પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિક અને સ્ટીલ માટે ભારત પર નિર્ભર છે.
કોવિડ મહામારી પહેલાં, બાંગ્લાદેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત સ્થિતિમાં હતું અને તેમાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશથી પશ્ચિમી દેશોમાં થતી કપડાંની નિકાસનો હતો.
બાંગ્લાદેશનો કાપડઉદ્યોગ એ ભારતના કાચા માલ પર નિર્ભર છે. દિલીપ ઘોષ આ વાત જાણે છે અને તેને જ ટાંકી રહ્યા છે.
આથી, જો બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો વધુ બગડશે તો તેની નિકાસને પણ અસર થશે. તેનાથી જીડીપી પર અસર થશે અને પછી મોંઘવારી સાથે બેરોજગારી વધશે. ભારત સાથે બગડતા સંબંધોની કિંમત ચૂકવવી બાંગ્લાદેશ માટે સરળ નહીં હોય.
બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.
બાંગ્લાદેશ એશિયામાં ભારતમાં સૌથી વધુ નિકાસ કરે છે. બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં બે અબજ ડૉલરની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 15.9 અબજ ડૉલર હતો.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર
2021માં બાંગ્લાદેશમાં ભારતની નિકાસ 14 અબજ ડૉલર હતી, જે 2022માં 13.8 અબજ ડૉલર રહી હતી.
આ નિકાસ 2023માં ઘટીને 11.3 અબજ ડૉલર રહેવાનું અનુમાન છે. બાંગ્લાદેશમાં ભારતની નિકાસ ઘટવા પાછળનું મુખ્ય કારણ માગમાં આવેલો ઘટાડો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે માગમાં આ ઘટાડો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પુરવઠાતંત્રમાં આવેલા વિક્ષેપને કારણે થયો છે.
બાંગ્લાદેશનું અર્થતંત્ર હજી પણ કોવિડ પહેલાંની સ્થિતિમાં આવી શક્યું નથી. ત્યાર બાદ શેખ હસીનાને સત્તા પરથી હઠી જવાની ફરજ પડી એવા સંજોગો સર્જાયા હતા. ભારત સાથે બગડતા સંબંધોના કારણે બાંગ્લાદેશને આર્થિક મોરચે વધુ એક ફટકો પડી શકે છે.
ભારતે છેલ્લાં આઠ વર્ષમાં બાંગ્લાદેશને આઠ અબજ ડૉલરની મદદ કરી છે. ભારતે આ મદદ બાંગ્લાદેશમાં વિકાસ પરિયોજનાઓ માટે આપી છે.
તેમાં રોડ, રેલ, શિપિંગ અને પૉર્ટ્સનું નિર્માણ સામેલ છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશની આર્થિક પ્રગતિની ખૂબ પ્રશંસા થતી રહી છે.
શેખ હસીનાના 2009થી જુલાઈ,2024 સુધીના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશનું અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જીડીપીનું કદ 123 અબજ ડૉલરથી વધીને 455 અબજ ડૉલર થયું હતું. બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી પણ 2009માં 841 ડૉલરથી વધીને 2024માં 2650 ડૉલર થયો છે.
ભારત માટે હંમેશાં એ ચિંતાનો વિષય રહ્યો છે કે બાંગ્લાદેશ ચીનની વધુ નજીક ચાલ્યું જશે તો શું થશે. જ્યાં સુધી શેખ હસીના વડાં પ્રધાન હતાં ત્યાં સુધી તેમણે ચીન અને ભારતના સંબંધોમાં સંતુલન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે ભારતની ચિંતા વધુ વ્યાપક બની છે. હવે બાંગ્લાદેશની નિકટતા માત્ર ચીન સાથે જ નહીં, પરંતુ પાકિસ્તાન સાથે પણ વધી રહી છે.
શું ભારતની જગ્યા કોઈ બીજો દેશ લઈ શકે?
ગત મહિને જ પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ કિનારેસ્થિત ચિત્તાગોંગ બંદરે પહોંચ્યું હતું.
1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે આ પ્રથમ દરિયાઈ સંપર્કની ઘટના હતી. અગાઉ બંને દેશો વચ્ચેનો દરિયાઈ વેપાર સિંગાપુર અથવા કોલંબો મારફતે થતો હતો. આ ઘટનાને પાકિસ્તાનથી બાંગ્લાદેશના નજીક આવવાની નક્કર શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
ચીન બાંગ્લાદેશમાં રોકાણનો સૌથી મોટો સ્રોત છે. બાંગ્લાદેશ ચીનની ‘બેલ્ટ ઍન્ડ રોડ’ પહેલનો એક ભાગ છે. ચીને બાંગ્લાદેશમાં સાત અબજ ડૉલરનું રોકાણ કર્યું છે અને 2023માં ચીને બાંગ્લાદેશમાં 22 અબજ ડૉલરની નિકાસ કરી હતી.
કિંગ્સ કૉલેજ, લંડનના આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર હર્ષ પંતનું કહેવું છે કે, “છેલ્લા દોઢ દાયકામાં બાંગ્લાદેશે આર્થિક પ્રગતિમાં જે ગતિ પકડી હતી તેને ભારત સાથે તેના બગડી રહેલા સંબંધોને કારણે અસર થશે તેવું મનાય છે.”
પ્રોફેસર પંત કહે છે, “ભારત એક મોટો દેશ છે. નાના દેશ સાથેના સંબંધો બગડે તો મોટા પર તેની અસર ઓછી પડે છે. છેલ્લાં સાત વર્ષથી ભારતના પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તેની અસર ભારત પર પડી નથી. પણ તેની અસર પાકિસ્તાન પર ચોક્કસપણે થઈ છે. પણ જો બાંગ્લાદેશે નક્કી કરી લીધું હોય કે તે ભારત સાથેના સંબંધો બગાડવાની દરેક કિંમત ચૂકવવા તૈયાર છે તો પછી તેને કોણ રોકી શકે?”
પ્રોફેસર પંત કહે છે, "ભારતમાંથી જે કિંમતે સામાન બાંગ્લાદેશ પહોંચે છે તે કિંમતે અન્ય કોઈ દેશ તેને ઑફર કરી શકે નહીં. ભારતથી બાંગ્લાદેશમાં માલસામાનના પરિવહનનો ખર્ચ પણ ઓછો છે. ચીન અથવા અન્ય દેશોમાંથી જે માલ બાંગ્લાદેશમાં આવે છે તે પણ વધુ મોંઘો થશે. જો બાંગ્લાદેશ તેને સહન કરી શકવા તૈયાર છે તો ભલે. બાંગ્લાદેશ માટે ભારતનું જે મહત્ત્વ છે તેની ભરપાઈ ચીન કરી શકે તેમ નથી. ઘણા લોકો કહે છે કે શેખ હસીના ભારતની તરફેણ કરતાં હતાં, પરંતુ લોકો એ વાત ભૂલી જાય છે કે હસીનાના કાર્યકાળમાં ચીન એ લશ્કરી બાબતોમાં બાંગ્લાદેશનું સૌથી મોટું પાર્ટનર હતું.”
પ્રોફેસર પંત કહે છે, “બાંગ્લાદેશનો કાપડઉદ્યોગ પણ ભારતના કાચા માલ પર નિર્ભર છે. બાંગ્લાદેશના જીડીપીમાં કાપડઉદ્યોગનું યોગદાન 11 ટકા છે. જો ભારત ઇચ્છે તો તે બાંગ્લાદેશને ઘણા મોરચે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ મને નથી લાગતું કે સ્થિતિ એટલી હદે વણસી જશે.”
બાંગ્લાદેશ એ ભારતમાં ઊગતા કપાસનું સૌથી મોટું બજાર છે. ભારતીય કપાસની કુલ વૈશ્વિક નિકાસમાં બાંગ્લાદેશનો હિસ્સો લગભગ 35 ટકા છે. સ્વાભાવિક રીતે જ આની અસર ભારત પર પણ પડશે, પરંતુ ઘણા લોકો માને છે કે તેનાથી ભારતમાં કપાસના ભાવમાં ઘટાડો થશે અને સ્થાનિક કાપડઉદ્યોગ માટે સારું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન