ભાજપે કંગનાના નિવેદનથી પાર્ટીને કેમ દૂર રાખી, તેની શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય કંગના રનૌત રાજકારણમાં નવાં છે, પરંતુ વિવાદો સાથે તેમનો સંબંધ ઘણો જૂનો છે.
કંગના મુંબઈ ફિલ્મ ઉદ્યોગ પર બોલતા રહ્યાંં છે અને ત્યારે પણ વિવાદો થયા છે. તેમણે રાજકારણ પર બોલવાનું શરૂ કર્યું ત્યારે પણ વિવાદ થવા લાગ્યો. કેટલીક વખત કંગનાની ટિપ્પણી તેમના પોતાના માટે જ મુશ્કેલીઓ ઊભી કરે છે.
ગયા જૂન મહિનામાં મોહાલી હવાઈમથક પર સીઆઈએસએફનાં મહિલા કૉન્સ્ટેબલે કંગના રનૌતને લાફો માર્યો હતો.
કુલવિંદરકૌર નામનાં મહિલા કૉન્સ્ટેબલનું કહેવું હતું કે કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન જે નિવેદન આપ્યાં હતાં તેનાથી કૉન્સ્ટેબલ હતાશ હતાં. આ ઘટના પછી સીઆઈએસએફએ કુલવિંદરકૌરને સસ્પેન્ડ કર્યા હતા.
કંગનાએ હાલમાં જે ખેડૂત આંદોલન વિશે એક નિવેદન આપ્યું હતું. જોકે, ભારતીય જનતા પાર્ટીએ કંગનાના આ નિવેદનથી અંતર જાળવ્યું હતું.
હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે કંગનાના નિવેદનની વિરુદ્ધ એક નિંદા પ્રસ્તાવ પસાર કર્યો તો આમ આદમી પાર્ટીએ હરિયાણાનાં કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું.
કંગનાને લાગે છે કે બોલિવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ છે અને ભારતના રાજકારણની દિશા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં યોગ્ય ન હતી.
વર્ષ 2021માં એક ટીવી ચૅનલના કાર્યક્રમ દરમિયાન કંગના રનૌતે કહ્યું હતું, "ભારતને વર્ષ 1947માં ભીખમાં સ્વતંત્રતા મળી હતી અને દેશને સાચી સ્વતંત્રતા 2014 મળી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કંગના કહેવા ઇચ્છતાં હતાં કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યાં ત્યારે ભારતને સાચી સ્વતંત્રતા મળી.
કંગનાને લાફો માર્યાની ઘટના પછી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી.
જાણીતાં શૂટર હિના સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું, "કોઈની ભાવનાને ઠેસ પહોંચી અને તેમને લાફો મારી દીધો તેનો અર્થ એ નથી કે આખું રાજ્ય આતંકવાદ અને હિંસાના સકંજામાં છે."
"100-100 રૂપિયાવાળાં ટ્વીટની જેમ જ લાફો મારવો પણ અતિશય ઉત્સાહ અથવા આવેગને કારણે થયું છે. દુખદ છે કે એ ટ્વીટ કેટલાક લોકોને ગુસ્સો અપાવનારું હતું, જેમાં હું પણ સામેલ છે. જોકે, આ ટ્વીટને ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું. જોકે, તે મહિલા કૉન્સ્ટેબલે જે કર્યું તે બધાની સામે છે. કૉન્સ્ટેબલે હાથ ઉપાડ્યાં વગર કંગનાનો સામનો કર્યો હોત તો વધારે સારું હોત."
હિના સિદ્ધુ પ્રતિષ્ઠિત ખેલ પુરસ્કાર અર્જુન એવૉર્ડથી સન્માનિત થયેલાં છે.
સંસદસભ્ય બન્યાં તે પહેલાં પણ કંગના રનૌત ખેડૂત આંદોલન પર વિવાદિત નિવેદનો આપી ચૂક્યાં છે.
કંગનાએ બે મહિલા પ્રદર્શનકારીઓની તસવીરો સાથે ટ્વીટ કર્યું હતું, "હાહા. આ તે જ દાદી છે જેમને ટાઇમ મૅગઝીનની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં અને તેઓ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે."
જોકે, કંગનાએ આ ટ્વીટ પછી ડિલીટ કરી નાખ્યું હતું.
સંસદસભ્ય બન્યા પછી કંગનાએ ક્યારેક રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું તો ક્યારેક શંકરાચાર્ય પર સવાલો ઉઠાવ્યા.
જોકે, પ્રથમ વખત ભાજપે કંગનાના નિવેદનથી પાર્ટીને અલગ રાખી છે અને કહ્યું છે કે કંગના પાર્ટીનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે અધિકૃત નથી.
પાર્ટીએ શું ચેતવણી આપી?

ઇમેજ સ્રોત, ANI
કંગના રનૌતે એક ઇન્ટરવ્યૂમાં બાંગ્લાદેશમાં હાલમાં થયેલા આંદોલન અને સત્તા પરિવર્તનની ભારતના ખેડૂત આંદોલન સાથે સરખામણી કરી અને કહ્યું કે "અહીં (ભારતમાં) જે ખેડૂત આંદોલન થયું તેમાં મૃતદેહો લટક્યા હતા અને ત્યાં બળાત્કાર થઈ રહ્યાં હતાં."
"ખેડૂતોનું ખૂબ લાંબુ પ્લાનિંગ હતું, જેવી રીતે બાંગ્લાદેશમાં થયું. આ પ્રકારના ષડયંત્ર તમને શું લાગે છે ખેડૂતો? ચીન, અમેરિકા... જેવી વિદેશી તાકતો અહીં કામ કરી રહી છે."
કંગનાએ માત્ર ખેડૂત આંદોલન પર જ સવાલ ન કર્યો, પરંતુ બીજા દેશો પર પણ ટિપ્પણી કરી દીધી.
આ નિવેદન પછી કૉંગ્રેસ સહિત કેટલીક વિપક્ષી પાર્ટીઓએ ભાજપ પર નિશાનો સાધ્યો. કંગનાએ એવા સમયે નિવેદન આપ્યું જ્યારે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. હરિયાણાના ખેડૂતોએ ખેડૂત આંદોલનમાં મોટેપાયે ભાગ લીધો હતો.
ચૂંટણીના રાજકારણ પર નજર રાખનાર સીએસડીએસના પ્રોફેસર સંજય કુમારે કહ્યું, "કંગનાએ જે નિવેદન આપ્યું તેને કોઈ પણ પાર્ટી સ્વીકાર ન કરી શકે. હરિયાણામાં ભાજપની સ્થિતિ નબળી છે અને પાર્ટી આ સ્થિતિમાં વધારે જોખમ ન લઈ શકે."
ભાજપે કહ્યું, "ભારતીય જનતા પાર્ટીએ કંગના રનોતને આદેશ આપ્યો છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનાં કોઈપણ નિવેદનો ન આપે."
ભાજપના મીડિયા વિભાગે આ મુદ્દે એક પ્રેસનોટ પણ જાહેર કરી છે. જોકે, ભાજપના કેન્દ્રીય કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી આ પ્રેસનોટમાં કોઈ પદ અધિકારીની સહી કે નામ નથી.
રાજકીય વિશ્લેષક અભયકુમાર દુબેએ કહ્યું, "ભાજપ બધા જ મામલે દુવિધામાં રહે છે. કંગના રનૌત ભાજપ હાઇકમાન્ડનાં ફેવરેટ છે, નહીંતર તેમને ટિકિટ કેમ આપવામાં આવી. કંગનાએ ભાજપને નુકસાન તો કર્યું જ છે, પણ પાર્ટી આ નુકસાનને ઓછામાં ઓછું કરવા માગે છે એટલે જ કંગનાને ચેતવણી આપી."
કંગનાનું કદ કેટલું મોટું?

ઇમેજ સ્રોત, ANI
કંગનાના નિવેદન પર ભાજપની જે પ્રતિક્રિયા આવી છે તે સમાચાર એજન્સીઓ અને પત્રકારો થકી આવી છે.
ભાજપે આ પ્રેસનોટને પોતાના સત્તાવાર અકાઉન્ટ પર શૅર કરી નથી. પ્રોફેસર સંજય કુમારે કહ્યું, "આ ભાજપની સેફ ગેમ રમવાની રણનીતિ લાગે છે. પાર્ટીએ ચેતવણી પણ આપી દીધી અને આ વિવાદમાંથી બચવું હોય તો બચી પણ શકે છે."
અમે આ મુદ્દે હિમાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રાજીવ બિંદલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમણે માત્ર એટલું જ કહ્યું કે કંગનાએ મુદ્દે જે પણ વાત કરવાની હતી તે કેન્દ્રીય યૂનિટે કરી દીધી છે.
હિમાચલ પ્રદેશના વરિષ્ઠ પત્રકાર શશિકાંતે કહ્યું, "કંગનાના ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું હતું કે ભાજપના સમયમાં પણ રાજ્યમાં ભ્રષ્ટાચાર હતો, પરંતુ આટલો ન હતો. આ કારણે ત્યાં હાજર પૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુર પણ નિરાશ થયા હતા."
શશિકાંત માને છે કે કંગના રનૌત બોલતાં પહેલાં વિચારતાં નથી.
શશિકાંતના મત પ્રમાણે,"માનવામાં આવે છે કે કેન્દ્રીય નેતૃત્વએ કેટલાક દાવેદારોને છોડીને કંગના રનૌતને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. આ કારણે કંગનાની વિરુદ્ધ કોઈ ખૂલીને બોલી શકતું નથી. બધાને લાગે છે કંગનાનું કદ ખૂબ જ મોટું છે."
ફિલ્મ સ્ટાર અને ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images
શશિકાંતે જણાવ્યું કે કંગના રનૌતનો મંડી સાથે સંબંધ ધરાવે છે અને તેમને રાજ્યમાં પાર્ટીના ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. જોકે, રાજકારણમાં કંગનાની શરૂઆત દર્શાવે છે કે જેવું વિચાર્યું હતું તેવું નથી.
ભાજપ હાલમાં ફિલ્મ સ્ટાર્સની પસંદગીની પાર્ટી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં આવવા માટે ભાજપમાં જોડાયા છે. જોકે, કેટલાક ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં લાંબી ઇનિંગ ન રમી શક્યા.
કંગનાની પહેલાં શત્રુઘ્ન સિન્હા, વિનોદ ખન્ના, સન્ની દેઓલ, પરેશ રાવલ, રવિ કિશન, કિરણ ખેર અને બાબુલ સુપ્રિયો જેવા ઘણા લોકો ભાજપમાં સામેલ થયા હતા.
શત્રુઘ્ન સિન્હા અને બાબુલ સુપ્રિયો પાર્ટી છોડી ચૂક્યા છે. સન્ની દેઓલ 2019માં પંજાબના ગુરુદાસપુરથી ભાજપની ટિકિટ પરથી સંસદ સભ્ય બન્યા હતા. જોકે, તેમના પર પોતાના મતવિસ્તારમાંથી ગુમ રહેવાના આરોપ લાગ્યા. તેમણે સક્રિય રાજકારણ છોડી દીધું.
આ જ સ્થિતિ 2004માં રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી ચૂંટણી જીતનાર ધર્મેન્દ્રનો થયો અને પરેશ રાવલ પણ સક્રિય રાજકારણથી અલગ દેખાય છે.
જોકે, પાર્ટીમાં હજુ પણ હેમા માલિની, અરૂણ ગોવિલ અને કિરણ ખેર જેવા ચહેરા છે જે મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાંથી આવે છે. આ ઉપરાંત ક્ષેત્રીય ફિલ્મ ઉદ્યોગના કેટલાક જાણીતા ચહેરાઓ પણ ભાજપ સાથે જોડાયા છે.
કંગના, ખેડૂત અને ભાજપની મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Getty Images
અભયકુમાર દુબેએ કહ્યું, "બધા ફિલ્મ સ્ટાર પહેલાં કૉંગ્રેસથી શરૂઆત કરતા હતા, પરંતુ રાજકારણ તેમના માટે સરળ નથી. આ કારણે આ વાતને છોડી દો. કંગનાનું ભવિષ્ય કેવું રહેશે તે વિશે અત્યારથી ન કહી શકાય. ફિલ્મોમાં પાછા ફરવા માટે તેમણે જ પોતાની ફિલ્મો બનાવવી પડશે. જોકે, તેઓ એક સારાં અભિનેત્રી છે."
ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ વર્ષ 2020ને અંતે ખેડૂતો દિલ્હીની અલગ-અલગ સરહદો પર આંદોલન કરી રહ્યા હતા.
આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઘણાં રાજ્યના ખેડૂતો સામેલ હતા. આ આંદોલન લગભગ એક વર્ષ સુધી ચાલતું રહ્યું.
કેન્દ્ર સરકારે અંતે ખેડૂતોની માંગણી સામે ઝૂકવું પડ્યું હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2021ના અંતે આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચવા પડ્યા.
ખેડૂત આંદોલન દરમિયાન ભાજપના નેતાઓએ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
આંદોલન પછી આ વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં ખેડૂતોની સંખ્યા વધારે છે તે વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો.
ભાજપ આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં હરિયાણાની 10 પૈકી પાંચ બેઠકો જીતી શક્યો. પાર્ટીને રાજ્યમાં પાંચ બેઠકનું નુકસાન થયું.
ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 પૈકી 62 બેઠકો પર કબજો કર્યો હતો. જોકે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 33 બેઠકો જ જીતી શક્યો.
ભાજપે આ ઉપરાંત પંજાબની બે અને ચંડીગઢની એક લોકસભા સીટ ગુમાવી પડી.
ભાજપ આ વખતેની લોકસભા ચૂંટણીમાં 240 બેઠકો જ જીતી શક્યો. માનવામાં આવે છે કે બહુમતીથી દૂર અને ગઠબંધનનું દબાણ કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયોમાં જોવા મળે છે.
વિપક્ષી દળોની મુશ્કેલીઓ વચ્ચે આઠ ઑગસ્ટ નરેન્દ્ર મોદી સરકારે વકફ સંશોધન બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલી આપી.
ભારે ટીકા પછી 13 ઑગસ્ટે કેન્દ્ર સરકારે નવા બ્રૉડકાસ્ટિંગ બિલને પણ પાછું ખેંચ્યું.
કેન્દ્ર સરકારે ત્યારબાદ 20 ઑગસ્ટે યુપીએસસીની જાહેરાતને રદ કરી જેમાં લેટરલ એન્ટ્રી થકી 24 મંત્રાલયોમાં 45 અધિકારીઓની ભરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કંગનાના નિવેદન પર ભાજપની તરત જ પ્રક્રિયાને હરિયાણા ઉપરાંત મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થનારી વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












