સોવરન ગોલ્ડ બૉન્ડ : સોનામાં રોકાણ કરી વ્યાજ મેળવવાની સરકારી યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સોનાની વાત આવે ત્યારે આપણે મોટા ભાગે સોનાના દાગીના સાથે સાંકળીને તેનાં ખરીદ-વેચાણ અંગે વાત કરીએ છીએ.
પરંતુ સોનું એ રોકાણ માટે પણ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, એટલે સોનાની ચમક તમારા બૅન્ક એકાઉન્ટની ચમક પણ વધારવાની શક્તિ ધરાવે છે.
જોકે, ઘણી વાર માર્કેટમાંથી રોકાણના હેતુસર સોનું ખરીદવામાં છેતરપિંડી, શુદ્ધતાની ચિંતા, ટૅક્સ અને અન્ય કેટલાક અવરોધોનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ બધી ચિંતાઓથી મુક્તિ અપાવવાનો વાયદો કરતી પણ એક સરકારી યોજના છે. જે શુદ્ધતાની ગૅરંટી, સરકારના વિશ્વાસની સાથોસાથ રોકાણ પર નિયમિત વળતરનો પણ વાયદો કરે છે.
આ યોજના છે રિઝર્વ બૅન્કની સોવરન ગોલ્ડ બૉન્ડ યોજના.
રોકાણકારોને ફરી એકવાર રિઝર્વ બૅન્કના સોવરન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાની તક મળશે.
સોવરન ગોલ્ડ બૉન્ડ્સ (2023-24 સિરીઝ 4)માં 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન રોકાણ કરી શકાય છે.
સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમ શું છે?
2015માં રિઝર્વ બૅન્કે કેન્દ્ર સરકારની સૂચના આધારે પર સોવરન ગોલ્ડ બૉન્ડ યોજના રજૂ કરી. આ સ્કીમ હેઠળ ગોલ્ડ બૉન્ડ વર્તમાન ભાવે ખરીદવામાં આવે છે. રિઝર્વ બૅન્ક નિયમિત અંતરાલે આ ગોલ્ડ બૉન્ડ ખરીદવાની તારીખો જાહેર કરે છે. રોકાણકારો આ સમયગાળા દરમિયાન જ તેમાં નાણાનું રોકાણ કરી શકે છે.
આ માટેનો સોનાની કિંમત રિઝર્વ બૅન્ક દ્વારા જાહેર કરવામાં આવી છે અને તે 99.9% શુદ્ધતાના 24 કૅરેટ સોનામાં રોકાણ છે. નોંધનીય છે કે રિઝર્વ બૅન્ક કેન્દ્ર સરકાર વતી આ બૉન્ડ જાહેર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બૉન્ડ ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ખરીદી શકાય છે. ઓનલાઇન રોકાણ કરનારાને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
આમાં ગ્રાહકો એક ગ્રામથી લઈને ચાર કિલો સુધીનું સોનું ખરીદી શકે છે.
ગોલ્ડ બૉન્ડ 999 શુદ્ધ (24 કૅરેટ) સોનામાં ખરીદી શકાય છે. અગાઉ જણાવ્યા મુજબ, બૉન્ડ ખરીદવા માટે દર મહિને પાંચ દિવસ આપવામાં આવે છે. 999 શુદ્ધ સોનાની સરેરાશ કિંમતની ગણતરી ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઇબીજેએ) દ્વારા બૉન્ડ ખરીદવાની પ્રક્રિયા શરૂ થયાના ત્રણ કામકાજના દિવસો દરમિયાન જાહેર કરવામાં આવેલ દર પ્રમાણે કરાય છે.
જોકે આ યોજનાની સંપૂર્ણ મુદ્દત આઠ વર્ષની હોવા છતાં પાંચ વર્ષ બાદ પણ રોકાણની રકમ ઉપાડી શકાય છે. મુદત પૂરી થયા પછી રકમ 999 શુદ્ધ સોનાના તત્કાલીન દરે પરત કરવામાં આવશે. આ રકમ ઉપાડ કે પાકતી મુદ્દતના એક સપ્તાહ પહેલાં આઇબીજેએ દ્વારા જાહેર કરાયેલ ક્લોઝિંગ દરોની સરેરાશ મુજબ ચૂકવવામાં આવશે.
આ બૉન્ડ ખરીદીની તારીખથી દર વર્ષે 2.5 ટકા વ્યાજ પણ મેળવશે. આ વ્યાજ નિશ્ચિત છે. એટલે કે વ્યાજની ટકાવારી ઓછી કે વધુ નહીં થાય. વ્યાજની રકમ દર છ મહિને બૅન્ક ખાતામાં જમા થશે. આ રકમ કરપાત્ર રહેશે.
જો નિયત તારીખ પહેલાં અથવા નિયત તારીખ પછી રકમ ઉપાડવામાં આવે તો રકમ અને વ્યાજ સીધાં બૅન્કમાં જમા કરવામાં આવશે. બૉન્ડ ખરીદતી વખતે રોકાણકારના બૅન્ક ખાતાની વિગતો લેવાય છે.
કોણ કેટલું રોકાણ કરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સોવરન ગોલ્ડ બૉન્ડ યોજનાનો લાભ ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવાર (HUF), ટ્રસ્ટીઓ, યુનિવર્સિટીઓ અને ચૅરિટેબલ સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે.
એક વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત કુટુંબ ચાર કિલો સુધીનાં ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે, જ્યારે ટ્રસ્ટ માટે ખરીદીની મર્યાદા 20 કિલો સુધી છે. જોકે, લઘુત્તમ ખરીદી મર્યાદા બધા માટે એક ગ્રામ છે.
નિયત મર્યાદામાં દર વર્ષે બૉન્ડ ફરી ખરીદી શકાય છે.
કોની પાસેથી બૉન્ડ ખરીદી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કે ચોક્કસ સંસ્થાઓ અને વિભાગોને આ સોવરન ગોલ્ડ બૉન્ડ યોજનાની પ્રક્રિયાના અમલીકરણની જવાબદારી સોંપી છે.
રાષ્ટ્રીયકૃત બૅન્કો, અનુસૂચિત ખાનગી બૅન્કો, અનુસૂચિત કરાયેલી વિદેશી બૅન્કો, પોસ્ટ ઑફિસ, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અને અધિકૃત સ્ટૉક ઍક્સચેન્જ પાસેથી બૉન્ડ ખરીદી શકાય છે.
પાકતી મુદ્દત પહેલાં ઉપાડના વિકલ્પ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ જણાવ્યા મુજબ સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમની સંપૂર્ણ મુદ્દત આઠ વર્ષની છે. જોકે, પાંચ વર્ષ પછી તમે બૉન્ડ સરેન્ડર કરીને યોજનામાંથી બહાર નીકળી અને રકમ પાછી મેળવી શકો છો. જો કે, આ વિકલ્પ સાથે અન્ય વિકલ્પ નીચે મુજબ છે.
- બૉન્ડને ભેટ તરીકે અથવા અન્યના નામે ટ્રાન્સફર કરી શકાય છે
- બૉન્ડ તારણ તરીકે રાખીને લૉન લઈ શકાય છે
- બૉન્ડ પ્રવર્તમાન ઍક્સચેન્જ દરે વેચી શકાય છે
સુરક્ષા અને રિફંડ ગૅરંટી કેટલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચાલો જોઈએ કે આના ફાયદા અને ગેરફાયદા શું છે અને સરકાર તેની પાસેથી શું અપેક્ષા રાખે છે? અમને ફાઇનાન્સના નિષ્ણાતો પાસેથી આ પ્રશ્નોના જવાબો મળ્યા છે.
રોકાણના નિષ્ણાત વસંત કુલકર્ણી કહે છે, "સોવરન ગોલ્ડ બૉન્ડ એક સરકારી યોજના છે. તેથી રોકાણ કરેલાં નાણાં અને તેના પરના વ્યાજના વળતરની 100 ટકા ખાતરી છે. તેથી, વિશ્વાસની દૃષ્ટિએ કોઈ જોખમ નથી. ઉપરાંત આ યોજના સારી છે. મૂડી સુરક્ષા માટે પણ આ એક સારો વિકલ્પ છે."
વસંત કુલકર્ણી સલાહ આપતાં કહે છે કે, "સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમ ઍસેટ્સ ઍલોકેશન માટે શ્રેષ્ઠ છે. જોકે, તેમાં તમારી કુલ આવકના દસ ટકાથી વધુ રોકાણ કરશો નહીં, કારણ કે તમારા પૈસા ચોક્કસ સમયગાળા માટે લૉક થઈ જશે."
જોકે, વસંત કુલકર્ણી કહે છે, "ગોલ્ડ બૉન્ડ સ્કીમ મૂળભૂત રીતે ભૌતિક સોનું ખરીદવાનો વિકલ્પ છે. તેથી જ્યારે વ્યક્તિ ખરેખર સોનાના દાગીના ખરીદે છે, ત્યારે તે તેને પાંચથી દસ વર્ષમાં ઝડપથી વેચતી નથી. તેથી આઠ કે પાંચ વર્ષનો સમય બૉન્ડ માટે પણ ખૂબ લાંબો છે."
સોનાના દાગીના અને બૉન્ડ સ્વરૂપે સોનાની ખરીદીમાં શો ફેર છે?

ઇમેજ સ્રોત, Getty Images
તો પછી લોકો આવી યોજનાઓ પ્રત્યે આટલા ઉદાસીન કેમ છે? અમે અર્થશાસ્ત્રી આશુતોષ વખરેને પૂછ્યું. તેમણે ભારતીય માનસિકતાના પરિપ્રેક્ષ્યમાં આ સવાલનો જવાબ આપ્યો.
"ભારતમાં, સોનું બતાવવાની વસ્તુ બની ગઈ છે. તેથી, જ્યારે સોનું કહેવામાં આવે છે, ત્યારે ઘણા લોકો વિચારે છે કે તે તેમના ઘરમાં વસ્તુ અથવા ઘરેણાંના સ્વરૂપમાં હોવું જોઈએ. તે બૉન્ડના સ્વરૂપમાં કેમ છે? ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે, કારણ કે આપણે હજુ પણ તેને બૉન્ડના વળતરની આવક તરીકે જોતા નથી."
આ મુદ્દા અંગે વધુ વાત કરતાં આશુતોષ વખરે સોનાની સીધી ખરીદી અને બૉન્ડ સ્વરૂપે સોનામાં રોકાણ કરવાના ગુણદોષ પણ સમજાવે છે.
તેમણે કહ્યું, "જ્યારે તમે વાસ્તવિક સોનું ખરીદો છો, એટલે કે જો તમે જ્વેલરીનો ટુકડો બનાવો છો, તો તે ઘરે જ રહે છે. તેના પર કોઈ વ્યાજ મળતું નથી. જોકે, જ્યારે તમે બૉન્ડ ખરીદો છો, ત્યારે તે દર વર્ષે વ્યાજ મેળવે છે. "
આશુતોષ વખરે વાસ્તવિક સોનાની ખરીદી અને બૉન્ડને લઈને લોકોની માનસિકતા વિશે વધુ વાત કરતાં કહે છે, "લોકો વિચારે છે કે જો આઠ વર્ષ પછી સોનાની કિંમતમાં ઘટાડો થશે, તો તેમનું રોકાણ નિષ્ફળ જશે. જોકે, આજે ખરીદેલી જ્વેલરીના એક ટુકડાની કિંમત આઠ વર્ષ પછી પણ ઘટી શકે છે. આથી સોનાના ભાવ વધશે કે નીચે જશે તેવો ભય મનમાંથી કાઢી નાખવો જોઈએ. બીજી તરફ બૉન્ડ પર વાર્ષિક અઢી ટકા વ્યાજ મળશે, આ વધારાનો લાભ ધ્યાનમાં લેવો જોઈએ."
પુ. ના. ગાડગીલ જ્વેલર્સના સીઇઓ અને સોનાના રોકાણના નિષ્ણાત અમિત મોદક આ સ્કીમ અંગેના કેટલાક મુદ્દા ઉઠાવે છે.
અમિત મોદક કહે છે, "જ્યારે તમે જ્વેલરીનો ટુકડો ખરીદો છો, ત્યારે તમારે GST ચૂકવવો પડે છે અથવા અન્ય ખર્ચા ઉઠાવવા પડે છે. જોકે, ગોલ્ડ બૉન્ડ ખરીદવાથી આ તમામ ખર્ચ બચે છે. તમે સોનાની મુખ્ય રકમનું રોકાણ કરો છો. વધુમાં, સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમની મુદ્દત પૂર્ણ થયા બાદ એટલે કે આઠ વર્ષે તમારે કોઈ કૅપિટલ ગેઇન ટૅક્સ પણ ચૂકવવો નહીં પડે."
જોકે, આપણે અહીં યાદ રાખવું જોઈએ કે સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં મળતું વ્યાજ કરપાત્ર છે.
અમિત મોદકે અહીં આયાત ડ્યૂટીનો મુદ્દો ઉઠાવ્યો. મોદક કહે છે કે સોનામાં રોકાણ કરતી વખતે આ મુદ્દાને હંમેશાં ભૂલી જવામાં આવે છે અને જોખમ વધી જાય છે.
"હાલ ભારતમાં 12.5 ટકા આયાત કર છે. પરંતુ આયાત કર સરકારની નીતિઓ પર આધારિત છે. એટલે કે તે સમયની સરકાર નક્કી કરે છે. જો તમે આજે તમે બૉન્ડમાં રોકાણ કરો છો અને આજથી આઠ વર્ષ પછી જો સરકાર કાપ મૂકી આયાત કર અડધો કરે છે, તો સોનાની કિંમત નીચે જશે. આથી વૈકલ્પિક રીતે પાકતી મુદત પૂરી થાય ત્યારે રોકાણકારોએ નુકસાન સહન કરવું પડી શકે છે."
સરકારને સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમથી શું ફાયદો છે?
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે શા માટે સરકારે રિઝર્વ બૅન્ક દ્વારા સોનામાં આવી રોકાણ માટેની યોજના લાવવી પડી.
આ અંગે વસંત કુલકર્ણી કહે છે, "ભૌતિક (સોનાનાં ઘરેણાં કે બિસ્કિટ)ના રૂપમાં કાળા નાણાનો સંગ્રહ થવાનું જોખમ વધી જાય છે. તેથી, બૉન્ડનો વિકલ્પ સરકાર માટે યોગ્ય હોવો જોઈએ."
વધુમાં કુલકર્ણી કહે છે કે જો તમે બૉન્ડ્સમાં રોકાણ કરો છો, તો પૈસા સરકારના ખજાનામાં જાય છે અને સરકાર તેનો ઉપયોગ કરી શકે છે.
આશુતોષ વખરેએ સરકાર માટે બે ફાયદા ટાંક્યા.
વખારે કહે છે કે, "ગોલ્ડ જ્વેલરી લોકોનાં ઘરોમાં કૉમોડિટી તરીકે રહે છે. તેનાથી સરકારને બહુ ઓછો ફાયદો થાય છે. જો બૉન્ડ ખરીદવામાં આવે તો પૈસા સરકાર પાસે આવશે અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પૈસા ફરતા રહેશે. બીજો ફાયદો એ છે કે ભારત સોનાની આયાત કરે છે. આયાત માટે વિદેશી હૂંડિયામણની જરૂર પડે છે. જો બૉન્ડમાં રોકાણ વધે તો તે વિદેશી હૂંડિયામણ બચાવી શકાય. "
દરમિયાન, રિઝર્વ બૅન્કે સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમને લઈને લોકોના અનેક સવાલોના જવાબ પણ આપ્યા છે. આ યોજનાનો લાભ લેતા પહેલાં તમે તમારા પ્રશ્નોના જવાબો ત્યાંથી મેળવી શકો છો.














