ગુજરાત : 6000 કરોડના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને પોલીસે એક વાઇફાઇની મદદથી કેવી રીતે પકડી પાડ્યો?

BZ ગ્રૂપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CID Crime Gujarat/Ankit Chauhan

ઇમેજ કૅપ્શન, એફઆઇઆર નોંધાયાના લગભગ એક માસ બાદ છ હજાર કરોડ રૂપિયાના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઇડી ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી

ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાના કથિત BZ ફાઇનાન્સ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઇડી ક્રાઇમે ગત શુક્રવારે ધરપકડ કરી હતી.

તેમની ધરપકડ મહેસાણા પાસેના એક ફાર્મ હાઉસમાંથી કરવામાં આવી હતી અને પછી તેમને ગાંધીનગર લઈ જવાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાલ સાત દિવસના રિમાન્ડ પર છે.

પરંતુ પાછલા લગભગ એક માસથી ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં હતા અને પોલીસે અંતે તેમને કેવી રીતે પકડી પાડ્યા એ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ કેસ સાથે સંકળાયેલા ટોચના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી.

ભૂપેન્દ્રસિંહ ઝાલા દેશમાં જ હતા કે વિદેશ નાસી છૂટેલા?

ભૂપેન્દ્રસિંહ ઝાલા, બીઝેડ ગ્રૂપ, કૌભાંડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BHUPENDRA ZALA-FB/ANKIT CHAUHAN

સીઆઇડી ક્રાઇમનાં વડાં પરીક્ષિતા રાઠોડે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે આ મુદ્દે વાત કરી હતી.

શરૂઆતમાં પોલીસ પાસે પણ એ બાતમી ન હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ખરેખરમાં ભારતમાં જ છે કે વિદેશ ભાગી ગયા છે.

પરીક્ષિતા રાઠોડે આ વિશે કહ્યું કે, "પહેલાં તો એવી જ માહિતી મળી હતી કે ભૂપેન્દ્ર ઝાલા વિદેશ જ ભાગી ગયો છે. પરંતુ પછી હ્યુમન ઇન્ટેલિજન્સથી ખ્યાલ આવ્યો કે તે ઉત્તર ગુજરાતમાં જ પોતાના મિત્રને ત્યાં રોકાયો છે. પોલીસે ત્યાર બાદ તેના લાગતા-વળગતા લોકોના સંપર્ક નંબરને સર્વેલન્સ હેઠળ મૂકી દીધા હતા. તેમાંથી જ પોલીસને એક નંબર શંકાસ્પદ લાગ્યો. આ નંબરથી વૉટ્સઍપથી કૉમ્યુનિકેશન થઈ રહ્યું હતું."

તેઓ કહે છે, "એ નંબર ટ્રૅક કર્યો પછી પોલીસને ખ્યાલ આવ્યો કે એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જ નંબર છે. ત્યાર બાદ પોલીસની ટીમોએ સતત તેના પર વૉચ રાખી હતી. તેના રોકાણના પૈસા ક્યાં છે અને કઈ રીતે મહત્તમ રિકવરી કરી શકાય તેના પર અમારી નજર છે અને વધુ તપાસ એ દિશામાં આગળ થશે."

સીઆઇડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માએ બીબીસી સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 34 દિવસથી ફરાર હતો. તેણે અલગ-અલગ લોકોને અલગ-અલગ નંબર પરથી ફોન કરાવીને પોલીસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ફોન કૉલ બાદ તેના નંબર બંધ થઈ જતા હતા. અમને એ ખ્યાલ આવી ગયો હતો કે એ વીસનગરની આસપાસ છે, આથી અમે વિસ્તૃત તપાસ કરવાનું શરૂ કર્યું."

વાઇફાઇ કનેક્શન પોલીસ માટે કડી બન્યું

વીડિયો કૅપ્શન, આ યુવતીને પ્રેમમલગ્ન કરવાની પરિવારે કેવી સજા આપી?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિમાંશુ વર્મા કહે છે કે, "ભૂપેન્દ્રસિંહ ઝાલા ટેકનિકલી હોશિયાર હોવાથી તેણે સંતાવા માટે સાવ નાનકડું ગામડું પસંદ કર્યું હતું, જ્યાં મોબાઇલ ટાવર અને ઇન્ટરનેટ સુવિધા ઓછી હોય. જે બાદ પોલીસે તપાસ કરી કે ગામમાં નવું વાઇફાઇ કનેક્શન ક્યાં લાગ્યું છે. ઝાલા વાઇફાઇ કનેક્શન પણ ચાલુ-બંધ કરતો હતો."

"ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્ષત્રિય નેતા કિરણસિંહ ચૌહાણના ખેતરમાં હતો અને પોલીસે તેની પણ મદદ કરવાના આરોપમાં અટકાયત કરી છે."

ગુજરાત પોલીસને સાયબર ક્રાઇમમાં મદદ કરતા સાયબર ઍક્સપર્ટ નેહલ દેસાઈએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને કહ્યું કે "જો વાઇફાઇ હોય અને રાઉટર રાખ્યું હોય અને ડોંગલની મદદથી જો કૉમ્યુનિકેશન કરવામાં આવે તો એનું આઈપી એડ્રેસ શોધવાનો પ્રયાસ કરીએ ત્યારે સૌપ્રથમ વેનપૉર્ટનું (વાઇડ એરિયા નેટવર્ક) આઈપી એડ્રેસ આવે. એટલે કઈ જગ્યાએથી કૉમ્યુનિકેશન થયું છે એ શોધવું મુશ્કેલ પડે."

"જો કોઈ વ્યક્તિ વારંવાર ડોંગલ બદલી વાઇફાઇ પરથી કૉમ્યુનિકેશન કરે અને સિગ્નલ બૂસ્ટર લગાવ્યું હોય તો એનું સ્ટેટિક આઇપી એડ્રેસ શોધવામાં સમય લાગે. એ સીમકાર્ડ વાપરે તો ઝડપથી એનું સ્ટેટિક આઈપી (એક યુનિક નંબર જે કૉમ્યુનિકેશન માટેનાં સાધન અને નેટવર્કનું સ્થાન બતાવે છે) મળી જાય, પણ ભૂપેન્દ્રસિંહ સિગ્નલ બૂસ્ટર રાખતો હતો."

તેમના જણાવ્યા અનુસાર, એ (ભૂપેન્દ્રસિંહ) જ્યાં રોકાયો હતો એ ફાર્મહાઉસમાં સિગ્નલ બૂસ્ટર પણ મળ્યું છે, એટલે સિગ્નલ મેગ્નીફાય થાય અને વેનપૉર્ટનો એરિયા વધી જાય એટલે એ શોધવાનું અઘરું પડે. એમાંય એ નાનકડા ગામડાના ફાર્મહાઉસમાં રહેતો હતો અને વારંવાર ડોંગલ બદલતો હતો, એટલે એનું સ્ટેટિક અડ્રેસ શોધવું મુશ્કેલ બન્યું હતું, પણ બંને ડોંગલના વેનપૉર્ટ પરથી સ્ટેટિક ઍડ્રેસ મહેનત બાદ મળ્યું હતું.

ઝાલાની ધરપકડ કરવાની પોલીસ ઘણા દિવસથી કોશિશ કરી રહી હતી

નોંધનીય છે કે હજારો કરોડ રૂપિયાના આ કથિત કૌભાંડ મામલે આ પહેલાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી અને મિલકતો પણ ટાંચમાં લેવાનું શરૂ કર્યું હતું.

કેસની તપાસ દરમિયાના મોડાસા ખાતે વધુ ચાર અનરજિસ્ટર્ડ કંપનીઓ પર પણ સીઆઇડી ક્રાઇમે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી.

સ્થાનિક સમાચારપત્રો મુજબ BZ ફાઇનાન્સની માફક આ કંપનીઓ પણ રોકાણકારો પાસેથી ઊંચા વળતરનો વાયદો કરીને રોકાણ કરાવતી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે રોકાણકારો સાથે 50 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધી છે.

કેવી રીતે સામે આવ્યો કથિત BZ કૌભાંડનો મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

થોડા દિવસ પહેલાં ગુજરાત પોલીસના સીઆઇડી ક્રાઇમ વિભાગ દ્વારા રૂપિયા 6,000 કરોડનું કથિત કૌભાંડ પકડવામાં આવ્યું હતું, જેમાં BZ ગ્રૂપ તરીકે ઓળખાતી ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતી ખાનગી પેઢીની ઑફિસો પર મોડાસા, હિંમતનગર, મહેસાણા, ગાંધીનગર જેવાં ઉત્તર ગુજરાતનાં વિવિધ શહેરોમાં દરોડા પાડીને દસ્તાવેજો એકઠા કરાયા હતા.

નોંધપાત્ર બાબત એ છે કે પોલીસે મળેલી એક નામ વિનાની અરજીને આધારે પગલાં ભરીને દરોડા પાડવાની આ તમામ કાર્યવાહી કરી હતી.

દરોડામાં મળેલા દસ્તાવેજોને આધારે પોલીસે 27 નવેમ્બરના રોજ BZ ગ્રૂપના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી અને ગ્રૂપ માટે રોકાણ લઈ આવવાનું કામ કરતા સાત એજન્ટોની અટકાયત કરી હતી.

પોતાના રોકાણ પર વધુ વ્યાજ કમાઈ લેવાની લાલચમાં આવીને ઉત્તર ગુજરાતના હજારો લોકોએ કરોડો રૂપિયોનું રોકાણ કર્યું હોવાની સીઆઇડી ક્રાઇમને માહિતી મળી હતી.

પોલીસ ફરિયાદમાં બીજું શું છે?

ભૂપેન્દ્રસિંહ ઝાલા, બીઝેડ ગ્રૂપ, કૌભાંડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્રસિંહ ઝાલાનો બંગલો અને પ્રિમિયમ કાર

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર BZ ગ્રૂપ દ્વારા રોકાણકારોને કરાર કરી આપવામાં આવતા હતા. કરારમાં લેખિતમાં સાત ટકા વ્યાજ તેમજ મૌખિક 18 ટકા વ્યાજની આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ યોજનાઓમાં પાંચ લાખનું રોકાણ કરનારને વ્યાજ ઉપરાંત 32 ઇંચનું એલઇડી ટીવી અને દસ લાખ રૂપિયાનું રોકાણ કરનારને વ્યાજ ઉપરાંત ગોવાની ટ્રિપ ઑફર કરવામાં આવતી હતી.

આ કથિત કૌભાંડની મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતાં સીઆઇડી ક્રાઇમના ભૂતપૂર્વ વડા રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે BZ ગ્રૂપ દ્વારા મોટા ભાગે શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. વધારે વળતર આપવાની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવવામાં આવતું હતું.

લોકોને ભરોસો અપાવવા માટે શરૂઆતમાં થોડું-થોડું વળતર પણ આપવામાં આવતું હતું. રોકાણ લાવવા માટે એજન્ટ રાખવામાં આવતા હતા. આ એજન્ટોને BZ ગ્રૂપ પાંચ ટકાથી 25 ટકા સુધી કમિશન આપતું હોવાની માહિતી મળી છે. અન્ય એજન્ટો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ફરિયાદમાં અનુસાર અન્ય સરકારી કર્મચારીઓ તેમજ ખેડૂતો પણ આ સ્કીમનો ભોગ બન્યા હોવાનું જણાય છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા 28 નવેમ્બર, ગુરુવારે તપાસ કાર્યવાહી અંગે જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે અટક કરાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યુ કે આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોનાં નાણાંમાંથી ફૉર્ચ્યુનર અને હૅરિયર જેવી એસયુવી ખરીદી છે. પોલીસે આ ગાડીઓ કબજે કરવા કાર્યવાહી શરૂ કરી છે.

એજન્ટો વધુમાં વધુ રોકાણ લાવે તેને ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી ઑડી અને ફૉર્ચ્યુનર જેવાં મોંઘાં વાહનો ભેટમાં આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.