નાણામંત્રી કે વડા પ્રધાન : મનમોહનસિંહ કઈ ભૂમિકામાં વધુ અસરદાર સાબિત થયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ અને ઇશાદ્રિતા લાહિડી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
ડૉ.મનમોહનસિંહ કે જેઓ પાંચ વર્ષ ભારતના નાણામંત્રી અને દસ વર્ષ સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા, તેમનું ગત ગુરુવારે રાત્રે દિલ્હી ખાતે 92 વર્ષની વયે અવસાન થયું હતું.
આ બંને ભૂમિકા દરમિયાનના કાર્યકાળ દ્વારા તેમના વારસાને સમજી શકાય.
એક તરફ જ્યાં મનમોહનસિંહ નાણામંત્રી સ્વરૂપે આર્થિક સુધારક તરીકે ઊભરી આવ્યા હતા અને બીજી બાજુ વડા પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ રાજકીય સંઘર્ષ અને ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલો રહ્યો હતો.
નાણામંત્રી હતા ત્યારે મનમોહનસિંહ ભારતને વૈશ્વિક મંચ પર લઈ ગયા હતા, પરંતુ પીએમ હતા ત્યારે તેમના પર સતત 'નબળા વડા પ્રધાન' હોવાના આરોપો લાગ્યા કરતો હતા.
તો નાણામંત્રી મનમોહનસિંહ વિરુદ્ધ વડા પ્રધાન મનમોહનસિંહમાં કોનું પલ્લું ભારે? ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ.

1991થી 1996 : નાણામંત્રી મનમોહનસિંહ

ઇમેજ સ્રોત, India Today Group via Getty Images
જ્યારે ડૉ. મનમોહનસિંહે 1991માં નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે દેશ તેના આંતરરાષ્ટ્રીય દેવાની ચુકવણીની કરી ન શકે તેવી સ્થિતિને આરે હતો.
આ ઉપરાંત દેશ ફુગાવો અને ઘટતા વિદેશી હૂંડિયામણ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો.
નાણામંત્રી તરીકે મનમોહનસિંહ ભારતના આર્થિક ઉદારીકરણના શિલ્પી બન્યા. તેમણે મોટા પાયે સુધારા અમલમાં મૂક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેમાં રૂપિયાનું અવમૂલ્યન, વેપારનું ઉદારીકરણ, સરકારી સાહસોનું ખાનગીકરણ અને સીધા વિદેશી રોકાણ (FDI) પર ભારનો સમાવેશ થાય છે.
નાણામંત્રી હતા ત્યારે મનમોહનસિંહે ભારતના અર્થતંત્રને બજારથી સંચાલિત ખુલ્લું અર્થતંત્ર બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને આ પ્રયત્નમાં મહદ્અંશે સફળતા મળી હતી.
ડૉ. મનમોહનસિંહ દ્વારા શરૂ કરાયેલ અર્થતંત્રના ઉદારીકરણે સુનિશ્ચિત કર્યું કે ફેકટરીઓ શરૂ કરવા કે વિસ્તરણ કરવા અથવા તો સાધનોની આયાત માટે સરકારની મંજૂરીની જરૂર રહેશે નહીં.
ડૉ. સિંહે નાણાકીય નીતિઓ ઘડી કે જેનાથી મૂડી બજારોમાંથી ભંડોળ ઊભું કરવામાં મદદ મળી. વીજળી, નાગરિક ઉડ્ડયન, ટેલિકૉમ્યુનિકેશન, હાઇવે અને બંદરોથી માંડીને બૅંકિંગ, વીમા અને કેબલ ટેલિવિઝન સુધીનાં ક્ષેત્રોમાં ખાનગી રોકાણનો માર્ગ મોકળો બની ગયો.
ડૉ. સિંહની વૈશ્વિકરણની નીતિઓએ ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારો, નાણાં અને ટેકનૉલૉજી સુધી પહોંચ કરાવી આપી.
નાણામંત્રી હતા ત્યારે ડૉ. મનમોહનસિંહે આયાત ડ્યૂટી ઘટાડી, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું. લાઇસન્સરાજનો અંત લાવવાનું શ્રેય પણ તેમને જ જાય છે.
એવું માનવામાં આવે છે કે મનમોહનસિંહની આર્થિક નીતિઓને કારણે 1990ના દાયકામાં ભારતમાં ઉદ્યોગોનો ઝડપથી વિકાસ થયો અને મોંઘવારી પર અંકુશ મેળવી શકાયો.
ડૉ. સિંહનો નાણામંત્રી તરીકેના કાર્યકાળને અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં ઘણી હદ સુધી સફળ માનવામાં આવે છે. જોકે, તેમના ટીકાકારો એમ પણ કહે છે કે ડૉ. સિંહે અમલમાં મૂકેલા આર્થિક સુધારાઓને કારણે આવકની અસમાનતા વધી હતી. અને તેને દૂર કરવા માટે તેઓ વધુ કંઈ કરી શક્યા નહીં.
2004-2014: વડા પ્રધાન મનમોહનસિંહ
2004ની લોકસભાની ચૂંટણી પછી જ્યારે કૉંગ્રેસની સરકાર બનવાની હતી, ત્યારે સોનિયા ગાંધી દેશનાં આગામી વડાં પ્રધાન બનશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું.
પરંતુ સોનિયા ગાંધીના વિદેશી મૂળ પર ઊઠેલા પ્રશ્નો અને વિરોધને કારણે તેમણે વડાં પ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો. આ પછી મનમોહનસિંહની વડા પ્રધાનપદ માટે પસંદગી કરવામાં આવી હતી.
જ્યારે મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનું અર્થતંત્ર પહેલાંથી જ મુક્ત થઈ ગયું હતું અને તે ઝડપથી વિકસી રહ્યું હતું.
વડા પ્રધાન તરીકે ડૉ. સિંહના કાર્યકાળ દરમિયાન દેશના જીડીપીમાં (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલુ ઉત્પાદન) નોંધપાત્ર વધારો થયો હતો અને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સામે આવ્યું હતું.
વડા પ્રધાન બન્યા પછી ડૉ. સિંહે આર્થિક સુધારાઓની હિમાયત કરવાનું ચાલુ રાખ્યું જેનો પાયો તેમણે જ નાણામંત્રી તરીકે 90ના દાયકામાં નાખ્યો હતો.
પરંતુ વડા પ્રધાન બન્યા બાદ ડૉ. સિંહે લોકકલ્યાણની નીતિઓ લાગુ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રુરલ એમ્પલૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ) અને માહિતી અધિકાર (આરીટઆઇ, રાઇટ ટુ ઇન્ફર્મેશન) જેવાં પગલાં મુખ્ય હતાં.
વડા પ્રધાન બન્યા પછી ડૉ. સિંહે ગઠબંધન સરકારની મર્યાદામાં રહીને સરકાર ચલાવવી પડી. આનો સીધો અર્થ એ થયો કે સાથી પક્ષો સાથે સર્વસંમતિ જાળવવી અને તેમને દરેક સમયે સાથે રાખવાનું જરૂરી હતું.
ગઠબંધનના રાજકારણના અને દબાણને કારણે ડૉ. સિંહને GST (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) અને FDI જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં થયેલા વિલંબને કારણે જ એવું કહેવામાં આવ્યું હતું કે તેમની સરકારમાં પૉલિસી પૅરાલિસિસ (નીતિના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં અસમર્થતા) જોવા મળે છે.
મનમોહનસિંહના ટીકાકારો તેમને ઘણી વાર 'નબળા વડા પ્રધાન' કહેતા. તેમના રાજકીય હરીફો કહેતા કે ડૉ. સિંહ પાસે વડા પ્રધાન તરીકેની કોઈ અસલી તાકત નથી. તેમની સરકારના તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયો સોનિયા ગાંધીની મંજૂરી પછી જ લેવામાં આવતા હતા.
ડૉ. સિંહ આંતરરાષ્ટ્રીય બાબતોમાં તેમના શાંત અને રાજદ્વારી અભિગમ માટે જાણીતા હતા. તેમણે રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ તેમજ એશિયાના મોટા દેશો સાથે સંબંધોને મજબૂત કરવાની દિશામાં કામ કર્યું.
કેટલાક ગઠબંધન ભાગીદારોના સખત વિરોધ છતાં, ડૉ. સિંહે ભારત અને અમેરિકા વચ્ચેના પરમાણુકરાર પર કામ કરવાનું ચાલુ રાખ્યું અને આખરે તેને વાસ્તવિકતા બનાવવામાં સફળ થયા. આ કરારને તેમની વિદેશનીતિની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
વડા પ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળના અંતે ભારતને પણ વિશ્વવ્યાપી આર્થિક મંદીથી ફટકો પડ્યો હતો. પરિણામ એ આવ્યું કે દેશમાં મોંઘવારી વધી, રૂપિયો નબળો પડવા લાગ્યો અને વિકાસની ગતિ ધીમી થવા લાગી. તેમની સરકાર અસરકારક નિર્ણયો નથી લઈ શકતી તેવા આરોપ લગાવવામાં આવ્યા.
મનમોહનસિંહનો વડા પ્રધાન તરીકેનો બીજો કાર્યકાળ ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આરોપોથી ઘેરાયેલો હતો. ટુજી સ્પેક્ટ્રમ અને કોલસાની ફાળવણી સંબંધિત કથિત કૌભાંડોના આરોપોએ તેમની છબીને નુકસાન પહોંચાડ્યું હતું.
ટેકનૉક્રેટ કે રાજકારણી?

ઇમેજ સ્રોત, /Hindustan Times via Getty Images
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્માના જણાવ્યા અનુસાર, મનમોહનસિંહ "એક ટેકનૉક્રેટ હતા, રાજકારણી નહીં" અને તેઓ પોતાનું કામ શાંતિથી કરતા લોકોને બતાવવા માટે નહીં.
વિનોદ શર્મા કહે છે, "નાણામંત્રી તરીકે તેમની પાસે તત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિંહ્મારાવ રાવની પાવર ઑફ ઍટર્ની (રાવ દ્વારા તેમને આપવામાં આવેલી તમામ સત્તાઓ) હતી."
"મનમોહનસિંહે પીએમ રાવ માટે પોતાના હોદ્દાને જોખમમાં મૂક્યો. આર્થિક સુધારાની જાહેરાત પહેલાં તેમણે રાવને પોતાનું રાજીનામું સુપરત કર્યું. જેથી જો સુધારા નિષ્ફળ જાય તો રાવ સરકાર નાણામંત્રી તરીકે મનમોહનસિંહને દોષી ઠેરવી શકે."
મનમોહનસિંહની ટીકાકારો ઘણી વાર એવું કહે છે કે તેમના વર્તનમાં મક્કમતા ન હતી. વિનોદ શર્મા કહે છે કે વડા પ્રધાન તરીકે જ્યારે પણ ડૉ. સિંહને સ્ટેન્ડ લેવાની જરૂર પડતી ત્યારે તેઓ પગલાં ભરતા હતાં.
શર્મા કહે છે, " તેમને એ વાતનો ખ્યાલ હતો કે તેઓ કૉંગ્રેસ પાર્ટીના સ્વાભાવિક નેતા નથી. અને તેમને મુખ્યત્વે એટલા માટે લાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ એક અર્થશાસ્ત્રી હતા."
"તેઓ કૉંગ્રેસ પાર્ટીની પસંદગી બન્યા, કારણ કે તેઓ પાર્ટીમાં કોઈના રાજકીય હરીફ ન હતા. તેમની યોગ્યતાઓને લીધે તેમની જરૂર પક્ષને હતી.
"સિંહ અને કૉંગ્રેસ બંને કાળજી રાખતા હતા કે તેઓ પ્રણવ મુખરજી કે પી. ચિદમ્બરમ અથવા તેમના જેવા અન્ય દિગ્ગજ રાજકારણી કે જેઓ પોતે મંત્રી કે વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતા હતા તેમની સાથે સંઘર્ષમાં ન આવે."
વિનોદ શર્મા યાદ કરે છે કે, "તેમના બીજા કાર્યકાળના છેલ્લા દિવસોમાં મનમોહનસિંહ ટુજી કૌભાંડમાં તેમની અને પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા દુષ્પ્રચારથી પરેશાન હતા."
તેઓ કહે છે, "ડૉ. સિંહ ડીએમકેના ટેલિકોમ મિનિસ્ટર એ. રાજાને (કૅબિનેટમાંથી) બહારનો રસ્તો દેખાડવા માંગતા હતા. તેઓ મક્કમ હતા પરંતુ કરુણાનિધિ રાજી ન થયા. આના કારણે મનમોહનસિંહે સરકારે તેની સ્થિરતા ગુમાવી દીધી."

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને લેખક રશીદ કિદવઈએ કહ્યું, "જ્યારે મનમોહનસિંહ નાણામંત્રી બન્યા ત્યારે તેઓ રાજકારણમાં શિખાઉ હતા, પરંતુ જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે તેઓ રાજકારણીઓમાં એક રાજનેતા બની ચૂક્યા હતા."
"તેઓ કૉંગ્રેસનાં ઘણાં કાવતરાખોર પાત્રોથી વાકેફ હતા. સાથે-સાથે તેઓ પોતાની મર્યાદાઓ પણ સમજતા હતા. તેઓ જાણતા હતા કે શેમાં પડવું અને શેમાં નહીં."
કિદવઈના મતે મનમોહનસિંહે 1991થી 1996 વચ્ચે ઘણી રાજકીય ભૂલો કરી હતી.
કિદવઈ કહે છે, "ઉદાહરણ તરીકે જ્યારે તેમણે 1991માં તેમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું ત્યારે તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશન નામના ખાનગી ટ્રસ્ટને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો."
"વિપક્ષે આને મામલે હોબાળો મચાવ્યો હતો અને સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. આ સોનિયા ગાંધીને અપમાનિત કરવા માટે તત્કાલીન વડા પ્રધાન નરસિંહ્મા રાવનું રાજકીય કાવતરું હતું."
"પરંતુ મનમોહનસિંહ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાથી તેમણે જ સમગ્ર દોષનો ટોપલો માથે લીધો હતો."
કિદવઈ કહે છે, " જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે તેમની આસપાસ અર્જુનસિંહ, પ્રણવ મુખર્જી, શિવરાજ પાટીલ, શરદ પવાર, અને નટવરસિંહ જેવા ધરખમ નેતા હતા. આ બધાનો રાજકીય અનુભવ દાયકાઓનો હતો. જોકે, સિંહે તેમને પણ નિયંત્રણમાં રાખ્યા અને શિસ્તબદ્ધ કર્યા."
કઈ ભૂમિકામાં વધુ અસરકારક?

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
તો સવાલ એ છે કે મનમોહનસિંહ નાણામંત્રી તરીકે કે વડા પ્રધાન તરીકે વધુ અસરકારક હતા?
પત્રકાર પંકજ પચૌરી વડા પ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળ દરમિયાન મનમોહનસિંહના મીડિયા સલાહકાર હતા.
તેમના મતે મનમોહનસિંહે નાણામંત્રી તરીકે જે કામ કર્યું તેના કારણે જ તેઓ વડા પ્રધાન બન્યા પછી ઘણું કરી શક્યા.
પચૌરી કહે છે, " તેમણે નાણામંત્રી તરીકે જે પાયો નાખ્યો હતો તેના પર જ તેમણે વડા પ્રધાન તરીકે તેની પર જે ઇમારત બનાવી અને એ પાયો નક્કર હતો."
"આ જે ઇમારત બની તેનો ડંકો વિશ્વમાં વાગ્યો. આ ઇમારત પર આધાર, મનરેગા, શિક્ષણનો અધિકાર અને અન્નનો અધિકાર જેવા થાંભલા પર બીજો અને ત્રીજો માળ બની રહ્યા છે."
વિનોદ શર્મા કહે છે કે નાણામંત્રી તરીકે મનમોહનસિંહ એક પરિચિત પીચ અને મેદાન પર બેટિંગ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, " આ કામ તેમના માટે કંઈ નવું નહોતું. તેઓ એક અર્થશાસ્ત્રી, રિઝર્વ બૅન્કના ગવર્નર, આયોજનપંચના ઉપાધ્યક્ષ અને વિશ્વ બૅંકના અધિકારી તરીકે આખી જિંદગી આનો જ અભ્યાસ કરતા હતા."
"જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારે તેમની પાસે આ કુશળતા હતી. વડા પ્રધાન તરીકે તેઓ રાજકીય મોરચે બહુ સક્રિય નહોતા. તેમને લાવવામાં જ એટલે આવ્યા હતા, કારણ કે તેની કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા નહોતી."
રાશિદ કિદવઈનું કહેવું છે કે, વર્ષ 2009માં મનમોહનસિંહને લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી હતી અને અકાલીઓ તેમને જલંધરની બેઠક પરથી સમર્થન આપવા માંગતા હતા. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો.
કિદવઈએ કહ્યું, "પરંતુ 1999ની લોકસભા ચૂંટણીના અનુભવે તેમને અહેસાસ કરાવ્યો કે તેઓ પાર્ટીની આંતરિક લડાઈને કારણે ચૂંટણી હારી ગયા હતા. અંદરોઅંદર ઝઘડો કરનારા કેટલાય તેમાંના કૅબિનેટ સાથીદારો હતા. તેથી તેમણે એક રાજકીય ચહેરો ઓઢી લીધો."
"હું તેમને રાજકારણી તરીકે વધુ સફળ જોઉં છું, અધિકારી અથવા અર્થશાસ્ત્રી કરતાં પણ વધુ. તેઓ કોઈ પણ દિવસે નાણામંત્રી કરતાં વધુ સારા વડા પ્રધાન હતા. તેઓ નવા અને મોટા જનાદેશ સાથે 2009માં ફરી ચૂંટાયા. આ તેમની રાજકીય સફળતા અને વડા પ્રધાન તરીકેની સફળતાનો પુરાવો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













