‘બાળપણમાં છૂટાં પડીને 45 વર્ષે મળ્યાં’, એકબીજા માટે દાયકાઓ સુધી રાહ જોનાર દંપતીની કહાણી

ઈરિન નવ વર્ષની હતી ત્યારે તેને સન્ડરલૅન્ડમાં બાળકો માટે બનેલી નવી હૉસ્ટેલમાં મોકલી દેવાયાં હતાં. ટૂંકા જીવનમાં ઈરિન માટેની આ ત્રીજી હૉસ્ટેલ હતી.

ઈરિન જણાવે છે, "હું નાની હતી ત્યારે જ મારી માતાનું અવસાન થયું હતું, એટલે મને હૉસ્ટેલ મોકલી દેવાઈ હતી."

તે વખતે એલનની ઊંમર સાત વર્ષની હતી અને ત્યારે પ્રથમ વખત પોતાના ઘરની બારીમાંથી ઈરિનને હૉસ્ટેલમાં આવતા જોઈ હતી. ઈરિન કારમાંથી ઊતરી, એલને તેને જોઈ અને તેના દિલમાં કંઈક કોતરાઈ ગયું.

હું દોડીને દરવાજે પહોંચી ગયો અને તે વખતે જે પરિચારિકા ચાર્જમાં હતી તેની સાથે વાત કરીને હું સ્વંયસેવક બની ગયો, જેથી હૉસ્ટેલ તેને બતાવી શકું.

ઈરિનને પણ એ વાત યાદ છે: "દરવાજે જ એક છોકરો ઊભો હતો. મને તે ઘડી કાયમ માટે યાદ રહી ગઈ છે. મેં તેને જોયો અને અમારી દોસ્તી શરૂ થઈ ગઈ હતી. તે પછી અમે સાથેને સાથે જ રહેતાં હતાં.”

એલને પણ પોતાનાં માતાને ગુમાવ્યાં અને તેમને પણ ભાઈબહેનોથી અલગ કરીને હૉસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઈરિન કહે છે, "અમારી વચ્ચે એક તંતુ જોડાઈ ગયો હતો, બસ." તે વખતે બંને માટે એ જ સઘળું હતું.

તે વખતે હૉસ્ટેલમાં રહેતાં છોકરા અને છોકરીઓને એકબીજા સાથે વાતચીત કરવાની કે સાથે રમવાની છૂટ નહોતી. પરંતુ ઈરિન અને એલન ક્યારેય જુદાં પડતાં જ નહોતાં.

ઈરિન કહે છે, "અમે વાતો કરતાં રહેતાં કે કેવી રીતે જો મા જીવતી હોત આપણને પ્રેમ કરતી હોત. અમે બસ કલ્પના જ કરતાં રહેતાં કે અમારા પરિવારના લોકો ક્યાં હશે."

"અમે નજીકમાં એક ટેકરી હતી, બન્ની હિલ તેના પર પહોંચી જતાં હતાં અને ત્યાં અમને બહુ મજા આવતી હતી."

"અમે છુપાઈને ત્યાં મળતાં અને બાદમાં છૂટાં પડીને હૉસ્ટેલમાં પાછાં ફરતાં અને એકબીજાની સામે પણ ન જોતાં," એમ એલન યાદ કરતાં કહે છે.

"એ બહુ મુશ્કેલ સ્થિતિ હતી, પણ એવું કરવા સિવાય અમારી પાસે કોઈ છૂટકો નહોતો."

એલન કહે છે કે એ બાળકો માટેનું આશ્રયસ્થાન હતું, એટલે એક રીતે બાળકો માટે જેલ જેવું જ હતું.

એવી સ્થિતિમાં ઈરિનની સાથે રહેવાનું મળતું, એ બહુ રાહતદાયક રહેતું હતું: કપડાં ધોવાની ચોકડી હતી, ત્યાં છોકરાછોકરી ભેગાં થઈ શકતાં હતાં. એલન કહે છે કે અમે એકબીજા સાથે બસ વાતો જ કરતાં રહેતાં.

એક દિવસ બન્ની હિલ પર ગયાં હતાં, ત્યારે એલને પ્રેમનો એકરાર કર્યો.

એલન કહે છે, "મને યાદ છે કે મેં ઝાડીમાંથી એક ફૂલ લીધું હતું અને તેને આપ્યું અને કહ્યું, 'હું મોટો થઈને તારી સાથે લગ્ન કરવા માગું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?' તેણે મારી સામે જોયું અને કહ્યું કે, 'હા, પણ તારે થોડી રાહ જોવી પડશે.'”

તેમને ખ્યાલ હતો કે બંને માટે આ ઘણું મુશ્કેલ થવાનું હતું

દર ઉનાળે બાળકોને ઉત્તર યોર્કશાયરમાં આવેલા દરિયાકિનારાના વ્હાટબાય પ્રવાસનસ્થળે ફરવા લઈ જવાતાં હતાં.

એ પ્રવાસ વખતે એલન અને ઈરિને નાસી છૂટવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, હૉસ્ટેલમાં કોઈની સાથે તેમનો ઝઘડો થઈ ગયો, કેમ કે તેમની વાત એના કાને પડી હતી અને વાત ફૂટી ગઈ હતી. હૉસ્ટેલના મૅનેજરો બહુ જ રોષમાં હતા.

એલેન કહે છે, "મને ખ્યાલ આવી ગયો કે અમે ફસાઈ ગયાં. અમને સમજાતું નહોતું કે હવે અમારું શું થશે." તેમના માટે આંચકાજનક સ્થિતિ ઊભી થઈ હતી.

બીજા દિવસે ઈરિન શાળાએ ગઈ ત્યારે ખબર પડી કે એલનને દૂર મોકલી દેવાયો છે. પૂછ્યું કે તેને ક્યાં મોકલાયો છે ત્યારે જણાવાયું કે તેને દત્તક લઈ લેવાયો છે.

જોકે, એ જૂઠાણું હતું.

એલન કહે છે કે એ લોકોએ તેમને એક કારમાં બેસાડીને પૂરપાટ ઝડપે શહેરના બીજા છેડે આવેલા બાળકો માટેના આશ્રમમાં મોકલી દીધો હતો.

"એ બહુ જ આઘાતજનક અનુભવ હતો... અચાનક હું અજાણી જગ્યાએ આવી ગયો, જ્યાં નવા લોકો હતા અને હું કોઈને જાણતો ન હતો."

એલનને બહુ ખરાબ લાગી રહ્યું હતું કે પોતાને કારણે ઈરિનને ભોગવવું પડશે. ઈરિનનું શું થયું હશું? તેની સાથે કંઈ ખોટું તો નહીં થાય ને?

આ રીતે તે ચિંતામાં પડી ગયો હતો અને નવા આશ્રયસ્થાનથી તે એક દિવસ ભાગી છૂટ્યો અને પોતાની મિત્ર જ્યાં હતી, તે જૂના આશ્રયસ્થાને પહોંચી ગયો.

એલન કહે છે કે મને ખબર નહોતી કે ત્યાં કેમ પહોંચવું, પણ ગમે તેમ કરીને ત્યાં પહોંચી ગયો.

શિયાળાની કડકડતી મધરાતે એક જગ્યાએ ઍન્ટી-ઍરક્રાફ્ટ શેલ્ટર હતું, ત્યાં આશરો લીધો હતો. જોકે, બીજા દિવસે તે ઈરિનને મળવા માટે બસસ્ટોપ પાસે પહોંચ્યો ત્યારે પોલીસ ત્યાં આવી અને ફરી પકડીને લઈ ગઈ હતી.

એલન વારંવાર ઈરિનને મળવા માટે કોશિશ કરતો રહ્યો અને તક મળે ત્યારે આશ્રયસ્થાનથી નાસી જતો હતો, પણ દર વખતે તેને પકડીને ફરી પાછો લઈ આવવામાં આવતો હતો.

"એ બહુ જ મુશ્કેલ સમય હતો."

વર્ષો પછી એલનનાં ગર્લફ્રેન્ડે એક દિવસ કહ્યું કે એક જિમમાં ઈરિન નામનાં યુવતી છે, જે એક જમાનામાં બાળાશ્રમમાં રહેતાં હતાં.

એલન કહે છે, "એ સાંભળીને હું હચમચી ગયો હતો, શું ખરેખર એ ઈરિન હશે?"

તેઓ પોતાની પ્રેમિકા સાથે તે જિમમાં પહોંચી ગયા અને જોયું તો આંખો પહોળી થઈ ગઈ - ઈરિન જ ત્યાં હતી.

"એક તરફ બહુ ખુશી હતી, પણ બીજી બાજુ બહુ આઘાતજનક સ્થિતિ હતી."

એલન અને ઈરિન બંને પોતપોતાની રીતે અન્ય સંબંધોમાં જોડાઈ ગયાં હતાં અને તેમને સમજાતું નહોતું કે કેવી રીતે એકબીજા સાથે વાત કરવી.

જોકે, બંનેનાં દિલમાં એક તમન્ના પણ જાગી કે ફરી બંને એક થઈ શકે તો?

ઈરિન કહે છે, "મને થયું કે મારી જૉબ છોડી દઉં અને તેની સાથે ચાલી જાઉં. બધું જ છોડી દઉં અને તેની પાસે પહોંચી જાઉં."

એલન કહે છે, "પણ એ બહુ મુશ્કેલ હતું. અમે સમજતા હતા કે સ્થિતિ બહુ મુશ્કેલ છે અને અત્યારે તે માટેનો સમય નથી."

“અમે બંને ફરી કાયમ માટે સાથે થઈ જવા માગતાં હતાં, પણ પહેલાં અમે ખાતરી કરી લેવા માગતાં હતાં કે હવે કોઈ અવરોધ ના આવે.”

એટલે ફરી એક વાર બંનેએ થોડા સમય માટે જુદા પડી જવાનો નિર્ણય કર્યો.

એલન પોતાના કામ માટે સ્કોટલૅન્ડ જતા રહ્યા અને ઈરિનને લાગ્યું કે કદાચ હવે ક્યારેય એલનને મળી શકાશે નહીં.

જોકે, જિમમાં બંનેની મુલાકાત થઈ તેના બેએક વર્ષ પછી ફરી એક વાર બંનેનો ભેટો થઈ ગયો.

ઈરિન કહે છે, "હું શહેરમાં કાર લઈને ફરી રહી હતી અને મેં એલનને જોયો." એક તરફ ઉત્સાહ જાગ્યો અને ઈરિનને થયું કે એલન પાછો આવ્યો છે અને હવે તેને ફરીથી શોધવાનો છે.

મહિનાઓ સુધી બંને એકબીજાને શોધતાં રહ્યાં.

એલન જુદા જુદા સ્ટોરમાં પહોંચી જતા હતા અને કલાકો સુધી ત્યાં બેઠા રહેતા, એ આશાએ કે કદાચ ઈરિન ખરીદી કરવા ત્યાં આવશે. જોકે, વર્ષો વીતવા લાગ્યાં પણ એકબીજાની ભાળ મળતી નહોતી.

દર વર્ષે તેઓ અદૃશ્ય થઈ જતા

આખરે 20 મે, 2004ના રોજ રાત્રે એક વાગ્યે ઇરિને શેરમાં એલનને જોયા. આ તેઓ છૂટાં પડ્યાં તેના 45 વર્ષ બાદ બન્યું હતું.

ઈરિન કહે છે કે તેમણે જોરથી એલનના નામની બૂમ મારી અને તે તેમને જોઈને દોડી આવ્યા. મને તેડી લીધી અને જોરશોરથી બોલવા લાગ્યો કે, 'આખી જિંદગી હું આ સ્ત્રીને ચાહતો રહ્યો છું અને હું હવે તેને ક્યારેય મારાથી અળગી નહીં થવા દઉં."

એલન કહે છે, "એ લાગણીના ઊભરાની ક્ષણ હતી."

“વર્ષો સુધી બંને વિખૂટાં રહ્યાં હતાં, તે બધો સમય જાણે ઓગળી ગયો અને લાગ્યું કે જાણે અમે એ કિશોર-કિશોરી જ છીએ, જે ટેકરી પર મળતાં હતાં.”

એલન ઉત્સાહથી તેમને કહેવા લાગ્યા કે, "હું હવે મુક્ત છું. હું હવે એકલો છું અને આપણે હવે સાથે રહી શકીએ તેમ છીએ.'

તે લોકો એકબીજાને ભેટીને, ખુશીમાં ગોળગોળ ફરવા લાગ્યાં હતાં અને ઝૂમી રહ્યાં હતાં. આસપાસના લોકો તેમને જોઈને ચકિત થઈ ગયા હતા. તેમને લાગ્યું હતું કે એક ઘડીમાં જ તેમને દુનિયા બદલાઈ ગઈ હતી.

એલન કહે છે, “બધું જ ઓગળી ગયું અને કંઈ જ સૂઝતું નહોતું કે કશું સમજાતું નહોતું. બસ અમે ફરી એક વાર ભેગા થઈ ગયાં હતાં."

ઈરિનની વાત વચ્ચે જ એલન સાથે સૂર પુરાવતાં કહે છે, "આ વખતે અમે કાયમ માટે સાથે થઈ ગયાં હતાં".

ઈરિન કહે છે કે બંને સાંજે સાથે ભોજન કરવા ગયાં અને "અને આખી રાત વાતો કરતાં રહ્યાં કે કેવી રીતે આ સમયમાં અમારું જીવન વીત્યું. છૂટાં પડ્યાં પછી શું શું થયું તેની વાતો કરતાં રહ્યાં.”

એલન સૂર પુરાવતાં કહે છે, "તે ઘડીથી આજ સુધી અમારી વાતો ખૂટી જ નથી. આખરે બચપણની મિત્ર તેની પ્રેમિકા બની શકી હતી. અમે પરિવારમાંથી છૂટાં પડ્યાં હતાં અને મિત્રતા હતી તે છૂટી હતી. હવે અમે મળ્યાં ત્યારે માત્ર પ્રેમ હતો."

"મેં તેને જોઈ હતી, ત્યારે જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો."

આખરે 2007માં બન્ની હિલ પર પ્રથમવાર એલને પ્રેમનો એકરાર કર્યો હતો તેના પાંચ દાયકા પછી બંને આખરે જીવનસાથી બન્યાં. તેઓ હનીમૂન માટે વ્હાઇટબાય જ ગયાં, જ્યાંથી બંનેને છૂટાં પાડી દેવાયાં હતાં.

ઈરિન કહે છે, "હું સિસ્ટમ સામે બદલો લેવા માગતી હતી. હું દર્શાવવા માગતી હતી કે તમે ગમે તે કરી લો, અમે આખરે મળ્યાં છીએ અને સાથે જ છીએ."

ઈરિન કહે છે, "હવે મારું જીવન ખૂબ સુંદર છે. મારો પરિવાર પણ એલનને પસંદ કરે છે". તેનો પડઘો પાડતાં એલન કહે છે કે પોતાને પણ એવી જ લાગણી થાય છે કે તેમને એક નવો પરિવાર મળ્યો છે.

આજેય બંને એકબીજામાં ઓતપ્રોત રહે છે. એકબીજાને ખુશ રાખે છે અને બંને કહે છે કે હવે જ તેમનું જીવન ખીલ્યું છે, જે તેઓ બીજી વાર મળ્યાં ત્યારે જ ખરેખર શરૂ થયું હતું.