દારૂનું ભયાનક પૂર કેવી રીતે આવ્યું અને લોકો કેમ જીવ બચાવી ભાગ્યા?

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને શોધકર્તા

દારૂની ટાંકીમાં લાગેલી લોખંડની કડી સરકી ગઈ અને તેનું સમારકામ આમ તો સામાન્ય બાબત હતી.

તેથી, જ્યારે લંડનની 'હૉર્સ શૂ બ્રૂઅરી' નું ધ્યાન રાખનારા એક વ્યક્તિએ 17 ઑક્ટોબર, 1814ના રોજ બપોરે ટાંકીનું એક કડું સ્હેજ તૂટે તેવું લાગ્યું તો સમારકામ માટે સંદેશ પહોંચાડવા ત્યાંથી ચાલી ગઈ.

1764માં સ્થાપાયેલી આ બ્રુઅરી માત્ર કાળા રંગની બીયર ‘પોર્ટર’ જ બનાવતી હતી. તેની લોકપ્રિયતાના કારણે બ્રિટનની બે મોટી કંપનીઓમાંની એક હૅનરી મેવ ઍન્ડ કંપનીના સ્વામિત્વવાળી આ બ્રુઅરીમાં વર્ષ દરમિયાન એક લાખ બેરલ પોર્ટર તૈયાર થતી હતી.

પત્રકાર ક્રિસ્ટોફર ક્લિન લખે છે કે બ્રુઅરીની વખારમાં લાકડાની બનેલી 22 ફૂટ ઊંચી ટાંકીઓમાં પોર્ટરની યીસ્ટ બનાવાતી હતી.

"તેની ચારેય બાજુ લોખંડનો ભારે ઍન્ગલ રહેતો હતો. કેટલાક ઍન્ગલનું વજન તો એક ટન સુધીનું રહેતું. ભરેલી એક ટાંકીમાં આશરે 3,555 બૅરલ (પાંચ લાખ લીટરથી વધારે) બીયર રહેતી હતી."

સમારકામનો સંદેશો બ્રુઅરીનું ધ્યાન રાખનારના હાથમાં જ હતા કે સાંજે સાડા પાંચ વાગ્યે તેમણે વખાર બાજુથી જોરથી કોઈ વસ્તુ પડવાનો અવાજ સાંભળ્યો. તે એ અવાજની દિશામાં ભાગ્યા.

છ થી 14 લાખ લીટર બીયર શેરીઓમાં વહેવા લાગી

પત્રકાર માર્ટિન કૉર્નેલે લખ્યું છે કે ત્યાં તેઓ એ જોઈને ડરી ગયા કે એ જ ટાંકી જેને સમારકામની જરૂર હતી તે તૂટી ગઈ હતી અને આ દુર્ઘટનામાં બ્રુઅરીની 25 ફૂટ ઊંચી દીવાલ અને મોટાભાગની છત પડી ગઈ હતી.

એવામાં વખારના સુપ્રિનટેન્ડન્ટ અને તેમનો પોતાનો ભાઈ અન્ય કેટલાક ઘાયલ કર્મચારીઓ સાથે કાટમાળ નીચે દબાયેલા પડ્યા હતા.

ઈંટો અને કાટમાળના ઢગલા પાસેની ન્યૂ સ્ટ્રીટમાં બે મકાન ધસી ગયાં અને એક અંદાજ મુજબ છ થી 14 લાખ લીટર બીયર લઈને 15 ફૂટ ઊંચી ઊછળતી લહેર બ્રુઅરીમાંથી નીકળી પડી હતી.

તેની દિશા ફેકટરી પાછળ કાચા આવાસવાળા સેઇન્ટ જાઇલ્સ રુકરી તરફ હતી.

સેઇન્ટ જાઇલ્સને 17મી સદીમાં એક અમીર પરિવાર બ્રેન બ્રિજે પશ્ચિમ લંડનમાં વસાવ્યો હતો.

'ધ ડેન્સ ઑફ લંડન' કહેવાતી ભુલભુલામણી જેવી શેરીઓ

"લાભ થવાની લાલચમાં એ વિસ્તારમાં તેજ ગતિએ પણ ત્રુટિપૂર્ણ બાંધકામ થતું રહ્યું. તેના પરિણામરૂપે આ વિસ્તાર અંધારી શેરીઓ અને ગીચ ઝૂંપડીઓવાળો બની ગયો. અઢારમી સદી સુધીમાં આ ગીચ વસ્તીવાળી રુકરી ગુના માટે કુખ્યાત લંડનની ઝૂંપડપટ્ટીઓમાંની એક બની ગઈ. તે ગરીબો, બેરોજગારો, ગુનેગારો અને ઘણા આઇરિશ શરણાર્થીઓનું ઘર હતું."

"તે ઘરોમાં એટલા લોકો રહેતા હતા કે લોકોને શેરીઓમાં અને રસોડામાં રહેવું પડતું હતું. કેટલીકવાર ઘણા પરિવારો એક જ રૂમમાં રહેતા હતા."

જ્હૉન ડનકોમ 'ધ ડેન્સ ઑફ લંડન'માં લખે છે કે ઓગણીસમી સદીની શરૂઆત સુધીમાં જાઇલ્સમાં વેશ્યાવૃત્તિ અને ગંદકી ચરમસીમાએ હતી.

'કેજિંગ હાઉસ' કહેવાતા મરઘીના રહેઠાણ જેવાં ઘરો હતાં જ્યાં આવારા લોકો આશ્રય લેતા હતા. ભુલભુલામણી જેવી શેરીઓ અને તેમાં પડેલા ખાડાઓ પર પોલીસ પણ ધ્યાન નહોતી આપતી.

જાઇલ્સમાં એ દિવસે હજુ સાંજ નહોતી થઈ, લોકો પોતાનાં દૈનિક કામોમાં લાગેલા ગતા.

જ્યારે દારૂનું પૂર આવ્યું અને ઘર ડૂબ્યાં

પાણીના નિકાલની જર્જર વ્યવસ્થા સામાન્ય રીતે અસ્વસ્થકારી સ્થિતિ અને બીમારી ફેલાવાનું કારણ બનતી હતી. દારૂનું પૂર આવ્યું તો તેના કારણે ઘર પણ ડૂબ્યાં અને લોકો પણ.

આવામાં બચાવના પ્રયત્નો ઝડપથી શરૂ થયા. કમર સુધી બીયરમાં ડૂબેલા લોકો બચી ગયેલા લોકોને શોધી રહ્યા હતા.

નુકસાનનો બિહામણો પ્રભાવ સ્પષ્ટ હતો, ઘાયલ અને પરેશાન લોકો રસ્તા પર હતા, રડતાં હતા અને ફલાયેલા લોકો પોતાના વ્હાલસોયા લોકોની ચીસો સાંભળીને ઝડપથી તેમના પરથી કાટમાળ દૂર કરવામાં લાગેલા હતા.

આ અકસ્માતથી થયેલા વિનાશની વિગતો 19 ઑક્ટોબર, 1814ના રોજ યોજાયેલી કોરોનર તપાસમાં સાક્ષીઓનાં નિવેદનો પરથી જાણી શકાય છે.

શરૂઆતમાં એવી આશંકા હતી કે મૃત્યુઆંક ઘણો વધારે હશે કારણ કે સેઇન્ટ જાઇલ્સમાં લગભગ દરેક ભોંયતળિયું આમ તો સલામત દેખાતું હતું પરંતુ જ્યારે પૂર ઓછું થયું ત્યારે જાણવા મળ્યું કે કુલ આઠ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં મોટાભાગનાં મહિલાઓ અને બાળકો હતાં.

અકસ્માત સ્થળ બતાવવા માટે લોકો પાસેથી પૈસા લેવાનું શરૂ થયું

દારૂની ભઠ્ઠીના 31 કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. કટોકટી છતાં ત્યાંના કામદારોમાંથી કોઈનું મૃત્યુ થયું ન હતું.

તપાસ દરમિયાન દર્શકોની મોટી ભીડ પૂરના સ્થળે પહોંચી ગઈ હતી.

ક્લિન અનુસાર બ્રુઅરીના સ્ટાફે અકસ્માત સ્થળ બતાવવા માટે લોકો પાસેથી પૈસા લેવાનું પણ શરૂ કરી દીધું હતું.

કૉર્નલ કહે છે કે આજે પણ એવો દાવો કરવામાં આવે છે કે જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહોને જોવા માટે આવેલા લોકો પાસેથી પરિવારોએ પૈસા લીધા હતા અને લોકો એટલી મોટી સંખ્યામાં ઇમારતમાં પ્રવેશ્યા હતા કે જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા તે માળ તૂટી ગયો હતો. પ્રવાસીઓ બીયરથી ભરેલી ચેમ્બરમાં પડી ગયા.

"ઓગણીસમી સદીમાં મૃતદેહ ચોક્કસપણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેતા હતા પરંતુ એવા કોઈ સમકાલીન પુરાવા નથી કે બીયરના આ પૂર પછી પણ આ સ્થિતિ હતી."

મૃતકોના પરિવારોને વળતર પણ ન મળ્યું

કોરોનરની તપાસમાં જાણવા મળ્યું કે પૂરની તીવ્રતા વધારે હતી કારણ કે એક ટાંકી ફાટવાથી બીજી ટાંકી પર દબાણ એટલું વધી ગયું હતું કે બાકીની ટાંકીઓ પણ બચી નહોતી શકી.

તપાસમાં નક્કી થયું કે મૃત્યુ માટે બ્રુઅરીનો દોષ નહોતો પરંતુ 'સંજોગો અને કમનસીબી'ને કારણે આવું થયું હતું.

આમ મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જેમણે તેમના વ્હાલસોયાં સ્વજનો સાથે ઘર અને સામાન પણ ગુમાવ્યાં હતાં.

ક્લિનના જણાવ્યા અનુસાર કંપનીને અંદાજે 23,000 પાઉન્ડ (આજના નાણાંમાં 10 લાખ પાઉન્ડથી વધુ) નુકસાન થયું હતું. તેને નાદારીમાંથી બચાવવા સરકારે પહેલેથી જ વસૂલ કરેલો ઍક્સાઇઝ ટૅક્સ પાછો આપ્યો અને કંપનીને 7,250 પાઉન્ડ ચૂકવ્યા. જે આજે આશરે ચાર લાખ પાઉન્ડ થાય છે.

સરકારે પીડિતોને કોઈ મદદ કરી ન હતી પરંતુ લંડનના અન્ય વિસ્તારોમાંથી આવતા લોકોએ, જેમાંના મોટા ભાગના પોતે ગરીબ હતા, તેમણે શક્ય તેટલી મદદ કરી જેથી મૃતકોની અંતિમવિધિ યોગ્ય રીતે થઈ શકે.

પૂર પછી મોટી સંખ્યામાં લોકો નશામાં ધૂત થઈ ગયા?

બેન જ્હોન્સનનું સંશોધન દર્શાવે છે કે પૂર પછીના દિવસોમાં સ્થાનિક લોકો શેરીઓમાં વહેતી બીયરની નદીઓમાંથી બીયર પીને નશામાં ધૂત રહેત હોવાની અફવાઓ ફેલાઈ હતી.

એવું પણ કહેવામાં આવ્યું કે કેટલાક લોકોએ એટલું પી લીધું કે તેઓ મૃત્યુ પામ્યા.

પરંતુ માર્ટિન કૉર્નલ માનતા નથી કે પૂર પછી મોટી સંખ્યામાં લોકો નશામાં ધૂત થઈ ગયા હોય. તેમનું કહેવું છે કે આવાં વલણનો કોઈ સમકાલીન અખબાર અહેવાલ નથી.

"અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં આઇરિશ શરણાર્થીઓ રહેતા હતા. તેઓ લંડનવાસીઓને પસંદ નહોતા. જો આ રીતે દારૂનું સેવન કરવામાં આવ્યું હોત તો શું ત્યાંના અખબારોએ તેની ટીકા કરવાની તક ગુમાવી હોત?"

હવે મોંઘો વેપારી વિસ્તાર બની ગયો છે

જો કે 19મી સદીમાં ન્યૂ ઑક્સફૉર્ડ સ્ટ્રીટ બનાવવા માટે સેન્ટ જાઇલ્સ અને અન્ય ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી.

આજે આ લંડનનો મોંઘો વેપારી વિસ્તાર છે. બ્રુઅરી હવે નથી અને હવે ત્યાં ડૉમિનિયન થિયેટર છે.

બીજો ફેરફાર પણ આવ્યો.

અમેરિકન લેખક ટૉમ ક્લેવિન અનુસાર 'લંડન બીયર ફ્લડ' તરીકે ઓળખાતી આ ઘટના પછી, લાકડાની મોટી ટાંકીઓ તબક્કાવાર રીતે આ પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવી અને તેના સ્થાને કૉન્ક્રિટ ટૅન્ક બનાવવામાં આવી હતી.

કદાચ એટલે જ છેલ્લાં 200 વર્ષમાં આવી કોઈ ઘટના ફરી બની નથી.