ગુજરાત પેટાચૂંટણી: આપ સાથે ગઠબંધન નહીં કરવા પાછળ કૉંગ્રેસની શું ગણતરી છે, આ નિર્ણયની શું અસર થશે?

ઇમેજ સ્રોત, ANI/AAP-FB
- લેેખક, વિક્રમ મહેતા
- પદ, બીબીસી ગુજરાતી
'ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે. રાજ્યમાં નિર્ણય અંગે સ્વતંત્રતા આપવામાં આવી છે. ગુજરાતમાં આપ સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. વીસાવદર અને કડીમાં કૉંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે.'
આ શબ્દો ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના છે.
ગુજરાતમાં વીસાવદર અને કડી વિધાનસભા બેઠક પર આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને કૉંગ્રેસે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
વીસાવદર અને કડીમાં જે પેટાચૂંટણી યોજાવાની છે. શકિતસિંહ ગોહિલે જાહેરાત કરી છે કે કૉંગ્રેસ બંને બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે પણ પોતાના સ્વતંત્ર ઉમેદવાર ઊભા રાખશે.
વીસાવદરમાં આમ આદમી પાર્ટીએ પહેલાંથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાતમાં તારીખ 8-9 એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન અને 15-16 એપ્રિલે સૃજન સંગઠન અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે રાજકીય મામલાઓની કમિટીની સાથે બેઠક યોજી હતી જેમાં વીસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શક્તિસિંહ ગોહિલે વીસાવદર પેટાચૂંટણી અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શકિતસિંહ ગોહિલે આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "અમારા કાર્યકરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં બે પેટાચૂંટણી આવી રહી છે, ત્યારે પૉલિટિકલ કમિટી અફેર્સમાં તેના વિશે પણ ચર્ચા થઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે ઉમેદવાર જાહેર કરી દીધો છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ઇન્ડિયા ગઠબંધન છે અને રહેવાનું છે. રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીત પ્રમાણે નિર્ણય કરતા હોય છે."
''જેમ કે, હું હરિયાણાનો પ્રભારી હતો ત્યારે જાણતો હતો કે હરિયાણામાં કૉંગ્રેસની સરકાર બની રહી છે, એવું સ્પષ્ટ હતું. આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં ઝીરો હતું. પરંતુ આમ આદમી પાર્ટીને હુડ્ડાએ કેટલીક સીટો ઑફર કરવા છતાંય ઠોકર મારી એકલા હાથે ચૂંટણી લડી અને હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યાં."
"રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે, ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશપ્રમુખ હોય ત્યાં કોઈ જિલ્લો છોડવો મારા માટે મુશ્કેલ હોય. અમારી ઇમોશનલ ફીલિંગ હોવા છતાં ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું."
"રાજ્ય કક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજની પૉલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાના અંતે ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત આપતી નથી."

ઇમેજ સ્રોત, Indian National Congress-Gujarat/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શકિતસિંહે આગળ જણાવ્યું હતું કે, "ભૂતકાળમાં લેફ્ટ અને સમાજવાદી પાર્ટીએ પણ પ્રયાસ કર્યો હતો. જેમની પોતાની સરકાર હતી એ શંકરસિંહ વાઘેલાએ પોતે પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ 182માંથી માત્ર ચાર ધારાસભ્યો ચૂંટાયા હતા."
"ચીમનભાઈ પટેલે મને કહ્યું હતું કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, રાજકીય સમજણ બધું જ હતું...પરંતુ ગુજરાતી મતદાતા ત્રીજી પાર્ટીને મત આપતો નથી એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કૉંગ્રેસમાં જ વિસર્જન કરીશ. તેઓ પૉલિટિક્સના ચાણક્ય કહેવાતા હતા."
પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષ નામે પાર્ટી બનાવી હતી અને આ પછી 1991માં જનતાદળ(ગુજરાત)ની સ્થાપ્ના કરી હતી.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, "આમ આદમી પાર્ટીએ એક હવા ઊભી કરીને, 11 ટકા મતો તોડીને કૉંગ્રેસ પાર્ટીને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે પરંતુ ગુજરાતી મતદાતાએ બધા મતો કૉંગ્રેસને જ આપ્યા હતા. મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી જ રહી છે."
આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાને અંતે ગુજરાતીઓના હિતમાં કૉંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વીસાવદર અને કડી બંને બેઠકો પર કૉંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે."
કૉંગ્રેસ કેમ આમ આદમી પાર્ટીનો ટેકો લેવાનું ટાળી રહી છે?

ઇમેજ સ્રોત, Indian National Congress-Gujarat/FB
મહત્ત્વનું છે કે તાજેતરમાં અમદાવાદ ખાતે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં કૉંગ્રેસ પાર્ટીના નવસૃજનનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
અધિવેશનમાં રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓને 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું લક્ષ્ય આપ્યું હતું. અને કૉંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની હાંકલ કરી તથા પાર્ટીના જિલ્લા પ્રમુખોને વધારે સત્તા તથા જવાબદારીઓ આપીને જિલ્લા કક્ષાની સમિતિઓને સંગઠનનો પાયો બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી.
આ પછી કૉંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ભાજપના ગઢ ગુજરાતમાં કૉંગ્રેસને સંગઠન સ્તરેથી મજબૂત કરીને એને બેઠી કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
માર્ચ-એપ્રિલ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતની ત્રણ વાર મુલાકાત લીધી છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ કૉંગ્રેસ પહેલી ચૂંટણી લડવા જઈ રહી છે.
કૉંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરી છે ત્યારે હવે આ પેટાચૂંટણીમાં બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે.
વીસાવદરમાં પેટાચૂંટણી અંગે બીબીસી ગુજરાતીએ વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય સાથે વાત કરી.
જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ગુજરાતમાં કૉંગ્રેસ ફરી બેઠી થવા માટે પ્રયાસો કરી રહી છે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ ગુજરાતમાં કૉંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે."
"આમ આદમી પાર્ટી પોતાનો ગઢ કહી શકાય એવી દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી હારી ગઈ છે. ત્યારે કૉંગ્રેસ બિલકુલ એ સંદેશ આપવા માગતી નથી કે કૉંગ્રેસ અત્યારે એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે એને આમ આદમી પાર્ટી જેવી નબળી બનેલી પાર્ટીનો ટેકો લેવો પડી રહ્યો છે."
જગદીશ આચાર્ય આગળ જણાવે છે, "આમ આદમી પાર્ટીની શક્તિ અને સ્થિતિ એટલી મજબૂત નથી કે કૉંગ્રેસને એનો ટેકો લેવાથી કોઈ ફાયદો મળે. આ ઉપરાંત ટિકિટ વહેંચણીમાં પણ વિવાદ થાય. વીસાવદર બેઠકની વાત કરીએ તો આમ આદમી પાર્ટી બધી તાકાત લગાડી દે તો સારો દેખાવ કરી શકે. વીસાવદરમાં કૉંગ્રેસની નબળી પડી ગઈ છે."
ગુજરાત પહેલાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ ચૂંટણી લડી હતી. કૉંગ્રેસને આ ચૂંટણીમાં એક પણ બેઠક મળી શકી ન હતી તો આમ આદમી પાર્ટીના ફાળે પણ કારમા પરાજયની નિરાશા આવી હતી અને જીતનો તાજ ભાજપના શિર ગયો હતો. ગઢ સમાન દિલ્હી ગુમાવવી આપ માટે મોટો ફટકો હતો.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિખવાદનો ફાયદો ભાજપને મળે છે?

ઇમેજ સ્રોત, FB/Gopal Italia
આ ઉપરાંત દિલ્હી વિધાનસભા પહેલાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન ટાળ્યું હતું. દિલ્હીની જેમ હરિયાણા ચૂંટણીમાં પણ ભાજપ વિજયી થયો હતો.
આપ અને કૉંગ્રેસ વચ્ચેનો વિખવાદ હવે ગુજરાતમાં થનારી પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો હોવાનું વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ માને છે.
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે જે વિવાદો થયા એ હવે ગુજરાતમાં પણ ચાલુ થયા છે. કૉંગ્રેસ અને આપ બંને પોતાની રીતે પ્રયત્નશીલ છે."
આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ સ્વતંત્ર રીતે લડી રહી છે ત્યારે એની અસર અંગે વાત કરતા દિલીપ પટેલ આગળ જ્ણાવે છે, "આમ આદમી પાર્ટી સંગઠન સ્તરે પોતાનું સ્થાન મજબૂત કરવા કામ કરી છે. વીસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી પહેલેથી આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે સ્થાનિકોનો ઝુકાવ આમ આદમી તરફ નથી."
"સુરત-કતારગામમાંથી 2022ની વિધાનસભા ચૂંટણી લડેલા ગોપાલ ઇટાલિયા ચૂંટણી હારી ગયા હતા. એમના માટે વીસાવદર બેઠક જીતવી સહેલી નથી. જ્યારે કડીની વાત કરીએ તો કડીમાં મોટેભાગે ભાજપનું પલડું ભારે રહ્યું છે. જો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સામસામે ચૂંટણી લડશે તો એનો ફાયદો ભાજપને પણ થઈ શકે છે."
વીસાવદર અને કડીમાં પેટાચૂંટણી કેમ થઈ રહી છે?
ગુજરાતની વીસાવદર વિધાનસભા બેઠક ગુજરાતના જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોમાંથી એક છે. વીસાવદર બેઠક ભાજપના દિગ્ગજ નેતા સ્વ. કેશુભાઈ પટેલ સાથે પણ સંકળાયેલી રહી છે.
વર્ષ 1995માં ગુજરાતમાં પહેલી વાર ભાજપ સરકાર આવી હતી. ભાજપ સત્તામાં આવ્યો અને વીસાવદર બેઠક પરથી ધારાસભ્ય કેશુભાઈ પટેલે 14 માર્ચ 1995ના રોજ ભાજપના પ્રથમ મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
કેશુભાઈ પટેલ 1995 અને 1998માં ભાજપમાંથી તથા 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માંથી વીસાવદર બેઠક પરથી વિજેતા બન્યા હતા.
વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો વીસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના હર્ષદ રિબડિયા અને કૉંગ્રેસના કરસનભાઈ વડોદરિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી 'જાયન્ટ કિલર' સાબિત થયા હતા અને વીસાવદર બેઠક પર વિજયી થયા હતા.
ભાયાણીએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને 7,063 મતોથી હરાવ્યા હતા. 2017માં કૉંગ્રેસમાંથી જીતેલા હર્ષદ રિબડિયા 2022ની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા.
જોકે બાદમાં તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે 'આપ' લોકોની સેવા કરવા માટે યોગ્ય પ્લૅટફૉર્મ નથી.
આપમાંથી રાજીનામું આપ્યા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ભૂપત ભાયાણી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોમાંથી એક હતા.
ભાયાણીના રાજીનામા બાદ વીસાવદર બેઠક ખાલી પડી હતી.
હર્ષદ રિબડિયાનો આક્ષેપ હતો કે ચૂંટણી ફૉર્મમાં ભૂપત ભાયાણીએ સાચી વિગતો જણાવી નથી. અને એટલે જ હર્ષદ રિબડિયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી 2023માં પિટિશન દાખલ કરી ભૂપત ભાયાણીની ચૂંટણીમાં જીત થવા પર સવાલ ઉઠાવ્યા હતા.
વીસાવદર બેઠકનો મામલો હાઇકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી. પરંતુ હવે હર્ષદ રિબડિયાએ પિટિશન પરત લેતા વીસાવદર બેઠક વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે.
જ્યારે કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધનથી અહીં પેટાચૂંટણી યોજાવાની છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












