You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વશિષ્ઠ 360: એ સ્કૂલ ડ્રૉપઆઉટ વિદ્યાર્થી, જે યૂટ્યૂબ પર અંગ્રેજી શીખવી કમાય છે લાખો રૂપિયા
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વાત એક એવા યૂટ્યૂબરની છે જેણે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સ્પૉકન ઇંગ્લિશના ક્લાસિસ દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ ક્લાસિસ ‘વશિષ્ઠ 360’ તરીકે ઓળખાય છે.
તેમનું સાચું નામ ડિદ્દી વામસી કૃષ્ણ છે. તેઓ 37 વર્ષનાં છે.
અલગ-અલગ સોશિયલ મીડિયાનાં માધ્યમોના ઉપયોગથી તેઓ લાખો લોકોને મફત અંગ્રેજીના પાઠ શીખવે છે.
તેમણે એક સમયે શાળા જ છોડી દીધી હતી. તેમની પાસે શાળાએ જવા માટેના બસના પાસની વ્યવસ્થા થઈ શકે તેટલા પૈસા પણ ન હતા અને આજે તેઓ લાખો રૂપિયા કમાય છે.
તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં છે.
વામસી કૃષ્ણ અનુસાર તેમને જીવનમાં જાતિગત ભેદભાવોનો સામનો કરવો પડ્યો છે.
બીબીસી સંવાદદાતા અમરેન્દ્ર યારલાગડ્ડા સાથે આ જાતિગત ભેદભાવો, તેમના વિજ્ઞાનના બૅકગ્રાઉન્ડમાંથી અહીં સુધી પહોંચવાની યાત્રા વિશે તેમણે વિસ્તારથી વાત કરી.
સ્પૉકન ઇંગ્લિશ ટ્રેનર કઈ રીતે બન્યા?
સૌપ્રથમ તો તેમના નામ પાછળની રસપ્રદ વાત જાણવા જેવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વામસી કૃષ્ણ જણાવે છે, જ્યારે હું સિવિલ સેવાની તૈયારી માટે આવ્યો હતો ત્યાં ક્લાસમાં વામસી કૃષ્ણ નામના ચાર-પાંચ વિદ્યાર્થી હતા.
ત્યાં મને એક શિક્ષક વામસી કૃષ્ણની બદલે વશિષ્ઠ કહીને બોલાવતા હતા.
મેં તેમને પૂછ્યું હતું કે શા માટે તેઓ મને આ નામથી બોલાવે છે. ત્યારે તેમણે મને કહ્યું હતું કે વશિષ્ઠ ભાર્ગવ તો ભગવાન રામના ગુરુ અને એક મહાન સંત હતા. એટલા માટે જ હું તને આ નામથી બોલાવું છું.
એટલે આ રીતે મારું નામ વશિષ્ઠ પણ હતું.
સ્પૉકન ઇંગ્લિશના કલાસ કેમ?
મારું ભણવાનું પૂરું થયું એ સમયે મેં એક સંસ્થામાં ‘ઇન્ટરપર્સનલ સ્કિલ્સ’ના વર્ગ લીધા હતા. ત્યારપછી આઈએએસ બનવાનું સ્વપ્ન લઈને હું દિલ્હી ગયો હતો.
મેં ચાર વખત પ્રયાસો કર્યા પરંતુ મને તેમાં સફળતા મળી ન હતી.
પરંતુ હું દિલ્હીમાં ઘણા સારા માણસોને મળ્યો. તેમનાં લક્ષ્યોને જોઈને મને પ્રેરણા મળી અને હું કંઈક મોટું કરવા માગતો હતો.
પહેલા તેમણે અર્થશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, ભારતનો ઇતિહાસ, વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના લૅક્ચર આપવાનું શરૂ કર્યુ હતું પરંતુ લોકોની માગ જોઈને તેમણે અંગ્રેજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
અંગ્રેજી પર મહારત કઈ રીતે મેળવી?
તેઓ આગળ જણાવે છે કે હું નાનો હતો ત્યારે મને અંગ્રેજી આવડતું ન હતું. જે લોકોને અંગ્રેજી આવડતું તેમને હું સન્માનભરી નજરે જોતો હતો.
જ્યારે હું શાળામાં હતો ત્યારે કોઈ ચર્ચામાં ભાગ લેવા માટે ફરજિયાત અંગ્રેજીમાં જ બોલવું પડતું. હું બોલી શકતો નહીં અને લોકો મારા પર હસતા. હું દુ:ખી થતો અને દિવસો સુધી રડતો હતો.
ત્યારપછી હું અંગ્રેજી ભાષામાં જ વિવિધ કાર્યક્રમો જોઈને અને સાંભળીને અમેરિકન છાંટનું અંગ્રેજી શીખ્યો. મેં એવી આદત પાડી હતી કે જે હું સાંભળતો તેને હું તરત જ અંગ્રેજીમાં રિપીટ કરતો.
હું કોઈ પણ ભોગે અંગ્રેજી શીખવા માગતો હતો. મારું અંગ્રેજી થોડું સુધરી ચૂક્યું હતું. પછી હું હૈદરાબાદ આવ્યો અને સ્પૉકન ઇંગ્લિશના એક ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમા મૅન્ટોર તરીકે જોડાયો. ત્યાં જ અવિરત પ્રૅક્ટિસથી મેં તેમાં ધીમેધીમે પકડ મેળવી લીધી.
યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાની પ્રેરણા કયાંથી મળી?
શરૂઆતથી જ મારા મનમાં એવો ભાવ હતો કે મારે કંઈક સારું કરવું છે.
મને યાદ છે કે રેવુ મુથ્યાલારાજ નામે એક માણસ નાનકડા ગામમાંથી આવ્યો હતો અને આઈએએસ અધિકારી બન્યો હતો. મારા શાળાના દિવસો દરમિયાન મને તેમનાથી પ્રેરણા મળી હતી. એટલે આઈએએસ બનવાના ઉદ્દેશ્યથી મેં મારા પ્રયત્નો શરૂ કર્યા. પરંતુ એ પછી મારા વિચારો બદલાઈ ગયા.
હું માનું છું કે એ સિવાય પણ વિશ્વમાં ઘણી તકો રહેલી છે.
અનઍકેડૅમી જેવી સંસ્થાના સ્થાપકોની સફળતા જાણ્યા બાદ મને ઉદ્યોગસાહસિક બનવાનો વિચાર આવ્યો. પછી મેં વિચાર્યું કે હું મારા કૌશલ્યથી યૂટ્યૂબ ચેનલ શરૂ કરવા અને તેને વિકસાવવા માગું છું.
એટલે 2019ના મે મહિનામાં મેં યૂટ્યૂબ ચેનલ શરૂ કરી.
પરંતુ નામ ‘વશિષ્ઠ 360’ કેમ રાખ્યું?
360 એક વર્તુળ છે. મારું લક્ષ્ય એ છે કે તમામ વિષયોને એ રીતે ‘360 ડિગ્રી’ની રીતે ભણાવવા કે જેનાથી દરેક લોકો તેને આસાનીથી સમજી શકે.
ચેનલની શરૂઆત કરી એ સમયે મેં અન્ય કેટલાક વિષયો પર પણ વીડિયો બનાવ્યા હતા. તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વ્યૂઝ મળ્યા પરંતુ યૂટ્યુબ પર ન મળ્યા.
જોકે અંગ્રેજીના વીડિયોને ઘણા સારા વ્યૂઝ મળ્યા હતા.
એટલે પછી મેં નક્કી કર્યું કે આ અંગ્રેજી વિષયને જ ‘360 ડિગ્રી’ શૈલીમાં ભણાવવો જોઈએ.
અંગ્રેજી એ ઍવરગ્રીન વિષય છે. સવારથી લઈને સાંજ સુધી તેની આપણને જરૂર પડે છે. ભૂતકાળમાં ત્રણ વર્ષ સુધી સ્પૉકન ઇંગ્લિશ ટ્રેનર તરીકે કામ કર્યા પછી મેં આ વિષય પસંદ કરવાનું નક્કી કર્યું.
પણ એ સફળ થશે કે નહીં તે શંકા સાથે મેં ભણાવવાનું શરૂ કર્યું. એક સમય એવો હતો કે મેં દિવસમાં 12-14 કલાક સખત અભ્યાસ કર્યો, પરંતુ આઇએએસ ન બની શક્યો. પણ એક જ વર્ષમાં અંગ્રેજીમાં મને મોટી સફળતા મળી.
યૂટ્યૂબ ચેનલના આંકડાઓ જોઈને લોકો શરૂઆતમાં હસતા હતા, પરંતુ 28 દિવસમાં જ ત્યાં 1.25 લાખ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા.
પારિવારિક પૃષ્ઠભૂમિ
મુપ્પારામ નારાયણગિરિ એ વારંગલ જિલ્લાના ધર્મસાગર તાલુકાનું એક ગામ છે.
અમે ખેડૂત પરિવાર છીએ. મારા પિતાએ પગરખાંની લારી શરૂ કરી હતી, કારણ કે ખેતી નફાકારક નથી. આનાથી જ અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું.
હું મારા ગામમાં જ દસમા ધોરણ સુધી ભણ્યો હતો. મેં હનમાકોંડામાં ઇન્ટરમીડિયેટ અને ડિગ્રી પૂર્ણ કર્યું. ત્યારબાદ ઑસ્માનિયા યુનિવર્સિટીમાંથી મેં પીજી પૂર્ણ કર્યું.
હું મારાં દાદીના ઘરે રહીને ભણ્યો હતો. કિલ્લા વારંગલથી અમારી શાળા સુધી અમારે સાત કિલોમિટર ચાલીને જવું પડતું હતું. આર્થિક સમસ્યાના કારણે બસનો પાસ પણ લઈ શકાતો ન હતો.
મારા પિતાએ ત્યારબાદ સાઇકલ રિપૅરિંગની દુકાન શરૂ કરી હતી, કારણ કે પગરખાં વેચવાથી કોઈ આવક થતી ન હતી. મેં સાતમા ધોરણમાં શાળાએ જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે બસના પાસના પૈસા ન હતા. એટલા માટે હું માત્ર પરીક્ષા આપવા માટે શાળાએ જતો હતો. હું સાઇકલની દુકાને બેસતો અને રિપૅરિંગનું નાનું-મોટું કામ કરતો. દસમા ધોરણ સુધી આમ જ ચાલ્યું.
ઘણા એવા કિસ્સાઓ બન્યા છે કે જેમાં અમારે જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.
એક વાર એવું બન્યું હતું કે હું એક લગ્નપ્રસંગમાં ગયો હતો. આયોજકે લાઇનમાં ઊભેલા તમામ લોકો સાથે હાથ મેળવ્યા પરંતુ અમારી સાથે હાથ ન મેળવ્યા અને આગળ વધી ગયા.
ત્યારે મને એ સમજાયું ન હતું પરંતુ આગળ જતાં આ વાત સમજાઈ ગઈ.
મને પ્રેમ મામલે પણ જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.
કેટલું આગળ વધી ચૂક્યું છે ‘વશિષ્ઠ 360’?
યૂટ્યૂબ ચેનલના વિદ્યાર્થીઓની સંખ્યા જ્યારે પાંચ લાખને પાર કરી ગઈ ત્યારે લગભગ 45 વીડિયો ક્લાસ મેં અપલોડ કરેલા હતા.
વિદ્યાર્થીઓની એવી માગ પણ હતી કે આ ક્લાસિસને કોઈ પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવે. એટલા માટે જ ‘વશિષ્ઠ 360’ નામે તમામ જરૂરી નોટ્સ સાથે એક પુસ્તક બહાર પાડ્યું.
અત્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તેની એક કરોડથી વધુ નકલો વેચાઈ ગઈ છે.
ચેનલ પ્રખ્યાત થતાં શરૂઆતમાં તેમણે એક વ્યક્તિને કામ પર રાખી હતી અને આજે 20થી 30 લોકોની ટીમ છે.
તેમના જણાવ્યા અનુસાર યૂટ્યૂબથી મહિને દોઢથી બે લાખની કમાણી થાય છે, એ સિવાય અનેક પુસ્તકોનાં વેચાણથી આ આંકડો આઠથી દસ લાખ સુધી પહોંચી જાય છે.
તમામ પ્લૅટફૉર્મ પર મળીને આજે તેમના 35 લાખ ફૉલોઅર્સ છે.
તેઓ આગળ વાત કરતાં કહે છે કે દરેક વ્યક્તિ કહે છે કે સખત મહેનત જ તમને સફળ બનાવશે. પરંતુ હું એવું નથી માનતો કે માત્ર મહેનતથી જ સફળતા મળે છે.
હું બહાર ગમે ત્યાં ક્લાસિસ ખોલું તો એ પૂરા થાય ત્યાં સુધી જ મને પૈસા મળે. જો હું યૂટ્યૂબ પર ક્લાસિસ કરાવું તો 50 વર્ષ પછી પણ મને પૈસા મળશે. યૂટ્યૂબ પર મારા 13 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.
યૂટ્યૂબ પર સેંકડો સ્પૉકન ઇંગ્લિશ શીખવતી ચેનલો છે. પરંતુ હું નવા જોડાતા લોકોને ધ્યાનમાં રાખીને શીખવું છું.
હું માનું છું કે યૂટ્યૂબ પર કોઈ વસ્તુ વિશે વાત કરતી વખતે તમારે આડીઅવળી વાત કર્યા વગર, લંબાવ્યા વગર સીધી જ કહેવી જોઈએ.
આપણે વધુને વધુ લોકોને શિક્ષિત કરવા માટે વધુમાં વધુ બજેટ ફાળવવું જોઈએ. જો પ્રતિભાશાળી બેરોજગાર લોકોને વર્ગો આપવાના થશે તો હું તેમાં પણ મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.