IND vs NZ: ભારતની 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હાર - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગ 245 રનમાં આટોપાઈ જતા ભારતે 113 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.
પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરીને ન્યૂઝીલૅન્ડ ટીમે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં ભારતીય ટીમ 156 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
બીજા દાવમાં ન્યૂઝીલૅન્ડની ટીમે 255 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને જીતવા માટે 359 રનનું લક્ષ્ય આપ્યું હતું.
જીતના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ 245 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ન્યૂઝીલૅન્ડના સ્પિન બૉલર મિશેલ સેન્ટનરે છ વિકેટ ઝડપી હતી.
આ પહેલાં 2012માં ભારત ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું હતું, ઇંગ્લૅન્ડે ભારતને હરાવ્યું હતું.
ન્યૂઝીલૅન્ડ હવે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં 2-0થી આગળ છે. બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે આઠ વિકેટથી જીત મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે.
મનિકા બત્રા બન્યાં વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપના ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશનારાં પહેલા ભારતીય

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ(ડબલ્યુટીટી)ના વિમેન્સ સિંગલ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયાં છે.
આ સાથે મનિકા બત્રા ડબલ્યુટીટીના ક્વાર્ટરફાઇનલમાં પોતાની જગ્યા બનાવનારાં પહેલા ખેલાડી બની ગયાં છે.
વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ હાલ ફ્રાન્સમાં રમાઈ રહી છે. આ સ્પર્ધામાં મનિકા બત્રાએ સોમાનિયાનાં બર્નડેટ સ્જોક્સને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો.
ઈરાન પર ઇઝરાયલના હુમલા મામલે સાઉદી અરેબિયાએ શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાએ ઈરાન પર ઇઝરાયલે કરેલા હવાઈ હુમલાની નિંદા કરી છે.
સાઉદી અરેબિયાએ ઇઝરાયલના આ હુમલાને ઈરાનની સંપ્રભુતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યા છે.
સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયાએ ઇઝરાયલ અને ઈરાન એમ બંનેને સંયમ વર્તવાની અને તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.
તેણે ચેતવણી આપી છે કે મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં ચાલી રહેલા આ સંઘર્ષના ગંભીર પરિણામ આવી શકે છે. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ સંઘર્ષને સમાપ્ત કરવા પોતાની ભૂમિકા અને જવાબદારી નિભાવવા જણાવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ઇઝરાયલને કઈ ચેતવણી આપી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલને ઈરાનના પરમાણુ અને તેલનાં ઠેકાણાં પર હુમલા ન કરવાની ચેતવણી આપી છે.
બાઇડન પ્રશાસને કહ્યું છે કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અને આ મહિનાની શરૂઆતમાં ઈરાન તરફથી થયેલા હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે.
જોકે, બાઇડને કહ્યું કે જો ઇઝરાયલ ઈરાનના પરમાણુ ઠેકાણાં પર હુમલો કરે તો તેઓ તેનું સમર્થન નહીં કરે. બાઇડનનું માનવું છે કે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાની પરિસ્થિતિ વધુ બગડી શકે છે.
બાઇડને ચાર ઑક્ટોબરે આપેલા પોતાના એક નિવેદનમાં પણ કહ્યું હતું કે જો હું ઇઝરાયલની જગ્યાએ હોત તો ઈરાની તેલ ક્ષેત્રમાં હુમલો કરવાની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ પસંદ કરત.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ અને પંજાબ પોલીસે એક આરોપીની કરી ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મુંબઈ પોલીસ અને પંજાબ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
પંજાબ પોલીસે આ મામલે જાણકારી આપી છે. પંજાબ પોલીસની ડીજીપી ઑફિસે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ મામલે એક પોસ્ટ પણ લખી છે.
તેમના લખવા પ્રમાણે, “મુંબઈ પોલીસે પંજાબ પોલીસની સાથે સંયુક્ત અભિયાનમાં મુંબઈ નિવાસી સુજીત સુશીલસિંહની ધરપકડ કરી છે જે બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હોવાનો શકમંદ હતો.”
પોલીસના જણાવ્યા પ્રમાણે, “સુજીત બાબા સિદ્દીકીની હત્યાના ષડયંત્રમાં સામેલ હતો અને ત્રણ દિવસ પહેલાં આ યોજના મામલે નિતિમ ગૌતમ અને અન્ય એક આરોપીને જાણ કરી હતી. સુજીતે તેમને સહાય પણ પૂરી પાડી. હવે પછીની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.”
12 ઑક્ટોબરે રાત્રે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
ચીનના હૅકરોએ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન ટૅપ કરવાના પ્રયાસ કર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા સાયબર અપરાધીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેડી વૅન્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ફોન કે નેટવર્કને ટૅપ કરવાના પ્રયાસ થયા હોઈ શકે છે.
અનેક સૂત્રોએ આ સમગ્ર ઘટનાક્રમ વિશે બીબીસીના યુએસ ન્યૂઝ પાર્ટનર સીબીએસ ન્યૂઝને આ વાતની પુષ્ટિ કરી હતી.
સૂત્રોનેના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ-વૅન્સના ચૂંટણીપ્રબંધકોને સંભવિત સાયબર ઍટેક અંગે સાવધ કરવામાં આવ્યા હતા.
અન્ય એક વ્યક્તિએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે હેરિસ-વાલ્ઝના ચૂંટણીપ્રચાર અભિયાન સાથે જોડાયેલા લોકોને પણ સંભવિત સાયબર ઍટેક અંગે સાવચેત કરવામાં આવ્યા હતા.
જોકે, આથી વધુ કોઈ માહિતી બહાર નથી આવી. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તથા આંતરિક તપાસ માટે જવાબદાર સંસ્થા ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
એફબીઆઈ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યૉરિટી એજન્સીએ તેના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ચાઇનિઝ હુમલાખોરો અમારા નેટવર્કમાં કેવી રીતે ઘૂસી ગયા, તેના વિશે અમે તપાસ કરી રહ્યા છીએ.
આ સંયુક્ત નિવેદનમાં હજુ પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ, ટ્રમ્પના પ્રચારઅભિયાન સાથે જોડાયેલા લોકોએ સમગ્ર ઘટનાક્રમ માટે ડેમૉક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી છે.
દિલ્હીનાં હવા-પાણીમાં પ્રદૂષણ

ઇમેજ સ્રોત, બીજી તસવીરના કૉપીરાઇટ
શનિવારે સવારે દિલ્હીના આઈટીઓ તથા ઇન્ડિયા ગૅટ વિસ્તારમાં વાયુપ્રદૂષણ જોવા મળ્યું હતું. કર્તવ્યપથ તથા ઇન્ડિયા ગૅટ પર જૉગિંગ અને વૉકિંગ માટે આવતા લોકોને પ્રદૂષણનો અનુભવ થયો હતો.
સેન્ટ્રલ પૉલ્યુશન બોર્ડના ડેટાને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવે છે કે ઇન્ડિયા ગૅટ ખાતે વાયુની ગુણવતા સુધરીને 237 થઈ છે, છતાં તેને 'ખરાબ'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
આવી જ રીતે અક્ષરધામ પાસે આ આંકડો 218નો છે, જે પણ 'ખરાબ' છે. અહીં પણ પરિસ્થિતિ થોડી સુધરી હોવાનું એજન્સીએ અવલોક્યું છે.
બીજી બાજુ, ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, દિલ્હીના કાલિંદી કૂંજ વિસ્તારમાં યમુના નદીમાં પ્રદૂષણ જોવા મળ્યું હતું. નદીમાં ઝેરી ફીણના થરના થર જોવા મળ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












