મોદી સરકારના બજેટથી નોકરિયાત વર્ગને કોઈ રાહત કેમ ન મળી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદન કુમાર જજવાળે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ રજુ કરેલ સામાન્ય બજેટ હજુ પણ ચર્ચામાં છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપના અપેક્ષાથી નબળા પ્રદર્શન પછી આશા હતી કે આ બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપવામાં આવશે.
ભારતમાં નોકરી કરતા લોકોની એક મોટી સંખ્યાને ભાજપના સમર્થક માનવામાં આવે છે. આ કારણે જ આ બજેટમાં નોકરિયાત વર્ગ માટે સરકાર તરફથી કોઈ મોટી રાહતની આશા હતી.
જોકે, આ વર્ષના સામાન્ય બજેટની વાત કરીએ તો ન્યૂ ટૅક્સ રિજીમમાં થોડાક ફેરફાર સિવાય નોકરીયાત લોકો માટે બજેટમાં કંઈ ખાસ નજર ન આવ્યું.
સામાન્ય બજેટ 2024-25માં ખેતી, ગરીબ, યુવાન અને રોજગારી જેવા મુદાઓ પર સરકાર ધ્યાન કેન્દ્રિત રાખ્યું હોય તેવું લાગે છે.
કેન્દ્ર સરકાર અને તેમના સહયોગી દળો સામાન્ય બજેટને દેશના વિકાસ સાથે જોડી રહ્યા છે. વિપક્ષ આ બજેટને સહયોગી દળોને ખુશ કરનાર અને બે રાજ્યોનું (બિહાર અને આંધ્ર પ્રદેશ) બજેટ ગણાવી રહી છે.
જોકે, મધ્યમ વર્ગની ચર્ચા ઓછી સાંભળવા મળી રહી છે. રાજકીય ચર્ચાઓમાં નોકરીયાત વર્ગ ગાયબ છે, જે દેશમાં સૌથી વધારે આવકવેરો ભરે છે.
સીએ મનોજકુમાર ઝાએ બીબીસીને કહ્યું, “સરકારે નવા ટૅક્સ રિજીમમાં આવકવેરો જમા કરનાર લોકોને થોડોક ફાયદો આપ્યો છે, જે લગભગ આઠ હજારથી 28 હજાર રૂપિયા વચ્ચે છે. આ સિવાય બીજી કોઈ રાહત આપવામાં આવી નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવકવેરો ભરનાર લોકોને મળતી રાહતની વાત કરીએ તો ન્યૂ ટૅક્સ રીજીમમાં સરેરાશ 18 હજારની રાહત મળી શકે. જોકે, જૂના ટૅક્સ રિજીમમાં આ લાભ મળતો નથી.

નિરાશા કેમ મળી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડેક્સેશન બેનિફિટ ખતમ
આ વર્ષના બજેટમાં સરકારે ઇન્ડેક્સેશન બેનિફિટને ખતમ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ લાભ સંપત્તિ એટલે કે મકાન, ઘરેણાં, ચિત્રો જેવી વસ્તુઓ પર વેચવાથી મળતો હતો.
જોકે, બજેટમાં ઇન્ડેક્સેશન ટૅક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો, પરંતુ તેનો ફાયદો ઓછો અને નુકસાન વધારે દેખાય છે.
અમે આ વિશે માહિતી મેળવવા માટે સીએ મનોજકુમાર ઝા સાથે વાતચીત કરી.
તેમણે કહ્યું કે જો તમે વર્ષ 2010માં 30 લાખમાં કોઈ મકાન ખરીદ્યું અને તે મકાનને આજે 70 લાખમાં વેચી રહ્યા છો. જૂના નિયમો પ્રમાણે, ઘરને વેચતી વખતે દર વર્ષે વધતી મોંઘવારી અને ઘરની સારસંભાળ પર થતો ખર્ચો ઉમેરીને કિંમતની ગણતરી કરવામાં આવતી હતી.
આ રીતે તમારા મકાનની કિંમત 60 લાખ થઈ જાય છે અને ત્યારબાદ મકાન વેચતી વખતે થયેલા નફા પર ટૅક્સ આપવો પડે છે.
આમ, જુના નિયમો પ્રમાણે તમારે 10 લાખ રૂપિયા પર 20 ટકાના દરે વેરો આપવો પડતો હતો. જોકે, આ વર્ષના બજેટ પ્રમાણે તમારે 40 લાખ રૂપિયાના નફા પર 12.5 ટકા વેરો આપવો પડશે.
જૂનાં મકાનોની વાત કરીએ તો તેની કિંમત લગાડવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2000ને લેવામાં આવે છે. જોકે, વારસાગત મિલકતનું મૂલ્ય તમારા નામે ટ્રાન્સફર થાય તે વર્ષથી નક્કી થાય છે.
આ ઉપરાંત સંપત્તિની કિંમત નક્કી કરવા માટે બીજા નિયમોનો પણ આધાર પણ લેવામાં આવે છે.
બૅન્કિંગ અને અર્થવ્યવસ્થાના જાણકાર અશ્વિની રાણાએ કહ્યું, “લાગે છે કે સરકાર એ લોકો પર નિયંત્રણ કરવા ઇચ્છે છે જે વારંવાર સંપત્તિની ખરીદીને વેચે છે. જોકે, આ નિયમને કારણે એવા લોકોને ફટકો લાગશે જે નાનું ઘર વેચીને મોટું ઘર લેવા માંગે છે. અથવા તો બે-ત્રણ ભાઈઓ વચ્ચે વિભાજન થાય તો તેમને નુકસાન થશે.”
કૅપિટલ ગેન પર વેરો વધ્યો

ઇમેજ સ્રોત, Getty Images
બજેટ પર નજર રાખનાર દિલ્હીના વિકાસે કહ્યું, “સંપત્તિ વેચવાથી પહેલાં લોકોને ફાયદો થતો હતો. જો તમે સંપત્તિ વેચીને તે જ નાણાકીય વર્ષમાં રહેવા માટે મકાન ખરીદો તો સેક્શન 54 મુજબ તમે વેરો બચાવી શકતા હતા. જોકે, જે લોકો મ્યૂચુઅલ ફંડ અને ઇક્વિટી શૅરના ખરીદ-વેચાણથી ફાયદો મેળવવા ઇચ્છે છે તેમના પર ઇન્ડેક્સેશન બેનિફિટ ખતમ થવાને કારણે ખરાબ અસર પડશે.”
સામાન્ય બજેટ 2024માં શૅર અથવા મ્યૂચુઅલ ફંડથી પૈસા નિકળવા પર લાગતા વેરાની ટકાવારી પણ વધારી દીધી છે.
શેયર અથવા મ્યુચ્યુઅલ ફંડને ખરીદ્યાના એક વર્ષની અંદર વેચવામાં આવે તો તેના નફા પર લાગતા વેરાને 15 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. જો આ શૅર કે ફંડને એક વર્ષ પછી વેચવામાં 10 ટકાની બદલે 12.5 ટકા ટૅક્સ ચૂકવવો પડશે.
આર્થિક વિષયોના જાણકાર કમલાકાંત શાસ્ત્રીએ કહ્યું, “આ વર્ષે બજેટમાં દર વર્ષની જેમ મધ્યમ વર્ગની અવગણના કરવામાં આવી છે. શૅર અને મ્યુચ્યુઅલ ફંડ પર થતા નફા પર પણ વેરાની ટકાવારી વધારી દેવામાં આવી છે.”
કમલાકાંતે કહ્યું, “તમને જૂના ટૅક્સ રિજીમમાં 80ડી હેઠળ મેડિક્લેમમાં 25 હજાર રૂપિયા સુધી જ ક્લેમ કરી શકો છો. આ વર્ષે પણ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ખુબ જ નાની રકમ છે, પરંતુ હેલ્થ સેક્ટરમાં ખર્ચ વધી ગયો છે.”
અશ્વિની રાણા પણ એક તકલીફ વિશે વાત કરે છે. તેમણે કહ્યું કે સરકારનું સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્ર પર કોઈ નિયંત્રણ નથી. ખાનગી હૉસ્પિટલો દર્દીઓ પાસેથી મેડિક્લેમમાં મોટી રકમ વસૂલે છે. આ કારણે વીમા કંપનીઓ પોતાના પ્રીમિયમ સતત વધારી રહી છે.
આ જ સ્થિતિ દેશની ખાનગી શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓની છે, જેની ફી દર વર્ષે વધતી જાય છે, જેની સીધી અસર મધ્યમ વર્ગ પર પડે છે. આવકવેરો ભરનાર લોકો માટે અ મુદ્દે થોડીક રાહત આપી શકાઈ હોત.
અશ્વિની રાણા માને છે કે બિઝનેસ ક્લાસ લોકોની મોટી કમાણી અને ખર્ચ રોકડામાં થાય છે. જોકે, નોકરીયાત લોકો પાસે બચાવવાનો કોઈ રસ્તો નથી.
નોકરીયાત પર વેરાનો બોજ
ભારત સરકારના આંકડાઓ પ્રમાણે વર્ષ 2023-24માં દેશમાં લગભગ 9.23 લાખ કરોડ રૂપિયા કૉરપોરેટ વેરામાં જમા થયા છે. જ્યારે ભારત સરકારને આવકવેરા તરીકે લગભગ 10.22 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.
સરકારનું અનુમાન છે કે વર્તમાન નાણાકીયવર્ષમાં આવકવેરાથી તેમના રાજસ્વમાં વધારે કમાણી થશે. અનુમાન છે કે વર્ષ 2024-25માં સરકારને કૉરપોરેટ વેરા તરીકે 10.42 લાખ કરોડ રૂપિયા મળશે, જ્યારે આવકવેરાથી 11.56 લાખ કરોડ રૂપિયા મળશે.
ભારતની કુલ વસ્તીના લગભગ 1.6 ટકા લોકો જ આવકવેરો ભરે છે. જોકે, ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરનાર લોકોમાંથી લગભગ 70 ટકા લોકો ટૅક્સના દાયરામાં આવતા નથી.
ટૅક્સ અને અર્થવ્યવસ્થાના જાણકાર શદર કોહલીએ કહ્યું, “ભારતમાં સામાન્ય રીતે વાર્ષિક આઠ લાખથી 15-20 લાખ રૂપિયાની કમાણી કરનાર લોકોને મધ્યમ વર્ગમાં રાખવામાં આવે છે.”
દેશના 20 કરોડ લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.
ઇન્ક્મટૅક્સ વિભાગ દ્વારા ગયા વર્ષે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં 8.18 કરોડ લોકોએ ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કર્યું હતું.
ભારતની લગભગ 30 ટકા વસ્તીને મધ્યમ વર્ગ ગણવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે, વર્ષ 2031 સુધી આ સંખ્યા વધીને 40 ટકા થઈ જશે.
શરદ કોહલીએ કહ્યું, “ભારતમાં આવકવેરો ભરનાર 2 કરોડ લોકોમાંથી 1.5 કરોડ લોકો નોકરિયાત છે. તેમની સંખ્યા ખેડૂતો અને ગરીબો જેટલી વધારે નથી. આ કારણે જ સરકાર નોકરીયાત લોકોની વધારે ચિંતા કરતી નથી.”
તેમણે ઉમેર્યું, “સરકાર એક ભેંસને વારંવાર દોહવાનો પ્રયાસ કરે છે. સરકાર રિટર્ન ફાઈલ કરનારાઓ પાસેથી કેટલાક પૈસા લઈ શકે છે, જેઓ રિટર્ન ફાઈલ કરે છે પરંતુ ટૅક્સ નેટ હેઠળ આવતા નથી.”
રિટર્ન ફાઇલ કરનાર લોકોમાં લગભગ 70 ટકા લોકો ટૅક્સના દાયરામાં આવતા નથી.
“પૈસા જમા કરનાર માટે કોઈ પ્રોત્સાહન નથી”

ઇમેજ સ્રોત, Getty Images
જાણકાર માને છે કે આવકવેરો ભરનાર લોકોને બીજા લોકો કરતાં કેટલીક સુવિધાઓ જરૂર મળવી જોઇએ. આવકવેરો આપનાર લોકોને સરકાર તરફથી થોડીક છૂટ મળવી જોઇએ.
આ ઉપરાંત બૅન્કોમાં પૈસા જમા કરનારને પણ પ્રોત્સાહન મળવું જોઇએ, જે બૅન્ક અને ગ્રાહક બંને માટે ફાયદાકારક છે. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે બજેટમાં જાહેર કરવામાં આવેલી ઘણી યોજનાઓ બૅન્કો થકી પૂરી થઈ શકે છે.
ભારતમાં સામાન્ય રીતે લોકો બૅન્કમાં પૈસા જમા કરે છે. લોકો બૅન્કો તરફ આકર્ષાય છે કારણ કે બૅન્કમાં જમા રકમ સુરક્ષિત રહે છે અને તે રકમ પર વ્યાજ પણ મળે છે.
બૅન્કની પાસે આ કારણે મૂડી વધે છે જેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત લોકોની ભવિષ્યની જરૂરતો પણ પુરી કરી શકાય છે.
શરદ કોહલીએ કહ્યું, “નોકરીયાત અને પેન્શન મેળવનાર લોકોની સંખ્યા ખેડૂતો અને ગરીબો કરતા ઘણી ઓછી છે. લોકસભાની ચૂંટણી ખતમ થઈ ગઈ છે અને રાજ્યના પોતાના મુદાઓ છે. આ કારણે નોકરીયાત લોકો માટે બજેટમાં કંઈ ખાસ દેખાતું નથી.”
બૅન્કોમાં જમા રકમ પર વ્યાજદરોને વધારવા અને વ્યાજ પર લાગતા ટૅક્સને ઘટાડવાથી લોકોને પૈસા જમા કરવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
અશ્વિની રાણાએ કહ્યું, “સરકારની નીતિ દેશના મધ્યમ વર્ગમાં પૈસાની બચત અને રોકાણ કરવાના કલ્ચરને ખતમ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે પૈસા કમાઓ અને મોજ કરો. આ એક પશ્ચિમી સિદ્ધાંત છે. આ સિદ્ધાંત ભારતના લોકોમાં એક ખોટી આદત પાડી શકે છે.”












