You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રતન તાતાના મૃત્યુ પછી તાતા જૂથમાં શું વિવાદ થયો, તાતાના વિશ્વાસુ વ્યક્તિને કેમ હઠાવાયા?
- લેેખક, નિખિલ ઈનામદાર
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
મીઠાથી માંડીને સ્ટીલ સુધીનો બિઝનેસ કરતું જંગી ભારતીય ઉદ્યોગ જૂથ તાતા ગ્રૂપ સામે રતન તાતાના મૃત્યુ પછી અનેક મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. રતન તાતાએ તાતા ગ્રૂપને વૈશ્વિક, આધુનિક અને અત્યાધુનિક ટેકનૉલૉજીકલ ઉદ્યોગસાહસમાં પરિવર્તિત કર્યું હતું.
જગુઆર લૅન્ડ રોવર (જેએલઆર) અને ટેટલી ટી જેવી પ્રતિષ્ઠિત બ્રિટિશ બ્રાન્ડ્સની માલિકી ધરાવતું તથા ભારતમાં એપલ માટે આઇફોન બનાવતું આ બિઝનેસ સામ્રાજ્ય ફરી એકવાર વિભાજિત થઈ ગયું છે.
ટ્રસ્ટીઓ વચ્ચે બોર્ડરૂમમાં મહિનાઓથી ચાલતી લડાઈએ આંતરિક તડાં ઉઘાડા પાડ્યાં તેને પગલે સરકારને દખલ કરવાની અને 2016માં તાતા સામ્રાજ્યમાં સર્જાયેલા કાનૂની ગૂંચવાડાનું પુનરાવર્તન અટકાવવાની ફરજ પડી છે. જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીને 2016માં હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તાતા ગ્રૂપમાં સમસ્યા સર્જાઈ હતી.
દિલ્હીમાં પ્રધાનોએ અઠવાડિયા પહેલાં એક અસહજ સમાધાન કરાવ્યું હતું, પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે રતન તાતાના અત્યંત ભરોસાપાત્ર અને તાતા ટ્રસ્ટ્સ બોર્ડના ટ્રસ્ટી મેહલી મિસ્ત્રીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
મેહલી મિસ્ત્રીને બોર્ડમાંથી હટાવવામાં આવ્યા હોવા સંદર્ભે પ્રતિભાવ મેળવવા બીબીસીએ તાતા ટ્રસ્ટ્સનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિભાવ સાંપડ્યો નથી.
કૉર્પોરેશનના મહત્ત્વપૂર્ણ ઇતિહાસના લેખક અને મેરીલૅન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મિર્સિયા રાયનુ આ સંઘર્ષને "વણઉકેલાયેલા મુદ્દાઓનું પુનરુત્થાન" અથવા તાતા જૂથનું સંચાલન કોણ કરે છે અને વ્યવસાયિક નિર્ણયો લેવામાં બહુમતી શેરધારકો કેટલી સત્તા ધરાવે છે તેનું પરિણામ માને છે. બહુમતી શેરધારકો એટલે સખાવતી તાતા ટ્રસ્ટ્સ, જે પેરન્ટ કંપની ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે.
તાતા ગ્રૂપ અનોખી રીતે રચાયેલું છે. જેમાં અનલિસ્ટેડ કૉમર્શિયલ હોલ્ડિંગ કંપની (તાતા સન્સ)નું નિયંત્રણ એક સખાવતી સંગઠન (તાતા ટ્રસ્ટ્સ) પાસે છે. આ કારણે ગ્રૂપને કર તથા નિયમન સંબંધી લાભ મળ્યા છે અને તે સખાવતી પ્રવૃત્તિઓ કરી શકે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેના બેવડા બિન-લાભકારી અને વ્યાપારી ઉદ્દેશોને કારણે વહીવટ સંબંધી અનેક ગૂંચવાડા પણ સર્જાયા છે.
તાતા ગ્રૂપ સેમિકન્ડક્ટર તથા ઇલેક્ટ્રિક વાહનો જેવા વિકાસના નવાં ક્ષેત્રમાં વિસ્તરણના અને વર્ષના પ્રારંભે થયેલી વિમાન દુર્ઘટના પછી ઍર ઇન્ડિયાને ફરી ધમધમતી કરવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે તાજેતરનો આ વિવાદ સર્જાયો છે. તાતા ગ્રૂપે સમસ્યાગ્રસ્ત ઍરલાઇન ઍર ઇન્ડિયા સરકાર પાસેથી 2021માં ખરીદી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલ એ છે કે શું ખોટું થયું છે?
તાતા ગ્રૂપે આ વિવાદ બાબતે જાહેર ટિપ્પણી કરી નથી, પરંતુ બોર્ડ નૉમિનેશન, ફંડિંગ સંબંધી મંજૂરી અને તાતા સન્સના પબ્લિક લિસ્ટિંગ અંગે ટ્રસ્ટીઓ વચ્ચે મતભેદ હોવાના વ્યાપક અહેવાલો છે. તાતા સન્સ તાતા જૂથની 26 પબ્લિક લિસ્ટેડ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે અને તેની બજાર મૂડી લગભગ 328 અબજ ડૉલરની છે.
તાતા ગ્રૂપની નજીકના એક સૂત્રએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે તાતા સન્સમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં અને તેના બોર્ડમાં નૉમિની પસંદ કરવામાં વધુ સત્તા મેળવવાની કેટલીક ટ્રસ્ટીઓની ઇચ્છા આ વિવાદના કેન્દ્રમાં છે. તાતા સન્સના બોર્ડમાં તાતા ટ્રસ્ટ્સના ત્રણ નૉમિની છે.
સૂત્રએ કહ્યું હતું, "મુખ્ય કંપનીના નિર્ણયોને વીટો કરવાનો અધિકાર તાતા ટ્રસ્ટ્સના નૉમિની પાસે છે, પરંતુ મૂળભૂત રીતે તેમની ભૂમિકા સુપરવાઇઝરી છે, નિર્ણાયક નથી તેવું માનવામાં આવે છે. જોકે, હવે કેટલાક ટ્રસ્ટીઓ વ્યાપારી નિર્ણયો લેવા માટે વધુ સત્તા ઇચ્છે છે."
વિવાદનો બીજો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એસપી ગ્રૂપને પબ્લિક કંપની બનાવવાની ઇચ્છા છે, પરંતુ મોટાભાગના તાતા ટ્રસ્ટીઓ આ વિચારની વિરુદ્ધમાં છે. એસપી ગ્રૂપ તાતા સન્સમાં 18 ટકા હિસ્સો ધરાવતું સૌથી મોટું લઘુમતી શેરધારક છે.
સૂત્રએ કહ્યું હતું, "પબ્લિક થવાથી ટ્રસ્ટની નિર્ણય લેવાની ક્ષમતા તથા દીર્ઘકાલીન ફોક્સ નબળા પડવાનો અને તાતા સન્સ પર ત્રિમાસિક પ્રેશર વધવાનો ડર છે. તેનું કારણ એ છે કે તેના અનેક નવા બિઝનેસીસ હજુ પ્રારંભિક તબક્કામાં છે."
એસપી ગ્રૂપે તેના સંભવિત પબ્લિક લિસ્ટિંગને એક એવી "નૈતિક તથા સામાજિક અનિવાર્યતા" ગણાવ્યું છે, જેનાથી તાતાના શેરધારકોના મૂલ્યમાં વૃદ્ધિ થશે અને કંપનીની પારદર્શકતા તથા વહીવટમાં સુધારો થશે.
તાતા સન્સ કે તાતા ટ્રસ્ટ્સે બીબીસીના વિસ્તૃત સવાલોના જવાબ આપ્યા નથી, પરંતુ પ્રોફેસર મિર્સિયા રાયનુના જણાવ્યા મુજબ, આ ખેંચતાણ તાતા ગ્રૂપમાંની અત્યંત વાસ્તવિક દ્વિધાને દર્શાવે છે.
તેમનું કહેવું છે કે અમેરિકા અને યુરોપના અનેક વિશાળ ઉદ્યોગ સમૂહો તાતા ગ્રુપને ઉદાહરણ માનીને "સ્થિરતા તથા ટકાઉપણાને પ્રોત્સાહિત કરવા ફાઉન્ડેશનની માલિકીનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે," પરંતુ એસપી ગ્રૂપનું સંભવિત પબ્લિક લિસ્ટિંગ તેનાથી વિપરીત હશે.
"એ ઉપરાંત પ્રાઇવેટ અને ક્લોઝલી હેલ્ડ કંપનીઓ બાહ્ય ચકાસણીને ખરેખર ઓછી આધીન હોય છે, જે સંઘર્ષને વેગ આપી શકે છે અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે," એમ પ્રોફેસર રાયનુએ ઉમેર્યું હતું.
દેશના સૌથી જૂના અને સૌથી વધુ આદરણીય બિઝનેસ હાઉસ પૈકીના એકમાં આ સંઘર્ષને કારણે વહીવટ સંબંધી ચિંતા સર્જાઈ છે અને તેની બ્રાન્ડ ઇમેજને મોટો ફટકો પડ્યો છે, એમ તાતા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રી સાથે ગાઢ રીતે સંકળાયેલા પબ્લિસિસ્ટ દિલીપ ચેરિયને જણાવ્યું હતું.
આ વર્ષના પ્રારંભે બનેલી ઍર ઇન્ડિયાના પ્લેનક્રેશની ઘટના અને છેલ્લાં 70 વર્ષમાં સૌથી ઓછું કાર ઉત્પાદન કરનાર જેએલઆરના મુખ્ય યુનિટ પર આ સપ્ટેમ્બરમાં થયેલા સાયબર ઍટેકનો ઉલ્લેખ કરતાં દિલીપ ચેરિયને કહ્યુ હતું, "પ્રસ્તુત વિવાદ તાતાની ઇમેજને પડેલા શ્રેણીબદ્ધ ફટકાઓમાં ઉમેરો કરે છે."
એ ઉપરાંત ગ્રૂપની આવકમાં લગભગ અડધોઅડધ હિસ્સો પ્રદાન કરતી મુખ્ય સોફટવેર આઉટસોર્સિંગ કંપની ટીસીએસ તેના પોતાના પડકારોનો સામનો કરી રહી છે. ટીસીએસના પડકારોમાં મોટા પાયે છટણી અને રિટેલર માર્ક્સ ઍન્ડ સ્પેન્સર સાથેના કરારના તાજેતરના અંતનો સમાવેશ થાય છે.
તાતાની પ્રતિષ્ઠાને લાગ્યો ફટકો
દિલીપ ચેરિયને ઉમેર્યું હતું, "બોર્ડરૂમમાંની આવી લડાઈઓ વધારે મૂંઝવણ સર્જે છે. તેનાથી શેર પર્ફોર્મન્સ સંબંધી ચિંતા જ નહીં, પરંતુ તાતામાં કોણ વહીવટ કરી રહ્યું છે તે બાબતે રોકાણકારોમાં ગડમથલ પણ સર્જાશે."
આ ઊથલપાથલ વચ્ચે, તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
તાતા સન્સની નજીકના સૂત્રએ કહ્યું હતું, "ચૅરમૅન તેમનું કામ ચાલુ રાખી શકે છે, કારણ કે મતભેદ બોર્ડમાં નહીં, પરંતુ ટ્રસ્ટીઓની વચ્ચે છે. હા, એ બાબત તેમના માટે ધ્યાનભંગ કરનારી જરૂર છે."
જોકે, તાતા માટે સમસ્યાનું નિરાકરણ કોઈ નવી વાત નથી. રતન તાતાએ ગ્રૂપનું સંચાલન સંભાળ્યા પછી અને તેના વહીવટી માળખાને આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો પછી 90ના દાયકામાં તાતા ગ્રૂપે ભીષણ જંગ જોઈ હતી. થોડાં વર્ષો પહેલાં મિસ્ત્રીની હકાલપટ્ટી પછી જે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો તે આજે પણ ઘણા લોકોની સ્મૃતિમાં તાજો છે.
જોકે, આ વખતે એક મોટો ફરક છે, એમ પ્રોફેસર રાયનુએ જણાવ્યું હતું.
તેમના કહેવા મુજબ, "એ વખતે નબળી કામગીરી કરતી કંપનીઓનો વહીવટ ટીસીએસના હાથમાં હતો. ટીસીએસ પહેલાં એ ભૂમિકા તાતા સ્ટીલ ભજવતી હતી."
ટીસીએસના બિઝનેસ મોડેલમાં ઉતાર-ચડાવ અને તાતા જૂથની કુલ આવકમાં તેના યોગદાન પર પ્રેશર હોવાને કારણે હાલમાં ગ્રૂપનો એવો કોઈ "તારણહાર" હજુ સુધી ઊભર્યો નથી. એ કારણે તાતા જૂથ માટે આવા આંતરિક વિભાજન સામે લડવું મુશ્કેલ બન્યું છે.
પ્રોફેસર રાયનુએ કહ્યું હતું, "આ બાબત દેખીતી રીતે અસ્થિર કરનારી અને ટૂંકા ગાળામાં સંભવતઃ નુકસાનકારક છે, પરંતુ વિવાદની ડમરી શાંત થાય પછી એક નવું, વધુ પારદર્શક અને જવાબદાર માળખું ઊભરે તેવું બની શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન