ગાંધીજીને નજરે જોનાર 100 વર્ષીય ગુજરાતી કોણ છે?

- લેેખક, નામદેવ કાટકર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું સૌથી મોટું અને છેલ્લું આંદોલન ઑગસ્ટ, 1942માં શરૂ થયું હતું. એ આંદોલનના નેતા મહાત્મા ગાંધી હતી. “કરો યા મરો”નો નારો આપીને ગાંધીજીએ અંગ્રેજોને સ્પષ્ટ કહ્યું હતું, “ભારત છોડો.” “ભારત છોડો” નારાના જનક સમાજવાદી નેતા યુસૂફ મહેરઅલી હતા.
આ ઐતિહાસિક ચળવળ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન (જે હવે ઑગસ્ટ ક્રાંતિ મેદાન નામે ઓળખાય છે)થી શરૂ થઈ હતી. એ આંદોલનના સાક્ષીઓ અને તેમાં પ્રથમ જેલવાસ ભોગવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકીના એક આજે પણ મુંબઈના હૃદયસમા તાડદેવ વિસ્તારમાં રહે છે.
તેમનું નામ ગુણવંતરાય ગણપતલાલ પરીખ એટલે કે જી. જી. પરીખ છે.
પરિચિતો તેમને ‘જીજી’ નામે ઓળખે છે. તેઓ માત્ર 100 વર્ષના છે. “માત્ર 100 વર્ષ” લખવાનું કારણ એ છે કે તેમણે આજે પણ સંઘર્ષ કરવાનું છોડ્યું નથી. 100 વર્ષની વય વટાવ્યા છતાં સંઘર્ષ કરવાનો તેમનો જુસ્સો યથાવત્ છે. તેમની સક્રિયતા કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે.
બીજી ખાસ વાત એ છે કે “ક્વિટ ઇન્ડિયા” નારાના જનક યુસૂફ મહેરઅલી જી.જી. પરીખના ગુરુ-મિત્ર હતા. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે બહુ નાની વયે જેલવાસ ભોગવ્યો હતો. ત્યારથી તેઓ રાજકારણ અને સમાજકારણમાં સક્રિય છે.
જી. જી. પરીખનાં છેલ્લાં 100 વર્ષના સફરના મહત્ત્વનાં સીમાચિહ્નોમાંથી કેટલીક નોંધપાત્ર ઘટનાઓની વાત અહીં કરવામાં આવી છે.
ગાંધીજી સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે ગાંધીજી સાથેની મુલાકાત તેમના જીવનની સૌથી વધુ પ્રેરણાદાયી ઘટના છે.
જીજીની પારિવારિક પશ્ચાદભૂમાં સાદાઈ છે. રહેણીકરણી સાદી. ગાંધીજી સાથેની મુલાકાત પછી તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેર્યાં છે એટલું જ નહીં, વિચાર અને વ્યક્તિત્વમાં પણ ખાદીની ભૂમિકા પ્રતિબિંબિત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીજી માત્ર આઠ વર્ષના હતા ત્યારે ગાંધીજી સાથે તેમની પહેલી મુલાકાત થઈ હતી. જીજીના જણાવ્યા અનુસાર, ઘરમાંના વાતાવરણને લીધે સ્વાતંત્ર્ય ચળવળ વિશે તેઓ આ મુલાકાત પહેલાંથી વાકેફ હતા.
જીજીનો જન્મ ગુજરાતના કચ્છમાં 1923ની 30 ડિસેમ્બરે થયો હતો. ગયા વર્ષે એટલે કે 2023માં તેમણે આયુષ્યનો 100મો પડાવ પાર કર્યો હતો.
પ્રારંભે સૌરાષ્ટ્ર પ્રાંત, પછી રાજસ્થાન અને ત્યાર બાદ બૉમ્બે પ્રાંત એમ ત્રણ ઠેકાણે તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું.
ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાત બાબતે જીજીએ જણાવ્યું હતું કે તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમણે ગાંધીજીના કુટીરમાં દર્શન કર્યાં હતા. તેમણે જીજીના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા.
આ મુલાકાત અને આસપાસના ભાવસભર વાતાવરણને લીધે જીજીના મનમાં બાળપણથી જ સ્વાતંત્ર્યની લાગણી પ્રબળ થવા લાગી હતી.
1942ના આંદોલન દરમિયાન જીજી ગાંધીજીને બહુ નજીકથી જોઈ શક્યા, સાંભળી શક્યા અને તે ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શક્યા.
સ્વાતંત્ર્ય ચળવળના અગ્નિકુંડમાં કૂદકો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત છોડો આંદોલન શરૂ થયું ત્યારે જીજી મુંબઈમાં હતા. તેઓ પ્રતિષ્ઠિત સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરતા હતા અને ત્યાં જ હૉસ્ટેલમાં રહેતા હતા.
એ વખતે અરુણા અસફઅલીએ ગોવાલિયા ટેન્ક મેદાનમાં ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. ભારતીય ધ્વજ ફરકાવવો તે અંગ્રેજોનું અપમાન કરવા જેવું હતું. એક રીતે તે ક્રાંતિકારી કાર્ય હતું.
આવી ઘટનાઓ દરમિયાન જીજી ઉપસ્થિત હતા. તેથી તેમનામાં સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉત્સાહ વધ્યો હતો અને વધતો જ રહ્યો હતો.
અરુણા અસફઅલીએ ઝંડો ફરકાવ્યો ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જીજીના જણાવ્યા અનુસાર, એ વખતે ભારતમાં પહેલી વખત ટીયર ગૅસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીજી અને તેમની સાથેના અન્ય લોકો ચહેરા પર રૂમાલ ઢાંકીને ત્યાંથી સલામત રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
બીજા દેવસે જીજી અને તેમના સાથીઓએ ભારત છોડો આંદોલનના સમર્થનમાં સૅન્ટ ઝેવિયર્સ કૉલેજ બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ખરેખર એવું કર્યું પણ હતું. કૉલેજ બંધ રાખવાના આંદોલનની સફળતાને લીધે તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પછી તેમણે રેલવે રોકવાનો વિચાર કર્યો હતો.
તેઓ ટ્રેન રોકવા માટે મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. જોકે ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
‘જેલ રિટર્ન’ નહીં, ‘ફોરેન રિટર્ન’

ઇમેજ સ્રોત, GG Parikh
ચર્ચગેટ સ્ટેશને ધરપકડ કરવામાં આવી એ પછી તેમને વરલી ખાતેની કામચલાઉ જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલનું નામ વરલી ટેમ્પરરી પ્રિઝન હતું.
એ જેલમાં જીજીની સાથે અનેક આંદોલનકારી વિદ્યાર્થીઓ પણ હતા. અહીં મળેલા ઘણા લોકોએ તેમને આગળ લડવાની પ્રેરણા આપી હતી. તેમાં રાષ્ટ્રીય મિલ મઝદૂર સંઘના સ્થાપક જી. ડી. આંબેકર અને કામદાર નેતા જી.એલ. મપારા ઉલ્લેખનીય છે.
આ બન્ને ઉપરાંત પ્રભાકર કૂંટે અને દિનકર સાક્રીકરનો ઉલ્લેખ પણ તેઓ ભારપૂર્વક કરે છે.
ગાંધીજીના “કરો યા મરો” નારાને લીધે સંખ્યાબંધ યુવાનો ભારતીય સ્વાતંત્ર્યના છેલ્લા મોટા આંદોલનમાં જોડાવા પ્રેરિત થયા હતા. જીજીમાં પણ એવો જ ઉત્સાહ હતો. તેથી તેઓ આજે પણ ગર્વથી કહે છે કે સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જેલવાસને કોઈ વ્યક્તિ પરદેશ જઈને પરત આવી હોય તેવું માનવામાં આવતો હતો.
જીજી જેલમાંથી બહાર આવ્યા ત્યારે કૉંગ્રેસના અન્ય નેતાઓ જેલમાં હતા. તેથી જીજી અને તેમના જેવા લોકો બૉમ્બે પ્રદેશ કૉંગ્રેસ સમિતિની દરેક ચળવળમાં વધુ સક્રિય બન્યા હતા.
જીજીના કહેવા મુજબ, બૉમ્બે ડોક વિસ્ફોટ હોય કે પછી રૉયલ ઇન્ડિયન વિપ્લવ હોય, અમે તેમાં સક્રિય હતા. લોકો અમને ટેકો આપતા હતા. અમારું વિદ્યાર્થી સંગઠન બાદમાં રાષ્ટ્રીય સંગઠન બન્યું હતું અને તેનું નામ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ કૉંગ્રેસ રાખવામાં આવ્યું હતું.
એ પછી જીજીએ ભારતને આકાર આપનારા અનેક આંદોલનમાં ભાગ લીધો હતો. આઝાદીની ચળવળ હોય કે સહકારી ચળવળ હોય કે ગ્રામવિકાસની ચળવળ હોય, સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન હોય કે ગોવામુક્તિસંગ્રામ હોય કે કટોકટી દરમિયાન સંપૂર્ણ ક્રાંતિ આંદોલન હોય, તેઓ દરેક આંદોલનનો હિસ્સો બન્યા હતા.
મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) વિરોધી આંદોલનમાં પણ તેમણે હાજરી આપી હતી.
અહીં એક વધુ વ્યક્તિનું નામ નોંધવું જરૂરી છે અને તે છે મંગળા પરીખ.
જીજીનાં પત્ની મંગળાબહેને પણ 1942ના આંદોલનમાં ભાગ લીધો હતો. જોકે, તેમને થાણેની જેલમાં રાખવામાં આવ્યાં હતાં.
મંગળાબહેને મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ પછી શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો હતો. યુસૂફ મહેરઅલીને લીધે મંગળાબહેનને શાંતિનિકેતનમાં પ્રવેશ મળ્યો હોવાનું જીજી જણાવે છે.
યુસૂફ મહેરઅલી અને જીજીનો સંબંધ અતૂટ. યુસૂફ મહેરઅલી કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સ્થાપક હતા. 1942માં તેઓ બૉમ્બે (હાલના મુંબઈ)ના મેયર હતા. અગાઉ કહ્યું તેમ ક્વિટ ઇન્ડિયા નારા ઉપરાંત સાયમન ગો બૅક સૂત્ર પણ તેમણે આપ્યું હતું.
સમાજવાદી નેતા એસ.એમ. જોશી અને યુસૂફ મહેરઅલી સમકાલીન હતા, પણ યુસૂફ મહેરઅલી એસ.એમ.ને ગુરુ માનતા હતા.
જીજી અને યુસૂફ મહેરઅલી વચ્ચેના ગાઢ સંબંધની વાત કરીએ. ભારતને સ્વતંત્રતા મળી પછી જીજીએ સ્થાપેલી સંસ્થાને યુસૂફ મહેરઅલીનું નામ આપ્યું હતું. જીજીના જીવનમાં યુસૂફ મહેરઅલી આટલા બધા મહત્ત્વપૂર્ણ શા માટે છે એ સમજવા માટે વધુ વિગત જાણવી પડશે.
યુસૂફ મહેરઅલી અને જીજી

ઇમેજ સ્રોત, Getty Images
જીજી વિશે વાત કરવામાં આવે છે ત્યારે યુસૂફ મહેરઅલીનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. વાસ્તવમાં જીજીની અંગત વાત યુસૂફ મહેરઅલીના ઉલ્લેખ વિના ક્યારેય પૂર્ણ થતી નથી. જીજી-યુસૂફ મહેરઅલીનો સંબંધ એટલે શું તે બરાબર સમજવું પડશે.
યુસૂફ મહેરઅલી વિશે વાત કરતી વખતે જીજી ઊલટથી બોલે છે. યુસૂફ મહેરઅલી પ્રત્યેનો તેમનો આદર પ્રત્યેક શબ્દમાં ઝળકે છે.
સાયમન કમિશનની ટીમ બૉમ્બે બંદરે આવી ત્યારે હમાલનો વેશ ધારણ કરીને “સાયમન ગો બૅક”નો નારો પોકારનારા યુસૂફ મહેરઅલી બૉમ્બે પ્રાંતના સમાજવાદી નેતા હતા. ક્રાંતિકારી અને અભ્યાસુ વૃત્તિને લીધે તેઓ તમામ સ્તરે આદર પામ્યા હતા.
લોકો યુસૂફ મહેરઅલીનો કેટલો આદર કરતા હતા તેની વાત કરતાં જીજીએ જણાવ્યું હતું કે તેમના નામમાત્રથી બૉમ્બેમાં બધું સરળ બની જતું હતું. ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર હોય કે બિરલા માતોશ્રી સભાગાર હોય, અમારે ત્યાં ક્યારેય પૈસા ચૂકવવા પડતા ન હતા. યુસૂફ મહેરઅલીના મિત્રો દરેક જગ્યાએ હતા. તેઓ સારા વક્તા, કાર્યકર્તા અને સૌથી મહત્ત્વની એ કે તેઓ મદદગાર મિત્ર હતા.
યુસૂફ મહેરઅલીનું 1950માં 47 વર્ષની વયે અવસાન થયું હતું. જીજીએ તેમની સ્મૃતિમાં યુસૂફ મહેરઅલી સેન્ટર શરૂ કર્યું હતું.
જીજીના જણાવ્યા અનુસાર, જયપ્રકાશ નારાયણ અને એસ.એમ. જોશી કાયમ કહેતા કે યુસૂફ મહેરઅલીની સ્મૃતિમાં કશુંક કરવું જોઈએ.
જીજીએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે લઘુમતીમાં હોવાને કારણે સમાજવાદીઓને બહુ ઓછા યાદ રાખવામાં આવ્યા છે.
ભાષાના આધારે રાજ્યોની પુનર્રચના કરવામાં આવી એ પછી સમાજવાદીઓમાં બે ફાંટા પડી ગયા હતા. પ્રથમ યુસૂફ મહેરઅલી સેન્ટર મુંબઈમાં ઑગસ્ટ ક્રાંતિ મેદાન પાસે અને બીજું પનવેલ નજીક તારા ખાતે સ્થાપવામાં આવ્યું હતું.
‘રેડિફ’ને આપેલી મુલાકાતમાં જીજીએ કહ્યું હતું કે યુસૂફ મહેરઅલી સેન્ટરના બંધારણમાં અમે લખ્યું છે કે “બધું બદલી શકાશે, પરંતુ સેન્ટરનું નામ બદલી શકાશે નહીં.”
યુસૂફ મહેરઅલી સેન્ટર આજે ભારતનાં દસ રાજ્યોમાં ચાલી રહ્યાં છે.
આઝાદી મળી, હવે સામાજિક પરિવર્તન

ઇમેજ સ્રોત, Mahatma Gandhi
દેશને આઝાદી મળ્યા પછી પણ જીજીએ રાષ્ટ્રહિતનું કામ છોડ્યું ન હતું. યુસૂફ મહેરઅલી સેન્ટર તેમના કાર્યનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે. તે રીતે આજ સુધી એટલે કે 100 વર્ષની વયે પણ તેમણે વિવિધ આંદોલનો દ્વારા તેમની સક્રિયતા જાળવી રાખી છે.
આઝાદી પછી જીજી જે કામ કરતા રહ્યા હતા તેમાં બીજી મહત્ત્વની વાત ‘જનતા વીકલી’ની છે.
અંગ્રેજી ભાષાનું સાપ્તાહિક જનતા વીકલી જયપ્રકાશ નારાયણ અને અચ્યુતરાવ પટવર્ધને 1946માં મુંબઈમાં શરૂ કર્યું હતું. એ સમયે સમાજવાદી પક્ષનું મુખ્યાલય મુંબઈમાં હતું.
1952માં પહેલી સંસદીય ચૂંટણી પછી સમાજવાદી પક્ષનું મુખ્યાલય દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ જનતા વીકલીનું કાર્યાલય તો મુંબઈમાં જ રહ્યું હતું. તેની જવાબદારી જીજીએ લીધી હતી અને એ તેઓ આજે પણ સંભાળી રહ્યા છે.
જનતા વીકલીના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં સમાજવાદી ચળવળના અભ્યાસુ અને પત્રકાર સુનીલ તાંબેએ લખ્યું છે કે સમાજવાદી કાર્યકરો માટે અભ્યાસક્રમ તૈયાર કરવાની આગેવાની યુસૂફ મહેરઅલીએ લીધી હતી.
તેમાં જયપ્રકાશ નારાયણ, અચ્યુતરાવ પટવર્ધન અને અશોક મહેતા પણ સહભાગી બન્યા હતા જનતા વીકલીના જૂના અંકોની ફાઇલમાં તે અભ્યાસક્રમ વાંચવા મળે છે.
નાનાસાહેબ ગોરે, પ્રેમ ભસીન, સુરેન્દ્ર મોહન અને મધુ દંડવતે જેવા નેતાઓએ જનતા વીકલીનું તંત્રીપદ સંભાળ્યું હતું. એ પછી જીજી તેના તંત્રી બન્યા હતા.
સુનીલ તાંબેના જણાવ્યા અનુસાર, દેશ-વિદેશના અનેક નેતાઓ, કાર્યકરો અને શિક્ષણવિદોએ જનતા વીકલી માટે કરેલા લેખનનું શ્રેય જી.જી. પરીખને આપવું જોઈએ.
ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટી સામે પણ જીજીએ લડત આપી હતી. એ વખતે પણ તેમણે જેલવાસ ભોગવવો પડ્યો હતો. બરોડા ડાયનામાઈટ કેસમાં જીજીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
જીજીએ સમાજવાદી મૂલ્યો માટે 1942થી શરૂ કરેલી લડાઈ આજે તેઓ આયુષ્યના દસમા દાયકામાં છે ત્યારે પણ ચાલુ છે.
બે-ત્રણ વર્ષ પહેલાં સીએએ બાબતે વિવાદ સર્જાયો અને તેનો વિરોધ શરૂ થયો ત્યારે પણ જીજી વ્હિલચેર પર બેસીને આઝાદ મેદાનમાં પહોંચ્યા હતા. તેથી તેમની ઊર્જા બાબતે વ્યાપક ચર્ચા થઈ હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રીતે ભાગ લેનારા પૈકીના છેલ્લા કેટલાક લોકોમાંના એક જીજી આજે પણ રાષ્ટ્રહિતના દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય આપતાં ખચકાતા નથી.
તેમના કહેવા મુજબ, સ્વાતંત્ર્ય આંદોલનની પ્રેરણા તેમને આ માટે શક્તિ આપે છે.
છ ફૂટથી વધુની ઊંચાઈ, ધારદાર નાક, ખાદીના કુર્તા-પાયજામામાં સજ્જ જીજીને જોઈને ‘સરહદના ગાંધી’ અબ્દુલ ગફાર ખાન યાદ આવે છે.
આજે પણ તેઓ નિયમિત રીતે કામ કરે છે અને સ્મરણશક્તિને આધારે પાછલા દાયકાઓની વાત માંડે છે.
મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ અને યુસૂફ મહેરઅલીના વિચારો વચ્ચે ઉછરેલા તથા એ વિચારો જાળવવા અથાક મહેનત કરતા જીજી હવે 100 વર્ષના થયા હોવાથી તેમનું શરીર થાક્યું હોય એવું લાગે છે.
તેમણે સાંભળવા માટે મશીનનો અને ચાલવા માટે લાકડીનો સહારો લેવો પડે છે એ સાચું, પરંતુ તેમના શબ્દો દર્શાવે છે કે સંઘર્ષ કરવાની ઊર્જા આજે પણ તેમનામાં છે.














