સુપ્રીમ કોર્ટે ચંડીગઢના મેયરની ચૂંટણીના ચૂંટણી અધિકારી અનીલ મસિહ સામે પગલાં ભરવા કહ્યું

કોર્ટ

ઇમેજ સ્રોત, ANI

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગોટાળા મામલે સુપ્રીમ કોર્ટે પ્રિસાઇડિંગ ઑફિસર (ચૂંટણી અધિકારી) અનિલ મસીહ પર કેસ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.

ચંડીગઢમાં મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. જેમાં ભાજપની જીત બાદ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે કોર્ટમાં ગેરરીતિની ફરિયાદ કરી હતી.

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસનો આરોપ છે કે, પ્રિસાઇડિંગ ઑફિસરે આ ચૂંટણીમાં ધાંધલધમાલ કરી હતી અને સંખ્યાબળ ન હોવા છતાં ભાજપની જીત જાહેર કરી હતી.

હકીકત એ છે કે, સંખ્યા આપ અને કૉંગ્રેસની તરફેણમાં હતી પરંતુ તેમના આઠ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. આપ અને કૉંગ્રેસે અમાન્યતાની ઘોષણાને હેરાફેરી ગણાવી છે.

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે પહેલા પંજાબ હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી રાહત ન મળતા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સોમવારે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરતા કડક ટિપ્પણી કરી હતી.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું, "આ લોકશાહીની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. અમે લોકશાહીની આ રીતે હત્યા નહીં થવા દઈએ."

સુપ્રીમ કોર્ટે ચૂંટણીનું સંચાલન કરનાર પ્રિસાઇડિંગ ઑફિસર અનિલ મસીહને પણ સખત ઠપકો આપ્યો હતો.

ઑફિસર અનિલ મસીહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઑફિસર અનિલ મસીહ

સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?

ન્યાયમૂર્તિ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે ચંડીગઢ પ્રશાસન અને મ્યુનિસિપલ કૉર્પોરેશનને પણ ચૂંટણીમાં ધાંધલીના મામલામાં નોટિસ પાઠવી છે.

ચૂંટણીના દિવસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પ્રિસાઇડિંગ ઑફિસર બૅલેટ પેપર પર સહી કરતા અથવા કંઈક લખતા જોવા મળે છે.

વિરોધ પક્ષોનો આરોપ છે કે પ્રિસાઇડિંગ ઑફિસરે બૅલેટ પેપર પર નિશાનો બનાવ્યા હતા. જેને બાદમાં માન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

આ બૅલેટ પેપરો માન્ય જાહેર કરવાના કારણ વિશે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કંઈ જ કહેવામાં આવ્યું ન હતું.

આ વીડિયો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વીડિયો રેકોર્ડિંગ અને બૅલેટ પેપર સાચવવા જોઈએ.

વીડિયો જોયા બાદ ડીવાય ચંદ્રચુડે પ્રિસાઇડિંગ ઑફિસર વિશે કહ્યું, "એ સ્પષ્ટ છે કે બૅલેટ પેપર સાથે છેડછાડ કરવામાં આવી છે. શું આ રીતે ચૂંટણી થાય છે? આ માણસ સામે કાર્યવાહી થવી જોઈએ. કેમ તેઓ કૅમેરા તરફ જોઈ રહ્યા છે અને પછી ભાગેડુઓની જેમ ભાગી રહ્યા છે?"

જસ્ટિટ ચંદ્રચુડે કહ્યું, "પ્રિસાઇડિંગ ઑફિસર બૅલેટ પેપરમાં ફેરફાર કરતા જોવા મળ્યા હતા. શું આ રિટર્નિંગ ઑફિસરનું વર્તન છે? તેઓ કૅમેરા તરફ જુએ છે અને બૅલેટ પેપર સાથે છેડછાડ કરે છે. તેઓ બૅલેટ પેપરને ટ્રેમાં રાખે છે જેના નીચેના ભાગે ક્રૉસનું નિશાન હોય છે."

"તેઓ બૅલેટ પેપરને બગાડે છે અને તેના પર ક્રૉસ કરે છે અને પછી કૅમેરા તરફ જુએ છે. તેમને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે."

"અમે લોકશાહીની આ રીતે હત્યા થવા નહીં દઈએ. દેશમાં સ્થિરતા લાવવાનું સૌથી મહત્ત્વનું બળ ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા છે."

ચંદ્રચુડ ઉપરાંત આ કેસની સુનાવણી કરનાર બૅન્ચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.

આ અરજી ચંડીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

હાઈકોર્ટે રાહત ન આપી

સુપ્રીમ કોર્ટે પ્રિસાઇડિંગ ઑફિસરને 19 ફેબ્રુઆરીએ સુનાવણીમાં હાજર થવા અને તેમના વર્તન અંગે ખુલાસો કરવા કહ્યું છે.

પ્રિસાઇડિંગ ઑફિસર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.

કોર્ટે 7 ફેબ્રુઆરીએ યોજાનારી ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ દિવસે બજેટ પણ રજૂ થવાનું છે.

30 જાન્યુઆરીએ ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે આપ અને કૉંગ્રેસે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

પરંતુ હાઈકોર્ટે રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે ચંડીગઢ પ્રશાસન સહિત સંબંધિત સત્તાવાળાઓને ત્રણ અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું.

હાઈકોર્ટે ફરી ચૂંટણીની આપ અને કૉંગ્રેસની માગને પણ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં મેયરની ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજો અને વીડિયો રજૂ કરવા જણાવ્યું છે.

ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે, ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે વચગાળાનો આદેશ આપવો પડ્યો હતો. જે આપવામાં હાઈકોર્ટ નિષ્ફળ રહી છે.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર રાજકારણ

ન્યાયમૂર્તિ

ઇમેજ સ્રોત, ANI

ચંડીગઢ મેયરની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ લખ્યું, "આ ટિપ્પણી દર્શાવે છે કે કેવી રીતે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. ભાજપ લોકોના અવાજને દબાવવા માટે લોકશાહીને કચડી રહ્યો છે. આ હવે દેશની જનતાની સામે છે. જનતા જ એકમાત્ર યોગ્ય જવાબ છે આપશે."

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડ્યા હતા. જે અંતર્ગત મેયર પદ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને ડેપ્યુટી મેયરના બે પદ માટે કૉંગ્રેસના ઉમેદવારો મેદાનમાં હતા.

ચૂંટણી પહેલાં પણ આ બંને પક્ષો તેને ભારત ગઠબંધનની પ્રથમ ચૂંટણી સ્પર્ધા ગણાવી રહ્યા હતા.

ચૂંટણી પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન સહિત કૉંગ્રેસના ઘણા નેતાઓએ ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ 30 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું કે, "મેયરની ચૂંટણીમાં આખી દુનિયાની સામે લોકશાહીની હત્યા કરનાર ભાજપ દિલ્હીમાં સત્તામાં રહેવા માટે શું કરશે તે કલ્પનાની બહાર છે."

"વર્ષો પહેલાં આ દિવસે ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી અને આજે ગોડસેવાદીઓએ તેમના આદર્શો અને બંધારણીય મૂલ્યોનું બલિદાન આપ્યું હતું."

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પરિણામો બાદ સોશિયલ મીડિયા પર પાર્ટીને અભિનંદન આપતા લખ્યું, "મેયરની ચૂંટણી જીતવા બદલ ભાજપના ચંડીગઢ એકમને અભિનંદન. પીએમ મોદીના નેતૃત્વમાં ચંડીગઢમાં રેકૉર્ડ વિકાસ થયો છે. ભારત ગઠબંધન તેની લડાઈ લડ્યું અને હજુ પણ ભાજપ સામે હારી ગયું. આ દર્શાવે છે કે તેમનું અંકગણિત અને જોડાણ કામ કરી રહ્યું નથી."

ચંડીગઢ મેયરની ચૂંટણીના આંકડા

ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

ચંડીગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સેલર (નગરસેવકો) છે.

અકાલી દળ પાસે ગૃહમાં માત્ર એક કાઉન્સેલર છે. આ સિવાય ચંડીગઢના સાંસદને પણ આ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે. આ સાંસદ ભાજપનાં કિરણ ખેર છે.

એટલે કે ભાજપના 14 કાઉન્સેલર, એક સાંસદ અને શિરોમણિ અકાલી દળના એક કાઉન્સેલર મળીને 16 મત છે.

આમ આદમી પાર્ટી પાસે 13 અને કૉંગ્રેસ પાસે સાત કાઉન્સેલર છે.

એટલે કે ઇન્ડિયા ઍલાયન્સ પાસે કુલ 20 વોટ હતા.

પરંતુ જ્યારે પ્રિસાઇડિંગ ઑફિસર અનિલ મસીહે ચંડીગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીનાં પરિણામો જાહેર કર્યા ત્યારે ભાજપના મનોજ સોનકરનો વિજય થયો હતો. મનોજ સોનકરને 16 મત મળ્યા હતા. કૉંગ્રેસ-આપના ઉમેદવાર કુલદીપ ટીટાને 12 મત મળ્યા.

આ ચૂંટણીમાં આઠ મત માન્ય જાહેર કરાયા હતા. જો કે, આ આઠ મતો શા માટે અયોગ્ય ગણવામાં આવ્યા તે અંગે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કંઈ કહેવામાં આવ્યું ન હતું.

ચંડીગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કુલ 35 બેઠકો છે.

વીડિયો વાયરલ થયા બાદ પ્રિસાઇડિંગ ઑફિસરે શું કહ્યું?

ચંડીગઢ મેયરની ચૂંટણી
ઇમેજ કૅપ્શન, ચંડીગઢ મેયરની ચૂંટણી

આ વિવાદના કેન્દ્રમાં આવેલા પ્રિસાઇડિંગ ઑફિસર અનિલ મસીહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરી હતી.

અનિલ મસીહે કહ્યું હતું કે, "મેયરની ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી. સાંસદના મતો સહિત, લગભગ 36 મત પડ્યા હતા. જ્યારે અમે બૅલેટ પેપર બહાર પાડી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના કાઉન્સેલરો ચિંતિત હતા કે બૅલેટ પેપર પર ક્યાંક નિશાન છે, તેથી તેઓએ લગભગ 11 બૅલેટ પેપર બદલવા માટે કહ્યું. મેં તેમની વિનંતીને માન આપ્યું. મેં તેમના 11 બૅલેટ પેપરને બાજુ પર રાખ્યા અને તેમને 11 નવા બૅલેટ પેપર આપ્યા. મતદાન થતાં જ મતગણતરી શરૂ થઈ ગઈ હતી."

અનિલ મસીહે કહ્યું, "મેં પ્રક્રિયા મુજબ પરિણામ જાહેર કર્યું કે, 16 મત ભાજપને, 12 આમ આદમી પાર્ટીને અને આઠ મત અમાન્ય હતા. જાહેરાત થતાંની સાથે જ મેં ભાજપના પોલિંગ એજન્ટ સૌરભ જોશી અને આમ આદમી પાર્ટી-કૉંગ્રેસના પોલિંગ એજન્ટ યોગેશ ઢીંગરાને આગળ આવીને આ તમામ બૅલેટ પેપર ચેક કરવા વિનંતી કરી. પરંતુ પેપર તપાસવાને બદલે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ લોકોએ ઝપાઝપી કરી અને તેઓએ આવીને બૅલેટ પેપર કબજે કર્યું અને ફાડી નાખ્યું."

આઠ બૅલેટ પેપર કેમ અમાન્ય જાહેર કરાયા?

પ્રિસાઇડિંગ ઑફિસર અનિલ મસીહે જવાબ આપ્યો હતો કે, "બૅલેટ પેપરમાં કોઈ ટિક માર્ક અથવા માર્ક ન હોવા જોઈએ. મતદાન કર્યા પછી, અમે આઠ બૅલેટ પેપર જાહેર કર્યાં જેમાં તે ચિહ્નો હતાં."

મેયરની ચૂંટણી પહેલાં પણ ચર્ચામાં હતી. ચંડીગઢ મેયરની ચૂંટણી આ મહિનાની શરૂઆતથી જ સમાચારોમાં છે.

આ ચૂંટણી 18 જાન્યુઆરીએ યોજાવાની હતી. પરંતુ પ્રિસાઇડિંગ ઑફિસર બીમાર હોવાથી આ ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી.

ચંડીગઢના ડેપ્યુટી કમિશનરે ચૂંટણીની આગામી તારીખ 6 ફેબ્રુઆરી નક્કી કરી હતી.

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે કહ્યું કે, ભાજપ હારથી ડરે છે અને તેથી ચૂંટણી સ્થગિત કરવા માગે છે.

તેઓ આ બાબતે કોર્ટમાં ગયા હતા. કોર્ટે 30 જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચૂંટણી સ્થગિત કરવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, આમ કરવાનું કોઈ કારણ નથી અને તે અયોગ્ય અને મનસ્વી હશે.

રેડ લાઇન
રેડ લાઇન