સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી આવ્યા બાદ પ્રથમ વખત બોલ્યાં, ભારત વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરીક્ષથી પરત આવ્યાં પછી પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી.
તેમાં સુનીતા વિલિયમ્સે અંતરીક્ષથી પૃથ્વી પર આવવા વિશે તથા ભારતની મુલાકાત લેવા વિશે પણ વાત કરી હતી.
સુનીતા વિલિયમ્સે કહ્યું, "આ ખરેખર એક ચમત્કાર જેવું છે કે આપણું શરીર કઈ રીતે બદલાવ પ્રમાણે પોતાની જાતને ઢાળી લે છે. હું પાછી આવી, ત્યારે પહેલા દિવસે અમે બધાં લથડિયાં ખાતાં હતાં."
"પરંતુ કમાલની વાત છે કે માત્ર 24 કલાકમાં આપણી નર્વસ સિસ્ટમ કામ કરવા લાગે છે. આપણું મગજ સમજી જાય છે કે શું ચાલી રહ્યું છે."
આ પત્રકાર પરિષદમાં સુનીતા વિલિયમ્સને ભારત વિશે પણ સવાલ પૂછવામાં આવ્યાં હતાં.
તેમણે જવાબ આપ્યો કે, "ભારત એક શાનદાર દેશ છે. અમે જેટલી વખત હિમાલય પરથી પસાર થયાં ત્યારે બુચ વિલ્મોરે ત્યાંના અત્યંત સુંદર દૃશ્યોને પોતાનાં કૅમેરામાં કેદ કરી લીધાં હતાં."
સુનીતાએ આશા વ્યક્ત કરી કે તેઓ એક દિવસ ભારત આવશે.
ભારતીય મૂળના અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર 286 દિવસ રોકાયા પછી 19 માર્ચે પૃથ્વી પર પરત આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને અવકાશયાત્રી 286 દિવસ સુધી સ્પેસમાં રહ્યાં અને 900 કલાક જેટલું સંશોધનકાર્ય કર્યું, આ દરમિયાન તેમણે 150 જેટલા વૈજ્ઞાનિક પ્રયોગ પણ કર્યાં હતાં.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન, 2024માં બોઇંગની સ્ટારલાઇનર કૅપ્સ્યૂલની પરીક્ષણલક્ષી ઉડાણના ભાગરૂપે આઈએસએસ પહોંચ્યાં હતાં.
જે બાદ કૅપ્સ્યૂલમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંનેએ લગભગ નવ માસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જ રહેવું પડ્યું હતું.
બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સની ડ્રૅગન કૅપ્સ્યૂલની મદદથી ધરતી પર ક્ષેમકુશળ લાવવામાં આવ્યાં હતાં. આ માટે તેમણે 17 કલાકની પડકારજનક મુસાફરી ખેડી હતી.
એ પછી ગુજરાતના મહેસાણામાં સુનીતાના પૈતૃક ગામ ઝુલાસણમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સુનીતાના પિતા દીપકભાઈ પંડ્યાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 1953માં ઇન્ટરમિડિયેટ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને વર્ષ 1957માં એમડી થયા હતા.
અમેરિકા પહોંચ્યા બાદ દીપકભાઈએ ક્લીવલૅન્ડ ખાતે મેડિસિનમાં પોતાની ઇન્ટર્નશિપ અને રેસિડન્સી પૂરી કરી હતી.
સુનીતાનાં માતા ઉર્સુલિન બોની ઝાલોકર સ્લોવેનિયન મૂળના અમેરિકન છે. સુનીતા તેમના પતિ માઇકલને નેવલ ઍકેડમી ખાતે મળ્યાં હતાં. બંને નેવીના તાલીમબદ્ધ પાઇલટ છે. દંપતીને કોઈ સંતાન નથી.
તેમની પાસે 30 પ્રકારનાં વિમાનોમાં ત્રણ હજાર કલાકનાં ઉડ્ડયનનો અનુભવ છે.
વર્ષ 1998માં ઍસ્ટ્રોનોટ પ્રોગ્રામમાં જોડાયાં. જે બાદ તેમણે ટેકનિકલ બ્રીફિંગ, ફિઝિયૉલોજિકલ ટ્રેનિંગ અને વૉટર ઍન્ડ વીલ્ડરનેસ સર્વાઇવલ ઇન્સ્ટ્રક્શન હાંસલ કર્યાં.
નીમો 2 સ્પેસ મિશનનાં એક ક્રૂ મેમ્બર તરીકે તેઓ નવ દિવસ અંડરવૉટર હેબિટાટમાં રહ્યાં હતાં.
પોતાની પ્રથમ ઉડાણ બાદ તેમણે ઍસ્ટ્રોનોટ ઑફિસના ડેપ્યૂટી ચીફ તરીકે સેવા આપી.
તાજેતરની પોતાની અવકાશયાત્રા દરમિયાન કરેલી સ્પેસવૉક સહિત તેઓ પોતાના નામે કોઈ પણ મહિલા ઍસ્ટ્રોનોટ દ્વારા સૌથી વધુ સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ ધરાવે છે. તેઓ અત્યાર સુધી 62 કલાક છ મિનિટ સુધી સ્પેસવૉક કરી ચૂક્યાં છે. જે તેમને નાસાની આ સંદર્ભની યાદીમાં ચોથા ક્રમે મૂકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













