કંગના રનૌત ભાજપ તરફથી ચૂંટણી લડશે, સિનેમામાં સફળતાથી વિવાદો સુધી તેમની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ ઍક્ટ્રેસ કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી લોકસભા ક્ષેત્રમાંથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર હશે.
રવિવારે મોડી સાંજે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, જેમાં કંગના રનૌતને મંડીથી ટિકિટ અપાઈ.
આ વખત કંગનાને ભાજપ ટિકિટ આપશે એવાં અનુમાન પહેલાંથી જ કરાઈ રહ્યાં હતાં.
કંગના રનૌતે એક દિવસ અગાઉ જ ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. હિમાચલ પ્રદેશના કાંગડામાં બગલામુખી મંદિરનાં દર્શન કરવા પહોંચેલાં કંગનાએ પત્રકારોના સવાલના જવાબમાં કહેલું કે, "માતાની કૃપા રહી તો હું મંડી સંસદીય બેઠક પરથી ચૂંટણી જરૂર લડીશ."
ટિકિટ મળવા પર કંગનાએ ટ્વીટ કરીને લખ્યું, "મારા પ્યારા ભારત અને ભારતીય લોકોની ભારતીય જનતા પાર્ટીને મેં હંમેશાં બિનશરતી સમર્થન કર્યું છે. આજે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વે મને મારા જન્મસ્થળ, હિમાચલ પ્રદેશના મંડીથી પોતાની લોકસભા ઉમેદવાર બનાવી છે."
કંગના પાછલાં કેટલાંક વર્ષોથી પોતાની ટિપ્પણીઓને લઈને સમાચારમાં રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં તત્કાલીન અવિભાજિત શિવસેનાની આગેવાનીવાળી મહાવિકાસ અઘાડી સરકાર અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદિત ટિપ્પણીને કારણે તેઓ ઘણાં ચર્ચામાં રહેતાં.
તેમની ટિપ્પણીઓને કારણે એવાં અનુમાન કરાઈ રહ્યાં હતાં કે કદાચ તેઓ ચૂંટણીલક્ષી રાજકારણમાં પોતાના માટે જગ્યા બનાવી રહ્યાં છે. તેમજ સુશાંતસિંહ રાજપૂત મામલામાં તેમણે તત્કાલીન મહાવિકાસ અઘાડી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા બાદ જ્યારે તેમને વાઇ પ્લસ સિક્યૉરિટી ઉપલબ્ધ કરાવાઈ ત્યારે તેઓ જલદી જ ભાજપમાં સામેલ થશે એવાં પણ અનુમાન થવા લાગ્યાં.
કંગનાનાં જીવન, કારકિર્દી અને વિવાદને લઈને સપ્ટેમ્બર 2020માં તેમની એક પ્રોફાઇલ પ્રકાશિત કરાઈ હતી, જે ફિલ્મ પત્રકાર ઇકબાલ પરવેઝેબીબીસી માટે લખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, @KANGANATEAM
કંગના રનૌત એ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એવું નામ છે જે હંમેશાં સમાચારો અને વિવાદોમાં છવાયેલું રહ્યું છે. ક્યારેક તેઓ પોતાના જબરદસ્ત અભિનયને લઈને તો ક્યારેક પોતાનાં લડાઈ-ઝઘડાને કારણે.
હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનય કરવાનું આયોજન કર્યું તો સૌપ્રથમ તેઓ થિયેટર ડાયરેક્ટર અરવિંદ ગૌડ પાસેથી દિલ્હીમાં અભિનયના ગુણ શીખ્યા. બાદમાં તેઓ મુંબઈ પહોચ્યાં.
મુંબઈ પહોંચ્યા બાદ કંગનાનો સંઘર્ષ શરૂ થયો, પરંતુ તેમને આદિત્ય પંચોલીનો સાથ મળી ગયો. બંનેની મિત્રતા ખૂબ જ ચર્ચામાં રહી અને કંગનાને આદિત્ય પંચોલીનાં ગર્લફ્રેન્ડ ગણાવાયાં.
મંજિલની તલાશ કરતાં કરતાં કંગનાની મુલાકાત ફિલ્મકાર મહેશ ભટ્ટ સાથે થઈ, જેમણે વર્ષ 2006માં અનુરાગ બસુના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગૅંગસ્ટર’માં કંગનાને મુખ્ય ભૂમિકા આપી.
પોતાની પ્રથમ ફિલ્મની ભૂમિકાએ જ કંગનાને સમાચારમાં લાવી દીધાં.
આ ફિલ્મમાં તેમના અભિનયનાં ખૂબ વખાણ થયાં. તેમને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ ઍવૉર્ડ પણ મળ્યો.
આ બાદથી કંગનાને ક્યારેય પાછું વળીને ન જોયું.
‘ફૅશન’ ફિલ્મે આપ્યો અલગ મુકામ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વર્ષ 2007માં કંગનાની ‘વો લમ્હે’ અને ‘લાઇપ ઇન એ મેટ્રો’ જેવી ફિલ્મો આવી, પરંતુ વર્ષ 2008ની ફિલ્મ ‘ફૅશન’એ કંગનાને અલગ મુકામ આપ્યો.
મધુર ભંડારકરની ફિલ્મ ફૅશન ઇન્ડસ્ટ્રીની કહાણી જણાવી રહી હતી, જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતાં.
આ ફિલ્મમાં કંગનાની ભૂમિકા નાની, પરંતુ મજબૂત હતી. આ સપોર્ટિંગ રોલ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
એ જ વર્ષે તેમની ફિલ્મ ‘રાઝ-3’ રિલીઝ થઈ.
વર્ષ 2008માં કંગના સમાચારમાં ફરી છવાયાં, એ સમયે રાઝ-3ના હીરો અધ્યયન સુમન સાથે તેમની રિલેશનશિપની વાત હેડલાઇન બનાવવા લાગી. પરંતુ અમુક સમયમાં જ તેમના સંબંધો તૂટી ગયા.
કંગનાએ અત્યાર સુધી સારો એવો મુકામ તો હાંસલ કરી લીધો હતો, પરંતુ તેમના પર સીરિયસ રોલ કરવાનું લેબલ લાગી ગયું હતું.
રાષ્ટ્રીય પુરસ્કારોનો તબક્કો

ઇમેજ સ્રોત, PARUL CHAWALA PR
જોકે, હકીકત પણ એ જ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ રોલ કે ફૉર્મ્યુલા હિટ થાય છે ત્યારે તેની લાઇન લાગી જાય છે.
કંગના સાથે પણ આવું જ કંઈક બની રહ્યું હતું, પરંતુ તેઓ સતત નસીબદાર સાબિત થઈ રહ્યાં હતાં.
આ દરમિયાન જ તેમની સામે વર્ષ 2011માં રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કામ કરવાની તક આવી. જે તેમણે ઝડપી લીધી. આ ફિલ્મે તેમની કારકિર્દીને અલગ જ ઊંચાઈ આપી. આ ફિલ્મના બીજા ભાગને પણ કંઈક આવી જ સફળતા મળી અને સર્વશ્રેષ્ઠ ઍક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
આ બંને ફિલ્મોને કારણે તેમને બોક્સ ઑફિસ પર સફળતાની સાથોસાથ દર્શકોની ઘણી સરાહના પણ મળી.
આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ. રાયે કર્યું હતું અને કંગનાની સાથે આર. માધવાન મુખ્ય ભૂમિકામાં હતા.
વર્ષ 2014માં કંગના બોક્સ ઑફિસનાં ક્વીન બની ગયાં.ત
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્વીન’એ બોલીવૂડમાં કંગનાની સફળતાની કહાણી લખી. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે પણ કંગનાને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના લોકો સાથે ટક્કર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાગ્ય કંગનાનો સાથ આપતું રહ્યું છે અને તેમની બે-ચાર ફિલ્મો ફ્લૉપ થયા બાદ તેમની કારકિર્દીમાં હંમેશાં એક એવી ફિલ્મ આવતી, જે તેમને ટોચ પર જાળવી રાખવામાં મદદરૂપ બનતી.
‘મણિકર્ણિકા’માં કંગના ઝાંશીનાં રાણી બન્યાં. આ ફિલ્મનું નિર્દેશન પણ કંગનાએ જ કર્યું.
પરંતુ સફળતાની સાથોસાથ તેઓ વિવાદોનાં રાણી પણ બનતાં ગયાં.
કંગનાએ એ લોકોને પણ નિશાન બનાવ્યા, જેમણે તેમની કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું હતું.
‘ગૅંગસ્ટર,’ ‘લાઇફ ઇન એ મેટ્રો’ની સફળતા બાદ કંગનાએ આદિત્ય પંચોલી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને તેમના પર દારુ પીને શારીરિક ઉત્પીડન કરવાનો આરોપ કર્યો.
જોકે, આદિત્ય પંચોલીએ કંગનાના સંઘર્ષમાં તેમનો સાથ આપ્યો હતો. આ કેસ એ સમયે મીડિયામાં સમાચારોમાં છવાયેલો રહેતો.
વર્ષ 2010માં ફિલ્મ ‘કાઇટ્સ’ ફ્લૉપ થતાં કંગના નિર્દેશક અનુરાગ બાસુ સાથે બાખડ્યાં, જેઓ તેમની પ્રથમ ફિલ્મ ‘ગૅંગસ્ટર’ના નિર્દેશક હતા.
કંગનાએ આરોપ કર્યો કે તેમને કાઇટ્સમાં જેટલી મોટી ભૂમિકા હોવાની વાત કરાઈ હતી, એટલી મોટી એ ભૂમિકા નહોતી.
ફિલ્મ ‘રાઝ-3’ની સફળતા બાદ અધ્યયન સુમન સાથે બ્રેકઅપ થયો અને કંગના ખૂબ વિવાદોમાં રહ્યાં.
હૃતિક રોશન સાથેની લડાઈની વાત બધા જાણે છે. કંગનાએ હૃતિક પર રિલેશનશિપ અંગેના ઘણા આરોપ લગાવ્યા હતા.
આ મામલો પોલીસ સુધી પણ પહોંચેલો.
કંગના અને હૃતિકની આ લડાઈમાં અધ્યયન સુમન પણ હૃતિકના સમર્થનમાં ઊતર્યા હતા અને તેમણે જણાવેલું કે કંગના તેમને કેવી રીતે ટૉર્ચર કરતાં.
હૃતિક બાદ કંગના કરણ જોહરની પાછળ પડી ગયા. કરણ જોહરને તેમણે ‘મૂવી માફિયા’નો દરજ્જો આપ્યો.
કરણ જોહર પર તેમણે નેપોટિઝમના આરોપ લગાવ્યા અને દરરોજ જોહરને લડાઈના મેદાનમાં ખેંચ્યા. જોકે, કરણ વિવાદોથી બચતા દેખાયા.
તેમજ કરણસાથે કંગના પણ કામ કરી ચૂક્યાં છે, એ ફિલ્મ ‘ઉંગલી’ મોટી ફ્લૉપ સાબિત થઈ હતી.
ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ જેવી ફિલ્મના નિર્દેશક આનંદ એલ. રાય, જેણે કંગનાની કારકિર્દીને નવા વળાંક પર પહોંચાડી, તેમની સાથે પણ કંગનાનો વિવાદ થયો. તેમજ મીડિયામાં સતત એવા સમાચાર આવ્યા કે હવે આનંદ કંગના સાથે કામ નહીં કરે.
ફિલ્મ ‘સિમરન’ રિલીઝ થઈ એ પહેલાં પણ કંગના સમાચારમાં છવાયાં. ફિલ્મના અસલ લેખક અપૂર્વ અસરાની હતા, પરંતુ કંગનાએ પોસ્ટર પર પોતાનું નામ લખાવી દીધું.
વર્ષ 2018માં જ્યારે ‘મી ટૂ’ મૂવમૅન્ટ શરૂ થઈ ત્યારે પણ કંગનાએ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું.
આ વખત પોતાની ફિલ્મ ક્વીનના નિર્દેશક વિકાસ બહલ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, “વિકાસ અજીબ પ્રકારે અમને ગળે મળતા અને કહેતા કે તારા વાળમાંથી ખૂબ સારી સુગંધ આવે છે.”

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ફિલ્મ ‘મણિકર્ણિકા’ની શૂટિંગ વખતે એટલું બધું થયં કે ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સોનુ સૂદે ફિલ્મ છોડી દીધી.
અહીં સુધી કે ફિલ્મના નિર્દેશક કૃષે પણ અધવચ્ચે જ ફિલ્મ છોડવી પડી. બાદમાં આ ફિલ્મનું નિર્દેશન કંગનાએ જાતે કર્યું.
કંગના રનૌતે પોતાની પ્રથમ ફિલ્મથી જ એ વાત સારી રીતે જાણતાં હતાં કે તેમને કૅમેરા પર કેવી રીતે જાવું છે. કેવી રીતે તેઓ સમાચારમાં છવાયેલાં રહેશે.
જ્યારે ફિલ્મ ‘ગૅંગસ્ટર’ રિલીઝ થયા બાદ, હું પ્રથમ વખત તેમનું ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો. એ સમયે તેઓ ફિલ્મ ‘વો લમ્હે’ના શૂટિંગમાં વ્યસ્ત હતા.
મને સારી રીતે યાદ છે કે તેઓ તેમણે કૅમેરાનો સેટઅપ બદલાવી દીધો હતો, કારણ કે તેમણે જમણી બાજુની પ્રોફાઇલ નહોતી આપવી.
ફિલ્મ ‘મણિકર્ણિકા’નું મુહૂર્ત બનારસના 80 ઘાટ પર થયું હતું, જ્યાં મણિકર્ણિકાનું બાળપણ વીત્યું હતું.
આ ઘાટ પર કંગનાએ માત્ર આરતી જોવાની હતી, પરંતુ તેઓ કોઈ પણ જાતના પ્રોગ્રામ વિના જ પાણીમાં ઊતરી ગયાં અને ગંગામાં ડૂબકી લગાવી દીધી.
તેઓ જાણતાં હતાં કે ડૂબકી લગાવતો વીડિયો મીડિયામાં ઘણો ચાલશે અને થયું પણ એવું જ.
ઘણી વાર મેં વિવાદો પર સવાલ પૂછ્યો તો તેનો બિંદાસ અંદાજમાં જવાબ આપતાં કહ્યું, “હું જે છું, એ પોતાના દમ પર બની છું, તેથી હું કોઈનીય પરવા નથી કરતી.”
વિવાદિત નિવેદનો અને ભાજપનું સમર્થન

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના રનૌતનું વલણ વધુ કડક બની ગયું.
તેમણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આડે હાથ લીધી. ફરી એક વાર કંગનાએ નેપોટિઝમ અને ‘મૂવી માફિયા’નો મુદ્દો ઉછાળ્યો.
કરણ જૌહર હોય કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન, બધા પર નિશાન સાધ્યું.
એટલું જ નહીં, એ મહેશ ભટ્ટ સાથે પણ ઝઘડો કર્યો, જેમણે તેમને પ્રથમ વખત તક આપી અને ગૅંગસ્ટર, વો લમ્હે અને રાઝ-3 જેવી સફળ ફિલ્મોનો ભાગ બનાવ્યાં.
સુશાંતની ડેથ મિસ્ટ્રીમાં જ્યારે ડ્રગની વાત ઊઠી તો કંગનાએ કહ્યું કે બોલીવૂડમાં 99 ટકા લોકો નશો કરે છે.
પાછલા અમુક સમયથી કંગના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક મુદ્દા પર સામે તો આવે જ છે, સાથે દેશના મુદ્દા પર પણ તેઓ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં દેખાય છે.
કંગનાનાં આ નિવેદન સંપૂર્ણપણે મોદી સરકારના સમર્થનમાં દેખાય છે.
ઘણી વાર કંગના ભાષાની મર્યાદા પણ તોડતાં દેખાય છે.
દિલ્હી રમખાણ પર કંગનાનાં બહેને રંગોલીના ટ્વિટર હૅન્ડલ મારફતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “દિલ્હીને સીરિયા બનાવી દીધું. આ બોલીવૂડ જેહાદીઓના મનમાં ઠંડક પડી. કીડાની માફક ખતમ કરી દો આમને.”
સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ કંગના ન માત્ર કૂદી પડ્યાં, પરંતુ મહારાષ્ટ્ર સરકાર પર પણ શાબ્દિક પ્રહાર કર્યા, એ સમયે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી.
કંગનાએ મુંબઈને ‘પાક અધિકૃત કાશ્મીર’ પણ ગણાવી દીધું, જેના પર રાજકારણ થવા લાગ્યું. ભાજપ અને શિવસેના સામસામે આવીને ઊભાં રહી ગયાં.
ભાજપ ખૂલીને કંગનાના સમર્થનમાં ઊતર્યો અને કંગનાને વાઇ પ્લસ સિક્યૉરિટી સુધ્ધાં આપી દીધી, જે બાદ ઘણા લોકો તેઓ જલદી જ ભાજપમાં સામેલ થશે એવાં અનુમાન લગાવવા લાગ્યા હતા.
નરેન્ધ્ર મોદી સરકારમાં સામેલ રાજ્યમંત્રી, રાજ્યસભા સાંસદ અને રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે એ પહેલાં જ કહ્યું હતે કે તેઓ કંગના રનૌતનું ભાજપ સ્વાગત કરશે.














