વકફ કાયદામાં સૂચિત ફેરફારોથી શું બદલાશે?

વકફ બૉર્ડ, જામા મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે

વકફ બૉર્ડનું નિયંત્રણ કરતા કાયદામાં સૂચિત ફેરફાર માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જોકે, બિલની ટીકા તે પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી.

આરોપ લગાવવામાં આવે છે કે આ સુધારાને કારણે એવા લોકો સંપત્તિના માલિક બની શકે છે જેમની સામે વકફની સંપત્તિ પર અતિક્રમણ કરવાનો આરોપ લાગ્યો હોય. આ ઉપરાંત આ સુધારાને કારણે પરોપકાર અને દાનની પ્રવૃત્તિ અને તેના ઉદ્દેશોને નબળા પાડી શકે છે.

વકફ કાયદાનું નામ બદલીને “સંકલિત વકફ વ્યવસ્થાપન, સશક્તીકરણ, કાર્યક્ષમતા અને વિકાસ કાયદો” એવું નામ રાખ્યું છે.

કેટલાક જાણકારો માને છે કે સૂચિત ફેરફારો આ કાયદાનાં નામ સાથે મેળ ખાતા નથી.

લધુમતી બાબતોના મંત્રાલય તરફથી પ્રસ્તાવિત સુધારા બિલની નકલ દરેક સંસદસભ્યને આપવામાં આવી છે.

સરકારનો પક્ષ છે કે આ સુધારો “કાયદામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે અને વકફની સંપત્તિઓનું વ્યવસ્થાપન અને સંચાલન”ને સુધારવા માટે જરૂરી છે.

સરકારની આ રૂચી વકફની અંદર આવતી અઢળક સંપત્તિઓ પર પણ ઇશારો કરે છે.

વકફ પાસે 8 લાખ 72 હજાર સંપતિ છે તથા 3 લાખ 56 હજાર જેટલી મિલ્કતો છે, જે કુલ 9 લાખ 40 હજાર એકર જમીન પર ફેલાયેલી છે.

સંરક્ષણ મંત્રાલય અને ભારતીય રેલવે પછી સૌથી વધારે સંપત્તિ વકફ હેઠળ છે.

આ ત્રણ સંસ્થા પાસે દેશમાં સૌથી વધારે જમીનોનો માલિકી હક છે.

કોર્ટમાં કાયદાને પડકાર

કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લાં બે વર્ષોમાં દેશની અલગ-અલગ હાઇકોર્ટમાં વકફ સાથે જોડાયેલી લગભગ 120 અરજીઓ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આ કાયદામાં સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

કોર્ટમાં થયેલી અરજીઓમાં વકફ કાયદાની કાયદેસરતાને પડકાર આપવામાં આવ્યો હતો કે જૈન, શિખ અને બીજી લઘુમતી સહિત બીજા ધર્મોમાં આવો કાયદો લાગુ નથી.

વકીલ અશ્વિની ઉપાધ્યાયે બીબીસીને જણાવ્યું, “ધાર્મિક આધારે કોઈ ટ્રિબ્યૂનલ ન રહી શકે. ભારત એવું રાષ્ટ્ર ન બની શકે જ્યાં બે કાયદાઓ હોય. અહીં એક દેશ અને સંપત્તિ માટે એક કાયદો હોવો જોઈએ. ન્યાયાલયમાં દાખલ કરવામાં આવેલી 120 અરજીઓ પૈકી 15 અરજી મુસ્લિમોએ દાખલ કરી છે. તેના પ્રમાણે દાન અને પરોપકાર જેવાં કામો ધર્મના આધારે ન થવાં જોઈએ.”

રાજકીય વિશ્લેષક કુર્બાન અલી આ સુધારાને “વકફની મુખ્ય જમીન પર સરકારી કબજાના પ્રયાસ” તરીકે જુએ છે.

તેમણે કહ્યું, “આ માત્ર અને માત્ર હિન્દુ મતદારોને ખુશ કરવા માટે છે. હા, વર્તમાન વકફ કાયદામાં ખામીઓ છે અને વકફ બૉર્ડ સાથે જોડાયેલ ઘણાં એકમોમાં ભ્રષ્ટાચારની વાતને પણ નકારી ન શકાય. આ એકમોનું સંચાલન પણ યોગ્ય રીતે નથી થઈ રહ્યું.”

વકફ અધિનિયમમાં પ્રસ્તાવિત 44 સુધારામાં પહેલાંથી જ કેટલાંક નાનાં શહેરો, કસબાઓમાં ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં વકફ બોર્ડને ખતમ કરવાની માંગણી સાથે વિરોધપ્રદર્શન જોવાં મળ્યાં હતાં.

મોટા ફેરફારો શું છે?

વકફ કોઈ પણ ચલ અને અચલ સંપત્તિ હોય છે જેને ઇસ્લામમાં માનનાર વ્યક્તિ અલ્લાહના નામે ધાર્મિક કે પરોપકારના ઇરાદા સાથે દાન કરે છે.

આ સુધારા બિલનાં “ઉદેશ્ય અને કારણો” પ્રમાણે ઓછાંમાં ઓછાં પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મ પાળતી કોઈ પણ વ્યક્તિ જેની પાસે જમીનની માલિકી હોય તે વકફને સંપત્તિ દાન કરી શકે છે.

પ્રસ્તાવિત સુધારા હેઠળ ઍડિશનલ કમિશનર પાસેથી વકફની વર્તમાન જમીનના સર્વે કરવાનો અધિકાર પાછો ખેંચવામાં આવ્યો છે. આ જવાબદારી હવે જિલ્લા કલેકટર કે ડેપ્યુટી કમિશનરને આપવામાં આવી છે.

કેન્દ્રિય વકફ પરિષદ અને રાજ્ય સ્તરે વકફ બૉર્ડમાં બે બિન-મુસ્લિમ પ્રતિનિધિ રાખવાની જોગવાઈ આ પ્રસ્તાવિત સુધારામાં કરવામાં આવી છે.

નવા સુધારા હેઠળ વોહરા અને આગાખાની સમુદાય માટે અલગ વકફ બૉર્ડની સ્થાપનાની પણ વાત કરવામાં આવી છે.

વકફની નોંધણી સૅન્ટ્રલ પોર્ટલ અને ડેટાબેઝ વડે કરવામાં આવશે. આ પોર્ટલ થકી 'મુતવલ્લી' એટલે કે વકફની સંપત્તિની દેખરેખ કરનાર ખાતાઓની જાણકારી આપવી પડશે. આ ઉપરાંત વાર્ષિક પાંચ હજારથી ઓછી આવક વાળી સંપત્તિ માટે મુતવલ્લીની તરફથી વકફ બૉર્ડને આપવામાં આવતી રકમને સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધી.

કોઈ સંપત્તિ વકફની હેઠળ આવે કે ન આવે તેના નિર્ણય કરવા માટેનો અધિકાર વકફ પાસેથી પાછો ખેંચી લીધો છે. નવી જોગવાઈ હેઠળ વર્તમાન ત્રણ સભ્યોવાળી વકફ ટ્રીબ્યૂનલને પણ બે સભ્યો સુધી જ સીમિત કરવામાં આવી છે. જોકે, આ ટ્રીબ્યૂનલના નિર્ણયને અંતિમ નિર્ણય માનવામાં નહીં આવે અને 90 દિવસની અંદર ટ્રીબ્યૂનલના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાશે.

નવા બિલમાં સીમા અધિનિયમને લાગુ કરવા માટેની જરૂરિયાતને દૂર કરવાની જોગવાઈ છે. આનો અર્થ છે કે જે લોકોએ વકફની જમીન પર અતિક્રમણ કર્યું છે અથવા 12 વર્ષથી વધારે સમયથી કબજો કર્યો છે તે લોકો આ સુધારાના આધારે જમીનના માલિક બની શકે છે.

વર્તમાન કાયદામાં શું ખામીઓ છે?

મુસ્લિમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વકફ ઍક્ટ 1995માં રહમાન ખાનની આગેવાનીવાળી સમિતિની ભલામણોના આધારે વર્ષ 2013માં કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. તે સમયે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને ત્યારબાદ રાજ્યસભાની સિલેક્ટ કમિટીએ વિચાર-વિમર્શ કર્યો હતો, જેનું નેતૃત્વ ભાજપના એક નેતા કરી રહ્યા હતા.

વકફ બૉર્ડનાં કામકાજને યોગ્ય બનાવવા માટે કામ કરતા કાર્યકર્તાઓ અને કેટલાક વકીલોનો મત પણ એક સરખો છે. સુપ્રીમ કોર્ટના વકીલ રઉફ રહીમ આ મત વિશે સંક્ષેપમાં જણાવે છે.

રહીમે બીબીસીને જણાવ્યું, “મૂળભૂત રૂપે, કેટલીક જોગવાઈઓને ઉમેરવા ઉપરાંત વકફ બૉર્ડના ભ્રષ્ટ સભ્યોને જેલ મોકલવા સિવાય વર્તમાન કાયદામાં કોઈ ફેરફારની જરૂર નથી.”

જોકે, વકફ અધિનિયમની કાયદેસરતાને પડકાર આપવા 119 અરજીકર્તાએ આ કાયદાની ખામીઓને રેખાંકિત કરી છે.

રાજસ્થાનના બુદીમાં રહેતા શહઝાદ મહમદ શાહે કોર્ટનો દરવાજો એટલે ખખડાવ્યો કારણ કે ફકીર સમુદાયની 90 વિઘા જમીન વકફ બૉર્ડે પોતાના કબજે કરી લીધી હતી.

તેમણે રાજસ્થાનના કોટા અને બારણ જિલ્લામાં રહેતા તેમના સમુદાયના કેટલાક લોકોએ પણ આ પ્રકારની અરજી કોર્ટમાં કરી છે.

શાહે કહ્યું, “અમે મધ્ય પ્રદેશમાં એક મુજાવર સેના વિશે પણ જાણીએ છીએ, જે વકફ બૉર્ડના આ પ્રકારનાં કામોથી હેરાન છે.”

મહમદ શાહે કહ્યું, “આ જ કારણે અમે હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું છે કે ધર્માર્થ ટ્ર્સ્ટ અને ટ્ર્સ્ટીઓ માટે સમાન કાયદાની જરૂર છે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પોતાની મરજી પ્રમાણે વકફ અધિનિયમ બનાવ્યા છે જે બંધારણના અનુચ્છેદ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે.”

શાહ ભાજપના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સભ્ય છે. તેમની અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી જેવી જ છે.

અશ્વિની ઉપાધ્યાયે કહ્યું, “સરકાર મંદિરોથી એક લાખ કરોડ રૂપિયા મેળવે છે, પરંતુ દરગાહ કે મસ્જિદ પાસેથી નહીં. જોકે, વકફ પોતાના અધિકારીઓ અને બીજા કર્મચારીઓને પગાર આપે છે. અમે અરજીમાં માંગણી કરી છે કે બધી જ ધાર્મિક સંપત્તિઓ પર નિર્ણય સિવિલ કાયદા થકી થાય, ન કે વકફ ટ્રીબ્યુનલ થકી.”

નવા સુધારાઓ સામે શું વાંધો છે?

 કિરેન રિજિજુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિરેન રિજિજુ

રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ રહમાન ખાને બીબીસીને જણાવ્યું, “સૌપ્રથમ તો પ્રસ્તાવિત સુધારામાં વકફની સંપત્તિની નોંધણી માટે એક જટિલ પ્રકિયા બનાવી છે. કલેકટર અથવા ડેપ્યુટી કલેકટરને બધી જ તાકાત આપવામાં છે, જેમના પર પહેલેથી જ ઘણી જવાબદારીઓ છે.”

રહમાન ખાને કહ્યું, “બૉર્ડ અને સૅન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બે પદો પર બિન-મુસ્લિમ માટે અનામત રાખવી બરોબર છે. જોકે, શું તેનો અર્થ એવો છે કે મુસ્લિમોને હિંન્દુ મંદિરોના બૉર્ડમાં પણ આ પ્રકારે અનામત મળશે? વકફ અધિનિયમમાંથી લિમિટેશન કાયદાને ગાયબ કરવો સૌથી ખરાબ વાત છે.”

તેમણે કહ્યું, “આ સુધારાને જો કાયદો બનાવવામાં આવશે તો વકફની સંપત્તિમાં ભારે ઘટાડો આવશે કારણ કે વકફની 99 ટકા સંપત્તિ પર ગેરકાયદેસર કબજો છે. દેશના કેટલાય ભાગોમાં વકફની સંપત્તિ પર અતિક્રમણ કરનાર લોકો જમીનના માલિક બની જશે, ખાસકરીને પંજાબ અને હરિયાણામાં ગેરકાયદેસર કબજો કરનાર લોકો.”

પુણેના સેવાનિવૃત ચીફ ઇન્કમ ટૅક્સ કમીશનર અને ઍક્ટિવિસ્ટ અકરામુલ જબ્બાર ખાન અતિક્રમણ કરનાર વકફની સંપત્તિઓના માલિક બનાવાના મુદે રહેમાન ખાનની વાત સાથે સહમત છે.

તેમણે બીબીસીને કહ્યું, “આ ફેરફારથી રિયલ એસ્ટેટ ઉદ્યોગ અને જમીન કબજો કરનાર મોટા કારોબારીઓને પણ ફાયદો થશે. એમ લાગે છે કે આ સુધારાઓ પાછળ માત્ર એક જ ઇરાદો છે.”

જોકે, જબ્બાર ખાન નવા સુધારાની કેટલીક સકારાત્મક વાતો કરતા કહે છે, “મને ખુશી છે કે કેન્દ્ર વકફ કાઉન્સિલ અને બૉર્ડ પર મુસ્લિમ સંસદસભ્યો અને ધારાસભ્યના એકાધિકારને તોડી નાખ્યો છે. તેઓ એકાધિકારવાદી બની ગયા છે. તેમણે કશું નથી કર્યું અને સામાન્ય લોકોને કોઈ ફાયદો મળ્યો નથી. આ બૉર્ડમાં ભ્રષ્ટાચાર પણ હતો.”

જબ્બાર ખાને કહ્યું, “કુલ મળીને જો સંસદની સ્ટૅન્ડિંગ કમિટી બદલશે નહીં તો વકફની સંપત્તિને મોટું નુકસાન થશે તે નક્કી છે.”

તેઓ વકફની એક આવી સંપત્તિનું ઉદાહરણ આપે છે જેનો વ્યવસ્થિત રીતે વિકાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં દુકાનો બની શકે છે અને મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી શકે છે. તેમણે કહ્યું, “તમારી પાસે જ્યારે દુકાન હોય છે ત્યારે આ પ્રકારનો ધંધો સમુદાયના લોકોને રોજગાર ઉપરાંત સરકારને ટૅક્સ પણ આપી શકે.”

આ દરમિયાન ઑલ ઇન્ડિયા સજ્જાદનશીન ઍસોસિયેશનના અધ્યક્ષ સૈયદ નસીરૂદ્દીન ચિશ્તીએ બીબીસીને જણાવ્યું, “લઘુમતિ બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અમારા પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું છે કે અલગ દરગાહ બૉર્ડ બનાવવાની ઍસોસિયેશનની સલાહ પર સરકાર ગંભીરતાથી વિચાર કરશે.”

નસીરૂદ્દીન ચિશ્તીએ કહ્યું, “લાંબા સમયથી આ અમારી માંગણી રહી છે. દરગાહો વકફ સંપત્તિમાં મોટી સ્ટેકહોલ્ડર છે. અમને આશા છે કે નવા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન સરકાર દરગાહ બૉર્ડને પણ તેમાં સામેલ કરશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.