તામિલનાડુથી રૉકેટ લૉન્ચ કરવાથી ઈસરોને શું લાભ થશે?

ઈસરો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તમિલ માટે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુલશેખરાપટ્ટનમમાં ઇસરોના રૉકેટ લૉન્ચપૅડની આધારશિલા રાખી. આ અહેવાલમાં આપણે આ લૉન્ચપૅડની વિશેષતાઓ વિશે જાણીશું, જેને ઇસરોની એક મહત્ત્વપૂર્ણ પરિયોજના તરીકે જોવાઈ રહી છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું એકમાત્ર લૉન્ચપૅડ હાલમાં સતીશ ધવન અવકાશ સંશોધન કેન્દ્રમાં છે, જ્યાંથી ભારતના ઉપગ્રહો અને વિશ્વના વિવિધ દેશોના ઉપગ્રહો છોડવામાં આવે છે.

પીએસએલવી, જીએસએલવી અને રૉકેટની મદદથી અહીં કેટલાક ઉપગ્રહોને છોડવામાં આવ્યા છે.

ઇસરો હાલમાં દેશના બીજા લૉન્ચપૅડ સ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે. આ લૉન્ચપૅડ માટે ઇસરોએ તામિલનાડુના થોતુકુડ્ડી જિલ્લામાં આવેલા કુલશેખરાપટ્ટનમને પસંદ કર્યું છે.

ઇસરોના પ્રમુખ સોમનાથે કેટલાક મહિના પહેલાં કહ્યું હતું કે કુલશેખરાપટ્ટનમમાં રૉકેટ લૉન્ચપૅડ સ્થાપિત કરવા માટે 2,233 એકર જમીનનું 100 ટકા સંપાદન કરી લીધું છે.

જાહેરાત કરવામાં આવી છે કે કુલશેખરાપટ્ટનમમાં લૉન્ચપૅડની આધારશિલા રાખ્યા પછી ઇસરો રોહિણી રૉકેટ છોડવાની યોજના બનાવી રહી છે.

રૉકેટ લૉન્ચપૅડ સ્થાપિત કરવાની પ્રક્રિયા બે વર્ષની અંદર પૂર્ણ થાય તેવી આશા છે. તામિલનાડુ સરકાર પણ આ લૉન્ચપૅડની પાસે એક અવકાશ ઔદ્યોગિક પાર્ક શરૂ કરવાની યોજના પણ બનાવી રહી છે.

ઇસરોએ ભારતના બીજા રૉકેટ લૉન્ચપૅડ સ્થાપિત કરવા માટે કુલશેખરાપટ્ટનમની પસંદગી કેવી રીતે કરી? શું આ પહેલાં પણ તામિલનાડુમાં રૉકેટ લૉન્ચપૅડ સ્થાપિત કરવાના પ્રયાસ થયા હતા? તામિલનાડુથી રૉકેટ લૉન્ચ કરવાથી ઇસરોને શું લાભ થશે?

ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એલગોવને આ વિશે બીબીસી તમિલ સાથે વાત કરી.

લૉન્ચપૅડ માટે શ્રીહરિકોટા પહેલાં તામિલનાડુની પસંદગી કરવામાં આવી હતી

તામિલનાડુ

“1960ના દાયકાના અંતમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ રૉકેટ લૉન્ચપૅડની સ્થાપના માટે સૌથી પહેલાં તામિલનાડુ પર વિચાર કર્યો હતો.”

ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એલગોવને કહ્યું, “આ માટે સયાલકુડી, કીઝાકારાઈની પાસે આવેલા વેલિનોક્કમ નામના સ્થળ પર એક લૉન્ચપૅડ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.”

એ સમયે ઇસરો પ્રમુખ રહેલા સતીશ ધવનના નેતૃત્વમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથેની એક ટીમે ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું.

એલગોવને કહ્યું, “ત્યાંના ચર્ચ અને ગ્રામજનોએ તેમનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું, પરંતુ કેટલાંક કારણસર પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ શ્રીહરિકોટાની પસંદગી કરવામાં આવી અને ત્યાં અવકાશ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.”

કુલશેખરાપટ્ટનમની પસંદગી કેવી રીતે કરવામાં આવી?

કુલશેખરાપટ્ટનમ

ઇમેજ સ્રોત, BBELANGOVAN RAJAGOPALAN

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેશના બીજા રૉકેટ લૉન્ચપૅડ સ્થાપિત કરવા માટે ઇસરો દ્વારા તુતીકોરિનના કુલશેખરાપટ્ટનમની પસંદગી શું કામ કરી તેની પાછળ એલગોવને મુખ્ય ત્રણ કારણો જણાવ્યાં છે.

તેમણે કહ્યું, “એક રૉકેટ લૉન્ચપૅડ સામાન્ય રીતે ભૂમધ્ય રેખા પાસે સ્થિત હોવું જોઈએ. અવકાશ યાનને લૉન્ચપૅડથી દક્ષિણ ધ્રુવ તરફ છોડવામાં આવે છે, જે પૂર્વી તટની નજીક છે. આમ કરવાથી આપણે પૃથ્વીના પરિભ્રમણની ઝડપની 0.5 કિમી/સેકન્ડ (આઠ કિમી/સેકન્ડ જરૂરિયાત) વધારે મળશે.”

ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એલગોવને સમજાવ્યું કે સૌથી ભારે ઉપગ્રહોને પણ સરળતાથી લૉન્ચ કરી શકાય છે, કારણ કે પ્રક્ષેપણ દરમિયાન રૉકેટની સમગ્ર ઊર્જાનો ઉપયોગ થાય છે.

આ કારણે જ કેટલાક દેશો અન્ય મહાદ્વીપ પરથી પોતાના ઉપગ્રહો છોડે છે. ઉદાહરણ રૂપે યુરોપીયન સ્પેસ એજન્સીના શટલ દક્ષિણ અમેરિકામાં ફ્રેન્ચ ગુયાના લૉન્ચપૅડ પરથી લૉન્ચ કરવામાં આવે છે.

લૉન્ચ વ્હિકલના ટુકડા (ઉદાહરણ રૂપે, કેટલાક હિસ્સાઓ લગભગ 20 મીટર લાંબા અને 3 મીટરનો વ્યાસ ધરાવે છે) સમુદ્રમાં પડવા જોઈએ, નહીં કે રહેણાક વિસ્તારમાં. જો આ ટુકડા રહેણાક વિસ્તારમાં પડે તો ભારે નુકસાન થઈ શકે છે. ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એલગોવને કહ્યું કે આ નિયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું, "આ નિયમને ધ્યાનમાં રાખીને શ્રીહરિકોટાથી લૉન્ચ કરાયેલા રૉકેટને 'ડોગલેગ મેન્યુવર' મોડમાં લૉન્ચ કરવામાં આવે છે જેથી રૉકેટના ભાગો શ્રીલંકા દેશ પર ન પડે."

એલગોવને જણાવ્યું કે જે વિસ્તારમાં લૉન્ચપૅડની સ્થાપના કરવામાં આવે છે ત્યાં હવાની ઝડપ 30 કિમી/કલાકથી ઓછી હોવી જોઈએ.

તેમણે ઉમેર્યું કે લૉન્ચપૅડ માટે નક્કી કરેલી જગ્યા ઓછા દબાણવાળા વિસ્તારમાં ન હોવી જોઈએ અને તે વિસ્તારમાં તોફાન, વીજળી અને વરસાદની અસર ઓછી હોવી જોઈએ.

તેમણે જણાવ્યું, “થૂતુકુડી જિલ્લામાં આવેલ કુલશેખરાપટ્ટનમ એક એવું સ્થળ છે જ્યાં આ બધી જ વિશેષતા છે. આ જ કારણે આ સ્થળની રૉકેટ લૉન્ચપૅડ તરીકે પસંદ કરવામાં આવી છે.”

કુલશેખરાપટ્ટનમ ભૂમધ્ય રેખાની ખૂબ જ નજીક આવેલું છે

કુલશેખરાપટ્ટનમ

ઇમેજ સ્રોત, BBELANGOVAN RAJAGOPALAN

શ્રીહરિકોટા ભૂમધ્ય રેખાની ઉત્તરે 13.72 ડિગ્રી પર આવેલું છે, જ્યારે કુલશેખરાપટ્ટનમ 8.36 ડિગ્રી ઉત્તરમાં છે. આમ, રૉકેટને જ્યારે કુલશેખરાપટ્ટનમથી છોડવામાં વધારે ઈંધણની બચત થશે.

વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિક નેલ્લઈ મુથુએ કહ્યું કે આ સિવાય રૉકેટની ગતિને અડધા કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી વધારી શકાય છે.

તેમણે કહ્યું, “સામાન્ય રીતે શ્રીહરિકોટાથી છોડવામાં આવતા રૉકેટોને પૂર્વ તરફ છોડવામાં આવે છે અને પછી શ્રીલંકા પર તેના ટુકડા પડતા રોકવા માટે રૉકેટને દક્ષિણ ધ્રુવ તરફ વાળવામાં આવે છે.”

“જોકે, કુલશેખરાપટ્ટનમ પર રૉકેટ છોડતી વખતે આ તકલીફ નહીં પડે, કારણ કે રૉકેટને સીધા દક્ષિણ તરફ છોડવામાં આવશે. આ લૉન્ચપૅડ ઇસરો માટે ખૂબ જ ઉપયોગી થશે.”

રૉકેટ માટે ક્રાયોજેનિક એન્જિનનું ઈંધણ તિરુનેરવેલ્લી જિલ્લાના મહેન્દ્રગિરિમાં બનાવવામાં આવે છે અને રૉકેટના અન્ય ભાગો કેરળના ડુમ્બામાં બનાવવામાં આવે છે.

વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિક નેલ્લઈ મુથુએ જણાવ્યું કે આ હિસ્સાઓને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા પહોંચાડવા માટે લાંબો સમય અને વધારે ખર્ચ લાગે છે. આ ઉપરાંત તેમની સુરક્ષા અને સામાનને ક્ષતિ પહોંચવાનો પણ ભય છે.

“જોકે, આ સમસ્યાઓ કુલશેખરાપટ્ટનમ માટે નહીં થાય, કારણ કે મહેન્દ્રગિરિ અને ટુમ્બા બન્ને ત્યાંથી નજીક છે.”

કુલશેખરાપટ્ટનામ પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો

કુલશેખરાપટ્ટનામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નેલ્લઈ મુથુએ જણાવ્યું, “કુલશેખરાપટ્ટનામમાં એક લૉન્ચપૅડ સ્થાપિત કરવાથી હજારો યુવાનોને પ્રત્યક્ષ કે અપ્રયત્ક્ષ રૂપે રોજગારીની તકો મળશે.”

તેમણે ઉમેર્યું કે દક્ષિણી જિલ્લાના રહેવાસીની આજીવિકામાં સુધારો થશે. કુલશેખરાપટ્ટનામનું વૈશ્વિક અવકાશ વિજ્ઞાનના નકશા પર એક મહત્ત્વનું સ્થાન હશે.

વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિકે કહ્યું, “ઇસરો કુલશેખરાપટ્ટનમથી એસએસએલવી થકી નાનાં રૉકેટ છોડવાની યોજના બનાવી રહ્યું છે. આ નાનાં રૉકેટો માટે એક વિશેષ શોધકેન્દ્ર સ્થાપિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે નાનાં રૉકેટના ભાગો બનાવવા અને લૉન્ચ કરવા માટે એક સાથે રાખવા સરળ છે.”

તેમણે ઉમેર્યું કે મોટો રૉકેટના ઉત્પાદન માટે લાંબા સમયની રાહ જોવી ન પડે અને જરૂરિયાત પ્રમાણે નાના ઉપગ્રહોને તરત જ લૉન્ચ કરી શકાય.