ચંદ્રયાન-3 અને ભારતની સફળતા અંગે વિદેશના મીડિયામાં શું લખાયું?

ઇમેજ સ્રોત, Reuters
ચંદ્ર પર ભારતના ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ લગભગ સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આમ અને ખાસ બધા કોઈક ને કોઈક રીતે પોતાનો રાજીપો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા. કોઈ સોશિયલ મીડિયા પર તો કોઈ રસ્તા પર ઊતરીને નાચી-ગાઈને ઉત્સાહ પ્રકટ કરતા જોવા મળ્યા.
આ ઉજવણી જ એ બાબત દર્શાવે છે કે આખરે ભારત અને ભારતીયો માટે બુધવારે સાંજે ચંદ્રયાન-3ની સફળ લૅન્ડિંગની ઘટના કેટલી મહત્ત્વપૂર્ણ હતી.
પરંતુ એવું નથી કે માત્ર ભારતમાં જ ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોની આ સફળતાની નોંધ લેવાઈ હતી. સમગ્ર વિશ્વનાં મીડિયામાં આ સિદ્ધિનાં ગુણગાન થઈ રહ્યાં છે.
આ અહેવાલમાં આપણે જોઈશું કે આપણા પાડોશી દેશોની અગ્રણી મીડિયા સંસ્થાઓ અને સમગ્ર વિશ્વમાં અગ્રેસર મનાતી મીડિયા સંસ્થાઓ દ્વારા ભારતની આ સફળતા અંગે શું કહેવાયું હતું.

પાકિસ્તાની મીડિયામાં શું નોંધાયું?
પાકિસ્તાનની અગ્રણી સમાચાર સંસ્થા ડૉન ડોટ કૉમે ભારતની આ સિદ્ધિની નોંધ લીધી હતી.
ડૉન ડોટ કૉમે પોતાની વેબસાઇટમાં આ સમાચારની કંઈક આવી હેડલાઇન કરી હતી : ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સ્પેસક્રાફ્ટ ઉતારનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
ડૉન ડોટ કૉમે લખ્યું હતું કે, “આ વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા દેશ એવા ભારત, તેની મહત્ત્વાકાંક્ષાઓ અને તેના કરકસરવાળા સ્પેસ પ્રોગ્રામ માટે ઐતિહાસિક સિદ્ધિ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલમાં લખાયું હતું કે, “ભારતીય સમયાનુસાર ભારતનું માનવરહિત સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન બુધવારે સાંજે છ વાગ્યાને ચાર મિનિટે ચંદ્રની ધરતી પર ઊતર્યું હતું. આ સાથે જ મિશન કંટ્રોલ ટેકનિશિયનોએ આ સફળતાને તાળીઓના ગડગડાટ સાથે વધાવીને સહકર્મીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.”
“આ ક્ષેત્રની આસપાસ જ થોડા દિવસ અગાઉ રશિયાનું મૂનમિશન લૂના-25 તૂટી પડ્યું હતું, ચાર વર્ષ પહેલાં ચંદ્ર પર ઉતરાણની ભારતનો પ્રયાસ પણ અંતિમ ક્ષણે નિષ્ફળ નીવડ્યો હતો.”

અલજઝીરાએ શું લખ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વ અને સમગ્ર વિશ્વની માનીતી સમાચાર સંસ્થા અલજઝીરા ડોટ કૉમે ભારતના ચંદ્રયાન-3ના ઉતરાણ પ્રસંગની નોંધ લેવા માટે લાઇવ અપડેટ સાથેનું પેજ ચલાવ્યું હતું.
જેમાં સંસ્થાએ પળેપળની વિગતો અપડેટ કરી હતી.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ સંસ્થાએ ગ્રાફિકની મદદથી આ ઘટનાની નોંધ લીધી હતી.
ઉતરાણની ક્ષણ અંગે લખાયું હતું કે, “લૅન્ડર મૉડ્યુલ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લૅન્ડ થતાં ઇસરોનું મિશન કન્ટ્રોલ રૂમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું હતું.”
સંસ્થાએ ગ્રાફિકની મદદથી નોંધ્યું હતું કે, "ભારત ચંદ્ર પર ઉતરાણ કરવામાં સફળ."
"ચંદ્રયાન-3ના ઉતરાણ સાથે ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ ઉતારનાર ભારત ચોથા ક્રમનો દેશ બની ગયો છે. ભૂતપૂર્વ સોવિયેટ સંઘ, યુએસએ અને ચીન જ અગાઉ આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં હતાં."

ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું, ‘ચંદ્ર પર પધાર્યા મહેમાન’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાની નામાંકિત સમાચાર સંસ્થા ધ ન્યૂયોર્ક ટાઇમ્સે પણ ભારતની આ સિદ્ધિને પોતાની વેબસાઇટ પર હેડલાઇન તરીકે રજૂ કરી હતી.
સંસ્થાએ ચંદ્રયાન-3ની પળેપળની અપડેટ વાચકોને આપવા માટે લાઇવ પેજ ચલાવ્યું હતું.
આ સમાચાર માટે ન્યૂયોર્ક ટાઇમ્સે કંઈક આ હેડલાઇન રાખી હતી : ચંદ્ર પર પહોંચવાની લૅટેસ્ટ હોડમાં, ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો.
સંસ્થાએ ભારતની સિદ્ધિને વધાવવા માટે પોતાના લાઇવ પેજમાં એક નોંધ પિન કરી હતી.
જેમાં લખાયું હતું કે, “ભારતથી બે મહેમાન – વિક્રમ નામક લૅન્ડર અને પ્રજ્ઞાન નામક રોવર બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઊતર્યાં હતાં.”
“ચંદ્રયાન-3 નામક મિશનના આ બંને રોબોટને કારણે ભારત ચંદ્રની આ સપાટી પર ઊતરનાર પ્રથમ દેશ બની ગયો. આ સાથે જ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર તે ચોથા ક્રમનો દેશ બની ગયો.”
“ભારતના લોકો દેશના સ્પેસ પ્રોગ્રામની સફળતાઓને લઈને ખૂબ ગૌરવ અનુભવે છે. ભારતીય પ્રોગ્રામ ચંદ્ર અને મંગળની આસપાસ પહોંચી ચૂક્યું છે. તેમજ અન્ય દેશોની સરખામણીએ ખૂબ મર્યાદિત સંસાધનોમાં પ્રોગ્રામ અવકાશમાં ઘણી વખત સેટેલાઇટ મૂકતું રહ્યું છે.”

સીએનએને શું લખ્યું?

ઇમેજ સ્રોત, ANI
અમેરિકાની વધુ એક પ્રખ્યાત સમાચાર સંસ્થા સીએનએને ભારતની ચંદ્રયાન-3ની સફળતાને પોતાની વેબસાઇટ પર હેડલાઇન રાખી હતી.
સીએનએનની હેડલાઇનમાં લખાયું હતું કે, “ભારતનું ચંદ્ર પર ઐતિહાસિક ઉતરાણ.”
સંસ્થાએ લખ્યું હતું કે, “ભારતે ચંદ્ર પર સફળતાપૂર્વક ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટ ઉતાર્યું છે, આ સાથે ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથા ક્રમનો દેશ બની ગયો છે.”
અહેવાલમાં આગળ લખાયું હતું કે, “આ મિશનથી અવકાશમાં વૈશ્વિક મહાસત્તા તરીકેનો ભારતનો દરજ્જો વધુ મજબૂત કરી શકે છે. આ અગાઉ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને ભૂતપૂર્વ સોવિયેટ યુનિયન જ ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગની સફળતા હાંસલ કરી શક્યાં છે.”
“ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે લૅન્ડ થવામાં સફળ થયું છે. આ સિદ્ધિ વિશ્વના કોઈ અન્ય અવકાશયાને હાંસલ કરી નથી.”
“ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અવકાશમાં સંશોધન કરતા દેશો માટે વૈજ્ઞાનિક અને વ્યૂરચનાત્મક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો મનાય છે. કારણ કે વૈજ્ઞાનિકો માને છે કે આ ધ્રુવ પર પાણીની હાજરી હોઈ શકે છે.”














