ચંદ્રયાન 3 : પ્રજ્ઞાન રોવર ફરીથી જાગૃત થાય તેની ‘આશા ધૂંધળી’ કેમ થઈ ગઈ છે?

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ISRO

    • લેેખક, ગીતા પાંડેય
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ચંદ્રની કડકડતી ઠંડીવાળી રાત બાદ ભારતના ‘મૂન લૅન્ડર’ના ફરી જાગૃત થવાની સંભાવના “પસાર થતા દરેક કલાકની સાથે મંદ પડતી” જઈ રહી છે.

બીબીસી સાથેની વાતચીતમાં દેશના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી છે.

પરંતુ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ચંદ્રના દિવસના અંત ભાગ સુધી આ દિશામાં પ્રયત્ન ચાલુ રાખશે.

નોંધનીય છે કે ચંદ્ર પરનાં દિવસ-રાત બંને પૃથ્વીના 14-14 દિવસ કરતાં થોડા વધુ સમયનાં હોય છે.

શુક્રવારે ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ જણાવ્યું હતું કે તેઓ ચંદ્રનો દિવસ શરૂ થતાં જ લૅન્ડર અને રોવર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સિગ્નલ નહોતું મળ્યું.

ભારતનું ચંદ્રયાન-3એ ગત ઑગસ્ટ માસમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું હતું. વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર બે અઠવાડિયાં સુધી ડેટા એકત્રિત કરવાનું અને તસવીરો લેવાનું કામ કર્યું હતું.

જે બાદ ચંદ્ર પર રાત થતાં જ બંને ઉપકરણોને ‘સ્લીપ મોડ’ પર મૂકી દેવાયાં હતાં.

શુક્રવારે ઇસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ રહેશે.” તે બાદથી આ અંગે કોઈ આધિકારિક અપડેટ મળી નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોમવારે સવારે ઇસરોના ભૂતપૂર્વ વડા એએસ કિરણકુમારે કહ્યું હતું કે “દરેક પસાર થતા કલાકની સાથે ઉપકરણોને પુન:જાગૃત કરવાની સંભાવના ધૂંધળી થતી જઈ રહી છે.”

તેમણે કહ્યું, “લૅન્ડર અને રોવરમાં ઘણા એવા પાર્ટ્સ છે જે કદાચ ચંદ્રની રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં બચી નહીં શક્યા હોય.” તેમણે વાતને આગળ વધારતાં કહ્યું હતુ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પરનું તાપમાન માઇનસ 200થી 250 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે.

ચંદ્રયાન-3ના રોવર અને લૅન્ડરે અંદાજે દસ દિવસ ચંદ્રની સપાટી પર વિતાવ્યા હતા અને ડેટા એકત્રિત કરીને વિશ્લેષણ માટે પૃથ્વી પર મોકલ્યા હતા.

આ મહિને જ થોડા દિવસો અગાઉ વૈજ્ઞાનિકોએ આ કામ અટકાવી દેવું પડ્યું હતું, કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યાસ્ત થઈ ગયો હતો. સૂર્યઊર્જાના અભાવને કારણે ચંદ્રયાનની બૅટરી ચાર્જ ન થતી હોઈ તેનું કામ અટકાવી દેવું પડ્યું હતું.

જોકે, ઇસરોએ આશા વ્યક્ત કરી હતી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 22 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય બાદથી કદાચ ચંદ્રયાન ફરીથી કામ આપવા લાગશે.

ઇસરોએ નિયમિતરૂપે ચંદ્ર પરથી મળતી માહિતી અને તસવીરો વિશ્વ સમક્ષ મૂક્યાં છે.

મોટા ભાગના ભારતીયો એ જાણવા માટે આતુર છે કે આ શોધ-સંશોધનોનું કેટલું મહત્ત્વ છે.

બીબીસી ગુજરાતી

ધારેલું અંતર આવરી લેવાયું અને ખાડાથી બચ્યું રોવર

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ISRO

2 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર સૂર્યાસ્ત થયાના થોડા કલાકો પહેલાં જ ઇસરોએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાન રોવરે 100 મીટર (328 ફૂટ)થી વધુ અંતર કાપ્યું છે.

છ પૈડાંવાળા રોવર માટે આ અંતર ખૂબ ઝાઝું હતું, કારણ કે એ માત્ર એક સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે.

મિત્રા જણાવે છે કે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તે સુરક્ષિત રહી શક્યું છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં આવેલા નાના-મોટા ખાડામાં ન પડ્યું.

તેઓ કહે છે કે રોવર પાસે એક ખાસ વ્હીલ મિકેનિઝમ છે જેને ‘રોકર બોગી’ કહેવાય છે. જેનો અર્થ છે કે તેનાં તમામ પૈડાં એકસાથે ફરતાં નથી. તેથી જો તે કોઈ ઊંડી જગ્યામાં પડી જાય તો તે પાછું બહાર ચઢીને આવી શકશે નહીં. કમાન્ડ સેન્ટરના વૈજ્ઞાનિકોએ સતત તેના પર નજર રાખી છે જેના કારણે આ પડકાર પાર પડ્યો હતો.

"રોવર સ્વયંસંચાલિત નથી અને તેની હિલચાલને કમાન્ડ સેન્ટરથી જ નિયંત્રિત કરવામાં આવે છે. કમાન્ડ સેન્ટર રોવરે મોકલેલા ફોટોને આધારે તેનું સંચાલન કરે છે.

"આ સંદેશાવ્યવહાર પણ એટલો સરળ નથી. કમાન્ડ સેન્ટર સુધી પહોંચતા આ ફોટો અને ડેટા થોડા સમય પછી જ પહોંચે છે. પ્રજ્ઞાન તેમને લૅન્ડર પર મોકલે છે અને પછી લૅન્ડર તેમને પૃથ્વી પર મોકલવા માટે ઑર્બિટર પર મોકલે છે."

એટલે જ્યાં સુધીમાં કમાન્ડ રોવરને મળે ત્યાં સુધીમાં તે ખતરાથી જાણે કે બસ થોડી ક્ષણો જ દૂર હોય છે.

એટલે કે જ્યાં સુધી કમાન્ડ રોવરને મળે ત્યાં સુધી જાણે એ ખતરાથી માત્ર થોડા ક્ષણોના અંતરે જ હોય છે.

મિત્રા ઉમેરે છે કે, “હકીકત એ છે કે આ બધી વિષમતાઓ વચ્ચે પણ રોવરને બે મોટા ખાડામાં પડતા બચાવી શકાયું છે, કારણ કે તે કમાન્ડ સેન્ટર સાથે ખૂબ ઝડપી સંદેશાવ્યવહાર કરે છે.”

બીબીસી ગુજરાતી

ગરમી અને ઠંડી વચ્ચે

ચંદ્ર

ઇમેજ સ્રોત, ISRO

ચંદ્રની સપાટી પર અને સપાટીથી નીચે દસ સેમી (ચાર ઇંચ)ની ઊંડાઈ સુધીના તાપમાનના ડેટાનો પ્રથમ સેટ સપાટીની ઉપર અને નીચેના તાપમાનમાં તીવ્ર તફાવત દર્શાવે છે.

ચંદ્રની સપાટી પરનું તાપમાન લગભગ 60 ડિગ્રી સેલ્શિયસ હતું, જે સપાટીની નીચે 80મીમી (લગભગ 3 ઇંચ) નીચે જતા -10 ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટી ગયું.

ચંદ્ર તેના તીવ્ર તાપમાન માટે જાણીતો છે. નાસા અનુસાર, ચંદ્રના વિષુવવૃત્તની નજીક દિવસનું તાપમાન 120 ડિગ્રી સેલ્શિયસ (250F) સુધી પહોંચે છે, જ્યારે રાત્રિનું તાપમાન -130 ડિગ્રી સેલ્શિયસ (-208F) સુધી ઘટી શકે છે. જ્યારે -250 સેલ્શિયસ (-410F) નું તાપમાન એવા ખાડામાં નોંધવામાં આવ્યું છે જ્યાં સુધી ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચતો નથી.

પરંતુ મિત્રા કહે છે, “તાપમાનમાં આ વ્યાપક તફાવત નોંધપાત્ર છે કારણ કે તે દર્શાવે છે કે ચંદ્રની માટી - જેને ‘લુનાર રેગોલિથ’ કહેવાય છે તે અતિશય અવાહક છે.

"તેનો અર્થ એ થઈ શકે છે કે તેનો ઉપયોગ ગરમી, ઠંડી અને કિરણોત્સર્ગને દૂર રાખવા માટે અવકાશની વસાહતો બનાવવા માટે થઈ શકે છે. આ માટી નિવાસસ્થાનોને કુદરતી રીતે જ અવાહક બનાવશે."

તે સપાટીની નીચે રહેલા પાણીના બરફની હાજરીનું સૂચક પણ હોઈ શકે છે.

બીબીસી ગુજરાતી

ચંદ્રની ઉત્ક્રાંતિમાં એક ચાવી મળી

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ISRO

જ્યારે રોવર પર લગાવેલા લેઝર ડિટેક્ટરે દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટી પર હાજર રસાયણોને માપવાની કોશિશ કરી ત્યારે તેમાં ઍલ્યુમિનિયમ, કૅલ્શિયમ, આયર્ન, ક્રૉમિયમ, ટાઇટૅનિયમ, મૅંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન જેવા રસાયણોનો સમૂહ મળી આવ્યો.

પરંતુ વૈજ્ઞાનિકો અનુસાર સૌથી મહત્ત્વપૂર્ણ તારણો એ સલ્ફર સાથે સંબંધિત છે. ઇસરોએ જણાવ્યું હતું કે, તેમણે ઇન્સ્ટ્રુમેન્ટથી સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે.

ચંદ્ર પર સલ્ફરની હાજરી 1970ના દાયકાથી જાણીતી છે. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે રોવરે ચંદ્રની સપાટી પર જ સલ્ફરને માપ્યું છે, જે તેને ખનીજની અંદર અથવા કોઈ સ્ફટિકના ભાગરૂપે નથી મળ્યું. સપાટી પર તેની હાજરી મળવી એ ‘જબરદસ્ત સિદ્ધિ’ છે.

મિત્રા કહે છે કે જમીનમાં સલ્ફરની હાજરી એ ઘણી રીતે નોંધપાત્ર છે.

"સલ્ફર સામાન્ય રીતે જ્વાળામુખીમાંથી આવે છે તેથી આ ચંદ્રની રચના કેવી રીતે થઈ, તે કેવી રીતે વિકસિત થયો અને તેનું ભૂગોળ કેવું છે એ વિશેના આપણા જ્ઞાનમાં વધારો કરશે.”

"તે ચંદ્રની સપાટી પર પાણીના બરફની હાજરી પણ સૂચવે છે અને સલ્ફર એક સારું ખાતર હોવાથી તે સારા સમાચાર છે. કારણ કે જો ચંદ્ર પર રહેઠાણ હોય તો તે છોડને ઉગાડવામાં પણ મદદ કરી શકે છે."

બીબીસી ગુજરાતી

શું ચંદ્ર પર ધરતીકંપ આવ્યો હતો?

ચંદ્ર પર ભૂકંપ

ઇમેજ સ્રોત, ISRO

વિક્રમ લૅન્ડર એક સાધન લઈને ગયું છે જે તેના પોતાના અભ્યાસ અને પ્રયોગોમાંથી નીકળતાં તેમજ રોવર અને તેની પ્રવૃત્તિઓમાંથી નીકળતાં સ્પંદનોને માપવાનું કામ કરે છે.

ઇસરોએ જણાવ્યું હતું કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ફૉર લુનર સિસ્મિક ઍક્ટિવિટી (ઇલ્સા) એ ચંદ્રની જમીન પર તેના કાન માંડ્યા હતા ત્યારે તેણે એક ઘટના પણ રેકોર્ડ કરી હતી જે કુદરતી હોવાનું જણાય છે. ત્યાર બાદ એ કઈ રીતે બની તે અંગે તેઓ તપાસ કરી રહ્યા હતા.

આ ઘટનામાં કંપનવિસ્તાર ઘણો મોટો હતો જેનો અર્થ એ થાય છે કે તે વધુ શક્તિશાળી પણ હતો. મિત્રા કહે છે કે તેનાં ઘણાં કારણો હોઈ શકે છે.

"તે કેટલાક અવકાશી કાટમાળ પણ હોઈ શકે છે જેમ કે ઉલ્કા કે ઍસ્ટરોઇડ. તે સપાટી પર અથડાતા હોય છે. અથવા તો તે ધરતીકંપ પણ હોઈ શકે છે જે તેને 1970ના દાયકા પછી નોંધાયેલ પ્રથમ ‘મૂનક્વેક’ બનાવશે. આમ, ચંદ્રની સપાટી નીચે શું છે અને તેનો ભૂગોળ કેવો છે એ વિશે વધુ જાણી શકાશે."

બીબીસી ગુજરાતી

લુનાર પ્લાઝમા શું છે?

ઇસરોએ એક્સ (અગાઉ ટ્વિટર) પર પણ પોસ્ટ કર્યું હતું કે લૅન્ડરે દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં "સૌપ્રથમ વખત લુનાર પ્લાઝમા ઍન્વાયરમૅન્ટ માપન" કર્યું હતું અને તે "પ્રમાણમાં છૂટાછવાયા" હોવાનું જણાયું છે. ઘણાને તેનો અર્થ શું થાય તે જાણવાની જિજ્ઞાસા છે.

મિત્રા સમજાવે છે કે પ્લાઝ્મા વાતાવરણમાં ‘ ચાર્જ્ડ પાર્ટિકલ્સ’ ની હાજરીનો ઉલ્લેખ કરે છે જે ચંદ્રયાન-3 જે રેડિયોવેવ સંચારનો ઉપયોગ કરી રહ્યું છે તેને અવરોધી શકે છે.

"હકીકત એ છે કે તે ખૂબ જ છૂટાછવાયાં અથવા તો પાતળાં છે એ સારા સમાચાર છે. તેનો અર્થ એ છે કે તે રેડિયો સંચારને ઘણું ઓછું વિક્ષેપિત કરશે."

બીબીસી ગુજરાતી

જ્યારે લૅન્ડરે માર્યો કૂદકો

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ANI

જ્યારે ચંદ્ર પર સૂર્યાસ્ત થયો ત્યારે વિક્રમ લૅન્ડરે કરેલો છેલ્લો પ્રયોગ એ ‘હૉપ ઍક્સપેરિમેન્ટ’ હતો.

ઍજન્સીએ જણાવ્યું હતું કે લૅન્ડરને "તેના એન્જિનને ચાલુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને પછી લૅન્ડર લગભગ 40સેમી (16 ઇંચ) જેટલું ઊંચું થયું હતું અને પછી તેણે 30થી 40સેમીના અંતરે ઊતરાણ કર્યું હતું."

આ ‘સફળ પ્રયોગ’નો અર્થ એ છે કે અવકાશયાનનો ઉપયોગ ભવિષ્યમાં સેમ્પલને પૃથ્વી પર પાછા લાવવા અથવા કોઈ માનવ મિશન માટે કરવામાં આવી શકે છે.

પણ શું આ નાનકડો કૂદકાનો અર્થ એ ભારતની ભાવિ અવકાશ યોજનાઓ માટે એક વિશાળ કૂદકો હોઈ શકે?

મિત્રા કહે છે કે "કૂદકાનું પરીક્ષણ ચંદ્ર ઉતરાણ પછી એન્જિનને પુનઃપ્રારંભ કરવાનું સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું હતું. તે હજુ પણ બરાબર કાર્યરત છે કે નહીં એ તેના વડે ચેક કરવામાં આવ્યું હતું".

તેનાથી એ પણ ખ્યાલ આવ્યો હતો કે યાનમાં ‘ચંદ્રની ધરતીના વાતાવરણમાં લિફ્ટ-ઑફ કરવાની ક્ષમતા’ છે કે નહીં. કારણ કે અત્યાર સુધી પરીક્ષણ અને લિફ્ટ-ઑફ ફક્ત પૃથ્વી પરથી જ કરવામાં આવ્યા છે", તેઓ ઉમેરે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી