અમીન સાયાની: બાળપણમાં ગુજરાતી બોલતા ઉદ્ઘોષક આખા ભારતમાં કેવી રીતે છવાયા?

અમીન સયાની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમીન સાયાની
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રેડિયો ઉદ્દઘોષક અમીન સાયાનીનું બુધવારે 91 વર્ષની ઉંમરે હાર્ટઍટેકથી અવસાન થયું. તારીખ હતી, 21મી ફેબ્રુઆરી અને 'વિશ્વ માતૃભાષા દિવસ.'

હિંદુસ્તાની ભાષાથી ઘરે-ઘરે પહોંચનારા સાયાનીના બાળપણમાં ઘરની બોલચાલની ભાષા ગુજરાતી હતી, જેના કારણે તેમનું રિજેક્શન થવાનું હતું, જે તેમના જીવનમાં 'અભિશાપમાં આશીર્વાદ' જેવું બની રહેવાનું હતું.

રેડિયો કારકિર્દી માટે જરૂરી એવા બે શારીરિક અંગમાં ખામી થવા હોવા છતાં, સાત 'સ'નો સમન્વય કરીને તેમણે પોતાની વાતને લોકો સુધી પહોંચાડી હતી અને 'રોલ મૉડલ' બની ગયા હતા.

વીતેલા સમયમાં રેડિયો સિલોન પર 'બિનાકા ગીતમાલા' કાર્યક્રમની શરૂઆતમાં 'બહેનો ઔર ભાઈઓ....'ના ઉદ્દબોધનથી સાયાની ઘર-ઘરમાં પહોંચ્યા અને જાણીતો અવાજ બન્યા હતા.

તેમણે રેકર્ડ સંખ્યામાં રેડિયો જાહેરાતો અને જિંગલ્સ માટે પોતાનો અવાજ આપ્યો હતો.

સમયના વહેણની સાથે રેડિયો અને સાયાનીનો અવાજ જનમાનસ પરથી ભૂંસાવા લાગ્યા હતા, એવામાં એક પ્રોડક્ટ આવી, જેણે જૂનાં સંસ્મરણો પરથી ધૂળ ખંખેરી તથા અનેક યાદોને તાજી કરી દીધી.

મહાત્મા ગાંધી સાથે પરિચય

અમીન સયાની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમીન સાયાની

તા. 21 ડિસેમ્બર, 1932ના દિવસે અમીન સાયાનીનો જન્મ તત્કાલીન બૉમ્બે ખાતે થયો હતો. તેમનાં માતા કુલસુમબહેન તથા પિતા ડૉ. જાન મહમદ પ્રખર ગાંધીવાદી હતા.

કુલસુમના પિતા રજબઅલી પટેલ વ્યવસાયે તબીબ હતા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને 'બાપુ' નહોતા બન્યા ત્યારથી તેમની સાથે પરિચય હતો. રજબઅલી તેમના અંગત તબીબ હતા અને કુલસુમ તેમને 'કાકા' કહીને સંબોધતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

19 વર્ષની ઉંમરે કુલસુમ અને જાન મહમદનાં લગ્ન થયાં. ગાંધીવાદી વિચારોથી પ્રેરિત જાન મહમદ ઘણી વખત દર્દીઓનો મફતમાં ઇલાજ કરી આપતા. આઝાદી માટે સંઘર્ષરત્ ગાંધીવાદી પરિવારમાં પુષ્કળ પૈસા તો ન હતા, પરંતુ જરૂરિયાતો આરામથી સંતોષાઈ જતી.

ગાંધીજીના સૂચનથી કુલસુમ ઘર-ઘર જઈને મોટી ઉંમરનાં લોકોને વિશેષ કરીને મહિલાઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કરતાં તથા આના માટે પોતાના પૈસા પણ ખર્ચતાં. ગાંધીજીના જ કહેવાથી તેમણે શિક્ષણના પ્રસાર માટે 'રહબર' નામનું સામયિક શરૂ કર્યું હતું, જેમાં નાગરી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો.

બાળ અમીન તેમનાં માતાને 'રહબર'નું નાનું-મોટું કામ કરી આપતા. સફળતા મળ્યા બાદ પણ તેઓ 1960માં 'રહબર' બંધ થયું, ત્યાં સુધી તેની સાથે જોડાયેલા રહ્યા અને માતાને સંપાદનકાર્યમાં મદદ કરતા.

સાત વર્ષની ઉંમરે સાયાની તેમના મોટા ભાઈ અને બ્રૉડકાસ્ટિંગમાં તેમના ગુરુ હામિદ સાથે ઑલ ઇન્ડિયા રેડિયોના રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગયા હતા અને ત્યાં પ્રથમ વખત પોતાનો જ રેકૉર્ડ થયેલો અવાજ સાંભળ્યો હતો અને આ પ્રસાર માધ્યમ તરફ આકર્ષાયા હતા.

પિતા પારસી ભાષા પણ જાણતા હતા, જ્યારે માતા ગુજરાતી બોલતાં. શાળામાં ગુજરાતી ભાષા બોલાતી, પરંતુ બંગાળી અને પંજાબી પણ શીખ્યા.

બૉમ્બેમાં મરાઠી ભાષા બોલાતી, તો અંગ્રેજી અને હિન્દુસ્તાની સિવાય ઉદ્ધાર ન હતો. ઉર્દૂ અને ફારસી લઢણવાળા ભાષા લોકો આસપાસમાં હતા. માતાને મદદ કરવાને કારણે હિંદુસ્તાની, ઉર્દૂ અને ગુજરાતી ભાષાનો મહાવરો થયો. આમ અનેક ભાષાઓ સાથે તેમનો પરિચય થયો, પરંતુ એ જ તેમના માટે મુશ્કેલી પણ ઊભી કરવાનો હતો.

સાયાનીનો શરૂઆતનો સંઘર્ષ

અમીન સાયાની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમીન સાયાની

મુંબઈના કોઈ પણ યુવકની જેમ શરૂઆતના સમયમાં તેઓ હીરો બનવા માગતા હતા, આ સિવાય પાર્શ્વગાયનનું પણ આકર્ષણ ખરું.

વર્ષો પહેલાં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે 'નાનપણમાં હું સારું ગાતો, મારે પાર્શ્વગાયક બનવું હતું, પરંતુ યુવાન થતાં મારો અવાજ ફાટી ગયો, જેના કારણે મારું સપનું અધૂરું રહ્યું.'

ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી ભણીને આવ્યા બાદ તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોના બૉમ્બે (હાલનું મુંબઈ) કેન્દ્ર ખાતે હંગામી ઉદ્દઘોષક માટેનો ઇન્ટરવ્યૂ આપ્યો. ગીતકાર આનંદ બક્ષીના પુત્ર રાકેશે 'લૅટ્સ ટૉક ઓન ઍર' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે સાયાની સિવાયના 13 ઉદ્દઘોષકોના જીવન વિશેની વાતો લખી છે.

રાકેશ બક્ષી લખે છે કે અમીન સાયાનીને હિંદી ભાષાની એક સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, પરંતુ અંગ્રેજી અને ગુજરાતી ઢબના ઉચ્ચારણને કારણે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા. ભાઈ હામિદે તેમને હતાશ થવાને બદલે ભાષા ઉપર કામ કરવા સૂચન કર્યું, જેમાં 'રહબર'એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

સંગીત સીડીથી સફળતા

અમીન સાયાની

ઇમેજ સ્રોત, Getty Images

અંગ્રેજોએ બીજા વિશ્વયુદ્ધ વખતે સિલોન (હાલનું શ્રીલંકા) ખાતે શક્તિશાળી શૉર્ટવેવ ટ્રાન્સમિટર નાખ્યું હતું, જેથી કરીને એશિયામાં તહેનાત બ્રિટીશ સૈનિકો સુધી માહિતી પહોંચાડી શકાય.

તેના અમુક હિંદી કેન્દ્રિત કાર્યક્રમો બૉમ્બેમાં તૈયાર થતા. હામિદ પણ તેમાં જોડાયા હતા. અમીન તેમાં પરચૂરણ કામ કરતા. એવામાં તેમને એક સ્પૉન્સર્ડ સાપ્તાહિક હિંદી કાર્યક્રમ માટે નિયમિત રીતે અવાજ આપવાની તક મળી અને પુરસ્કાર હતો એ હેલ્થ ડ્રિંક.

કોલંબિયા યુનિવર્સિટી ખાતે સાઉન્ડ મીડિયાના ઇતિહાસકાર ઇઝાબેલ અલોન્સોએ 'રેડિયો ફૉર ધ મિલિયન્સ' નામનું પુસ્તક લખ્યું છે, જેના પરિચય પ્રકરણ 'ટ્યૂનિંગ ઇન ટુ અ રેડિયો'માં તેઓ કાર્યક્રમની સફળતા માટેનું રાજકીય કારણ પણ જણાવે છે.

નહેરુ સરકારમાં ઑલ ઇન્ડિયા રેડિયોનો હવાલો બી. વી. કેસકર પાસે હતો. તેમને લાગતું હતું કે હિંદી ફિલ્મસંગીતને કારણે લોકોની રુચિ બગડી રહી છે. આથી, કેસકરે રેડિયો પર કર્ણાટક અને હિંદુસ્તાની સંગીત જ પ્રસારિત કરવાના આદેશ આપ્યા. આ સિવાય હિંદી બોલતી વખતે ઉર્દૂ કે ફારસી શબ્દનો ઉપયોગ નહીં કરવા પણ જણાવ્યું.

બજારમાં ખાલી પડેલી જગ્યા 'રેડિયો સિલોન'એ ભરી, જેના પર 'હિટ-પરેડ' નામનો કાર્યક્રમ આવતો. એવો જ હિંદી કાર્યક્રમ પ્રાયોગિક ધોરણે રજૂ કરવાનું નક્કી થયું, જેના 'ગીતમાલા' એવું નામ મળ્યું. ટૂથપેસ્ટ બ્રાન્ડ બિનાકા આ કાર્યક્રમની પ્રાયોજક હતી.

હામિદે આ કામ અમીનને સોંપ્યું, જેમણે કાર્યક્રમ માટે કોઈ પણ જાતના અનુક્રમ વગરે સાત ગીત પસંદ કરવાના હતા, સ્ક્રિપ્ટ લખવાની હતી અને પત્રો વાંચવાના હતા, જેના માટે તેમને દર અઠવાડિયે રૂ. 25નો પુરસ્કાર મળવાનો હતો.

અંગ્રેજી ઉદ્દઘોષક 'લેડિસ ઍન્ડ જૅન્ટલમૅન...'થી કાર્યક્રમની શરૂઆત કરતા. સાયાનીએ 'દેવિયોં ઔર સજ્જનો'ની જેમ તેનો બેઠો અનુવાદ કરવાના બદલે 'બહેનો ઔર ભાઈઓ...' શબ્દપ્રયોગ કર્યો, જે અસામાન્ય હતું, કારણ કે હિંદુસ્તાની ભાષામાં સામાન્યતઃ 'ભાઈઓ ઔર બહેનો...' એવો શબ્દપ્રયોગ થતો.

આ કાર્યક્રમનું રેકૉર્ડિંગ સાયાનીની ઝેવિયર્સ કૉલેજમાં કાર્યરત્ રેડિયો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડિયોમાં તેનું રેકૉર્ડિંગ થતું. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં થાય તેમ અહીં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો ભારે કોલાહલ રહેતો. જેથી અમીને ઊંચા અવાજે બોલવું પડતું.

અનેક સાર્વજનિક કાર્યક્રમોમાં અમીન સાયાની કહેતા કે અંગ્રેજી કાર્યક્રમની સ્પર્ધાને જે પ્રતિસાદ મળતો, તે જોતા હિંદીને પ્રતિયોગિતાને 50-60 પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ 1952ના અંત ભાગમાં પહેલા પ્રસારણને નવ હજાર જેટલા પત્ર મળ્યા. એક તબક્કે આ આંકડો 60 હજાર સુધી પહોંચી ગયો હોવાનો સાયાનીનો દાવો છે, જેના માટે સ્વયંસેવકોની નાનકડી ટીમ તેમને મદદ કરતી.

તા. 30 ડિસેમ્બર, 1953ના પહેલી વખત વર્ષનું સર્વશ્રેષ્ઠ ગીત રજૂ કર્યું. આગળ જતાં તે હોલમાર્ક પ્રોગ્રામ બનવાનો હતો. અભિનેતા, સંગીતકાર, ગીતકાર અને ગાયક એમ કસબને કેન્દ્રમાં રાખીને વારાફરતી તેમના વાર્ષિક કાર્યક્રમ થતા, જેમાં તેઓ ઇન્ટરવ્યૂ આપતા.

વર્ષ 1954માં પ્રતિયોગિતા બંધ કરી દેવામાં આવી અને એક કલાકનો કાર્યક્રમ કરી દેવાયો. બુધવારે સાંજે આઠ વાગ્યે રેડિયો સિલોન પર 'નમસ્તે બહેનો ઔર ભાઈઓ મેં આપકા રેડિયો દોસ્ત અમીન સાયાની બોલ રહા હું...' અવાજની સાથે કાર્યક્રમ શરૂ થાય અને પછી સિગ્નેચર ટ્યૂન વાગે.

ચાર દાયકા દરમિયાન સ્પૉન્સર બદલાયા અને વર્ષ 1989માં સ્ટેશન બદલાઈને વિવિધભારતી થયું, છતાં અવાજ સાથેની શ્રોતાઓની ઓળખને કારણે વર્ષ 1994 સુધી કાર્યક્રમ પ્રસારિત થતો રહ્યો અને તેની લોકપ્રિયતા જળવાઈ રહી.

એક કલાક દરમિયાન 16 ગીત રજૂ થતાં, હિટ-પરેડને સાયાનીએ 'સંગીત સીડી' એવું નામ આપ્યું હતું. જેમાં નવું ગીત ઉમેરાતું અને જૂના ગીતના પાયદાન ઉપરનીચે થતા. અમીન સાયાનીની પસંદ, નિષ્ણાતો, શ્રોતાઓના પત્ર, વેચાણ અને રેકર્ડ ન મળવાને કારણે તેનું સામૂહિક શ્રવણ કરનારા 'શ્રોતાસંઘ'ની ભલામણોના આધારે આ અનુક્રમ નક્કી થતો.

આ કાર્યક્રમ ભારત, પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ), એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકાના દેશો સુધી સંભળાતો. એક તબક્કે તેના શ્રોતાઓની સંખ્યા 12 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જોકે, જેમ અંતર વધતું તેમ ગુણવતા ઓછી થતી જતી.

આગળ જતાં ફરી એક વખત વિવિધભારતી અને દૂરદર્શન પર પણ તેમણે કાર્યક્રમ આપ્યા.

જનમાનસ પરથી 'ગીતમાલા' અને અમીન સાયાનીનું નામ ભૂંસાઈ રહ્યું હતું, એવામાં વર્ષ 2017 આસપાસ મ્યુઝિક કંપની સારેગામાએ 'કારવા' નામની પ્રોડક્ટ લૉન્ચ કરી અને તેને 'ઉંમરદરાજો માટે ઉપહાર' તરીકે રજૂ કરી. જેમાં જૂના ગીતો ઉપરાંત 'બીનાકા ગીતમાલા' પણ હતું.

રેડિયો સંવાદની ભાષામાં શું કાળજી રાખતા?

અમીન સાયાની

ઇમેજ સ્રોત, ameen j. sayani/fb

દેશ વિદેશના અનેક રેડિયો ઉદ્દઘોષક તો સાયાનીની બોલવાની ઢબની નકલ કરતા જ, પરંતુ શેરીઓમાં લાઉડ સ્પીકર પર જાહેરાત કરીને વસ્તુઓ વેચવા નીકળનારા ફેરિયા પણ તેમની જેમ બોલતા.

વર્ષ 2014માં ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સાયાનીએ કહ્યું હતું કે '1960ના દાયકામાં હું દર અઠવાડિયે 20 કાર્યક્રમ રેકર્ડ કરતો અને ખૂબ જ વ્યસ્ત રહેતો. આવા સમયે એક લાંબો યુવાન મને મળવા આવતો, પરંતુ હું તેને રિસૅપ્શનિસ્ટ મારફત અપૉઇન્મૅન્ટ લઈને આવવાનું કહેતો, પરંતુ મુલાકાત કે ઑડિશન ક્યારેય ન થયાં.'

આ યુવક એટલે અમિતાભ બચ્ચન, જેઓ બોલીવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'ઍંગ્રી યંગમૅન'નો નવો યુગ લાવવાના હતા. સાયાનીને એ વાતનો ખેદ હતો કે અમિતાભનું ઑડિશન ન લીધું. વર્ષો પછી બંને મળતા ત્યારે એ ઘટના યાદ કરતા અને હસતા.

અમીનને રેકૉર્ડિંગ માટે સારો સાઉન્ડપ્રૂફ સ્ટુડિયો અને ઉચ્ચ ગુણવત્તાવાળાં મશીન મળ્યાં. એ સાથે તેમને ઊંચાના બદલે સામાન્ય સંવાદના ટોનમાં બોલવાનું શરૂ કર્યું.

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સાયાનીએ પોતાની સફળતા માટે કહ્યું હતું કે 'રેડિયોમાં વકતા અને શ્રોતા એમ બે પૈડાં હોય છે. વક્તાએ હંમેશાં શ્રોતાની જ ભાષા બોલવી જોઈએ. જો એક પણ પૈડું મોટું-નાનું હોય તો ગાડી બરાબર નહીં ચાલે.'

સાયાની કહેતા કે શ્રોતા જે ભાષા બોલે છે, એ જ હું બોલું છું. રેડિયોમાં વક્તાને સ્ક્રિપ્ટ રાખવાનો વિકલ્પ મળી રહે છે, પરંતુ તેણે બને ત્યાર સુધી તેનો ઉપયોગ ન કરતા સામે કોઈ વ્યક્તિ બેઠી હોય અને તેની સાથે સીધો સંવાદ થતો હોય તે રીતે જ ઉદ્દબોધન કરવું જોઈએ.

પોતાના દાયકાઓના અનુભવને આધારે સાયાની કહેતા કે હિંદી ભાષા સાત 'સ'નું પાલન કરીને શ્રોતા સાથે સારી રીતે સંવાદ થઈ શકે. જે હતી વિષયવસ્તુ વિશે સારી 'સજ્જતા', તમે કોઈ વાત કહો કે વસ્તુનો પ્રચાર કરો, હંમેશા 'સત્ય' બોલો.

શ્રોતા સાથેના તમારા સંવાદને ક્લિષ્ટ ન બનાવતા સમજવામાં 'સરળ' રાખો. જાહેરાત હોય કે રેડિયો કાર્યક્રમ તેની ભાષા 'સ્પષ્ટ' હોવી જોઈએ, જે શ્રોતાના મનમાં કોઈ અવઢવ ઊભી ન કરતી હોવી જોઈએ.

સાયાનીનો કાર્યક્રમ લોકપ્રિય બન્યો હોવાનું એક કારણ એ પણ હતું કે સમગ્ર પરિવાર સાથે બેસીને તેને માણી શકતો. આ માટે સાયાની સ્ક્રિપ્ટની ભાષામાં 'સભ્યતા' પર ભાર મૂકતા.

ગમે તેવા ગંભીર વિષય પરની સ્કિપ્ટને પણ તાદ્દશ ચિત્ર ઊભું કરે તેવી સુંદર રીતે રજૂ કરી શકાય છે. સાયાનીની ટીપનો છેલ્લો અને સાતમો 'સ' એ 'સ્વાભાવિક'નો હતો. સંવાદ કરતી વખતે તેમાં બનાવટ ન હોવી જોઈએ અને વાતચીત જેવો સહજ લાગવો જોઈએ.

સાયાનીની સફળતાનાં સોપાન

અમીન શાળામાં ભણતા ત્યારે તેમના પ્રિન્સિપાલે માતા-પિતાને કહ્યું હતું કે 'તમારો દીકરો કાશ્મીરી છોકરી સાથે લગ્ન કરશે.' કાશ્મીરી પંડિત રમા મટ્ટુ સ્વરૂપે એ અગમવાણી સાચી પડી હતી. રમાના અંકલ ઑલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતા. જેઓ સરકારી પ્રસારણકર્તા માટે હંગામી ધોરણે કામ કરતાં. ગાયિકા અને વૉઇસ ઓવર આર્ટિસ્ટ પણ હતાં.

દુનિયા અમીન સાયાનીના અવાજને ઓળખતી અને પસંદ કરતી, પરંતુ દૂરદર્શનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે 'મારી પત્નીને મારો અવાજ પસંદ ન હતો અને મારી ભાષામાં ખોટ જણાતી.'

અમીન સાયાનીને નાનપણથી ડાબા કાનમાં સાંભળવાની તકલીફ હતી અને ઉંમર સાથે જમણા કાનમાં પણ તકલીફ થવા લાગી હતી, હિયરિંગ એઇડ લગાડવા છતાં તેમને સાંભળવામાં તકલીફ રહેતી, છતાં તેમના અવાજમાં એ જ મિજાજ જળવાઈ રહ્યો.

પોતાની લાંબી અને યશસ્વી કારકિર્દી દરમિયાન તેમણે અનેક રેકર્ડ બનાવવામાં આવ્યા, જેને તેમની વેબસાઇટ પર સંકલિત કરવામાં આવ્યા છે. જે મુજબ :

  • સાયાનીએ 54 હજાર રેડિયો કાર્યક્રમ હોસ્ટ કર્યા કે તેમાં સામેલ રહ્યા
  • 20 હજારથી વધુ રેડિયો જાહેરાતો કે જિંગલ માટે કંઠ આપ્યો
  • બે હજારથી વધુ સ્ટેજ શૉ, ફૅશન-શૉ, બ્યુટી કૉન્ટેસ્ટ, ફિલ્મ શો, કૉન્સર્ટનું હોસ્ટિંગ કર્યું
  • બીબીસીના ઍથનિક નૅટવર્ક માટે 35 જેટલી ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યૂ કર્યા
  • બીબીસી વર્લ્ડ સર્વિસ માટે 'મ્યુઝિક ફૉર ધી મિલિયન્સ'ના છ ઍપિસોડ કર્યા
  • સાયાનીની જેમ જ ફિલ્મ અભિનેતા સુનીલ દત્ત પણ રેડિયો સિલોન માટે ઉદ્દઘોષક હતા તથા એ સમયે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ હતી, જે જીવનપર્યંત ચાલી. બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે 'મને જો દુનિયાના સુંદર વ્યક્તિનું નામ લેવાનું કહેવમાં આવે, તો તે સુનીલ દત્ત હશે.'
  • ભારત, અમેરિકા, કૅનેડા, યુકે, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ, ફિજી સહિત વિશ્વના 12 દેશના રેડિયો પર હિંદી-ઉર્દૂ ભાષામાં કાર્યક્રમ આપ્યા હતા.
  • વર્ષ 1960માં માતા કુલસુમને પદ્મ શ્રીનો પુરસ્કાર મળ્યો અને વર્ષ 2009માં અમીનને પણ આ સન્માન મળ્યું
  • યે દિલ કિસકો દુ, ગિનિ ઔર જોની, ભૂતબંગલા જેવા કાર્યક્રમોમાં અભિનય આપ્યો. જોકે, વિલન કે કૉમેડિયન તરીકેના રોલ ઓફર થતા, જેને સાયાનીએ નકાર્યા.
  • વર્ષ 1975માં મોટા ભાઈ હમિદના અવસાન પછી તેમણે ક્વિઝનો કાર્યક્રમ કર્યો, જે તેમની કારકિર્દીનો અપવાદરૂપ અંગ્રેજી કાર્યક્રમ હતો.

જો અંગ્રેજી અને ગુજરાતી ઢબની હિંદી બોલવાને કારણે ઑલ ઇન્ડિયા રેડિયોએ અમીન સાયાનીને રિજેક્ટ ન કર્યા હોત, તો તેઓ રેડિયો સિલોન ન ગયા હોત અને આ અદ્દભુત શૈલીના ઉદ્દઘોષક લોકો સુધી ન પહોંચ્યા હોત.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી
બીબીસી