મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના પાંચ સવાલો જેના જવાબ મળવાના બાકી છે

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાને કારણે 135 લોકોનાં મૃત્યુ થયાં. આ મામલાની કોર્ટ કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. સરકારી વકીલોએ કોર્ટને એક ફૉરેન્સિક રિપોર્ટના હવાલો આપી કહ્યું હતું કે, "બ્રિજની ફ્લૉરિંગ તો બદલવામાં આવી હતી, પરંતુ જે કેબલો પર આ પુલ ટકેલો હતો તેને બદલવામાં નહોતા આવ્યા."

આ ફૉરેન્સિક રિપોર્ટ મુજબ પુલ નવા ફ્લોરિંગનો ભાર સહન ન કરી શક્યો અને કેબલ તૂટી ગયા. ચાર એલ્યુમિનિયમની ચાદરોથી આ ફ્લોર બનાવવામાં આવ્યો હતો અને તેનો ભાર કેબલ સહન ન કરી શક્યા અને પુલ તૂટી ગયો.

આ સિવાય કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું કે જે ઠેકેદારોને પુલના સમારકામનું કામ સોંપવામાં આવ્યું હતું તેઓ આ કામ કરવા માટે લાયક નહોતા. હવે આવું કેમ થયું? અને આ દુર્ઘટના કેમ ઘટી? તે અંગે 6 સવાલો એવા છે જેના જવાબો હજુ મળવાના બાકી છે.

સેફ્ટી ઑડિટ નહોતું થયું તો પ્રશાસનની જાણબહાર પુલ લોકો માટે ખુલ્લો કેમ મુકાયો?

પહેલો સવાલ તો એ કે આ બ્રિજનું સેફ્ટી ઑડિટ થયું નહોતું તો આ પુલને લોકો માટે ખુલ્લો કેમ મુકવામાં આવ્યો. મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદિપસિંહ ઝાલાએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે, “આ બ્રિજનું સમારકામ કરનારી અને તેનું દેખરેખ કરનારી કંપની ઓરેવાએ તેને લોકો માટે ખુલ્લો મુકી દીધો તેની તેમને ખબર નહોતી.”

સંદિપસિંહે એમ પણ કહ્યું હતું કે, “આ પુલ ખુલ્લો મુકાયો તેની તેમને જાણ ન હોવાથી તેઓ તેનું સેફ્ટી ઑડિટ ન કરી શક્યા.”

હવે સવાલ એ થાય છે કે, જ્યારે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ તેમના પરિવાર સાથે આ પુલને લોકો માટે ખુલ્લો મુકવાના ઉદ્ઘાટન સમારંભમાં ગયા ત્યારે ત્યાં મીડિયા પણ હાજર હતું.

મીડિયા સમક્ષ જયસુખ પટેલે નિવેદન પણ આપ્યું હતું. આ અંગેના અહેવાલો પણ મીડિયામાં આવ્યા. લોકો પુલ પર જવા લાગ્યા. તેને માટે ટિકિટો પણ ઇશ્યુ કરવામાં આવી. હવે સવાલ એ છે કે, પુલનું ઉદ્ઘાટન 26 ઑક્ટોબરે થયું હતું અને પુલ તૂટ્યો 30 ઑક્ટોબરે. બંને વચ્ચે ચાર દિવસોનો સમય હતો. શું ચાર દિવસ સુધી પ્રશાસનને જાણ નહોતી કે, બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાઈ ગયો છે.

નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અગાઉ જણાવ્યું હતું કે,"સાત માર્ચના દિવસે થયેલા કૉન્ટ્રેક્ટમાં આ પુલ 15 વર્ષ માટે ઓરેવા ગ્રૂપને મેન્ટેન્સ અને રિનોવેટ કરવા માટે આપવામાં આવ્યો હતો."

એના આધારે પુલ વપરાશમાં નહોતો તેને રિનોવેટ કરી, રિનોવેશન કંપ્લિટ થયે, કન્સેન્ટ સાથે બધા ડૉક્યુમેન્ટ સબમિટ કરીને તેમણે આ પુલ ચાલુ કરવાનો હશે."

તેમણે વધુમાં કહ્યું કે, "હંમેશાં એક બૅચમાં 20-25 માણસો હોય એ રીતે જ લોકોને આ પુલ પર મોકલવામાં આવતા હતા. હવે તેમણે રિનોવેશનમાં શું મટીરિયલ વાપર્યું? તેની લોડ બિયરિંગ કૅપેસિટી શું હતી? તે તપાસનો વિષય છે. તેના માટે ઇન્ક્વાયરી કમિશન છે."

આ વિશે બીબીસીના ફેસબુક લાઇવ કાર્યક્રમમાં બોલતા રાજકોટના રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ જણાવ્યું હતું, “નગરપાલિકાની પણ એટલી જ જવાબદારી છે કારણકે આ પ્રક્રિયા એવી છે કે, તમારે નગરપાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે ઉપરાંત સરકારની વિવિધ સંલગ્ન એજન્સીઓ તેની ચકાસણી કરે. તેઓ તેમને મંજૂરી આપે પછી જ બ્રિજ ખુલ્લો મુકી શકાય.”

જો બ્રિજની ક્ષમતા નહોતી તો પછી 400થી વધુ લોકો કેવી રીતે પહોંચી ગયા?

આ સવાલ પણ જવાબ માગે છે કે જો પુલ પર વધુ માણસોનાં વજનને વહન કરવાની ક્ષમતા ન હોય તો પછી આટલા બધા સહેલાણીઓ પુલ પર કેવી રીતે પહોંચી ગયા.

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં અગાઉ કહ્યું હતું કે, “હંમેશાં 20-25 માણસો હોય એ રીતે જ લોકોને આ પુલ પર મોકલવામાં આવતા હતા.” હવે સવાલ એ જ થાય છે કે જો બ્રિજની ક્ષમતા ન હોય તો 400થી વધુ લોકો બ્રિજ પર પહોંચ્યા કેવી રીતે. આટલા બધા લોકો માટે જેમણે ટિકિટ ઇશ્યુ કરી તેને ખબર નહોતી કે બ્રિજ આટલા બધા લોકોનું વજન વહન નહીં કરી શકે?

જોકે ટિકિટ ઇશ્યુ કરનારા ક્લાર્કની પોલીસે ધરપકડ કરી છે પણ સવાલ એ છે કે આ ક્લાર્કને આ વિશેની જાણકારી આ બ્રિજની દેખરેખ કરનારી કંપની ઓરેવાએ આપી હતી કે કેમ?

બીજો સવાલ એ છે કે જો ટિકિટ ઇશ્યુ થઈ ગઈ પણ શું લોકોના ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ત્યાં રાખવામાં આવેલા સુરક્ષા ગાર્ડ શું કરતા હતા? શું તેમને પણ આ બ્રિજ પર વધુ ભીડ ભેગી થાય તો દુર્ઘટના ઘટી શકે તેવી સામાન્ય માહિતિ નહોતી?

કેટલા લોકોને બ્રિજ પર જવાની પરવાનગી આપી શકાય અને લોકોના ટ્રાફિક નિયંત્રણની કોઈ તાલિમ આપી હતી કે નહીં? જે દિવસે આ પુલ તૂટ્યો તે દિવસે જ વધારે લોકો ભેગા નથી થયા. જ્યારથી પુલનું ઉદ્ઘાટન થયું ત્યારથી લોકોનો ધસારો પુલ પર વધી રહ્યો હતો. શું આ અંગેની જાણકારી કંપનીને કે પછી મોરબી નગરપાલિકાને કે પછી પોલીસ વિભાગને નહોતી?

કૌશિક મહેતા કહે છે, “ પાંચ દિવસ સુધી નગરપાલિકા આ ખેલ કેવી રીતે જોઈ શકે?” કૌશિકભાઈ વધુમાં જણાવે છે કે, “આ નિયંત્રણ કરવાની જવાબદારી તેમની પણ છે. તેમણે કહ્યું કે એ પરિસરમાં સંખ્યાબંધ લોકો કતારમાં હતા. લાંબી લાઈનો લાગી હતી. કૉન્ટ્રાક્ટ પ્રમાણે 100થી વધુ સહેલાણીઓને ત્યાં જવાની પરવાનગી નહોતી તો પછી ત્યાં આટલા બધા લોકો કેમ પહોંચી ગયા. ત્યાં ટિકિટના કાળા બજાર થયા હોવાની પણ માહિતી છે.”

જર્જરિત પુલનું સમારકામ કેમ ઉતાવળે પૂરું કરી દેવામાં આવ્યું

જ્યારે મોરબી નગરપાલિકા અને ઓરેવા વચ્ચે કરાર થયો તેમાં સ્પષ્ટ પણ લખાયેલું હતું કે આ પુલ 8થી 12 મહિના સુધી સમારકામ માટે બંધ રહેશે. એટલે આ પુલનું સમારકાર થતા આશરે એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

તો પછી એવું તો કેવું ઝડપી કામ થયું કે સાત મહિનામાં આ પુલને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો. અને જો આ પુલનું સમારકામ થઈ ગયું હોત તો તે સુરક્ષિત છે કે નહીં અને તે તમામ સુરક્ષાના સરકાર નિર્ધારિત માપદંડોમાં ખરો ઉતરે છે કે નહીં તેની તપાસ કોણે કરી? અને જો આ તપાસ ન થઈ હોય તો પછી તેને કંપનીએ લોકો માટે ખુલ્લો કેવી રીતે મુક્યો?

બીબીસી પાસે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કૉપી છે. આ ઍગ્રીમેન્ટના ચોથા મુદ્દામાં લખાયું છે કે, ઍગ્રીમેન્ટની તારીખથી અંદાજે 8થી 12 માસ જેટલો સમય લાગશે. આ પુલના રિપેરિંગ માટે અંદાજીત એક વર્ષનો સમય લાગવાનો હોવા છતાં 7 માર્ચે થયેલા કૉન્ટ્રાક્ટના સાતમા મહિનામાં જ મેન્ટેનન્સ પૂર્ણ કરીને પુલને જનતા માટે ખુલ્લો મુકી દેવાયો.

આ અગાઉ મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદિપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પુલ વપરાશમાં નહોતો તેને રિનોવેટ કરી, રિનોવેશન કંપ્લિટ થયે, કન્સેન્ટ સાથે બધા ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરીને તેમણે આ પુલ ચાલુ કરવાનો હતો.”

બ્રિજના સમારકામ માટે ઓરેવા કંપની સાથે કૉન્ટ્રાક્ટ કરતા પહેલા ટેન્ડરિંગ પ્રક્રિયા કેમ નહીં?

ઘણા લોકો સવાલો પૂછી રહ્યા છે કે, શા માટે એક ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજના સમારકામનો ઠેકો આપવામાં આવ્યો. હવે આ પ્રશ્ન એવો છે જેનો જવાબ આપવાથી મોરબી નગરપાલિકાના અધિકારીઓ બચી રહ્યા છે. કારણકે આ મામલાની ટેન્ડરિંગ પ્રોસેસ એટલા માટે નથી કારણકે તેને માટે નગરપાલિકાએ કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી અને સામેથી કંપની જો પુલના સમારકામ અને દેખરેખની તૈયારી બતાવે તો પછી કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા હોતી નથી.

બીબીસીના મોરબી ખાતેના સહયોગી રાજેશ આંબલિયા જણાવે છે કે, “આ મામલામાં ઓરેવા કંપનીએ સામેથી બ્રિજના સમારકામ અને તેની દેખરેખની તૈયારી બતાવતી પ્રપોઝલ મોકલે છે.”

“આ પ્રપોઝલ પર કલેક્ટરની અધ્યક્ષતામાં મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ સાથેની એક કમિટિ બને અને તેના પર ચર્ચા થાય. ત્યારબાદ કલૅક્ટર પત્ર લખીને કંપનીને પૂછે કે, જો કંપની આ બ્રિજના સમારકામ અને દેખરેખ માટેનો ખર્ચ ઉઠાવવા તૈયાર હોય તો તે અંગે કન્ફર્મેશન આપે. કંપની કન્ફર્મેશન પત્ર લખે. ત્યારબાદ કલૅક્ટર ફરી નગરપાલિકાને પત્ર લખે કે જો તમે કંપની સાથે કરાર કરવા માગતા હો તો તે વિશે તમારી શરતે અને જવાબદારીએ કાર્યવાહી આગળ વધારી શકે છે.”

“હવે આ પત્ર લખીને કલૅક્ટર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે અને આગળની તમામ જવાબદારી મોરબી નગરપાલિકાની હોય છે. હવે ટેન્ડરિંગની વાત ત્યારે આવતી જ નથી જ્યારે ઓરેવા સિવાય અન્ય કંપનીએ કોઈ પ્રપોઝલ જ મોકલ્યું ન હોય. અને અગાઉ પણ 15 વર્ષ માટે જ્યારે આ બ્રિજની દેખરેખનો કૉન્ટ્રાક્ટ ઓરેવાને આપ્યો હતો તે વખતે પણ ટેન્ડરિંગની કોઈ પ્રક્રિયા કરવામાં નહોતી આવી.

“કારણકે તે વખતે પણ અન્ય કોઈ કંપનીએ બ્રિજની દેખરેખ માટેની તૈયારી બતાવી નહોતી. પણ સવાલ તો ઊભો જ છે કે બંને વખતે ઠેકો આપતા સમયે અન્ય કંપનીઓને પ્રપોઝલ કરવાની તક આપવામાં આવી હતી કે નહીં અને આ પુલને સમારકામ અને દેખરેખ માટે ઓરેવા કંપનીને ઠેકો આપતા પહેલાં અન્ય કોઈ કંપની પણ તેની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેવી પારદર્શિતા રાખવામાં આવી હતી કે નહીં.”

ઓરેવા કંપની બ્રિજના સમારકામનો સબ-કૉન્ટ્રાક્ટ બીજી કોઈ કંપનીને આપી શકે કે કેમ?

હવે બ્રિજના સમારકામ અને દેખરેખનું કામ એક ઘડિયાળ બનાવતી કંપનીને કેમ સોંપવામાં આવ્યું તેવા સવાલો તો ઉઠ્યા જ હતા સાથે એ સવાલો પણ ઊઠ્યા કે ઓરેવા કંપનીએ બ્રિજના સમારકામનું કામ બીજી કોઈ કંપનીને પેટા-કૉન્ટ્રાક્ટ કરીને કેમ સોંપ્યું.

હવે મોરબી નગરપાલિકા અને ઓરેવા વચ્ચે જે કરાર થયા હતા તે મુજબ શું ઓરેવા કંપની બ્રિજનું સમારકામ કરવા પેટા-કૉન્ટ્રાક્ટ કરી શકે ખરી. અને શું ઓરેવા કંપનીએ પેટા-કૉન્ટ્રાક્ટ આપીને કરારની શરતોનો ભંગ કર્યો છે?

આ દુર્ઘટના મામલે ચાલી રહેલી કોર્ટની કાર્યવાહીમાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટનો હવાલો આપીને સરકારી વકીલ એચ. એસ. પંચાલે કોર્ટને જણાવ્યું હતું તે મુજબ જે પેટા-કૉન્ટ્રાક્ટરને ઓરેવા કંપની દ્વારા કામ સોંપવામાં આવ્યું હતું તેને આ પ્રકારના કામનો ન તો યોગ્ય અનુભવ હતો ન તેમની પાસે યોગ્ય લાયકાત હતી.

સરકારી વકીલ એચ. એસ. પંચાલે એફએસએલના અહેવાલને કોર્ટમાં બંધ કવરમાં રજૂ કર્યો હતો.

પંચાલના કહેવા પ્રમાણે, આ પેટા કૉન્ટ્રાક્ટરે બ્રિજના માત્ર ફ્લોર બદલ્યા હતા પરંતુ કેબલ નહીં. હવે સવાલ એ કે જ્યારે બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે મીડિયાને કહ્યું હતું કે, “આ બ્રિજના સમારકામમાં જિંદાલ કંપનીના સ્ટાન્ડર્ડ માલ-સામાનનો ઉપયોગ થયો હતો.”

હવે જો ગુણવત્તા ધરાવતી સામગ્રીનો ઉપયોગ થયો હોય તો બ્રિજ તૂટે શા માટે? જયસુખ પટેલે મીડિયાને એમ પણ કહ્યું હતું કે, “આ માટે બે કરોડનો ખર્ચો થયો છે. જ્યારે કે એફએસએલના રિપોર્ટ પ્રમાણે જૂના થયેલા કેબલ બદલવામાં નહોતા આવ્યા માત્ર રંગકામ જ કરવામાં આવ્યું હતું.”

હવે જ્યારે પેટા-કૉન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું અને તેણે કામ પૂર્ણ થયેલું હોવાનો દાવો કર્યો, ત્યારે ઓરેવા કંપનીએ થર્ડ પાર્ટી ઇસ્પેક્શન કેમ ન કરાવ્યું?

આ મામલે સ્ટ્રક્ચરલ ઇજનેર જયંતભાઈ લખલાણીએ બીબીસી સાથે કરેલી વાતમાં જણાવ્યા અનુસાર, “આખું બાંધકામ બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય છે. તે મુજબ પહેલાં તો તેની ડિઝાઇન બનાવવામાં આવે છે.”

“ખાસ કરીને એવા સ્ટ્રક્ચર કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય અને મોટી જાનહાનિ થવાનો ભય હોય ત્યાં વિશેષ કાળજી રાખવામાં આવે છે. તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કર્યા બાદ માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા તે ડિઝાઇનની ચકાસણી (વેરિફિકેશન) થાય છે.”

વેરિફિકેશન થયા બાદ તેને સરકારી સત્તામંડળ મંજૂરી આપે છે. ત્યાર બાદ પણ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે કે, તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં? ત્યારબાદ તેમાં વાપરવામાં આવતી સામગ્રી (મટિરિયલ) યોગ્ય ગુણવત્તાયુક્ત અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી થાય છે. ત્યાર બાદ તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.

મોરબી પુલની દુર્ઘટના મામલે ઓરેવા કંપની કે તેના માલિક અથવા તો મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી?

પોલીસે આ મામલે નવ લોકોની ધરપકડ કરી છે જેમાંથી બે ઓરેવા કંપનીના મેનેજરો પણ છે. ઉપરાંત પેટા-કૉન્ટ્રાક્ટર્સ, બ્રિજ પર ટિકિટ વેચતા ક્લર્ક અને સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. સવાલો ઊઠી રહ્યા છે કે, પોલીસ નાના માથાને પકડીને મોટા માથાને બચાવવા માગે છે. જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં ઓરેવા કંપનીનું કે તેના માલિક જયસુખ પટેલનું નામ કેમ નથી? સ્થાનિક તંત્રના અધિકારીઓ સામે શું કાર્યવાહી થઈ કે થશે?

આ મામલે આઈજી અશોક યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “પુરાવા વિના તેઓ સીધી કાર્યવાહી ન કરી શકે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી રહી છે.”

આ પ્રક્રિયામાં તેઓ એફએસએલની મદદ પણ લેશે. અને જેમની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછમાં જેનાં નામો ખૂલશે તેને તપાસ માટે બોલાવવામાં આવશે.

મંગળવારે નગરપાલિકાના ચીફ ઑફિસરની મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસની તપાસ કરનાર સમિતિએ પૂછપરછ કરી હતી.