You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુવૈત દુર્ઘટના: 'મારો દીકરો ચાલ્યો ગયો પણ હું જીવિત છું', શોકગ્રસ્ત પરિવારોની વેદના
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગલુરુથી, બીબીસી માટે
...આ બહુ ખરાબ થયું.
આ કેટલાક શબ્દો હતા, જે અમને ત્યારે સંભળાયા હતા જ્યારે અમે કેરળના કોલ્લમ જિલ્લાના કારોવેલોરમાં સાજન જ્યૉર્જના ઘર તરફ આગળ વધી રહ્યા હતા.
સાજન જ્યૉર્જનાં માતા વાલસમ્મા જ્યૉર્જ સફેદ પથારી પર તેમની તસવીરને હાથમાં લઈને જોર-જોરથી રડી રહ્યાં હતાં.
રડતાં-રડતાં તેમનું ગળું રુંધાઈ ગયું. સાજન તેમના એકમાત્ર પુત્ર હતા. કુવૈતમાં એનબીટીસી કર્મચારીઓની ઇમારતમાં લાગેલી આગમાં સાજનનું મૃત્યુ થઈ છે. સાજનનાં બહેન ઑસ્ટ્રેલિયામાં રહે છે. તેઓ હજુ ભારત પહોંચી શક્યાં નથી.
સાજનના પિતરાઈ રૉબિન રૉય જ્હૉને બીબીસીને જણાવ્યું હતું કે, "સાજન એટલા માટે કુવૈત ગયા હતા કે તેમને એવું લાગતું હતું કે તેમને દેશની બહાર કામ કરવાનો અનુભવ મળવો જોઈએ. તેનાથી તેમનાં લગ્ન થવામાં પણ સરળતા રહેત. તેમની જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું."
સાજન મિકેનિકલ એન્જિનિયરિંગમાં એમ.ટેક હતા. તેમણે હાલમાં જ પ્રતિષ્ઠિત ઇજનેરી કૉલેજમાં ભણાવવાનું શરૂ કર્યું હતું.
રૉબિને જણાવ્યું, "તેઓ દોઢ મહિના પહેલાં એપ્રિલના અંત ભાગમાં કુવૈત ગયા હતા અને પાંચમી જૂને જ તેમના પિતાને પહેલો પગાર મોકલ્યો હતો."
તેમણે જણાવ્યું, "અમે બંને પિતરાઈ એકસાથે મોટા થયા હતા, અમે સગા ભાઈ જેવા જ હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મારો દીકરો ચાલ્યો ગયો પણ હું જીવિત છું'
રડતાં રડતાં સાજનનાં માતા શાંત થયાં અને સંબંધીઓ થોડાં શાંત થયાં ત્યાં જ સમાચાર મળ્યા કે શબગૃહમાંથી સાજનની શબપેટી આવી રહી નથી.
આ સાંભળતાં જ વાલસમ્મા જ્યૉર્જ ફરીથી રડવાં લાગ્યાં.
"મારો દીકરો ચાલ્યો ગયો પણ હું જીવિત છું."
"શું કોઈને ખબર હતી કે માત્ર 29 વર્ષની ઉંમરમાં જ આવું થઈ જશે."
"હું કોને કહેવા જાઉં. હું મારા બાળકને એક વાર તો જોઈ લઉં. પછી ભલે તેને કબરમાં લઈ જાઓ."
સ્થાનિક ચર્ચમાં સાજન માટે શોક વ્યક્ત કરવા આવેલા લોકો અને પરિવારના સદસ્યો પોતાનાં આંસુ લૂછતાં નજરે પડ્યા.
સુમેશ પિલ્લઈના ઘરે જ્યારે અમે પહોંચ્યા ત્યારે તેમણે તેમની ભાવનાઓ કાબૂમાં રાખી હતી. કુવૈતની ઇમારતમાં લાગેલી આગમાં પિલ્લઈનું પણ મૃત્યુ થયું છે.
સુમેશના સંબંધી ચંદ્રશેખરન નાયરે બીબીસીને જણાવ્યું કે, "સુમેશ ઍક્સ-રે વેલ્ડર હતા. તેઓ કુવૈતમાં છેલ્લાં 12 વર્ષથી રહેતા હતા. તેના પર પિતા, પત્ની અને ભાઈની જવાબદારી હતી. બધા બીમાર છે."
સુમેશના ઘરે તેમનો મૃતદેહ પહોંચવાનો છે. જિલ્લા પ્રશાસન અને પોલીસના લોકો ત્યાં હાજર છે. પરિવારના લોકો સાંજે તેમનો અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી રહ્યા હતા.
પિતાના સવાલો
કુવૈતના મંગાફ શહેરમાં બે દિવસ પહેલાં એક કામદારોના મકાનમાં લાગેલી આગમાં સુમેશ અને સાજનનું મોત થયું હતું. આ અકસ્માતમાં 45 ભારતીયોનાં મોત થયાં છે.
કેરળના આ 23 લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં સુમેશ અને સાજનનો પણ સમાવેશ થાય છે.
જોકે, સાજનના પરિવારે શનિવારે 15 જૂનના રોજ તેના મૃતદેહને દફનાવવાનો નિર્ણય લીધો છે.
જ્યારે અમારા કૅમેરાપર્સન સી.વી. લેનિન સાજનનાં માતાની લાગણીઓને કેદ કરી રહ્યાં હતાં ત્યારે તરત જ તેમના પિતા તેમની સામે આવ્યા.
લેનિનનો હાથ પકડીને તેમણે કહ્યું, "ઍરપૉર્ટ પર શબપેટી ખોલવામાં આવી ત્યારે તમે મારા પુત્રનો ચહેરો જોયો હતો?"
પરંતુ જ્યારે લેનિને નકારાત્મક જવાબ આપ્યો ત્યારે તેઓ શાંતિથી ખુરશી પર બેસી ગયાં અને તેમની આંખોમાંથી દડદડતાં આંસુ લૂછવા લાગ્યા.
મૃત્યુ પામેલામાં કેરળના 23 શ્રમિકો
શુક્રવારે ભારતીય વાયુસેનાનું એક વિમાન 45 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી પરત ફર્યું હતું. કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે એક રહેણાક ઇમારતમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં 176 ભારતીય મજૂરો રહેતા હતા.
કુવૈતી પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ આગમાં 50 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 45 ભારતીય અને 3 ફિલિપાઇન્સના હતા.
કુવૈતમાં રહેતા બે તૃતીયાંશ લોકો વિદેશી મજૂરો છે.
કુવૈત બાંધકામ અને ઘરેલુ ક્ષેત્રોમાં કામ માટે બહારથી આવતા મજૂરો પર નિર્ભર છે.
માનવાધિકાર સંગઠનોએ પણ કામદારોના જીવન જીવવાની રીત અંગે સતત અવાજ ઉઠાવ્યો છે.
મંગાફ આગમાં ડઝનથી વધુ કામદારો પણ ઘાયલ થયા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો છે.
જે ભારતીય મજૂરોના મૃત્યુની પુષ્ટિ થઈ છે તેમાંથી 23 કેરળના, સાત તામિલનાડુના, 3-3 આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશના, 2 ઓડિશાના, અને એક-એક મજૂર બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને હરિયાણાના છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે.
વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કુવૈતની અનેક હૉસ્પિટલોની મુલાકાત લીધી હતી અને ઘાયલ મજૂરોને મળ્યા હતા અને તેમની તબિયત પૂછી હતી.
કુવૈત કરી રહ્યું છે તપાસ
કુવૈતના પ્રશાસનનું કહેવું છે કે આવી ઇમારતો કે જેમાં પ્રવાસી મજૂરો રહે છે ત્યાં હવે સ્વાસ્થ્ય અને સુરક્ષાની વ્યવસ્થાની તપાસ થઈ રહી છે.
અરબ ટાઇમ્સ અનુસાર, એક તપાસમાં સામે આવ્યું છે કે જે છ માળની ઇમારતમાં આગ લાગી હતી તેના સૌથી નીચેના માળે સિક્યૉરિટી ગાર્ડના રૂમમાં શૉર્ટ-સર્કિટ થઈ હતી અને તેના કારણે આગ લાગી હતી.
કુવૈત ફાયર ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારી અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેના ઓરડાઓ અને ઍપાર્ટમેન્ટ્સ વચ્ચે પાર્ટિશન માટે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ થયો હતો.
કુવૈત પબ્લિક પ્રૉસિક્યુશન ડિપાર્ટમેન્ટના એક નાગરિક અને કેટલાક પ્રવાસીઓને આગની સુરક્ષા વ્યવસ્થાનું પાલન ન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
કુવૈતના ઉપવડા પ્રધાન શેખ ફહાદ યુસૂફ અલ-સબાહે આગ લાગવા માટે પ્રોપર્ટીના માલિક પર લાલચ અને બિલ્ડિંગ સ્ટાન્ડર્ડનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે.