ચંદ્રયાન-3 : યાનની આસપાસ સોનેરી આવરણ કેમ લગાડાયું છે?

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ISRO

    • લેેખક, સંકેત સબનીસ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે.

અવકાશયાનના પ્રક્ષેપણ પછી બધા અવકાશવિજ્ઞાન વિશે જાણવા ઉત્સુક છે. તેમના કુતૂહલનો એક વિષય યાનની આસપાસ જોવા મળતું સોનેરી કાગળ જેવું આવરણ પણ છે.

આપણે ચંદ્રયાન-3 વિશેની વાતો છેલ્લા કેટલાક દિવસ સતત સાંભળી-વાંચી રહ્યા છીએ.

આ સમયગાળા દરમિયાન તમે અવકાશયાનની ઘણી તસવીરો જોઈ હશે અને તમે સોશિયલ મીડિયામાં તમારા સ્ટેટસ પર તેને સ્ટોરી તરીકે કદાચ શૅર પણ કરી હશે, પરંતુ તમે યાનની આસપાસ જોવા મળતા સુવર્ણરંગી આવરણની નોંધ લીધી છે? ચોકલેટ પરના સોનેરી વરખ જેવું દેખાતું આ આવરણ અવકાશયાન, ઉપગ્રહો અને તેમના ઉપકરણની આસપાસ શા માટે લગાવવામાં આવે છે એનો ક્યારેય વિચાર કર્યો છે?

આજે આપણે આ સવાલનો જવાબ જાણીશું.

બીબીસી ગુજરાતી

યાનની આસપાસ સુવર્ણરંગી આવરણ શા માટે?

ચંદ્રયાન-3

આ સવાલનો જવાબ મેળવવા માટે અમે મુંબઈસ્થિત નહેરુ પ્લેનેટોરિયમના ડિરેક્ટર અરવિંદ પરાંજપે સાથે વાત કરી હતી.

અરવિંદ પરાંજપે કહે છે, “યાનની આસપાસ જોવા મળતું ગોલ્ડન ફોઇલ જેવું આવરણ સોનું કે કાગળ નથી. તેને મલ્ટીલેયર ઇન્સ્યુલેશન અથવા તો એમએલઆઈ કહેવામાં આવે છે. અત્યંત હળવા વજનની ફિલ્મનાં એક પછી એક અનેક સ્તર તેના પર લગાવવામાં આવે છે.”

પરાંજપેના કહેવા મુજબ, તેની બહાર સોનેરી અને અંદર સફેદ કે ચાંદી જેવો રંગ હોય છે. તે પૉલિએસ્ટરમાંથી બનેલી ફિલ્મો હોય છે. આ ફિલ્મો ઍલ્યુમિનિયમના ખૂબ જ પાતળા સ્તરથી કૉટેડ હોય છે. પૉલિએસ્ટરની એક ફિલ્મ અને તેના પર ઍલ્યુમિનિયમનું એક સ્તર મળીને એક શીટ બને છે.

પરાંજપે કહે છે, “આવી શીટ્સ સંપૂર્ણ અવકાશયાનની આસપાસ હોતી નથી, પરંતુ કિરણોત્સર્ગને કારણે અવકાશયાનને જે ભાગને નુકસાન થવાની શક્યતા હોય એવા જટિલ ભાગો પર જ તે લગાવવામાં આવે છે. આ શીટ્સનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તેનો આધાર, ઉપગ્રહ કે અવકાશયાન ક્યા સ્થાને રહેવાનું છે ક્યાં ભ્રમણ કરવાનું છે તેના પર હોય છે.”

બીબીસી ગુજરાતી

‘ગરમીને કારણે યાન બંધ પડી શકે’

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ISRO

અવકાશયાન પરની આ એમએલઆઈ શીટ્સનો ખરેખર શા માટે ઉપયોગ કરવામાં આવે છે?

પરાંજપે કહે છે, “આ શીટ્સનું મુખ્ય કામ કિરણોત્સર્ગ સામે યાનનું રક્ષણ કરવાનું છે. આમ આ શીટ્સ ગરમી સામે અવકાશયાનને રક્ષણ આપે છે.”

“પૃથ્વીથી અવકાશ સુધીની અવકાશયાનની સફર દરમિયાન તાપમાન અત્યંત ઝડપભેર બદલાતું હોય છે. તાપમાનમાં થતા ફેરફાર અવકાશયાનનાં નાજુક સાધનોને નુકસાન કરી શકે છે. ગરમીમાં અચાનક વધારો થાય તો સાધનો બંધ પડી શકે છે. આ શીટ્સ અવકાશયાનને ગરમી સામે રક્ષણ આપે છે.”

બીબીસી ગુજરાતી

તાપમાનમાં પરિવર્તન વાસ્તવમાં શું છે?

અવકાશયાન અથવા ઉપગ્રહોની આસપાસના આ આવરણ વિશેની વિસ્તૃત માહિતી અમેરિકન સરકારના રાષ્ટ્રીય પર્યાવરણ ઉપગ્રહ, ડેટા અને સૂચનાસેવાની વેબસાઈટ પર આપવામાં આવી છે.

એ માહિતી મુજબ, અવકાશયાન કે ઉપગ્રહ પર પડનારા સીધા સૂર્યપ્રકાશની માત્રાને આધારે એમએલઆઈ શીટ્સ તૈયાર કરવાની હોય છે. કોઈ ઉપગ્રહ પૃથ્વી નજીકની ભ્રમણકક્ષા સ્થાપિત કરવામાં આવતો હોય છે, પરંતુ ચંદ્ર મિશને કેટલાક લાખ કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે.

એ સમયગાળામાં તાપમાનમાં માઇનસ 200 ડિગ્રી ફેરનહાઇટથી માંડીને 300 ડિગ્રી ફેરનહાઇટ જેટલો તફાવત હોય છે. પૃથ્વી નજીકની ભ્રમણકક્ષા અત્યંત ઠંડી હોઈ શકે શકે છે. એ સમયે આ શીટ્સ અવકાશયાનનાં સાધનો દ્વારા ઉત્પન્ન થતી ગરમીને બહાર નીકળવા દેતી નથી. આ શીટ્સ સૂર્યપ્રકાશથી થતા સોલર રેડિયેશન, અલ્ટ્રાવાયોલેટ કિરણોને આ પરાવર્તિત કરે છે અને ફરી અવકાશમાં ફેંકે છે. તેનાથી યાનને નુકસાન થતું નથી.

બીબીસી ગુજરાતી

અવકાશમાં ધૂળ સામે પણ રક્ષણ

ચંદ્રયાન-3

અમેરિકાના નેશનલ ઍન્વાયર્નમેન્ટલ સેટેલાઇટ ડેટા ઍન્ડ ઇન્ફર્મેશન સર્વિસની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, એમએલઆઈ શીટ્સ અવકાશયાનને માત્ર કિરણોત્સર્ગ, ગરમી સામે જ નહીં, પરંતુ અવકાશમાંની ધૂળ સામે પણ રક્ષણ આપે છે.

અવકાશયાનનાં સેન્સર્સને ધૂળથી નુકસાન થઈ શકે છે. ધૂળનું પડ ચડી જાય તો ઉપકરણો નિરિક્ષણો નોંધવાનું કામ થંભી જાય તેવું પણ બની શકે. એમએલઆઈ શીટ્સ આવું થતું અટકાવે છે.

આમ અવકાશયાન, ઉપગ્રહનો અને અવકાશ મથકોની અંદર જોવા મળતું સુવર્ણરંગી કૉટિંગ તેમની ઉપયોગિયા જાળવી રાખવાનું સર્વોત્તમ સાધન છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી