ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલા પહોંચવાથી શું ભારત ત્યાં જમીન પર પહેલો દાવો કરી શકશે?

ઇમેજ સ્રોત, REUTERS/Amit Dave
- લેેખક, શુભજ્યોતિ દાસ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, દિલ્હી
20 જુલાઈ 1969ના રોજ ચંદ્ર પર પગ મૂકનાર પહેલા અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રૉંગે ત્યાં ઊતરતા જ કહ્યું હતું કે, “ આ કદાચ માણસ માટે નાનકડું ડગલું હોઈ શકે છે પરંતુ સમગ્ર માનવજાતિ માટે આ એક હરણફાળ છે.”
વિશ્વના અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં આ વાક્ય હવે કદાચ એક કહેવતમાં બદલાઈ ગયું છે.
એ ઘટનાને અડધી સદીથી પણ વધુ સમય વીતી ગયો છે ત્યારે ભારતનું ચંદ્રયાન-3 બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતર્યું છે.
તેના પછી ચંદ્ર પર રોવર પ્રજ્ઞાને પણ વિક્રમ લૅન્ડર પરથી ઊતરીને ચંદ્રની સપાટી પર ધીમે ધીમે તેની યાત્રા શરૂ કરી છે.
'પ્રજ્ઞાન' કદાચ પ્રતિ સેકન્ડ માત્ર એક સેમી જેટલું જ આગળ વધી રહ્યું છે પરંતુ નિષ્ણાતોને કોઈ શંકા નથી કે ચંદ્રની ધરતી પરનું આ નાનું ડગલું ભૂ-રાજનીતિ અને ચંદ્ર પર આધારિત અર્થતંત્ર(લૂનર ઇકોનોમી)માં અતિ મહત્ત્વપૂર્ણ છે. આ એક મોટી છલાંગ છે.
ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ મેગેઝિન ફૉરેન પોલિસીએ લખ્યું કે, "ભારતનું મૂન લૅન્ડિંગ હકીકતમાં એક વિશાળ ભૂ-રાજકીય ડગલું છે."
હાલમાં વિશ્વના તમામ દેશો અવકાશ સંશોધનના ક્ષેત્રમાં પોતપોતાની રીતે એક નવો અધ્યાય લખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના માટે અઢળક નાણાં પણ ખર્ચી રહ્યા છે.
ભારત સિવાય રશિયા, ચીન અને અમેરિકા સહિત ઘણા દેશો ચંદ્રના દક્ષિણ ધ્રુવના અભિયાનની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું માનવામાં આવે છે કે હાલના સંજોગોમાં ભારતની આ અભૂતપૂર્વ સફળતા તેના માટે નવી સંભાવનાના દરવાજાઓ પણ ખોલશે.

ભારતનું સ્પેસ સેક્ટર એક ટ્રિલિયન ડૉલરનું થશે!

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે પહેલેથી જ આગાહી કરી છે કે ભારત આગામી થોડાં વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં એક ટ્રિલિયન (એક લાખ કરોડ) ડૉલરનું અર્થતંત્ર બની જશે.
આ ક્ષેત્રના મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે ચંદ્રયાન-3ની અભૂતપૂર્વ સફળતા બાદ ભારત માટે આવું કરવું એ અશક્ય વાત નથી.
તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટના સ્પેસ અને જિયોપૉલિટિક્સના સંશોધક આદિત્ય રામનાથન માને છે કે આ સફળતા ભારતની યુવા પેઢીના એક મોટા વર્ગને અવકાશ સંશોધન તરફ પ્રોત્સાહિત કરશે અને તેઓ તેને એક વ્યવસાય તરીકે પણ જોતા થશે.
રામનાથને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત પોતાના એક લેખમાં તેમણે કહ્યું છે કે, "ચંદ્રયાનની આ સફળતાના આધારે ભારતે હવે લૂનર જિયોપૉલિટિક્સ માટે પણ પોતાની જાતને તૈયાર કરવી પડશે."
મોટા પ્રમાણમાં મૂલ્યવાન ખનીજો અથવા મોટી માત્રામાં ઈંધણનો સ્ત્રોત પણ ચંદ્ર પર મળી શકે છે. આ શક્યતાએ ઘણા દેશોને ચંદ્ર પર અભિયાન ચલાવવાની પ્રેરણા પણ આપી છે.
વર્તમાન સંજોગોમાં એવું માનવામાં આવે છે કે ચંદ્રયાન-3ની સફળતા ભારતને ‘પેનલ પોઝિશન’ પર લાવશે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેને એક ડગલું આગળ રાખશે.

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઊતરવાની હોડ

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ સોવિયટ યુનિયન અને અમેરિકા વચ્ચેની બહુ જાણીતી રેસના લગભગ છ દાયકા પછી ચંદ્ર પર પ્રથમ પહોંચવા માટે એક નવી હરીફાઈ શરૂ થઈ છે.
આ વખતે આકર્ષણનું કેન્દ્ર ચંદ્રનો દક્ષિણ ધ્રુવ છે, જ્યાં વૈજ્ઞાનિકોને પાણી અથવા બરફની હાજરીના પુરાવા મળ્યા છે.
રશિયાએ લગભગ 47 વર્ષ પછી આ મહિને તેનું પ્રથમ ચંદ્ર મિશન શરૂ કર્યું.
જો કે, ગયા રવિવારે (20 ઑગસ્ટ) તે મિશન લૂના-25 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવામાં નિષ્ફળ ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું.
તેના ત્રણ જ દિવસ પછી ભારતનું ચંદ્રયાન-3 ત્યાં સફળતાપૂર્વક લૅન્ડ થયું.
અમેરિકાએ વર્ષ 2025માં પહેલીવાર એ વિસ્તારમાં અવકાશયાત્રીઓને ઉતારવાની યોજના બનાવી છે. તેણે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ચીને આ દાયકાના અંત પહેલાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાત્રીઓ વિના અને અવકાશયાત્રીઓ સહિત બંને રીતે અવકાશયાન ઉતારવાની યોજના બનાવી છે.
આ સિવાય ઇઝરાયલ, જાપાન અને સંયુક્ત અરબ અમીરાત જેવા ઘણા દેશોએ પણ તાજેતરમાં ચંદ્ર પર અભિયાનની દિશામાં પહેલ કરી છે. જોકે પ્રથમ તબક્કામાં જ આવા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.
દક્ષિણ ધ્રુવ તરફના આ વધતા આકર્ષણનું મૂળ કારણ એ છે કે ત્યાં હકીકતમાં પાણી જોવા મળે તો તેનો રૉકેટના ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે.

અમેરિકાને ચીન પર શંકા

ઇમેજ સ્રોત, Getty Images
વૈજ્ઞાનિકોને આશા છે કે ચંદ્ર પર પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત થયાના કિસ્સામાં ત્યાં એક કાયમી સ્ટેશન બનાવી શકાશે.
મંગળ ગ્રહ કે તેનાથી પણ દૂરના કોઈ અવકાશી મિશન માટે લૉન્ચ-પેડ સ્થાપિત કરી શકાય તેવી પણ સંભાવના છે.
નાસાના ટોચના અધિકારી બિલ નેલ્સને પણ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે જો ખરેખર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી જોવા મળે તો ભવિષ્યના અવકાશયાત્રીઓ કે અવકાશયાનને ઘણી મદદ મળશે.
પરંતુ તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો ચીન તેના કોઈપણ અવકાશયાત્રીઓને તે વિસ્તારમાં ઊતારશે તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દાવો કરશે.
આવી સ્પર્ધા નજીકના ભવિષ્યમાં જ શરૂ થઈ શકે છે. આ આશંકાના કારણે અમેરિકાએ વર્ષ 2020માં જ આર્ટેમિસ કરાર કર્યો હતો.
જે દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેઓ અવકાશ સંશોધનના મામલામાં નિર્ધારિત નીતિઓનું પાલન કરવા અને સંસાધનોનો સમાન ઉપયોગ કરવા માટે સહમત થયા છે.
વિશ્વના ઘણા દેશો આ કરારમાં સામેલ છે.
ગત જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતે પણ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ બે મોટી અંતરિક્ષ શક્તિઓ રશિયા અને ચીને હજુ સુધી તેના પર હસ્તાક્ષર કર્યા નથી.
ઘણા નિષ્ણાતો માને છે કે દક્ષિણ ધ્રુવ પર ઉતરાણમાં ચંદ્રયાન-3ની સફળતા ચંદ્રને લગતી આ નવી અવકાશ સ્પર્ધાને વેગ આપશે અને પ્રથમ સિદ્ધિ મેળવનાર તરીકે ભારત ચોક્કસપણે કેટલાક ફાયદાની સ્થિતિમાં તો હશે જ.

ભારતીય અંતરિક્ષ પ્રૌદ્યોગિકી હવે પરિપક્વ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
વિલ્સન સેન્ટરમાં સાઉથ એશિયા સેન્ટરનાં ડાયરેક્ટર માઇક કુગલમેનનું માનવું છે કે ભારતનાં આ સફળ ચંદ્ર અભિયાનથી વિશ્વને પણ અનેક પ્રકારની સુવિધાઓ મળી શકે છે.
તેમણે ફૉરેન પોલિસીમાં લખ્યું છે, "હાલનાં અવકાશ સંશોધનો કે જે કમ્યુનિકેશન ડેવલપમેન્ટ અને રિમોટ સેન્સિંગમાં ઘણી મદદ કરી રહ્યા છે તેનો હવે વધુ વિસ્તાર થશે."
નક્કર ઉદાહરણો સાથે તેઓ ધ્યાન દોરે છે કે ભૂતકાળમાં ભારતના અવકાશ સંશોધને ભૂગર્ભજળના સ્તરનું નિરીક્ષણ કરવામાં અને વિશ્વની હવામાન પેટર્નની આગાહી કરવામાં ઘણી મદદ કરી છે.
તેઓ યાદ અપાવે છે કે આ તમામ આંકડાઓ ખાસ કરીને એવા દેશો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે ક્લાઈમેટ ચેન્જના કારણે સંકટનો સામનો કરી રહ્યા છે.
ભારતની સ્ટ્રેટેજિક થિંક ટૅન્ક 'ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન'ના સંશોધક ડૉ. રાજી રાજગોપાલને પણ બીબીસીને કહ્યું છે કે ભારતની આ સફળતાની વિશ્વના અવકાશ સંશોધન પર સકારાત્મક અસર પડશે.
ડૉ. રાજગોપાલન કહે છે, "આ મિશને સાબિત કર્યું છે કે ભારતની સ્પેસ ટેકનૉલૉજી પહેલાં કરતાં વધુ આધુનિક, વિકસિત અને પરિપક્વ બની છે."

ચંદ્ર પર હિલિયમ-3 નો ભંડાર

ઇમેજ સ્રોત, Getty Images
તેમનું માનવું છે કે જે રીતે ભારતે ખૂબ જ ઓછા ખર્ચે (અંદાજિત $75 મિલિયન) સફળ અવકાશી મિશન લૉન્ચ કર્યું છે તેના કારણે ભારત ઓછી કિંમતે પરંતુ વિશ્વસનીય અવકાશ શક્તિ તરીકે સ્થાપિત થશે.
ઇન્ટરનેશનલ ઍડવાઇઝરી ફર્મ પ્રાઇસ વૉટરહાઉસ કૂપર્સે એક રિપોર્ટમાં લૂનર ઇકોનોમીનો અર્થ શું છે તે અંગે વિગતવાર વર્ણન કર્યું છે.
તે રિપોર્ટ અનુસાર ચંદ્ર પર જેટલાં પ્રકારનાં સંસાધનો ઉપલબ્ધ છે તેનું ચંદ્ર પર, પૃથ્વી પર અને ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક ઉપયોગ કરી શકવો એ જ અર્થવ્યવસ્થાનું સૂચક છે.
ચંદ્ર પર હિલિયમના એક આઇસોટૉપ હિલિયમ-3નો વિશાળ ભંડાર છે અને તે નવીનીકરણીય ઊર્જાનો એક વિશાળ સ્ત્રોત હોઈ શકે છે.
પરંતુ તે હિલિયમ-3નો ઉપયોગ પૃથ્વીના હિતમાં કેવી રીતે થઈ શકે છે તે લૂનર ઇકોનોમીનું મહત્ત્વનું પાસું છે.
તેમણે એવી આગાહી પણ કરી હતી કે ચંદ્ર પર એક દિવસ રિયલ એસ્ટેટ કે જમીનના મુદ્દે વિશ્વના વિવિધ દેશો વચ્ચે કૉલ્ડ-વોર શરૂ થઈ શકે છે.
ઘણા નિષ્ણાતો માને છે કે જો ખરેખર કોઈ દિવસ આવું થશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર 'ફર્સ્ટ મૂવર' તરીકે મજબૂત દાવો કરી શકશે.














