You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંસદ સભ્યોના શપથ ગ્રહણમાં 'જય હિંદુરાષ્ટ્ર' અને 'જય પેલેસ્ટાઇન'ના સૂત્રોચ્ચાર પર વિવાદ
18મી લોકસભાના પહેલા સત્રના બીજા દિવસ મંગળવારે ચૂંટાયેલા સંસદ સભ્યોના શપથ ગ્રહણ દરમિયાન વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચેનું અંતર છુપાઈ ન શક્યું, જેને નરેન્દ્ર મોદીએ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ સોમવારે સત્ર શરૂ થાય તે પહેલાં કહ્યું હતું, “સરકાર ચલાવવા માટે બહુમતીની જરૂર છે, પરંતુ દેશ ચલાવા માટે સહમતિની જરૂર હોય છે.”
સંસદ સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં કેટલાક સભ્યોએ શપથ પછી કેટલાંક સૂત્રો પોકાર્યા જેને કારણે સંસદમાં હંગામો થયો હતો.
આ પ્રકારનાં સૂત્રોને કારણે સંસદની અંદર અને બહાર પણ વિવાદ થયો હતો.
ઉત્તર પ્રદેશના બરેલીથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છત્રપાલસિંહ ગંગવારે “હિંદુ રાષ્ટ્રની જય” કહ્યું તો વિપક્ષના સંસદ સભ્યોએ બંધારણ વિરોધી ગણાવીને હોબાળો કર્યો.
હૈદરાબાદના સંસદ સભ્ય અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ “પેલેસ્ટાઇનની જય” કહ્યું તો ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ તેમને અયોગ્ય જાહેર કરવાની માંગણી કરી હતી.
ઔવેસીએ શપથ ગ્રહણના અંતે કહ્યું હતું, “જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઇન.”
ઔવેસીએ સંસદની બહાર પત્રકારોને કહ્યું કે મેં એવું કંઈ જ નથી કહ્યું જે બંધારણની વિરુદ્ધ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત માલવીયએ બંધારણના અનુચ્છેદ 102નો હવાલો આપતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “એક વિદેશી રાજ્ય પ્રત્યે વફાદારી દર્શાવવા બદલ લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવી શકાય છે.”
સાત તબક્કામાં કરાવવામાં આવેલી લોકસભા ચૂંટણીનું પરિણામ ચાર જૂને આવ્યું હતું. જેમાં એનડીએને બહુમતી મળી, પરંતુ ભાજપને બહુમતીથી 32 બેઠકો ઓછી મળી હતી. કૉંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી હતી.
જે કડવાશ સાથે આ ચૂંટણી લડવામાં આવી હતી, તે સંસદ સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં સ્પષ્ટપણે જોવા મળી હતી.
આ વાદ-વિવાદ વચ્ચે કેટલાક એવા પ્રસંગો પણ સામે આવ્યા જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ.
રાહુલ ગાંધીએ બંધારણનું પુસ્તક લઈને શપથ લીધા
સત્રના બીજા દિવસે જ્યારે રાહુલ ગાંધી શપથ લેવા માટે મંચ પર આવ્યા ત્યારે વિપક્ષના સંસદસભ્યોએ “ભારત જોડો”ના નારા લગાવીને તાલીઓ વગાડી.
રાહુલ ગાંધી બંધારણનું લાલ રંગનું પુસ્તક લઈને પહોંચ્યા હતા. તેમણે અંગ્રેજીમાં શપથ લીધા પછી “જય હિંદ અને જય બંધારણ”નો નારો લગાવ્યો.
તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, જેમાં તેઓ પ્રોટેમ સ્પીકરના સહાયકની સાથે હાથ મિલાવે છે અને બીજા સહાયકનું હાથ હલાવીને અભિવાદન કરે છે.
મેરઠથી ભાજપના સંસદસભ્ય અરુણ ગોવીલે સંસ્કૃતમાં શપથ લીધા હતા. અરૂણ ગોવીલે શપથને અંતે જયશ્રી રામ અને જય ભારતનો નારો લગાવ્યો તો વિપક્ષે જય અવધેશનો વળતો નારો લગાવ્યો હતો.
નોંધનીય છે કે જે અયોધ્યામાં રામમંદિર બન્યું હતું અને ભાજપે તેને એક ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાંથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે.
દિલ્હીથી ભાજપના સંસદસભ્ય બાંસુરી સ્વરાજે સોમવારે સંસ્કૃતમાં શપથ લીધા હતા. ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ચૂંટણી જીતનાર સાક્ષી મહારાજે પણ સંસ્કૃતમાં શપથ લીધા.
ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ બેઠક પરથી નવા ચૂંટાયેલા સંસદ સભ્ય અતુલ ગર્ગે શપથના અંતે “શ્યામાપ્રસાદ મુખરજી જિંદાબાદ, દીન દયાળ ઉપાધ્યાય જિંદાબાદ, અટલ બિહારી જિંદાબાદ, નરેન્દ્ર મોદી જિંદાબાદ”ના નારા લગાવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના કન્નોજથી સંસદસભ્ય અખિલેશ યાદવે પોતના હાથમાં વાદળી રંગના બંધારણનું પુસ્તક રાખીને શપથ લીધી હતી.
ટીએમસીના સંસદ સભ્ય મહુઆ મોઇત્રાને 17મી લોકસભાના કેટલાક મહિના બાકી હતા ત્યારે અયોગ્ય જાહેર કર્યા હતા. તેઓ જ્યારે ફરીથી ચૂંટણી જીતીને સંસદમાં શપથ લેવા માટે પહોંચ્યા ત્યારે વિપક્ષના સંસદ સભ્યોએ કહ્યું કે “આ લોકોનો ન્યાય છે.” મોઇત્રાએ બાંગ્લામાં શપથ ગ્રહણ કર્યા.
તામિલનાડુના તિરૂવલ્લૂરથી કૉંગ્રેસના નવા ચૂંટાયેલા સંસદસભ્ય અને પૂર્વ આઈએએસ શશિકાંત સેન્થિલે હાથમાં બંધારણનું પુસ્તક લઈને તામિલમાં શપથ લીધી.
તેમણે 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો રદ કરવાને કારણે સિવિલ સેવામાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 2020માં કૉંગ્રેસ પાર્ટીના સભ્ય બન્યા અને આ ચૂંટણીમાં પોતાના વિરોધીને પોણા છ લાખ મતોથી હરાવ્યા.
સત્રના પહેલા દિવસે વિપક્ષના સંસદ સભ્યો બંધારણનું પુસ્તક હાથમાં લઈને સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ તે દિવસે કહ્યું હતું કે વડા પ્રધાન અને અમિત શાહ બંધારણ સાથે જે કરવા માંગે છે, તે સ્વીકાર્ય નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમવારે શપથ લીધા પછી અભિવાદન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષની તરફ પહેલી લાઇનમાં બેઠેલા રાહુલ ગાંધીએ તેમને બંધારણનું પુસ્તક દેખાડ્યું હતું.
કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે વિપક્ષે બંધારણને લઈને અપનાવેલાં વલણનો તેમને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થયો હતો.
પપ્પૂ યાદવ રી-નીટ લખેલું ટી-શર્ટ પહેરીને શપથ લેવા પહોંચ્યા
બિહારના પુર્ણિયાથી અપક્ષ તરીકે ચૂંટાયેલા સંસદ સભ્ય રાજેશ રંજન ઉર્ફ પપ્પૂ યાદવ જ્યારે શપથ લેવા માટે પહોંચ્યા ત્યારે તેમના ટી-શર્ટ પર રી-નીટ લખેલું હતું.
તેમણે સ્થાનિક ભાષા અંગિકામાં શપથ લીધી અને અંતે કહ્યું, “રી-નીટ, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો, સીમાંચલ જિંદાબાદ, માનવતાવાદ જિંદાબાદ, ભીમ જિંદાબાદ, બંધારણ જિંદાબાદ.”
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ સહિત કેટલીક બીજી પરીક્ષાઓ પેપર લીકનો શિકાર બની હતી. આ કારણે કેટલીક પરીક્ષાઓને રદ કરવી પડી હતી. સરકાર આ મુદ્દે ઘેરાયેલી છે.
વિદ્યાર્થીઓ અને વિપક્ષ નીટ-યુજીની પરીક્ષાને ફરીથી કરાવાની માંગણી કરી રહ્યા છે. નીટ પેપર લીક મામલે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને ગ્રેસ માર્કસ મળેલા 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામા પણ આવ્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે શપથ લેવા જઈ રહ્યા હતા ત્યારે વિપક્ષે ‘નીટ-નીટ’ના નારા લગાવ્યા હતા.
નીટની પરીક્ષામાં ગોટાળાને કારણે ધર્મેન્દ્ર પ્રધાન પર ખૂબ જ દબાણ છે અને વિપક્ષ તેમના રાજીનામાની માંગણી કરી રહ્યો છે.
વિપક્ષે શિક્ષણ મંત્રીને ત્યારે નિશાના પર લીધા જ્યારે તેમણે શરૂઆતમાં દાવો કર્યો કે નીટમાં પેપર લીકના કોઈ પુરાવા નથી. આ મામલાની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશની નગીના બેઠક પરથી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર દલિત નેતા ચંદ્રશેખર આઝાદ શપથ ગ્રહણ સમારોહમાં વાદળી સૂટમાં દેખાયા. તેમણે શપથના અંતે કહ્યું, “નમો બુદ્ધાય, જય ભીમ, જય ભારત, જય બંધારણ, જય મંડલ, જય જોહાર, જય કિસાન, જય જવાન, ભારતીય બંધારણ જિંદાબાદ, ભારતીય લોકતંત્ર જિંદાબાદ.”
શપથ લેનાર બીજા પ્રમુખ સભ્યોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને હરાવનાર કૉંગ્રેસના અમેઠીથી સંસદ સભ્ય કેએલ શર્મા, સહારનપુરના સંસદસભ્ય ઇમરાન મસૂદ. આ ઉપરાંત પંજાબના ફરીદકોટથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીતેલા સરબજિતસિંહ ખાલસા, જે ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બેઅંતસિંહના પુત્ર છે.
પશ્ચિમ બંગાળના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને હરાવનાર અને પૂર્વ ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણે પણ શપથ લીઘા હતા. પશ્ચિમ બંગાળની તુમુલ બેઠક પરથી જીતીને સંસદ પહોંચનાર કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજિત ગાંગુલીએ પણ શપથ ગ્રહણ કર્યા. આ ઉપરાંત કેરળથી ભાજપના પ્રથમ સંસદસભ્ય અને અભિનેતા સુરેશ ગોપી અને રાજસ્થાનના બાંસવાડાથી ભારત આદિવાસી પાર્ટીના સંસદસભ્ય રાજકુમાર રોતે પણ શપથ લીધા હતા.