You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ શું આવશે? આ પાંચ રાજકીય વિશ્લેષકોનો મત જાણો
હાલ સમગ્ર મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે અને મહારાષ્ટ્રમાં રહેતી દરેક વ્યક્તિના મનમાં સવાલ છે કે આગામી 23મીએ રાજ્યમાં કોણ સત્તા પર આવશે?
આ ચૂંટણીમાં ક્યું પરિબળ કામ કરશે?, ક્યા જ્ઞાતિ સમીકરણોની ગણતરી થશે?, મરાઠવાડામાં શું થશે?, વિદર્ભમાં કોને સરસાઈ મળશે?, મુંબઈની લડાઈ કોણ જીતશે? આવા અનેક સવાલો અને તેના જવાબોની અટકળોથી અખબારો અને પ્રસાર માધ્યમો ગાજી રહ્યાં છે.
થોડાક મહિના પહેલાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને સફળતા મળ્યા પછી રાજકીય નિરિક્ષકો એવું માનવા લાગ્યા હતા કે વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકસભા ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થઈ શકે છે.
જોકે, મુખ્ય મંત્રી એકનાથ શિંદેના વડપણ હેઠળની મહાયુતિ સરકાર વિવિધ યોજનાઓ અમલી બનાવીને ચૂંટણીમાં સત્તા પર પાછા ફરવાના પ્રયાસ કરી રહી છે.
તેથી હવે પરિણામ કોની તરફેણમાં આવશે તે જોવાનું મહત્ત્વનું બની રહેશે. આ ચૂંટણીમાં પવન ખરેખર કોની તરફ ફૂંકાઈ રહ્યો છે તે જાણવા માટે બીબીસીએ મહારાષ્ટ્રના અગ્રણી રાજકીય વિશ્લેષકો અને તંત્રીઓ સાથે વાત કરી હતી.
તેમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો ડૉ. સુહાસ પળશીકર, પ્રકાશ પવાર, લોકસત્તા દૈનિકના તંત્રી ગિરીશ કુબેર અને વરિષ્ઠ પત્રકારો નિખિલ વાગળે તથા રાહી ભિડેનો સમાવેશ થાય છે.
આ નિષ્ણાતો વિધાનસભાની ચૂંટણી વિશે શું માને છે? પરિણામ કોની તરફેણમાં આવી શકે છે? હાલ પ્રચારમાં કઈ યુતિ આગળ છે? આવા અનેક સવાલોનો તાગ અમે તેમની સાથેની વાતચીતમાં મેળવ્યો છે.
કોને બહુમતી મળશે? ડૉ. સુહાસ પળશીકરનું તારણ
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડૉ. સુહાસ પળશીકરે કહ્યું હતું, “2014 પછી ભાજપ મહારાષ્ટ્રમાં એક મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેથી આ ચૂંટણીમાં પણ ભાજપ પ્રબળ પક્ષ તરીકે ઉભરવાના પ્રયાસ કરશે. બીજી શક્યતા એ છે કે ગઠબંધન અને જોડાણની જે રાજનીતિ અત્યારે ચાલી રહી છે તે આગામી પાંચ-દસ વર્ષ ચાલુ રહી શકે છે. ત્રીજું પરિબળ એ છે કે રાજ્યમાં ઘણા નાના પક્ષો ઉભરી આવ્યા છે. તેથી પરિણામ પછી આવા નાના પક્ષો સાથે મળીને એક મોટો પક્ષ નવું સમીકરણ રચી શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચૂંટણીમાં શું થશે અને ક્યા મુદ્દાઓ નિર્ણાયક હશે, એવા સવાલોના જવાબમાં ડૉ. પળશીકરે કહ્યું હતું, “અર્થવ્યવસ્થા પર નજર કરીએ તો બેરોજગારી અને મોંઘવારી દેખાય છે. લોકોને પૂછો તો કહે છે કે આ પ્રશ્નો છે. થોડે આગળ જઈને વિચારીએ તો આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્રે જે સમસ્યાઓ છે તેની અસર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં, પરંતુ શહેરી વિસ્તારોમાં પણ છે.”
તેનું કારણ આપતાં ડૉ. પળશીકરે કહ્યું હતું, “જે શહેરો છે તેમાં, ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પર ન નભી શકતા લોકો રહેતા થયા છે. એ કારણે શહેરો વિસ્તરવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સ્થળાંતર જેને ઇન-માઇગ્રેશન કહેવામાં આવે છે તે છે. એટલે કે રાજ્યમાંથી રાજ્યમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. તેથી ખેતીમાં જે સમસ્યા છે તેનો તાપ શહેરોમાં પણ અનુભવાશે.”
બીજા મુદ્દાઓની વાત કરતા તેમણે કહ્યું હતું, “ત્રીજું પરિબળ જાણીતું છે. અને એ મુદ્દો એટલે કે મરાઠા સમાજ શું કરશે તે છે. ચોથું પરિબળ ચાર, પાંચ, છ પક્ષોનું જોડાણ કેવું હશે તે છે. તેમનાં સમીકરણો અને ટૅક્નિકલ ભાષામાં જેને વોટ ટ્રાન્સફર કહેવાય છે તે હશે. મારા પક્ષના લોકો તમારા પક્ષને મત આપશે કે નહીં તેના પર ચૂંટણીનાં પરિણામોનો આધાર હશે.”
ડૉ. સુહાસ પળશીકરે ઉમેર્યું હતું, “લોકો અલગ-અલગ બાબતો વિશે વાત કરતા હોય છે, પરંતુ મને લાગે છે કે આખરે આજીવિકાનો મુદ્દો મહત્ત્વપૂર્ણ હોય છે. પોતાનું જીવન સુખી ન હોવાનો મુદ્દો લોકોના મનમાં ક્યાંકને ક્યાંક રહેશે. જોકે, કોણ પણ રાજકીય પક્ષ આપણને સુખ આપતો નથી એ વાત સાચી હોવા છતાં, મોટાભાગે દરેક શાસકને તેની અસર જરૂર થાય છે.”
ડૉ. પળશીકરના કહેવા મુજબ, “ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસને તેની અસર થઈ શકે છે, એવું મને લાગે છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વરસાદ જોશો તો તમને સમજાશે કે તેનું કારણ આ જ છે. લોકોમાં અસંતોષ છે અને તેઓ આપણને નુકસાન કરી શકે છે, એ વાત આ પક્ષો પણ જાણે છે.”
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં આ વેળાની ચૂંટણીમાં કોનું પલડું ભારે દેખાય છે, એવા સવાલના જવાબમાં ડૉ. પળશીકરે કહ્યું હતું, “કોની તરફ પલડું ઝૂકી રહ્યું છે એ અત્યારે કળી શકાતું નથી. લોકસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોને મળેલા મતમાં એક જ ટકાનો ફરક હતો. સાદી ભાષામાં કહીએ તો વાસ્તવમાં બન્નેની તાકાત સમાન હતી. તેથી કટોકટની લડાઈ થવાની સંભાવના છે.”
પરિણામ શું આવશે તે કોઈ ન કહી શકેઃ ગિરીશ કુબેર
લોકસત્તા દૈનિકના તંત્રી ગિરીશ કુબેરે વિધાનસભા ચૂંટણી વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ચૂંટણી ઐતિહાસિક રીતે જટિલ બની ગઈ હોય એવું તેમને લાગે છે.
દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછા છથી સાત પ્રભાવી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેથી કુબેર માને છે કે ચૂંટણીનાં પરિણામો બાબતે કોઈ આગાહી કરી શકે નહીં.
મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચેની સ્પર્ધાની વાત કતાં કુબેરે કહ્યું હતું, “મહારાષ્ટ્રના રાજકારણમાં દરેક રાજકીય પક્ષને પહેલીવાર એવું લાગે છે કે પોતાના ઉમેદવારની જીત કરતાં સાથી પક્ષના ઉમેદવારનો પરાજય વધારે મહત્ત્વનો છે. મુખ્ય મંત્રી એકનાથ શિંદેને લાગે છે કે ભાજપને વધારે બેઠકો ન મળવી જોઈએ, જ્યારે ભાજપ અને અજિત પવારનું પણ એવું જ છે. તેથી સાથી પક્ષોના ઉમેદવારોને પાડવાના વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ વિશે વાત કરતાં કુબેરે કહ્યું હતું, “આ ચૂંટણીમાં સોયાબીન, શેરડી, કપાસ અને ડુંગળીના મુદ્દા મહત્ત્વના બની શકે છે. તેની ખેતી કરતા ખેડૂતોની સમસ્યાઓ ચૂંટણીના પરિણામને અસર કરી શકે છે. એ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ભડકેલા મરાઠા વિરુદ્ધ અન્ય પછાત વર્ગના સંઘર્ષની અસર પણ થઈ શકે છે.”
ગિરીશ કુબેરે ઉમેર્યું હતું કે “ચૂંટણીની ચર્ચામાં એક મહત્ત્વના મુદ્દાની અવગણના કરવામાં આવે છે અને તે મુદ્દો વધતા જતા શહેરીકરણને કારણે સર્જાતી રોજગારની અપૂરતી તકોનો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દાયકાઓથી કોઈ ઉત્પાદક એકમ શરૂ થયો નથી. મહારાષ્ટ્રનું ધ્યાન સર્વિસ સેક્ટર પર કેન્દ્રીત રહ્યું છે અને એ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની રોજગારી કાયમી સ્વરૂપની નથી તથા તેમનું સન્માનજનક સ્થાન પણ નથી. તેથી આવા બેરોજગાર મતદારો શું કરશે, તેના પર આ વર્ષની ચૂંટણીના પરિણામનો મોટો આધાર હશે.”
મહિલા મતદારો અને 'લાડકી બહિણ યોજના' બાબતે વાત કરતાં ગિરીશ કુબેરે કહ્યું હતું, “મહારાષ્ટ્રમાં અને દેશની પુરુષપ્રધાન રાજકીય વ્યવસ્થામાં મહિલાઓના રાજકીય અભિપ્રાયોને, કમનસીબે, વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી. તેથી લાડકી બહિણ યોજનાની બહુ મોટી અસર થશે એવું લાગતું નથી. મહિલાઓને દર મહિને રૂ. 1,500 આપવાથી મહિલાઓના મત રાજકીય પક્ષને મળશે એવું અત્યારે લાગતું નથી.”
લાડકી બહિણ યોજના બાબતે વાત કરતાં કુબેરે કહ્યું હતું, “આવી યોજનાઓ દ્વારા મહિલાઓને પૈસા આપતી વખતે બીજી બાજુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. મહિલાઓના હાથમાં પૈસા આવવાને કારણે ખેતમજૂરીના દરમાં વધારો થયો છે. અત્યારે એવું વલણ જોવા મળી રહ્યું છે કે પૈસા મળે છે ત્યાં સુધી લઈ લો, આગળનું જોયું જશે. આ કારણે લાડકી બહિણ યોજના હેઠળ પૈસા મેળવનાર મહિલા મતદાન કરશે એ જરૂરી નથી. કોલ્હાપુરના રાજ્યસભાના સભ્ય મહાડિક જે કંઈ બોલ્યા તેમાં તેમના જ પક્ષમાંનો અવિશ્વાસ અને બેચેની દેખાય છે.”
ગિરીશ કુબેરે કહ્યું હતું, “લાડકી બહિણ યોજના હેઠળ પૈસા લીધા પછી પણ મહિલાઓ મહાયુતિને નકારી કાઢશે તો એક રીતે સારું થશે, કારણ કે નાગરિકો પર ઉપકાર કરીને તેના બદલે તેમના મત મેળવવાની પરંપરા ખંડિત કરી શકાશે. મહાયુતિને લાડકી બહિણ યોજના બાબતે જે આત્મવિશ્વાસ છે તે એ કારણે કદાચ ખોટો સાબિત થઈ શકે છે.”
આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વના મુદ્દા વિશે વાત કરતાં ગિરીશ કુબેરે કહ્યું હતું, “હાલ મહારાષ્ટ્રનું રાજકારણ શરદ પવારના નામ અને મહાયુતિ તથા મવિઆની સફળતા-નિષ્ફળતાના ગણિત પર નિર્ભર રહેશે. મવિઆ સત્તા પર આવશે તો લોકોએ શરદ પવાર ફૅક્ટરને સ્વીકાર્યું છે એવું માનવું પડશે અને મહાયુતિનો વિજય થશે તો તે ફૅક્ટરને મતદારોએ નકાર્યું છે એવું માનવું પડશે. કોઈ પણ રાજકીય પક્ષ કે નેતાનું ખરેખર શું થશે તેની અત્યારે કોઈ ગૅરંટી નથી.”
આ ચૂંટણી એક ‘અભૂતપૂર્વ લડાઈ’ છેઃ નિખિલ વાગલે
વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેએ કહ્યું હતું, “મહારાષ્ટ્રની આગામી ચૂંટણી માટે હું બે શબ્દ વાપરીશ અને તે શબ્દો છેઃ અભૂતપૂર્વ અરાજકતા. મહારાષ્ટ્રમાં રાજકારણના અધઃપતનને આપણે આ ચૂંટણીમાં જોઈ રહ્યા છીએ. ઉમેદવારોની યાદી પર નજર કરો તો એ ધ્યાનમાં આવશે. મહારાષ્ટ્રમાં બળવાખોરી કોઈ નવી વાત નથી. મહારાષ્ટ્રમાં બંડખોરી સતત થતી રહી છે. 1995ની ચૂંટણીમાં 45 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા અને મનોહર જોશીની સરકાર આવી હતી, પરંતુ આ વખતે બંડખોર ઉમેદવારો વધારે છે, પોતાના માટે ચૂંટણી લડતા, બીજાની જીત માટે ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો બહુ છે.”
ચૂંટણીમાં ગેરરીતિની વાત કરતાં નિખિલ વાગલેએ કહ્યું હતું, “અત્યારે કરોડો રૂપિયા મળી આવ્યા છે. ચૂંટણી પંચ 100 કરોડ રૂપિયા જપ્ત કરે એ પહેલાં 500 કરોડ રૂપિયા નીકળી ગયા હોય છે. ચૂંટણીમાં તમામ પ્રકારની ગેરરીતિઓ મહારાષ્ટ્રમાં થઈ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ગેરરીતિની પરંપરા છે. અગાઉ યશવંતરાવ ચવાણના મતવિસ્તારમાં તેમના જ કાર્યકરો મતપેટીઓ ઉઠાવી ગયા હોવાના આક્ષેપ થયા હતા, પરંતુ હવે ગેરરીતિનું સ્તર વધુ નીચે ગયું છે. મને લાગે છે કે આ વખતની ચૂંટણીમાં અભૂતપૂર્વ ગુંડાગીરી થશે.”
વાગલેના કહેવા મુજબ, “આ ચૂંટણીમાં શેરીઓના ગુંડાઓનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીમાં પૈસા અને ગુનેગારોનો મોટો પ્રભાવ હોઈ શકે છે. ઉમેદવારોની યાદી જુઓ તો તેને માત્ર સગાવાદ જ નહીં, પરંતુ ભાઈ-ભત્રીજાવાદ કહી શકાય તેવી પરિસ્થિતિ છે. આ પ્રકારના લોકોને ઉમેદવાર બનાવીને રાજકીય નેતાઓ એવો સંદેશ આપે છે કે સામાન્ય કાર્યકરોએ આજીવન શેતરંજી જ ઉંચકવાની છે. શરદ પવારના ઘરમાં કેટલા સંસદસભ્યો, કેટલા વિધાનસભ્યો છે? મને એવું લાગે છે કે નેતાઓએ આદર્શ આચરણ કરવું જોઈએ. તમારી પાસે યુવા કાર્યકરો હોય તો તેમને તક આપવી જોઈએ, પરંતુ તેના બદલે અહીં પરિવારોનો પ્રભાવ વધ્યો છે.”
વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થઈ શકે તેમ છે? આ સવાલના જવાબમાં નિખિલ વાગલેએ કહ્યું હતું, “લોકસભાની ચૂંટણીમાં મવિઆને જેવી સફળતા મળી હતી તેવું એકતરફી પરિણામ નહીં આવે. તેનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન મેં પ્રવાસ કર્યો ત્યારે મહારાષ્ટ્રમાં જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, તેવું વાતાવરણ અત્યારે જોવા મળતું નથી. એ વખતે ક્યો પક્ષ જીતશે તેને બદલે નાગરિકોએ ઉસ્ફૂર્તપણે ચૂંટણીને પોતાના તાબામાં લઈ લીધી હતી. મવિઆ પાસે એક મૉમેન્ટમ હતું. મહારાષ્ટ્રમાં સિવિલ સોસાયટીની સભાઓમાં પણ લોકોની ભીડ જોવા મળતી હતી. મને મહારાષ્ટ્રમાં અત્યારે આવું વાતાવરણ ક્યાંય દેખાતું નથી.”
તેમણે ઉમેર્યું હતું, “મવિઆએ તેનું મૉમેન્ટમ પાંચ જ મહિનામાં ગુમાવી દીધું છે. તેનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી પછી મવિઆના નેતાઓ આળસુ બની ગયા હતા. લોકસભાની ચૂંટણી વખતનું વાતાવરણ જાળવી રાખવા માટે તેમણે કશું કર્યું નથી. આ નેતાઓ પોતાના અહંકાર પર બેઠા છે. તેમની મહત્ત્વાકાંક્ષા વધી છે. તેથી લોકસભાની ચૂંટણી વખતે મવિઆમાં જે એકતા હતી તે હવે રહી નથી.”
મહાયુતિમાંના મતભેદો બાબતે વાત કરતાં નિખિલ વાગળેએ કહ્યું હતું, “મહાયુતિમાં પણ મતભેદ છે, પરંતુ ત્યાં અમિત શાહ દંડો લઈને બેઠા છે. તેમની ધાક છે, તેમનો ડર છે. તેથી કોઈ બોલવાની હિંમત કરતું નથી. મવિઆમાં કોઈ કોઈને પૂછતું નથી. શરદ પવારનો અલગ તંબુ છે. ઉદ્ધવ ઠાકરેનો અલગ તંબુ છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નાના પટોળે એવી પરિસ્થિતિ છે.”
તેમણે ઉમેર્યું હતું, “મુસ્લિમો અને દલિતોએ મવિઆને મત આપ્યા, પણ એમના માટે મવિઆએ શું કર્યું? મુસલમાનોએ જીવનમાં પહેલીવાર ઉદ્ધવ ઠાકરેને અને તેમના પક્ષને આટલા મત આપ્યા. મુસ્લિમ અને 60 ટકા મરાઠી મતને લીધે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની શક્તિ વધી. મુસલમાનો માટે તેમણે શું કર્યું? વિશાલગઢ પરના ઘર સળગાવવામાં આવ્યાં ત્યારે પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો એકેય નેતા ત્યાં ગયો ન હતો. ઉદ્ધવ ઠાકરેને માત્ર મુસલમાનોના મત જ જોઈએ છે?”
નિખિલ વાગલેએ કહ્યું હતું, “પોતે મહાયુતિથી કેવી રીતે અલગ છે તે સાબિત કરવાની તક મવિઆ પાસે હતી, પરંતુ તેમણે એ તક ગુમાવી દીધી. બીજી બાજુ મહાયુતિએ લોકસભાની ચૂંટણીમાં થયેલું નુકસાન ભરપાઈ કરવાના પ્રયાસો કર્યા. તેમની લોકકલ્યાણ યોજનાઓ જ તેમનું મોટું શસ્ત્ર છે, જેમાં લાડકી બહિણ, કેટલાક એચપી પમ્પધારક ખેડૂતો માટેની વીજમાફી યોજનાનો સમાવેશ થાય છે. સરકારી તિજોરીમાં પૈસા ન હોવા છતાં તેમણે રૂ. 46,000 કરોડની જોગવાઈ લાડકી બહિણ યોજના માટે કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યોજનાનો સારી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે.”
વાગલેના કહેવા મુજબ, “આ યોજનાના પ્રચારને કારણે લોકોને એવું લાગે છે કે મહાયુતિ કંઇક આપી રહી છે. તેના જવાબમાં મવિઆએ કશું કર્યું નથી. મહત્ત્વની બીજી વાત એ છે કે શિવસેનાનું વિભાજન થયું ત્યારે એકનાથ શિંદેની ગદ્દાર તરીકેની જે ઇમેજ સર્જાઈ હતી તેને દૂર કરવામાં શિંદે સફળ થયા છે. આ વખતે શિંદેને લોકસભા કરતાં વધારે યશ મળશે એવું લાગે છે, કારણ કે તેમના પ્રત્યેની સહાનુભૂતિમાં થોડો વધારો થયો છે.”
વિધાનસભામાં મહાયુતિને મોટું નુકસાન થશેઃ રાહી ભીડે
વરિષ્ઠ પત્રકાર રાહી ભીડેએ કહ્યું હતું, “પ્રથમ વાત એ છે કે મહાયુતિ અને મવિઆ વચ્ચેના સત્તાસંઘર્ષમાં કોઈને, કશાનું પણ ભાન નથી. પ્રત્યેક વ્યક્તિ મોટા-મોટા દાવા કરી રહી છે. મહાયુતિને લાગે છે કે લાડકી બહિણ યોજનાને લીધે તેમને મોટા પ્રમાણમાં મહિલાઓના મત મળશે, પણ વાસ્તવમાં એવું નથી. મારા સંપર્કમાં જે મહિલાઓ છે તેઓ કહે છે કે ઉદ્ધવ ઠાકરેના બદલાયેલા ચિન્હને અમે જાણીએ છીએ.”
રાહી ભીડેએ કહ્યું હતું, “લોકો જાગૃત થઈ ગયા છે અને કોને મત આપવો એ તેઓ ખાતરીપૂર્વક જાણે છે.
"મધ્ય પ્રદેશમાં જેવું થયું તેવું મહારાષ્ટ્રમાં કરી શકાશે, એવા ભ્રમમાં મહાયુતિએ રહેવું ન જોઈએ. અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્ર અલગ છે. મહારાષ્ટ્ર પાસે પોતાના રાજ્યની કલ્પના છે. મહારાષ્ટ્ર પ્રગતિશીલ રાજ્ય કહેવાય છે. રાજ્યમાં ગમે તેટલી મોટી લડાઈ, દંગલ થાય તો પણ મહારાષ્ટ્રએ પોતાનું અસલી પોત બદલ્યું નથી.”
રાહી ભીડેના કહેવા મુજબ, “દેવેન્દ્ર ફડણવીસે સત્તા ટકાવી રાખવા કેવા-કેવા ખેલ કરવા પડ્યા છે. બધા ગુવાહાટી ચાલ્યા ગયા હતા. એ પહેલાં પણ બળવો થયો હતો. 1999માં શરદ પવારે બળવો કર્યો હતો.”
રાહી ભીડેએ કહ્યું હતું, “મહાયુતિ સરકાર અગાઉ એક ટર્મથી વધારે ટકી નથી. તેને માત્ર એક જ ટર્મ મળી હતી. બીજી ટર્મ ન મળે એટલા માટે તેઓ લડી રહ્યા છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થવાનું છે.”
જ્ઞાતિનું પરિબળ મહત્ત્વનું: ડૉ. પ્રકાશ પવાર
રાજકીય વિશ્લેષક ડૉ. પ્રકાશ પવારે કહ્યું હતું, “મહારાષ્ટ્રની ચૂંટણીમાં જ્ઞાતિ સૌથી મોટું પરિબળ બનવાની છે. મહારાષ્ટ્રમાં જ્ઞાતિવાદ નથી, પરંતુ અનામત અને પ્રદેશ માટે જ્ઞાતિ બહુ મહત્ત્વની બની ગઈ છે. તેથી મરાઠવાડાનો વિચાર કરીએ તો ત્યાં જરાંગે પાટિલનું અનામત માટેનું આંદોલન, તેના વિરોધમાં ઓબીસીનું આંદોલન એ સ્વરૂપમાં જ્ઞાતિનું ગણિત સાધવું તે રાજકીય પક્ષોનું સર્વોચ્ચ ધ્યેય હોય એવું લાગે છે.”
ડૉ. પવારના કહેવા મુજબ, “મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એ બે પક્ષો રાજકીય નેતૃત્વની દૃષ્ટિએ સમાન છે. આ બંને પક્ષોએ ઓબીસી તથા મરાઠાઓને સાથે લાવવાની વ્યૂહરચના તૈયાર કરી છે. તેમણે પ્રત્યેક જિલ્લામાં એક ઓબીસી અને એક મરાઠા ઉમેદવાર એ પ્રમાણે ટિકિટનું વિતરણ કર્યું છે. શરદ પવારે પણ પશ્ચિમ મહારાષ્ટ્રમાં એક ઓબીસી અને એક મરાઠા ઉમેદવારની વ્યૂહરચના અપનાવી છે.”
“ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એકમેકને સીધા પરાજિત કરવાના પ્રયાસો કરે છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેમને મળનારી સફળતા કે નિષ્ફળતા તેના પર નિર્ભર હશે.”
મરાઠા અનામત વિશે વાત કરતાં ડૉ. પ્રકાશ પવારે કહ્યું હતું, “મરાઠા અનામતની માગણીને કારણે થનારા નુકસાનને ટાળવા માટે મરાઠા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની યોજના ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે. તેથી આ ઉમેદવારો તેમના માટે મરાઠા મતો લાવશે, ભારતીય જનતા પાર્ટી તેમને ઓબીસી મતો અપાવશે અને તે ઉમેદવાર જીતશે.”
ઓબીસીની વાત કરતાં ડૉ. પ્રકાશ પવારે કહ્યું હતું, “મને નથી લાગતું કે મહારાષ્ટ્રમાં ઓબીસી ભારતીય જનતા પાર્ટીને પીઠબળ આપશે. તેનું એક કારણ એ છે કે દેવેન્દ્ર ફડણવીસે પાછલાં પાંચ વર્ષમાં મરાઠા એકીકરણની પૅટર્ન લાગુ કરી છે. દાખલા તરીકે ઉદયનરાજે, રાધાકૃષ્ણ વિખે-પાટિલ જેવા નેતાઓના ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશને કારણે સ્થાનિક ઓબીસીને દુઃખ થયું છે અને શરદ પવાર તથા કૉંગ્રેસ ત્યારથી નારાજ ઓબીસીને પોતાના ભણી વાળવાના પ્રયાસ કરી રહ્યા છે.”
શરદ પવાર વિશે વાત કરતાં ડૉ. પ્રકાશ પવારે કહ્યું હતું, “શરદ પવારની ઇમેજ પહેલેથી જ માત્ર મરાઠાવાદીની નહીં, પરંતુ ઓબીસી ઉપરાંત મરાઠાની છે. તેથી હરિયાણામાં જે થયું તે મહારાષ્ટ્રમાં થાય તેવું મને લાગતું નથી.”
ડૉ. પ્રકાશ પવારના કહેવા મુજબ, “લોકસભાની ચૂંટણી પછી મવિઆ ઘણી આગળ હતી, પણ અત્યારે બંને પક્ષો સમાન ધોરણે ચાલી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં અનેક જાહેરાતો કરીને મહાયુતિએ સરસાઈ મેળવી છે. આજની તારીખે એકેય ગઠબંધન વિજયનો દાવો કરી શકે તેમ નથી. મહારાષ્ટ્રની ચૂંટણી મહારાષ્ટ્રનું પોતાનું સ્વરૂપ બદલનારી ચૂંટણી છે. તેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તો ભાજપે રાજકારણનો સંપૂર્ણ ચહેરો બદલી નાખ્યો છે એવું કહેવું પડશે અને મવિઆનો વિજય થશે તો રાષ્ટ્રીય સ્તરે કંઈ પણ થઈ શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન